Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ani
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
-
12 એપ્રિલ 2025, 06:40 IST
અપડેટેડ 12 એપ્રિલ 2025, 08:30 IST
અમદાવાદમાં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ (ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી, ટૂંકમાં એઆઈસીસી)ના 84મા અધિવેશન દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૉંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવાની હાંકલ કરી અને પાર્ટીના જિલ્લા પ્રમુખોને વધારે સત્તા અને જવાબદારીઓ આપીને જિલ્લા કક્ષાની સમિતિઓને સંગઠનનો પાયો બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી.
પાર્ટીએ 2025ના વર્ષને પાર્ટી ‘સંગઠન વર્ષ’ તરીકે ઊજવવાની પણ જાહેરાત કરી છે.
આ જાહેરાતો એવા સમયે આવી છે જ્યારે કૉંગ્રેસનું માળખું ગુજરાત અને અન્ય રાજ્યોમાં નબળું પડી રહ્યાનું રાજકીય વિશ્લેષકો માને છે.
તો કૉંગ્રેસના નેતાઓ કહે છે કે રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓને 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનું લક્ષ્ય આપ્યું છે.
કૉંગ્રેસે ગુજરાતમાં ચાલીસ વર્ષથી સ્વતંત્ર રીતે સરકાર બનાવી શકી નથી અને છેલ્લાં ત્રીસક વર્ષથી રાજ્યમાં સત્તા મેળવી શકી નથી.
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં હવે કૉંગ્રેસમાં એવા લોકપ્રિય નેતાઓ રહ્યા નથી, જે ચૂંટણીમાં પ્રભાવક અસર પાડી શકે.
તો કૉંગ્રેસ નેતાઓએ અધિવેશન દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવાનું એમ કહીને ટાળ્યું કે આ પોસ્ટમૉર્ટમ કરવાનો સમય નથી, પરંતુ ભવિષ્ય તરફ મીટ માંડવાનો વખત છે.
તો શું કૉંગ્રેસ પક્ષ ગુજરાતમાં લોકપ્રિય નેતા આપી નથી શક્યો? શું તેના કારણે પાર્ટી ચૂંટણી જીતી નથી શકતી કે પાર્ટીની રાષ્ટ્રીય નેતાગીરી ગુજરાતને પૂરતું મહત્ત્વ નથી આપતી? શું પાર્ટી ફરી મજબૂત થઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને ખરેખર હરાવી શકશે?
બીબીસીએ રાજકીય વિશ્લેષકો અને કૉંગ્રેસના નેતાઓને આ પ્રશ્નો પૂછી આ મુદ્દાઓના જવાબ મેળવવા પ્રયાસ કર્યો.
ગુજરાતમાં કૉંગ્રેસ લોકપ્રિય નેતા કેમ આપી શકી નથી?

ઇમેજ સ્રોત, ani
બીબીસી સાથે વાત કરતા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડાના રાજ્યશાસ્ત્ર વિભાગના વડા, પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે કે આજના જમાનામાં ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો પાસે એક મજબૂત નેતા હોવો ખૂબ જરૂરી છે.
તેઓ કહે છે, “ચૂંટણી જીતવા માટે એક નેતૃત્વ હોવું ખૂબ આવશ્યક છે. જે-જે રાજ્યોમાં કૉંગ્રેસ પાસે રાજ્ય કક્ષાના મજબૂત નેતા છે ત્યાં પાર્ટીને ચૂંટણી જીતવામાં સફળતા મળી છે. કર્ણાટક, તેલંગાણા વગેરે તેનાં ઉદાહરણ છે, પરંતુ માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરી પછી કૉંગ્રેસ પાર્ટીનો એક મજબૂત ચહેરો બની રહે તેવા એક પણ નેતા આપવામાં કૉંગ્રેસ નિષ્ફળ રહી છે. તેનું એક કારણ છે કે બીજા પક્ષોમાંથી ઉધાર લીધેલ નેતાઓ. તેની શરૂઆત ચીમનભાઈ પટેલથી થઈ.”
“ચીમનભાઈ ભલે મૂળ કૉંગ્રેસના હતા, પરંતુ પક્ષ છોડીને જતા રહેલા અને અન્ય પક્ષમાં જોડાઈ ગયેલા. જ્યારે તેઓ કૉંગ્રેસમાં પાછા આવ્યા ત્યારે તેમની સાથે અન્ય નેતાઓને પણ લેતા આવ્યા. તેમની પછી છબીલભાઈ મહેતા આવ્યા. તેનાં કેટલાંક વર્ષો બાદ કૉંગ્રેસે શંકરસિંહ વાઘેલા જે આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને ભાજપ ગૌત્રના હતા તેને પણ પાર્ટીમાં લેવા પડ્યા. આ બધા બહારથી આવેલા નેતાઓને કારણે કૉંગ્રેસ પાસે મૂળ કૉંગ્રેસનો કહી શકાય તેવો ચહેરો ન રહ્યો.”
માધવસિંહ સોલંકી 1976થી 1977, 1980થી 1985 અને 1989થી 1990 એમ ત્રણ વાર ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા હતા અને 1991-92માં ભારત સરકારના વિદેશમંત્રી રહ્યા હતા.
તે જ રીતે, અમરસિંહ 1985થી 1989 સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા હતા. ચીમનભાઈ 1973-74માં કૉંગ્રેસના નેતા તરીકે ગુજરાતના મુખ્ય મંત્રી ચૂંટાયા હતા અને ત્યાર પછી જનતા દળના નેતા તરીકે 1990થી 1994 દરમિયાન કૉંગ્રેસ સાથે જોડાણ કરી ફરી વાર મુખ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. છબીલદાસ મહેતા 1994-95માં ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા હતા.
પ્રો. ધોળકિયા ઉમેરે છે કે સામાન્ય પ્રજાને સ્પર્શતા મુદ્દાને રાજકીય પરિભાષામાં લાવવાની નિષ્ફળતા અને પાર્ટીની અંદર જૂથવાદ એવાં અન્ય બે કારણો છે જેને કારણે કૉંગ્રેસને વ્યાપક જનસમર્થન કેળવી શકે તેવો નેતા નથી મળ્યો.
તેઓ કહે છે, “રાજકીય આવડતની સાથે વિવિધ મુદ્દા એક રાજકારણીને લોકપ્રિય નેતા બનાવે છે. કોઈ નેતાને લોકપ્રિય બનવા માટે પ્રજાને સ્પર્શતા કેટલાક મુદ્દા જોઈએ જે તે ઉછાળે અને તેના આધારે લોકજુવાળ ઊભો કરી કરી લોકપ્રિયતા મેળવે, પરંતુ કૉંગ્રેસ પાસે આવા બહુ મુદ્દા રહ્યા નથી.”
“વિકાસ, હિન્દુત્વ, કાયદો અને વ્યવસ્થા વગેરે મુદ્દાઓ પર ભાજપે પકડ મેળવી લીધી છે. કૉંગ્રેસ પાસે ધર્મનિરપેક્ષતા (સેક્યુલારિઝમ)નો મુદ્દો છે, પરંતુ તેને ઉછાળવાની પાર્ટીમાં હાલ હિમ્મત નથી. ઉપરાંત, ખેડૂતોના, આર્થિક અસમાનતા વગેરે પણ મુદ્દા છે, પરંતુ કૉંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ જ ઍલિટ (ભદ્ર) વર્ગમાંથી આવતું હોવાથી આ મુદ્દાઓને તે પારખી શકતું નથી. બીજી તરફ, પાર્ટીમાં જૂથવાદ એટલો તીવ્ર છે કે અન્ય સંજોગો સારા હોય તો પણ કોઈ એક નેતા કદાવર થઈ શકે તેવું વાતાવરણ રહ્યું નથી.”
પ્રો. ધોળકિયા વધુમાં ઉમેરે છે કે “આ ઉપરાંત, પાર્ટી પાસે કોઈ આઇડિયોલૉજિકલ પ્લૅટફૉર્મ (વૈચારિક મંચ) રહ્યું નથી કે જે તેના નેતાના કદને વધારી આપે. આટલાં વર્ષો સત્તાવિહોણા રહ્યા હોવા છતાં હજુ પણ કૉંગ્રેસ પાસે એ સવાલનો જવાબ નથી કે લોકોએ તેમને શા માટે મત આપવો જોઈએ.”
ગુજરાતમાં કૉંગ્રેસ નેતાઓ પોતાની જાતને ‘સેલિબ્રિટી’ માને છે?

ઇમેજ સ્રોત, ani
એઆઈસીસીએ જેમને કૉંગ્રેસના ગુજરાત રાજ્યના સંગઠનના પ્રભારી તરીકે નીમેલા તેવા કૉંગ્રેસના એક રાષ્ટ્રીય નેતા પોતાની ઓળખ છતી ન કરવાની શરતે કહે છે કે ગુજરાતમાંથી કૉંગ્રેસના કોઈ મોટા ગજાના નેતા થાય તેવું વાતાવરણ નથી રહ્યું.
તેઓ કહે છે, “અહીં ખૂબ જ ખરાબ જૂથવાદ ચાલી રહ્યો છે. ગુજરાત કૉંગ્રેસની નેતાગીરી લાંબા સમયથી ‘અહમદ પટેલનું ગ્રૂપ’ અને ‘અહમદ પટેલ વિરુદ્ધનું ગ્રૂપ’ એમ બે જૂથોમાં વહેંચાયેલી રહી તેથી તેઓ સામૂહિક રીતે ક્યારેય લડત આપી ન શકી. વળી, ગુજરાતના નેતાઓ પોતાની જાતને સેલિબ્રિટી માને છે. અત્યારના ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ ગુજરાતમાં કેટલો સમય રહે છે? તેઓ દિલ્લીમાં વધારે સમય ગાળે છે. તેથી, કૉંગ્રેસના નાના નેતાઓ અને કાર્યકર્તાઓ માનવા લાગ્યા છે કે આ જ રસ્તો યોગ્ય છે. તેથી, નેતાઓનો લોકો સાથેનો સંપર્ક લગભગ ઝીરો થઈ ગયો છે.”
તેઓ વધુમાં કહે છે, “રાષ્ટ્રીય નેતાઓ આ પરિસ્થિતિને સુધારવા પૂરતા પ્રયત્નો કરતા નથી. તે રાજ્યના નેતાઓને ખૂબ જ ઓછા મળે છે. આથી, દિલ્લીથી આવીને અહીં સતત નજર રાખવાવાળું કોઈ નથી. તેના કારણે પાર્ટીનું સંગઠન અને લોકોનું સમર્થન પડી ભાંગ્યાં છે. ગુજરાતમાં પંચાયતી રાજ અને સહકારી સંસ્થાઓ ખૂબ મજબૂત હતી અને આ સંસ્થાઓ થકી નેતાઓ લોકોની રોજબરોજની માગણીઓ અને સમસ્યાઓને ઉકેલી શકતા, પરંતુ આ સંસ્થાઓ હવે ભાજપના હાથમાં જતી રહી છે. તેથી, કૉંગ્રેસના નેતાઓની લોકોને સીધી રીતે મદદ કરવાની ક્ષમતા અત્યારે નહિવત્ જેવી થઇ ગઈ છે.”
અહમદ પટેલ ભરૂચથી 1977માં સાંસદ ચૂંટાયા હતા અને 1988 સુધી સાંસદ રહ્યા હતા. 1991થી 2020 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. એઆઈસીસીના ખજાનચી તરીકે સેવા આપવા ઉપરાંત અહમદ પટેલે વર્ષો સુધી સોનિયા ગાંધીના રાજકીય સચિવ તરીકે સેવા આપી હતી અને એક સમયે કૉંગ્રેસના બહુ શક્તિશાળી નેતામાં ગણના પામતા હતા. તેમનું 2020માં નિધન થયું હતું.
‘પચાસ છોડ વાવો તો તેમાંથી પાંચ વૃક્ષ બને, બે વાવો તો?’
ગુજરાતના પ્રભારી રહી ચૂકેલા નેતા આક્ષેપ કરે છે કે તેમની પાર્ટી ગુજરાતમાં વધારે લોકોને સમર્થન પૂરું પડતી નથી.
તેઓ કહે છે, “તમે ક્ષમતા અને સમર્પણવાળા યુવા કાર્યકર્તાઓ શોધી કાઢીને મોટી જવાબદારીઓ માટે તૈયાર કરી શકો છો. આ રીતે મોટા ગજાના અને લોકપ્રિય નેતાઓ તૈયાર કરી શકાય છે. પરંતુ તેના માટે તમારે સમય આપવો પડે અને સક્ષમ કાર્યકર્તાઓ શોધવા માટે બહોળા વર્ગમાં જવું પડે.”
તેમણે કહ્યું, “તમે પચાસ છોડ વાવો તો શક્ય છે કે તેમાંથી પાંચ મોટાં વૃક્ષ બને. પણ જો તમે બે જ છોડ વાવો તો શક્ય છે કે તે બંને મુખ્ય મંત્રી કોણ બનશે તે બાબતે ઝઘડા કરવા માંડે.”
તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય નેતાઓની દોરવણીના અભાવે રાજ્યોમાં પાર્ટીનાં માળખાં શિથિલ થઈ ગયાં છે.
“સંગઠન મજબૂત રાખવું પડે. રાજીવ ગાંધી આ બાબતનું ધ્યાન રાખતા. તેઓ રાજ્યોના પ્રવાસે જતા અને ચાર-ચાર, પાંચ-પાંચ દિવસ ત્યાં રોકાઈ બધાને મળતા અને સંભાળતા.”
હાર્દિક પટેલ વગેરેને કૉંગ્રેસ પક્ષ કેમ છોડવો પડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
2015માં પાટીદાર અનામત આંદોલન થકી હાર્દિક પટેલ એક ગુજરાતમાં લોકપ્રિય નેતા બની ગયેલા. આ જ અરસામાં જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર વગેરે યુવાનોએ પણ રાજ્યના રાજકીય મંચ પર તેમની હાજરી નોંધાવેલી.
આ ત્રણેય યુવા નેતાઓ કૉંગ્રેસમાં જોડાઈ ગયેલા, પરંતુ હાર્દિક અને અલ્પેશ પછીથી ભાજપમાં જોડાઈ ગયા.
પ્રો. ધોળકિયા કહે છે, “જ્ઞાતિનાં સમીકરણોને કારણે કૉંગ્રેસે હાર્દિકને પાર્ટીમાં સમાવી લીધેલા અને કાર્યકારી પ્રમુખ પણ નીમી દીધો. પણ પછીથી એને કોઈ જવાબદારી કે કામ સોંપ્યાં નહીં. તેની ઍન્ટ્રીથી પાર્ટીના કેટલાય જૂના નેતાઓ પોતે રાજકીય રીતે અસલામત હોવાની લાગણી અનુભવવા લાગ્યા. યુવા નેતાઓને કોઈ કામ કે જવાબદારી મળ્યાં નહીં. તેથી, તેઓ કૉંગ્રેસ છોડી અન્ય પક્ષમાં જોડાઈ ગયા.”
તેઓ ઉમેરે છે કે ભાજપમાં પણ અસંતોષ તો છે જ.
“જૂથવાદ તો ભાજપમાં પણ વકર્યો છે, પરંતુ નરેન્દ્ર મોદી હાલ એટલા શક્તિશાળી નેતા છે કે આવા જૂથવાદને ખાળી શકે છે. સામે પક્ષે રાહુલ ગાંધી કૉંગ્રેસના નેતા છે, પરંતુ તેમનું નરેન્દ્ર મોદી કે અમિત શાહ જેટલું મોટું નામ નથી. તેની અસર પાર્ટી પર પડે છે.” એમ તેઓ કહે છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા ગુજરાતને કેટલું મહત્ત્વ આપે છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS