Source : BBC NEWS

ગૂજરાત વિદ્યાપીઠ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સજ્જન શક્તિ સંગમ, મહાત્મા ગાંધી, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

  • લેેખક, લક્ષ્મી પટેલ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • Twitter,
  • 23 ડિસેમ્બર 2024, 17:05 IST

    અપડેટેડ 55 મિનિટ પહેલા

અમદાવાદના આશ્રમરોડ પર આવેલી અને મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં 22મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો ‘સજ્જન શક્તિ સંગમ’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને લઈને કોઈએ ખુલ્લી રીતે વિરોધ કર્યો નથી, પણ કાર્યક્રમ અગાઉ અને બાદમાં કેટલાક ગાંધીવાદીઓએ ‘નારાજગી’ વ્યક્ત કરી છે.

આ કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ આ અંગે ગાંધીવાદી અને એક સમયે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક રહી ચૂકેલા ડૉ. સુદર્શન આયંગરે વિદ્યાપીઠમાં આરએસએસના કાર્યક્રમ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે “ગૂજરાત વિદ્યાપીઠમાં આરએસએસનો કોઈ કાર્યક્રમ શોભનીય નથી.”

દરમિયાન સંઘે એવો દાવો કર્યો છે કે આ કાર્યક્રમ કોઈ પણ દૃષ્ટિએ ગાંધીવિચારની વિરુદ્ધ ન હતો, પરંતુ “વિચારધારાને અનુરૂપ” હતો.

ભાજપનું મૂળ ધરાવતા ડૉ. હર્ષદ પટેલ ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર બન્યા હતા ત્યારે પણ વિવાદ થયો હતો અને હવે ફરીથી આ સંસ્થા ચર્ચામાં આવી છે.

ગૂજરાત વિદ્યાપીઠમાં આરએસએસનો કાર્યક્રમ શું હતો?

ગૂજરાત વિદ્યાપીઠ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સજ્જન શક્તિ સંગમ, મહાત્મા ગાંધી, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

ગૂજરાત વિદ્યાપીઠમાં આરએસએસના કાર્યક્રમ અંગે સંઘના ગુજરાત પ્રાંતના પ્રચારપ્રમુખ વિજય ઠાકરે કહ્યું હતું, “આરએસએસનાં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે દરેક જિલ્લામાં સજ્જન શક્તિ સંગમ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે જ અમદાવાદમાં નારણપુરાનો કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠમાં રાખ્યો હતો.”

તેમણે એમ પણ કહ્યું, “કેટલાક લોકોના મનમાં RSS પ્રત્યે વૈમનસ્ય ભરેલું છે, પરંતુ આ કાર્યક્રમની મંજૂરી સંસ્થાને વિનંતી કરીને લેવામાં આવી હતી.”

વિજય ઠાકરે કહ્યું કે, “ગાંધીજીએ પણ આરએસએસની વર્ધા શિબિરમાં હાજરી આપી હતી અને તેમણે સંઘનાં કાર્યોને બિરદાવ્યાં હતાં. સંઘ પોતાના શતાબ્દી વર્ષમાં સંઘ પાંચ મુદ્દા પર આગળ વધવા માગે છે અને બધા મુદ્દા ગાંધીજીના વિચારો સાથે અનુરૂપ છે, જેમાં સામાજિક સમરસતા, પરિવાર જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી જીવનશૈલી અને નાગરિક કર્તવ્યનો સમાવેશ થાય છે. આમાંથી કયો મુદ્દો એવો છે જે ગૂજરાત વિદ્યાપીઠ માટે શોભનીય નથી?”

વરિષ્ઠ પત્રકાર અને લેખક પ્રકાશ ન. શાહ બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાતચીતમાં જણાવે છે, “એ વાત સાચી હતી કે ગાંધીજી વર્ધા ખાતે સંઘના કાર્યક્રમમાં ગયા હતા. પરંતુ ભાગલા સમયે શાંતિની અપીલ કરવાની વાત હતી ત્યારે આરએસએસના તત્કાલીન પ્રમુખ ગુરુ ગોલવલકરે ગાંધીજીને કહ્યું હતું કે શાંતિની અપીલ માટે તમે મારું નામ લઈ શકો છો, પરંતુ ગોલવલકરે શાંતિની અપીલ પર સહી કરવાની ના પાડી હતી.”

બીજી તરફ ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર હર્ષદ પટેલે આ કાર્યક્રમ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ગૂજરાત વિદ્યાપીઠમાં એસ્ટેટ વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે જગ્યા ભાડે અપાય છે. તેથી નિયમ મુજબ જ જગ્યા ભાડે આપવામાં આવી હતી.”

પ્રકાશ ન. શાહ જણાવે છે, “ગૂજરાત વિદ્યાપીઠમાં સંઘનો કાર્યક્રમ થયો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ કાર્યક્રમ થયા હોવાનું મેં વાંચ્યું છે. વિદ્યાપીઠ દ્વારા સંસ્થાઓને હૉલ ભાડે અપાય છે અને આ કાર્યક્રમમાં પણ સંઘને હૉલ ભાડે અપાયો હોય તો તે વ્યવસ્થાનો વિષય છે.”

તેમણે એમ પણ કહ્યું કે આ “આર્થિક વ્યવહાર છે અને તેમાં કંઈ ખોટું નથી.”

સંઘ અને ગાંધીવાદીઓનું શું કહેવું છે?

ગૂજરાત વિદ્યાપીઠ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સજ્જન શક્તિ સંગમ, મહાત્મા ગાંધી, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

ગાંધીવાદી અને ગૂજરાત વિદ્યાપીઠમાં 10 વર્ષ સુધી કુલનાયક રહી ચૂકેલા સુદર્શન આયંગરે બીબીસીને જણાવ્યું, “કાર્યક્રમના મુદ્દા તો સારા જ હોવાના પણ ગાંધીજીની સંસ્થામાં સંઘનો કાર્યક્રમ હોય એ અયોગ્ય પણ છે અને વિવેકહીન પણ. વિવેકહીન એટલા માટે કે આરએસએસના ઇતિહાસથી આપણે પરિચિત છીએ. જે ગાંધીવિચાર સાથે મેળ ખાતો નથી.”

તેમણે કહ્યું કે સંઘ હિંદુ રાષ્ટ્રની કલ્પના કરે છે જ્યારે ગાંધીજી સર્વધર્મ સમભાવમાં માને છે.

આ વિશે તેઓ કહે છે, “હિંદુ રાષ્ટ્રની કલ્પના કઈ રીતે ગાંધીજીના સર્વધર્મ સમભાવ સાથે રચવામાં આવતી અહિંસક સમાજની રચનાની વિરુદ્ધ પડે છે તે તો સંઘ જ કહી શકે. આ તો તાત્ત્વિક ભેદ છે.”

પ્રકાશ ન. શાહ આરોપ લગાવતા કહે છે, “આરએસએસ અને ભાજપ દ્વારા વર્ષ 2014 બાદ દેશમાં તમામ સંસ્થાઓ પર કબજો કરવાનું કામ કર્યું છે. તેઓ ગૂજરાત વિદ્યાપીઠનું ‘ભગવાકરણ’ કરી રહ્યા છે.”

જોકે, સંઘના નેતાઓએ ગાંધીવાદીઓના આરોપોને ફગાવ્યા છે.

આરએસએસની કાર્યકારિણીના સભ્ય ભાનુભાઈ ચૌહાણે કહ્યું કે “ગાંધીજી સ્વતંત્રતાના આંદોલનની સાથે સાથે સમાજનાં સકારાત્મક કામો પણ કરતા હતા. સમરસતા, સ્વરાજ અને પર્યાવરણ વગેરે એવી બાબતો છે જેને અમે આગળ લઈ જઈ રહ્યા છીએ.”

તેમણે કહ્યું કે, “ગાંધીજીએ સ્વરાજ, સ્વધર્મ, રામરાજ્યની વાત કરી છે અને અમારા આજના મુદ્દા પણ તેને જ લગતા છે. ગાંધીજી પર્યાવરણની ચિંતા કરતા હતા અને અમે પણ આ મુદ્દે વાત કરી છે.”

તો સામે સુદર્શન આયંગર કહે છે, “જો તેઓ ગાંધીવિચારથી પ્રભાવિત થવા માગે છે તો તેઓ પોતાના પ્રાંગણમાં ગાંધીવિચાર પર કાર્યક્રમ કરે કે સભા કરે. આ આવકારદાયક છે. પરંતુ જો સત્તાના જોરે સંઘ ગૂજરાત વિદ્યાપીઠમાં આ પ્રકારનો કાર્યક્રમ કરે તો તે અયોગ્ય અને વિવેકહીન જ ગણી શકાય. સંઘ સેવાની વાત કરે છે તો સેવામાં વિનમ્રતા હોવી જોઈએ, અહંકાર નહીં.”

ગૂજરાત વિદ્યાપીઠમાં કુલસચિવપદે રહી ચૂકેલા રાજેન્દ્ર ખીમાણીએ બીબીસીને કહ્યું કે તેઓ કાર્યક્રમમાં હાજર ન હોવાથી આ મુદ્દે કંઈ કહી શકે તેમ નથી. તેમણે કહ્યું કે મને કાર્યક્રમ યોજાવા અંગે કોઈ જાણ ન હતી.

ભાજપ અને કૉંગ્રેસનું શું કહેવું છે?

ગૂજરાત વિદ્યાપીઠ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સજ્જન શક્તિ સંગમ, મહાત્મા ગાંધી, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ગૂજરાત વિદ્યાપીઠમાં આરએસએસના કાર્યક્રમ બાદ રાજકીય પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે.

સત્તાધારી પક્ષ ભાજપે ગાંધીવાદીઓના તમામ આરોપો ફગાવી દીધા છે.

ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “ગૂજરાત વિદ્યાપીઠના હૉલનો તમામ લોકો ઉપયોગ કરી શકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ હૉલ કાર્યક્રમ કરવા ભાડે લીધો હતો.”

ભાજપ અને સંઘ ગૂજરાત વિદ્યાપીઠનું ‘ભગવાકરણ’ કરવા માગે છે એ પ્રકારના આરોપોનો જવાબ આપતા યજ્ઞેશ દવેએ જણાવ્યું, “ભૂતકાળમાં કૉંગ્રેસના સેવાદળના કાર્યક્રમો પણ આ હૉલમાં કરવામાં આવ્યા છે. ઇંદિરા ગાંધીની સરકારે જ્યારે દેશમાં ઇમરજન્સી લગાવી હતી તે શું ગાંધીવિચારની હત્યા નહોતી?”

કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “ભાજપ અને સંઘની નીતિ રહી છે કે કોઈ પણ સંજોગોમાં ગાંધીવિચારો સાથે સંકળાયેલી સંસ્થાઓને ખતમ કરવી. આ વિચારધારાને કારણે જ ગાંધીજીની હત્યા થઈ હતી.”

“ગૂજરાત વિદ્યાપીઠનો હૉલ ભાડે લઈને તેમનો કાર્યક્રમ કરીને તેઓ એ સંકેત આપવા માગે છે કે અમારી સત્તા છે અને અમે ગમે તે કરી શકીએ છીએ. ગૂજરાત વિદ્યાપીઠ હોય કે ગાંધી આશ્રમ. તેઓ ગાંધીવાદી સંસ્થાઓ પર કબજો જમાવી રહ્યા છે.”

યજ્ઞેશ દવે કૉંગ્રેસના આરોપોને ફગાવતા કહે છે, “કૉંગ્રેસના નેતાઓ ખોટું વિશ્લેષણ અને અર્થઘટન કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS