Source : BBC NEWS
ગુજરાતમાં હાલ તો ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના પ્રદેશ પ્રમુખનો પદભાર સી. આર. પાટીલ સંભાળી રહ્યા છે.
2024ની લોકસભા ચૂંટણી પછી જે નવી સરકાર રચાઈ તેમાં તેમને કેન્દ્રીય જળશક્તિ મંત્રીની જવાબદારી પણ સોંપાઈ છે. તેમનો કાર્યકાળ ઘણા સમય પહેલા જ સમાપ્ત થઈ ગયો હતો અને તેમને વારંવાર એક્સ્ટેન્શન પણ મળી ચૂક્યું છે.
હાલ પાટીલ પાસે બેવડી જવાબદારી છે તેને કારણે ભાજપ તેમના અનુગામી શોધવા માટે તત્પર છે પરંતુ સાથે તેને કોઈ ઉતાવળ પણ નથી. કારણકે તે ઇચ્છે છે કે હાલમાં ગુજરાતમાં પક્ષની જે મજબૂત સ્થિતિ છે તે ન માત્ર જળવાઈ રહે પરંતુ તેનાથી વધુ મજબૂત થાય.
ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ બનશે એની ચર્ચા તો પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા ત્યારની ચાલે જ છે સાથે પ્રદેશ પ્રમુખની જવાબદારી હવે અન્ય કોઈને સોંપાય તે માટે પાટીલે પોતે પણ જાહેરમાં નિવેદન આપ્યું છે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ હવે કોણ બને છે તે આગામી દોઢ મહિનામાં નક્કી થાય તેવી શક્યતા છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે ભાજપે ભૂપેન્દ્ર યાદવને હવાલો સોંપ્યો છે. ભૂપેન્દ્ર યાદવ અગાઉ ગુજરાત ભાજપના પ્રભારી પણ રહી ચૂક્યા છે.
ભાજપમાં પ્રદેશ પ્રમુખ માટે લાયક તેમજ દાવેદાર ઉમેદવારની સેન્સ પ્રક્રિયા ભૂપેન્દ્ર યાદવ લેશે. એમાં જે કેટલાંક નામો નક્કી થશે તે કેન્દ્રીય મોવડીમંડળને જણાવાશે અને તે પૈકી એકનું નામ પ્રમુખ તરીકે જાહેર થશે.
જાણકારો માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઇચ્છા વગર ગુજરાતમાં કોઈ પ્રદેશ પ્રમુખ ન થઈ શકે. પરંતુ છતાં આ આખી પ્રક્રિયામાં ભૂપેન્દ્ર યાદવની ભૂમિકા મહત્ત્વની ગણાય છે.
સી.આર.પાટીલના અનુગામી નક્કી કરવા કેટલા મુશ્કેલ?
ગુજરાત સાથે ભૂપેન્દ્ર યાદવનો જૂનો સંંબંધ રહ્યો છે.
2017માં ગુજરાતની વિધાનસભા ચૂંટણી વખતે પણ તેઓ ભાજપના પ્રદેશ પ્રભારી હતા. 2015ના પાટીદાર અનામત આંદોલનના પડઘા વચ્ચે 2017ની ચૂંટણી ભાજપ માટે પડકાર હતો. તે વખતે તેમણે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને બૂથ મૅનેજમેન્ટ મજબૂત કર્યું હતું.
સી. આર. પાટીલના પ્રેદશ પ્રમુખપદે ગુજરાતમાં ભાજપે 2022માં ઐતિહાસિક 156 બેઠકો મેળવીને એક રેકૉર્ડ સ્થાપી દીધો છે.
પ્રમુખ તરીકે પાટીલે જે દાખલા અને માપદંડો બેસાડ્યા છે એવામાં તેમનાં સ્થાને બેસવું થોડું કપરું છે. ભાજપમાં પણ નવા પ્રદેશ પ્રમખ માટે આંતરિક વિમાસણ છે.
ભૂપેન્દ્ર યાદવ સંગઠનની ગૂંચ ઉકેલવામાં માહેર હોવાનું માનવામાં આવે છે, તેમજ ગુજરાતનો તેમને અનુભવ છે. આ બાબતોને ધ્યાને લઇને જ તેમને પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો હોઈ શકે એવું વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને લાગે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કૌશિક મહેતાએ આ વિશે કહ્યું, “ભૂપેન્દ્ર યાદવ કાબેલ નેતા છે. પાર્ટીલાઇનની સાથે સિસ્ટમમાં કઈ રીતે કામ કરવું એમાં યાદવની મહારત છે. ગુજરાત ભાજપને યાદવના પ્રયાસનાં સારાં પરિણામ મળ્યાં છે. તેથી તેમને આ જવાબદારી સોંપાઈ હોઇ શકે છે.”
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં યાદવનું પ્રદર્શન
લોકસભા ચૂંટણી 2024 વખતે મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકમાંથી ભાજપ(એનડીએ)ને માત્ર 17 બેઠક મળી હતી અને કૉંગ્રેસ(ઈન્ડિયા ગઠબંધન)ને 30 બેઠક મળી હતી.
કેટલાક જાણકારો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે લોકસભાનાં ચૂંટણીપરિણામોની અસર 2024ની વિધાનસભાની ચૂંટણી પર પણ પડશે અને ભાજપનું મહારાષ્ટ્રમાં નબળું પ્રદર્શન રહેશે.
ભાજપ માટે વિધાનસભાની ચૂંટણી સીધા ચઢાણ જેવી મનાતી હતી ત્યારે યાદવને ત્યાંના પ્રભારી બનાવાયા હતા. જે ચૂંટણીમાં ભાજપ મહાયુતિને 230 બેઠકો મળી હતી. જેમાં ભાજપે એકલપંડે ઐતિહાસિક 132 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપનાં ધમાકેદાર પ્રદર્શનનો પડદા પાઠળનો શ્રેય ભૂપેન્દ્ર યાદવને આપવામાં આવે છે.
મહારાષ્ટ્ર ભાજપમાં પ્રભારી તરીકેની ભૂપેન્દ્ર યાદવની નિમણૂક સામે કેટલાક સવાલો ઊભા થયા હતા. પાર્ટીની અંદર એવો ગણગણાટ હતો કે મહારાષ્ટ્ર સાથે તેમને કોઈ ખાસ લેવાદેવા નથી.
જોકે, જાણકારો અનુસાર ભાજપે રૅકોર્ડતોડ સફળતા મેળવ્યા પછી એ સવાલો અપ્રસ્તુત બની ગયા હતા.
ભૂપેન્દ્ર યાદવનું કદ વધૂ મજબૂત બન્યું હતું. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વખતે પણ યાદવ ત્યાંના પાર્ટી પ્રભારી હતા.
2023માં મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હતા. વિધાનસભાની 230માંથી 163 બેઠક મેળવીને ભાજપે ત્યાં ફરી વિજય ઝંડો લહેરાવ્યો એનું શ્રેય પણ ભુપેન્દ્ર યાદવને આપવામાં આવે છે.
એક તારણ એવું પણ છે કે ભૂપેન્દ્ર યાદવ ઓબીસી વર્ગમાંથી આવે છે. મધ્યપ્રદેશમાં ઓબીસી મતદારો 52 ટકા છે. તેના પર ફોકસ કરીને યાદવને પ્રભારી બનાવાયા હતા અને યાદવે મધ્ય પ્રદેશમાં ફરી ભાજપને જીત અપાવી હતી. મધ્ય પ્રદેશની સફળતા પછી ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્રનું સુકાન પ્રભારી તરીકે સોંપવામાં આવ્યું હતું.
અમિત શાહ સાથેની નિકટતા
અમિત શાહે રાજસ્થાનમાં ચૂંટણીસભામાં ભૂપેન્દ્ર યાદવ વિશે કહ્યું હતું કે “એમ તો એ યાદવ છે પણ વાણીયા કરતાં પણ પાક્કા વેપારી છે.”
2024 લોકસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનમાં અલવર બેઠક પરથી ઉમેદવાર હતા. અમિત શાહ તેમની પ્રચારસભામાં ગયા હતા. શાહે યાદવને મિત્ર ગણાવતા કહયું હતું, “મેં તેમની સાથે સંગઠન અને સરકાર બંને ઠેકાણે કામ કર્યું છે.”
કૌશિક મહેતા કહે છે, “પ્રદેશ પ્રમુખની પસંદગી મામલે આ વખતે અમિત શાહને ગુજરાત સોંપી દેવાયું છે. તેમને જણાવી દેવાયું છે કે આ મુદ્દે તમે બધું જોઈ લો. ભૂપેન્દ્ર યાદવને પ્રમુખની પસંદગીના અધિકારી બનાવવાનું મુખ્ય કારણ તેમની અમિત શાહ સાથેની નિકટતા છે. જવાહર ચાવડા જૂના કૉંગ્રેસી નેતાને ભાજપમાં લાવનારા ભૂપેન્દ્ર યાદવ હતા. ભાજપની અંદર જે કૉંગ્રેસના માણસો છે તેને લઇને વિવાદો છે તે મામલે તણાવ ઓછો ઓછી થાય તેવા તેમના પ્રયાસ રહેશે.”
2014માં અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એ પછી ભૂપેન્દ્ર યાદવને ભાજપના રાષ્ટ્રીય સચિવમાથી મહાસચિવની બઢતી આપવામાં આવી હતી.
પત્રકાર – લેખક સ્વાતિ ચતુર્વેદીએ વર્ષ 2022માં એક લેખ લખ્યો હતો જેમાં અમિત શાહના વિશ્વાસુ વર્તુળમાં ભૂપેન્દ્ર યાદવનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે 2019માં અમિત શાહના પુત્ર જય શાહ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા(બીસીસીઆઈ)ના સેક્રેટરી તરીકે ચૂંટાયા તેની જવાબદારી પણ ભૂપેન્દ્ર યાદવને સોંપાઈ હતી.
ભાજપમાં પ્રદેશ પ્રમુખ કેવી રીતે નક્કી થાય છે?
હોદ્દેદારોની પસંદગી કે નિમણૂક કરવા મામલે દરેક પાર્ટીની પોતાની એક પ્રક્રિયા હોય છે. ભૂપેન્દ્ર યાદવની ભૂમિકા એ છે કે તેઓ સંભવિત ચુનંદા નામો એકઠાં કરીને દિલ્લીના મોવડીમંડળને આપશે. એમાંથી પ્રમુખનું ફાઇનલ નામ નક્કી થશે.
ભાજપમાં પ્રદેશ પ્રમુખ નક્કી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે? અને કેવી રીતે નક્કી થાય છે? આ સવાલના જવાબમાં ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, “કેન્દ્રની ટીમ સેન્સ લેતી હોય છે. જેમાં ખાસ કરીને ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને સાંસદોની સેન્સ લઇને પ્રમુખ માટે નામ નક્કી થતાં હોય છે. આ સિવાય પાર્ટીમાં અન્ય કોઈ વ્યક્તિ પ્રમુખને અનુરૂપ લાગે તેવું કૌશલ્ય ધરાવતી હોય તો એની પણ સેન્સ લેવાતી હોય છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખ બનવા માટે કોઈ ઉત્સુક હોય તો તેઓ પોતાનું નામ પણ નોંધાવતા હોય છે.”
પ્રદેશની બેઠક થાય જેમાં સંકલન સમિતિના અભિપ્રાયો લેવામાં આવે છે અને સૂચવવામાં આવતા નામો નોંધવામાં આવે છે. એ પછી દિલ્લીમાં મોવડી મંડળની જે બેઠક મળે એમાં ચૂંટણી અધિકારીએ નામો રજૂ કરે છે જેમાંથી એક નામ પ્રમુખ તરીકે પસંદ થાય છે.
માત્ર પક્ષનું સંગઠન જ નહીં સરકારની યોજનાઓ વિશે સારી રીતે વાકેફ હોય તે પણ પ્રમુખપદનો એક માપદંડ છે.
યજ્ઞેશ દવે જણાવે છે, “જે સંગઠનના કામના અનુભવી હોય, સાથે સાથે ભારત સરકારની જે પ્રજાલક્ષી યોજનાઓ છે તેનું સંગઠનના માધ્યમથી સંકલન કરીને સરકાર જોડે સમન્વય કરીને પ્રજા સુધી પહોંચાડી શકે તેમજ સંગઠનને એકત્રિત રાખી શકે એવી વ્યક્તિ પ્રમુખ તરીકે પસંદ થાય છે.”
કેવી રહી ભૂપેન્દ્ર યાદવની રાજકીય સફર
ભૂપેન્દ્ર યાદવ હાલ કેન્દ્રમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે. 2021થી 2024 સુધી તેમણે શ્રમ અને પર્યાવરણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો.
કાયદાના વિદ્યાર્થી રહી ચૂકેલા ભૂપેન્દ્ર યાદવે કાયદાની ડીગ્રી અજમેરની સરકારી કૉલેજથી મળવી છે. તેમનો જન્મ અજમેરમાં 30મી જૂન, 1969ના રોજ થયો હતો.
કૉલેજકાળથી જ તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા છે. વર્ષ 2000માં તેમને વકીલોના સંગઠન અખિલ ભારતિય અધિવક્તા પરિષદના મહાસચિવ બનાવાયા હતા જે પદ પર તેઓ 2009 સુધી રહ્યા હતા. 2010માં તેમને ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા હતા. 2014માં તેમને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.
રાજનેતા તરીકે ઝંપલાવ્યું તે અગાઉ તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે કામ કરતા હતા. મહત્ત્વપૂર્ણ આયોગો માટે સરકારી વકીલ તરીકે પણ તેઓ કામ કરતા હતા.
રાજ્યસભાના સાંસદ તરીકે તેઓ વિવિધ સંસદીય સમિતિઓમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
એ. કે. પટેલથી લઈને સી. આર. પાટીલ સુધી કોણ-કોણ પ્રમુખ બન્યું?
20 જુલાઈ, 2020ના રોજ પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલે પદભાર સંભાળ્યો હતો.
સૌના આશ્ચર્ય વચ્ચે જુલાઈ 2020માં 17 વર્ષ બાદ સૌરાષ્ટ્રને બદલે દક્ષિણ ગુજરાતને ફાળે ભાજપનું પ્રદેશ પ્રમુખપદ ગયું હતું.
એ પહેલાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સૌ પ્રથમ ઉત્તર ગુજરાતના એ. કે. પટેલ વર્ષ 1985 સુધી રહ્યા હતા.
1986થી 1991 સુધી ઉત્તર ગુજરાતના ભાજપના ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા હતા, ત્યાર બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પહેલી વાર દક્ષિણ ગુજરાતના ઓબીસી નેતા કાશીરામ રાણા વર્ષ 1993માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા.
એ સમયમાં ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યા બાદ 1996થી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનું પદ સૌરાષ્ટ્રના નેતાઓ પાસે રહ્યું.
ભાજપે 1996માં સૌરાષ્ટ્રના નેતા અને કારડિયા રાજપૂત વજુભાઈ વાળાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા, ત્યાર બાદ 1998થી 2005 સુધી ભાજપના પ્રદેશ પ્રમુખપદ સૌરાષ્ટ્રના ક્ષત્રિય નેતા રાજેન્દ્રસિંહ રાણાએ સંભાળ્યું હતું.
રાજેન્દ્રસિંહ રાણા સૌથી લાંબા સમય સુધી સાત વર્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.
ત્યાર બાદ સૌથી વધુ સમય સુધી એટલે કે છ વર્ષ માટે સૌરાષ્ટ્રના પટેલ નેતા આર. સી. ફળદુ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.
આ સિવાય પરશોત્તમ રૂપાલા અને ભાવનગરના જિતુ વાઘાણી પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS