Source : BBC NEWS

કૌશિક વેકરિયા, પરેશ ધાનાણી, અમરેલી, રાજકારણ, ભાજપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @ikaushikvekaria

અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ વચ્ચે થયેલા વિવાદ બાદ થયેલી પોલીસ ફરિયાદમાં એક પાટીદાર યુવતીને આરોપી બનાવ્યાં બાદ કથિતપણે તેમનું જાહેરમાં ‘સરઘસ’ કાઢવાનો વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે.

હકીકતમાં આ મામલાની શરૂઆત એક પત્રથી થઈ હતી જેમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો થયા હતા.

આ પત્ર અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લૅટરપેડ પર લખાયો હોવાથી વિવાદ વધુ વકર્યો હતો.

જોકે, એવા દાવાઓ થયા હતા કે આ લેટર ‘નકલી’ હતો, પરંતુ તેના કારણે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભાજપના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા આજકાલ ચર્ચામાં છે.

અમરેલી જિલ્લામાં એક સમયે ગામડામાં રહીને ખેતી કરતા અને એક સામાન્ય માણસ તરીકે જીવન જીવતા કૌશિક વેકરિયા ગુજરાતના રાજકારણમાં કેવી રીતે આવ્યા અને અમરેલીમાં તેમની રાજકીય છબિ કેવી છે?

અમરેલીમાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણીનો દબદબો ખતમ કર્યો

કૌશિક વેકરિયા, પરેશ ધાનાણી, અમરેલી, રાજકારણ, ભાજપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

2002ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની લહેરમાં ગુજરાતની મોટા ભાગની કૉંગ્રેસના દબદબાવાળી બેઠકો ભાજપ તરફ ગઈ હતી, તે સમયે અમરેલી વિધાનસભામાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો.

ત્યાર બાદ 2012 અને 2017માં પણ અમરેલી વિધાનસભામાં કૉંગ્રેસની બોલબાલા રહી હતી, જેનું મુખ્ય કારણ અમરેલીના કૉંગ્રેસના પાટીદાર નેતા પરેશ ધાનાણી હતા, જેઓ વિધાનસભાના વિપક્ષના નેતા પણ બન્યા હતા.

આ સમય દરમિયાન અમરેલીમાં કૉંગ્રેસ પાસે અનેક પંચાયતો, તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંયાયતો હતી, જે ધીમેધીમે પાર્ટીના હાથમાંથી સરકતી ગઈ.

રાજકીય નિષ્ણાતો તેના પાછળ ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાગીરીને જશ આપે છે, અને તેમાંય ખાસ કરીને કૌશિક વેકરિયાને, જેમણે ભાજપના કાર્યકર્તાઓની સંખ્યામાં સતત વધારો કર્યો હતો.

2022માં વેકરિયાએ પરેશ ધાનાણીને પચાસ હજારની સરસાઈથી હરાવ્યા તે પહેલાં ધાનાણી ભાજપના દિગ્ગજ નેતાઓ જેવા કે દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા, બાવકુ ઉંધાડને ચૂંટણીમાં હરાવી ચૂક્યા હતા. પણ 2022માં પરેશ ધાનાણી કૌશિક વેકરિયા સામે હારી ગયા હતા.

‘અમરેલીમાં ભાજપને જીતતો કર્યો’

કૌશિક વેકરિયા, પરેશ ધાનાણી, અમરેલી, રાજકારણ, ભાજપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Paresh Dhanani/fb

વેકરિયાના નજીકના એક નેતા નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવે છે કે, “તેમણે (કૌશિક વેકરિયા) ટૂંક સમય માટે દિલીપ સંઘાણીની ઑફિસમાં નોકરી કરી છે, જેમાં તેઓ સિનિયર નેતાની નજરમાં આવ્યા હતા અને કાર્યકર્તાઓ માટે તેમની કામગીરીને કારણે તેઓ ધારાસભ્ય સુધીની સફર સહેલાઈથી કરી શક્યા હતા.”

કૌશિક વેકરિયાએ પોતાની રાજકીય કારકિર્દી એક સરપંચ તરીકે શરૂ કરી હતી. અમરેલીના નાનકડા દેવરાજિયા ગામના તેઓ સરપંચ બન્યા બાદ ભાજપમાં વધુ સક્રિય થયા હતા.

એવું કહેવાય છે કે તેમના કારણે આ ગામ ગુજરાતના ‘સ્માર્ટ ગામ’ તરીકે ઓળખાય છે, જેમાં મફતમાં આરઓનું પાણી, પાકા સિમેન્ટના રોડ, આખા ગામમાં સીસીટીવી કૅમેરા, મફતમાં વાઇ-ફાઇ વગેરે જેવી સેવાઓ ગામવાસીઓને મળે છે.

તેમની સાથે આ ગામમાં કામ કરતા ભાજપના એક કાર્યકર્તા આસિત પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “ખૂબ જ નીચેથી શરૂ કરેલી તેમની રાજકીય કારકિર્દી જિલ્લાના સૌથી ઊંચા હોદ્દા સુધી પહોંચી છે, તેનું કારણ તેમનો લોકસંપર્ક અને કામની તત્પરતા છે.”

આસિત પટેલ કહે છે કે, “તેમના સમયમાં અમરેલી જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને તેનું પરિણામ આપણે વિવિધ ચૂંટણીઓમાં જોઈ લીધું છે.”

તેઓ વધુમાં કહે છે કે, “સૌથી પહેલા તેઓ સરપંચ, પછી તાલુકાના મહામંત્રી, જિલ્લા સ્તરના મહામંત્રી અને જિલ્લા પ્રમુખ બન્યા. તેમની આ સફરમાં તેમણે અનેક નવા કાર્યકર્તાઓને ભાજપ સાથે જોડ્યા હતા, જેના પરિણામે તેમને 2022ની વિધાનસભામાં ચૂંટણી લડવાની તક મળી હતી. આ ચૂંટણીમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને હરાવ્યા બાદ તેઓ ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક બન્યા.”

એક સમયે અમરેલીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તેમજ ધારાસભ્ય પણ કૉંગ્રેસ પક્ષના હતા, જ્યારે આજે તે બધું ફેરવાઈ ગયું છે અને દરેક સ્તરે ભાજપની સત્તા છે.

તાલુકા પંચાયતથી માંડીને સાંસદ સુધી, ભાજપે અમરેલી જિલ્લામાં છેલ્લાં અમુક વર્ષોમાં એક મોટો કૂદકો લગાવ્યો છે, તેવું ઘણા રાજકીય નિષ્ણાતો માને છે.

સૌરાષ્ટ્રના રાજકારણને નજીકથી સમજનારા રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યનું માનવું છે કે “કૌશિક વેકરિયા જમીન સાથે જોડાયેલા નેતા છે. એક સમયે જ્યારે ભાજપમાં જૂના નેતાઓ હતા, એ સમયે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલીમાં ભાજપની યુવા નેતાગીરી ઊભી થઈ હતી, જેમાં કૌશિક વેકરિયા મોખરે હતા.”

તેમનું માનવું છે કે સૌરાષ્ટ્રની રાજકારણમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે સત્તા પક્ષની સામે તમે થાવ, વિરોધ કરો છતાં, જે માણસ સત્તામાં હોય એની જીત થતી હોય છે. ક્ષત્રિય આંદોલન એનું ઉત્તમ ઉદાહરણ છે.

ગંભીર આરોપોથી કૌશિક વેકરિયાની છબી ખરડાઈ?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS