Source : BBC NEWS

ઇમેજ સ્રોત, BBC/Tejas Vaidya
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- Twitter,
-
27 એપ્રિલ 2025, 20:38 IST
અપડેટેડ 25 મિનિટ પહેલા
26 એપ્રિલે ફરઝાના અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની ઑફિસની બહાર પોતાના હાથમાં લાગેલી મેંદી બતાવે છે અને પ્લાસ્ટિકની થેલીમાંથી લગ્નની કંકોતરી કાઢે છે, જેના પર લખ્યું છે, ‘જશ્ને શાદી’.
ફરઝાના બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, “અમારા ઘરે લગ્ન છે, ઘરે જાન આવી છે. ઘર નાનું છે તેથી જાનૈયાઓને સૂવા માટે ચંડોળા વિસ્તારમાં સંબંધીને ત્યાં મોકલ્યા હતા. ત્યાંથી તેમને ‘બાંગ્લાદેશી’ સમજીને ઉઠાવી લીધા છે. પોલીસ જેને ઉઠાવી ગઈ છે તેમાં મારો મોટો ભાઈ અને ભત્રીજો હતા. તે જ નહીં હોય તો લગ્ન કેવી રીતે થાય? તેઓ છેક આકોલા-મહારાષ્ટ્રથી આવ્યા હતા. મને કહેવામાં આવ્યું હતું કે પૂછપરછ કરીને છોડી દઈશું. સવારની વાત હતી, છેક રાતના નવ વાગ્યા સુધી ક્રાઇમ બ્રાન્ચ કાર્યાલયની બહાર ખાધાપીધા વિનાનાં બેઠાં હતાં. અમે મારા ભાઈનો જન્મતારીખનો દાખલો અને અન્ય સરકારી દસ્તાવેજ બતાવ્યા ત્યારે રાતે સાડા દશે માંડ છોડ્યા હતા.”
અમદાવાદમાં 26 એપ્રિલે જ્યારે ગુજરાત પોલીસે ‘શંકાસ્પદ લોકો’ને પકડવાની કાર્યવાહી શરૂ કરી એ સમયની વાત ફરઝાના કરે છે.
ફરઝાના કહે છે કે, “કાશ્મીરનો ઝઘડો છે તો કાશ્મીરમાં જઈને ઉકેલોને. અહીં અમદાવાદમાં કોઈ વિવાદ નથી તો પછી કેમ અમારા સંબંધીને ઉઠાવી લીધા? આ કાયદેસર અન્યાય છે. અમે અમદાવાદમાં જીતુ ભગતની ચાલીમાં વર્ષોથી રહીએ છીએ.”

ઇમેજ સ્રોત, BBC/Tejas Vaidya
22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા ચરમપંથી હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં અને તેમાં ત્રણ ગુજરાતી પણ સામેલ હતા.
હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર ‘દોષારોપણ’ કરીને સિંધુ જળ સંધિ મોકૂફ રાખવા સહિત પાકિસ્તાની નાગરિકોને અપાયેલા 14 પ્રકારના વિઝા રદ કરી દીધા હતા.
આ કાર્યવાહી પછી અમદાવાદમાં 25 એપ્રિલે મધરાત બાદ બે વાગ્યે પોલીસે કૉમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસ અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 900 કથિત બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરામાં પણ ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી.
ફરઝાના પાસે લગ્નની જે કંકોતરી હતી એમાં 26 એપ્રિલે હલ્દી (પીઠી)ની વિધિ હતી, પણ એ દિવસે જ પોલીસે તેમના ભાઈ અને ભાણેજની અટકાયત કરી હતી.
ફરઝાનાએ કહ્યું હતું કે, “હલ્દીની વિધિ વખતે અમે પોલીસ કચેરીએ હતા તેથી એ વિધિ ન થઈ શકી. લગ્ન 27 એપ્રિલના હતા, તેથી લગ્નના દિવસે જ અમે હલ્દીની વિધિ કરી લીધી. અમને એ વાતનો હાશકારો છે કે ઓછા માણસો વચ્ચે પણ લગ્નનો અમારો પ્રસંગ આટોપાઈ ગયો. નહીંતર અમે લગ્નના દિવસે પણ ક્રાઇમ બ્રાન્ચની બહાર આંટાફેરા લગાવી રહ્યા હોત.”
મહિલાઓ પોલીસના વાહન આડે બેસી ગઈ

ઇમેજ સ્રોત, BBC/Tejas Vaidya
અમદાવાદમાં શાહઆલમ, ચંડોળા તળાવ, નરોડા વગેરે વિસ્તારોમાં રાતે અચાનક પોલીસે કૂચ કરી અને સૂરજ ઊગે એ પહેલાં જ કથિત બાંગ્લાદેશી અને વિદેશી શકમંદોની અટકાયતની કામગીરી હાથ ધરી હતી.
અટકાયતીઓને સૌપ્રથમ અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલા ફૂટબૉલ ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા. ત્યાંથી પુરુષોને જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલી ક્રાઇમ બ્રાન્ચ ઑફિસે લઈ જવાયા હતા.
ક્રાઇમ બ્રાન્ચમાં જે પોલીસ ગ્રાઉન્ડ છે ત્યાં તેમને સવારે સાડા દશ-અગિયાર સુધી રાખવામાં આવ્યા હતા. પછી પૂછપરછ માટે હારબંધ કાર્યાલયમાં લઈ જવાયા હતા.
એ દરમ્યાન અટકાયતીઓના પરિવારજનો મોટી સંખ્યામાં ક્રાઇમ બ્રાન્ચ ઑફિસના મોટા દરવાજાની બહાર એકઠા થઈ ગયા હતા. જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં હતી.
કેટલીક મહિલાઓ તો તેમનાં નાનાં બાળકોને લઈને આવી હતી. 26 એપ્રિલે બપોરે એકાદ વાગ્યાની આસપાસ કેટલાક અટકાયતીઓને પોલીસ જ્યારે વાહનમાં ક્રાઇમ બ્રાન્ચ કાર્યાલયથી અન્ય ઠેકાણે લઈ જતી હતી ત્યારે દરવાજાની બહાર કરુણ અને ગંભીર દૃશ્યો સર્જાયાં હતાં.
મહિલાઓ રસ્તો રોકીને બેસી ગઈ હતી. તેમને હઠાવવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જ્યારે પોલીસની ગાડી પસાર થઈ ત્યારે કેટલીય મહિલાઓની આંખો ભરાઈ ગઈ હતી. કેટલીક મહિલાઓની મહિલા પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.
‘મારો દીકરો ચંડોળા તળાવ તેના સાસરે ગયો અને રાતે પોલીસે ઉઠાવી લીધો’

ઇમેજ સ્રોત, BBC/Tejas Vaidya
આલમઆરા પઠાણ નામની મહિલાની પણ પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “વટવામાં સૈયદવાડી મોહમ્મદી મસ્જિદ પાસે ઘર નંબર 22માં હું રહું છું. મારા દીકરા રિયાઝ ખાન અને તેની પત્નીનું નામ રુબિના છે. અમે છેલ્લાં 23 વર્ષથી અમદાવાદમાં રહીએ રહીએ છીએ. મારા દીકરા રીયાઝનું સાસરું ચંડોળા તળાવ પાસે છે. તે રાતે સાસરિયે રોકાયો હતો અને પોલીસે તેને પકડી લીધો હતો. સાથે મારી વહુને પણ પોલીસવાળા લઈ ગયાં હતાં.”
તેઓ કહે છે કે, “અમારી પાસે આધાર કાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, પાન કાર્ડ, લાઇટ બિલ, બધા જ દસ્તાવેજ છે. મને પોલીસે કહ્યું હતું કે આધાર પુરાવા લઈને આવજો પછી તમારાં દીકરા-વહુને છોડી દઈશું. સવારના દશ વાગ્યાથી મેં ક્રાઇમ બ્રાન્ચ ઑફિસની બહાર દસ્તાવેજો લઈને ધાક્કા ખાધા હતા, પછી છેક રાતે દશ વાગ્યે તેમને છોડ્યા હતા.”
આલમઆરાનાં દીકરા અને વહુને 27 એપ્રિલે ફરીથી દસ્તાવેજ સાથે ક્રાઇમ બ્રાન્ચ ઑફિસે પોલીસે બોલાવાયાં હતાં.
આલામઆરા પઠાણ કહે છે કે, “અમે ન તો બાંગ્લાદેશથી આવ્યા છીએ કે ન તો ગુનેગાર છીએ. અમારાં બાળકોનો જન્મ પણ અહીં જ થયો છે અને સંસાર પણ અહીં જ છે. છતાં પણ દીકરા-વહુને કેમ પકડવામાં આવ્યાં હતાં એ સમજાતું નથી.”
‘મહારાષ્ટ્રથી લગ્નની જાનમાં આવ્યા અને પોલીસ પકડી ગઈ’

ઇમેજ સ્રોત, BBC/Tejas Vaidya
ફરઝાનાને ત્યાં જે લગ્ન હતાં તેમાં ઝૈબુન્નિશા પણ આવ્યાં હતાં. ક્રાઇમ બ્રાન્ચની બહાર જે મહિલાઓ પકડાયેલા પરિવારજનોના છૂટવાની રાહ જોતી હતી તેમાં ઝૈબુન્નિસા પણ હતાં.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “અમે લગ્નમાં હાજરી આપવા મહારાષ્ટ્રના આકોલાથી આવ્યાં હતાં. જાનમાં આવેલા મારા દીકરાને અને જેઠને પોલીસ લઈ ગઈ છે. અમારી પાસે જન્મતારીખનો દાખલો અને આધાર કાર્ડ છે.”
તેમને પછી ગઈ કાલે રાતે છોડી દેવાયા હતા.
ક્રાઇમ બ્રાન્ચ કાર્યાલયની બહાર પોલીસ થોડી થોડી વારે આવીને કેટલાક અટકાયતીઓનાં નામ બોલતી અને તેમનાં સગાંસંબંધી તેમની પાસે પહોંચતા હતા. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, “પૂછપરછ દરમ્યાન જે અટકાયતીઓ પાસે દસ્તાવેજ નહોતા, તેમનું કોઈ પરિવારજન ક્રાઇમ બ્રાન્ચ કાર્યાલયની બહાર ઊભું હોય તો અમે તેમની પાસેથી પુરાવા એકઠા કરીએ છીએ.”
26 એપ્રિલે મોડી સાંજ સુધી મહિલાઓ અને પરિવારજનોએ ક્રાઇમ બ્રાન્ચની બહાર બેઠાં રહ્યાં હતાં.
ગુજરાત રાજ્યમાં 1000થી વધુની અટકાયત

ઇમેજ સ્રોત, BBC/Tejas Vaidya
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ઉપરાંત અન્ય જગ્યાએ પોલીસ દ્વારા ઑપરેશન હાથ ધરાયાં હતાં. જેમાં 1000થી વધુ કથિત બાંગ્લાદેશીઓ સહિતના કથિતપણે ગેરકાયદે રીતે ભારતમાં આવીને રહેતા લોકોની અટકાયત કરી હતી.
અમદાવાદમાં પોલીસનાં અલગ-અલગ વાહનોમાં કેટલાંક અટકાયતીઓને ક્રાઇમ બ્રાન્ચથી અન્ય જગ્યાએ લઈ જવાતા હતા.
અટકાયતીઓને અલગ-અલગ વાહનમાં ક્યાં લઈ જવાઈ રહ્યા છે? એવા સવાલના જવાબમાં એક પોલીસ અધિકારીએ બીબીસીને કહ્યું હતું કે, “આટલા લોકોની પૂછપરછ એકસાથે એક સ્થળે શક્ય નથી. તેથી તેમને અમદાવાદ પોલીસનાં અલગ-અલગ કાર્યાલયે લઈ જવામાં આવી રહ્યા છે. જેથી ઝડપથી પૂછપરછ થઈ શકે.”
અમદાવાદના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (એસીપી) ભરત પટેલે આજે (27 એપ્રિલ) મીડિયાને જણાવ્યું હતું કે, “અમદાવાદમાં 900 જેટલા લોકોને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા હતા. જેમાંથી 600 જેટલા ભારતના જ નાગરિકો હતા તેમને છોડી મૂકવામાં આવ્યા છે.”
“અત્યાર સુધી 104 જેટલા બાંગ્લાદેશી નાગરિકોનું હોવાનું જણાઈ આવ્યું છે. આ સંખ્યા વધે તેવી સંભાવના છે. જે બાંગ્લાદેશી નાગરિકો છે તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે.”
તેમણે કહ્યું, “કેટલાક શંકાસ્પદ પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા હોવાનું જણાવે છે. તેમણે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ ઓળખના અન્ય દસ્તાવેજ કેવી રીતે મેળવ્યા, તે આધારભૂત છે કે નહીં તેની ખરાઈ કરાઈ રહી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તપાસ અને પૂછપરછનો દૌર આગળના દિવસોમાં પણ ચાલુ રહેશે.
26 એપ્રિલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મોડી રાતથી ચાલી રહેલા આ ઑપરેશનમાં અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 એમ કુલ હજારથી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે.
હર્ષ સંઘવીનો દાવો હતો કે “આપણે જોયું હતું કે અગાઉ ચાર બાંગ્લાદેશીઓ પકડાયા હતા તે પૈકી બે લોકો અલ-કાયદા માટે સ્લિપર સેલ તરીકે કામ કરતા હતા. આ તમામ બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓની તપાસ ચાલુ છે.”
અમદાવાદના ચંડોળામાં કથિત બાંગ્લાદેશીઓની વસાહત

ઇમેજ સ્રોત, BBC/Tejas Vaidya
અમદાવાદમાં હાલમાં જે લોકોની કથિત બાંગ્લાદેશી તરીકે અટકાયત કરાઈ છે તેમાંના ઘણા ચંડોળા તળાવ પાસે રહેતા હતા.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલું ચંડોળા તળાવ એ લગભગ 1200 હૅક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે.
અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોનો મુદ્દો ચર્ચાય ત્યારે અવશ્ય દાણીલીમડા, શાહઆલમ, મણિનગર અને ઈસનપુરની વચ્ચે વસેલા આ ચંડોળા તળાવની આસપાસની વસાહતોનું નામ ચર્ચામાં આવે છે.
ત્યાં અગાઉ પણ પોલીસે સર્ચ ઑપરેશન કર્યાં છે. ગયા વર્ષે 24મી ઑક્ટોબરે ગુજરાત પોલીસે કરેલા ઑપરેશનમાં લગભગ 48 લોકોની અટકાયત કરીને તેમને બાંગ્લાદેશ ડિપૉર્ટ કરવાની કામગીરી શરૂ કરી હતી.
આ તમામ લોકો ખોટાં આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરેના આધારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ઘર બનાવીને વસવાટ કરી રહ્યા હતા તેવો પોલીસનો એ વખતે દાવો હતો.
ચંડોળા વિસ્તારમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ છે જે કામ કરી રહી છે.
ચંડોળા તળાવ વિસ્તારના લોકો સાથે કામ કરતા અને વ્યક્તિત્વ સંઘર્ષ સમિતિ, ગુજરાતનાં સંસ્થાપક બીનાબહેન જાદવે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર સાથે વાત કરતાં ગયા વર્ષે કહ્યું હતું કે, “પોલીસે તપાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોને શોધીને તેમને ડિપોર્ટ કરવા જ જોઈએ, તેમાં કોઈ બે મત નથી. પરંતુ તેના નામે ગમે તે વ્યક્તિને બાંગ્લાદેશી હોવાના આરોપસર પકડી લેવા એ યોગ્ય વાત નથી.”
તેમણે કહ્યું હતું કે, “ચંડોળા તળાવ વિસ્તારમાં એવા અનેક લોકો રહે છે કે, જેઓ વર્ષોથી બંગાળનાં વિવિધ ગામડાંમાંથી અહીં આવીને વસવાટ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS