Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
28 મિનિટ પહેલા
ગત સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક કમોસમી વર્ષા અને કરા પડવાની ઘટનાઓ નોંધાઈ રહી છે.
જેના કારણે સરેરાશ 40 ડિગ્રી કરતાં વધુ ગરમીથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ગાજવીજ અને પવન સાથે વરસાદ-કરા પડવાથી જાનમાલનું નુકસાન પણ થયું છે.
રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું હતું અને ભરઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
જોકે, કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોએ ઉતારી રાખેલો શિયાળુ પાક તથા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસની ઉપર પાણી ફરી વળવાથી સેંકડો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, રવિવારથી મંગળવાર સવારે 10 વાગ્યા દરમિયાન ખેડામાં ચાર, વડોદરામાં ત્રણ, અમદાવાદમાં બે, અરવલ્લીમાં બે, દાહોદમાં બે અને આણંદમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બે દિવસમાં રાજ્યમાં મરણાંક 14 પર પહોંચી ગયો હતો.
આ સિવાય પંચમહાલમાં છ, ખેડામાં ત્રણ, દાહોદમાં ત્રણ, અમદાવાદમાં બે તથા અરવલ્લીમાં બે સહિત કુલ 16 લોકોને ઈજા પહોંચી છે.
પંચમહાલમાં નવ, મહેસાણામાં સાત, બનાસકાંઠામાં ત્રણ, નર્મદામાં બે, મહીસાગરમાં બે અને સુરેન્દ્રનગરમાં એક પશુ મૃત્યુ પામ્યાં છે. રાજ્યમાં ઢોરઢાંખરનો કુલ મરણાંક 17 રહેવા પામ્યો હતો.
તાજેતરના કમોસમી વરસાદ, કરા પડવાથી અને પવન સહિતના કારણોસર પંચમહાલમાં છ અને ખેડામાં એક ઘરને નુકસાન થયું છે.
જોકે, થોડી સાવધાની અને સાવચેતી રાખીને કમોસમી વરસાદ, કરા કે પવનથી પોતાને, ઢોરઢાંખર અને માલ મિલ્કતને બચાવી શકાય છે.
કમોસમી વરસાદ અને કરા

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
ગુજરાતમાં સામાન્ય રીતે 19મી જૂનથી વરસાદ પડવાનું શરૂ થાય છે. ભારતમાં સામાન્યતઃ પહેલી મેથી દક્ષિણમાં આવેલા કેરળના રસ્તે ચોમાસું બેસે છે.
રાજ્યમાં વચ્ચેના ગાળામાં છૂટોછવાયો વરસાદ પડતો હોય છે, જેને ‘પ્રિ-મૉન્સૂન શાવર’ કે ‘ચોમાસાનો છડીદાર’ કહી શકાય.
પરંતુ જળવાયુ પરિવર્તનને કારણે ગુજરાતમાં ભરઉનાળે જ કમોસમી વરસાદ પડવાની ઘટનાઓ વધી જવા પામી છે. ઘણી વખત માવઠાંની સાથે કરા પણ પડે છે.
સિઝન વગરના વરસાદને કારણે સામાન્ય લોકોને તો અસર થાય છે, પરંતુ સૌથી વધુ ખેડૂતોને તેની માઠી અસર પહોંચે છે.
જોકે, કેટલીક સાવચેતી રાખીને આ નુકસાનને થતું અટકાવી શકાય છે અથવા તેને ઘટાડી શકાય છે.
કમોસમી વરસાદ કે કરાવૃષ્ટિને કારણે શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે કમોસમી વરસાદ વખતે કરા વૃષ્ટિથી બચવા માટે માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે એ સમયે શું કરવું જોઈએ. જેમાં જણાવવામાં આવ્યું એ પ્રમાણે –
- સામાન્ય રીતે ગાજવીજ અને ભારે પવનની સાથે કમોસમી વરસાદ પડતો હોય છે. ઠૂંઠા, ડાળીઓ કે ઝાડ ઊખડી જવાને કારણે ઊભા પાકને નુકસાન થઈ શકે છે.
- આ પ્રકારની સ્થિતિને કારણે કેળાં અને પપૈયાને નુકસાન થવાની શક્યતા સૌથી વધુ હોય છે.
- ઝાડની ડાળી-ડાળખાં પડવાને કારણે વીજવ્યવહારમાં સામાન્ય વિક્ષેપ ઊભો થઈ શકે છે.
- વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાને કારણે નબળાં બાંધકામ, માટીના મકાન કે ઝૂંપડાંને નુકસાન થઈ શકે છે.
- કરાવૃષ્ટિ દરમિયાન વ્યક્તિ કે ઢોરઢાંખર બહાર ખુલ્લામાં હોય તો તેમને નુકસાન થવાની આશંકા રહે છે.
- ઢીલી કે નબળી રીતે બંધાયેલી ચીજવસ્તુઓ, હૉર્ડિંગ્સ કે બોર્ડ ઊડવાની શક્યતા રહે છે.
કરાવૃષ્ટિ દરમિયાન અને પછી શું ન કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- સામાન્યતઃ કરાવૃષ્ટિની અસર સ્થાનિકસ્તરે જોવા મળે છે. પરંતુ જો તે પાક પ્રાથમિક અથવા તો મહત્ત્વપૂર્ણ તબક્કે થાય, તો કરાવૃષ્ટિ પછી કિટક અને રોગ ફેલાય શકે છે.
- કરાવૃષ્ટિ દરમિયાન ઈજા થવાની શક્યતા હોવાથી બહાર ખુલ્લામાં ન નીકળવું
- જે વિસ્તારમાં વારંવાર કરાવૃષ્ટિ થતી હોય, ત્યાં મોંઘા પાકોની સુરક્ષા માટે શેડનેટ સારો વિકલ્પ હોય શકે છે.
- પક્ષીઓથી બચવા માટે લગાડવામાં આવતી નાયલૉન નેટ પણ પાકને કરાવૃષ્ટિથી થનાર નુકસાનથી બચાવી શકે છે.
- બાગાયતી પાકોની ફરતે આશ્રયપટ્ટી કે હવા અવરોધકો લગાડવા જોઈએ. તેનાથી પાણી ઓછું આપવું પડશે તથા અન્ય કેટલાક કામોથી છૂટકારો થશે.
- કેળાના પાક, ફળના છોડ કે શેરડી તેના પ્રાથમિક તબક્કામાં હોય, ત્યારે તે લળી ન પડે એ માટે તેમને ખૂંટાનો ટેકો આપવો.
કમોસમી વરસાદ કે કરાવૃષ્ટિથી થતાં નુકાસનથી બચવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- રેડિયો, ટીવી, અખબાર અને પ્રમાણભૂત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ મારફત હવામાન સંબંધિત માહિતી મેળવતા રહો.
- સામાન્ય રીતે કરાવૃષ્ટિની સાથે ભારે પવન ફૂંકાય છે અને વરસાદ પણ પડે છે, એટલે જરૂરી સાવચેતી રાખવી.
- આગાહીના દિવસો દરમિયાન બિનજરૂરી પ્રવાસ કે બહાર નીકળવાનું ટાળવું
- જે કૃષિઉપજ ઉતારી હોય, તેનો સલામતસ્થળે સંગ્રહ કરવો.
- કરાવૃષ્ટિની આગાહીને પગલે ઘેટાં-બકરાં અને ઢોરઢાંખરને વાડામાં કે સલામતસ્થળે ખસેડવા.
- જો જરૂર જણાય તો પોતે પણ સલામતસ્થળે આશરો લેવો. ઝાડ કે નિર્માણાધીન બાંધકામ હેઠળ આશરો ન લેવો.
- ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણોને અનપ્લગ કરી દેવા.

ઇમેજ સ્રોત, Getty Images
- જો તમે જળસ્રોતોમાં હો, તો તત્કાળ બહાર નીકળી જવું.
- ખેતરની ફરતે ઊંચા ઝાડની વાડ બનાવો, જે કરા પડવાથી થનાર નુકસાનની અસરને ઘટાડી નાખે છે.
- જો કરા પડવાને કારણે બાગાયતી પાકની ડાળી-ડાળખાં તૂટી ગયાં હોય, તો તેમને હઠાવી દેવા. ફૂગ ન થાય તે માટે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને જંતુનાશકનો છંટકાવ કરવો.
- જ્યાં ડાળી-ડાળખાં તૂટ્યાં હોય, તેના ઝાડ પર પાણીઆધારિત રંગ લગાડવો, જેથી કરીને સૂકારો કે કોઈ રોગ ન લાગે.
- કરાવૃષ્ટિંને કારણે ફળ-ફૂલ ખરી ગયાં હોય, તો તેને હઠાવી દો, જેથી કરીને તેના સડવાને કારણે રોગ કે કિટકની સમ્યા ઊભી ન થાય.
- કરા પડવાને કારણે જો ક્યારામાં પાણી ભરાય ન રહે તેની કાળજી રાખવી અને તેનો નિકાસ કરી દેવો.
- કરા પડવાને કારણે જો બાગાયતી પાકો નમી ગયા હોય, તો વાંસ કે લાકડીને જમીનમાં ખોડીને તેનો ટેકો આપવો.
- જો ઓલાવૃષ્ટિને કારણે જમીન કઠણ કે કડક થઈ ગઈ હોય, તો હળવું પિયત કરી શકાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS