Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, યુકે, વિઝા, ભારત, ગુજરાત, અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

15 મે 2025, 13:10 IST

અપડેટેડ 47 મિનિટ પહેલા

તાજેતરમાં યુકેના વડા પ્રધાન કીઅર સ્ટાર્મરે દેશની ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારાની વાત કરી હતી.

એવું કહેવાઈ રહ્યું છે કે નવા સુધારાથી અરજદારો અને તેમના આશ્રિત તરીકે યુકે જવા માગતી વ્યક્તિ માટે અંગ્રેજી ભાષાની પરીક્ષા વધુ કપરી બની શકે છે.

આ સિવાય દેશમાં કાયમી વસવાટ માટેની અરજી કરવા માટે અગાઉ જે તે વ્યક્તિએ પાંચ વર્ષ સુધી દેશમાં રહેવું પડતું. આ માટેનો સમયગાળો વધારી નિકટના ભવિષ્યમાં દસ વર્ષ કરી શકાય છે.

નોંધનીય છે કે ભારતમાં અન્ય ક્ષેત્રો સહિત ગુજરાતમાંથી પણ ઘણા યુવાનો ભવિષ્યમાં અભ્યાસ સાથે પોતાની કારકિર્દી ઘડવાના બહેતર વિકલ્પની શોધમાં યુકે જતા હોય છે. જે પૈકી ઘણાનો ઇરાદો દેશમાં જ સ્થાયી થવાનો પણ હોય છે.

આમ, યુકેની ઇમિગ્રેશન નીતિમાં નવા ફેરફારની આશંકાને પગલે ગુજરાતમાંથી યુકે જવા માગતા યુવાનો અને તેમના આશ્રિતો પર કેવી અસર પડી શકે છ? તેમજ અગાઉથી યુકે પહોંચી ચૂકેલ, પરંતુ પાંચ વર્ષની મર્યાદા ન વટાવનાર ગુજરાતીઓ પર આની કોઈ અસર થશે ખરી?

આ બંને સવાલોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક ઇમિગ્રેશન નિષ્ણાતોનો સંપર્ક કર્યો હતો.

‘…ગુજરાતી વિદ્યાર્થીઓ બીજા વિકલ્પો તરફ વળી શકે છે’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, યુકે, વિઝા, ભારત, ગુજરાત, અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં અમદાવાદસ્થિત ઇમિગ્રેશન ઍક્સપર્ટ પ્રસન્ના આચાર્યે યુકેની ઇમિગ્રેશન પૉલિસીમાં જે નવા ફેરફારો થવાની આશંકા છે એ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું, “હજુ આ બધી વાતો પ્રસ્તાવિત ફેરફારો છે. આ પ્રસ્તાવિત ફેરફારોના મુસદ્દાને યુકેની સંસદમાં પસાર કરવો પડશે. તે બાદ તેનાં નીતિ-નિયમો ઘડાશે.”

જોકે, તેઓ આ પ્રસ્તાવિત બદલાવો જો હકીકત બને તો ગુજરાતમાંથી યુકે જવા માગતા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી પેદા થશે તેવી વાત કરે છે.

તેઓ કહે છે કે, “જો આ બદલાવો લાગુ થઈ જાય તો ગુજરાતના વિદ્યાર્થીઓ યુકે સિવાય બીજા વિકલ્પો તરફ નજર દોડાવી શકે છે, કારણ કે દસ વર્ષનો સમયગાળો ખૂબ લાંબો છે અને એ દરમિયાનની અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓ નવા વિકલ્પો શોધશે.”

પ્રસન્ના આચાર્ય આગળ કહે છે કે, “હજુ સુધી એ સ્પષ્ટ નથી કે જે લોકો પહેલાંથી પાંચ વર્ષ કરતાં ઓછા સમયથી યુકે પહોંચ્યા છે, તેઓ પર આ નવી પ્રસ્તાવિત જોગવાઈઓ લાગુ કરવાની યોજના છે કે નહીં.”

“પરંતુ આવા લોકોના મનમાં પણ અનિશ્ચિતતા રહેશે એટલું તો ખરું.”

પ્રસન્ના આચાર્ય કહે છે કે જો બ્રિટિશ સરકાર નવી ઇમિગ્રેશન નીતિમાં ઉપર મુજબના ફેરફાર કરે તો દસ વર્ષ સુધી ત્યાં જનાર વિદ્યાર્થીઓ વધુ મુશ્કેલી અનુભવી શકે છે.

અમદાવાદસ્થિત એક પ્રાઇવેટ કન્સલ્ટન્સી ફર્મનાં યુકે વિઝાનાં નિષ્ણાત દીપાલી જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “નવા ફેરફારોમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે હાલ જે અભ્યાસ બાદ જે બે વર્ષ સુધીનું વર્ક વિઝા મળતો એની મર્યાદા ઘટાડી દેવાશે. જે એક મોટો ફટકો સાબિત થઈ શકે.”

તેઓ પણ કહે છે કે જો નવા ફેરફારો હકીકત બને તો ગુજરાતમાં યુકે જવા માગતા વિદ્યાર્થીઓના મનોબળ પર અસર તો પડશે જ.

દીપાલી આગામી બદલાવોની અગાઉથી ગુજરાતથી યુકે ગયેલા લોકોને કેવી અસર થશે એ અંગે વાત કરતાં કહે છે કે, “અગાઉ જેટલી પણ વાર નિયમો બદલાયા છે, તે પશ્ચાદ્ અસરથી ક્યારેય લાગુ નથી થયા. તેથી મને લાગે છે કે જો આ નવા નિયમો બદલાય તો તેની અગાઉથી જ યુકેમાં રહેતા સ્ટુડન્ટ્સે કે તેમના આશ્રિતોએ ચિંતા કરવી ન જોઈએ.”

‘યુકે વધુ પ્રતિબંધાત્મક બની જશે’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, યુકે, ઇમિગ્રેશન, અભ્યાસ, વિદેશ અભ્યાસ, કિઅર સ્ટાર્મર

ઇમેજ સ્રોત, PA Media

ટીકાકારોનું કહેવું છે કે જીવનસાથી કે માતાપિતાને અંગ્રેજી શીખવામાં મુશ્કેલી પડે તો તેના કારણે પરિવારો નોખા પડી શકે છે.

પરંતુ સંશોધનો દર્શાવે છે કે માઇગ્રન્ટ્સ પોતે જ ભાષાને મહત્ત્વપૂર્ણ માને છે.

2021માં 10માંથી 9 માઇગ્રન્ટ સારું અંગ્રેજી બોલી શકતા હતા તેવું ઑક્સફર્ડ યુનિવર્સિટી માઇગ્રેશન ઑબ્જર્વેટરીનું એક વિશ્લેષણ દર્શાવે છે.

માત્ર એક ટકા માઇગ્રન્ટે કહ્યું કે તેઓ બિલકુલ અંગ્રેજી બોલી શકતા નથી. પરંતુ સંશોધનમાં જાણવા મળ્યું કે જે લોકોનું અંગ્રેજી નબળું છે તેમને રોજગારી મળવાની શક્યતા બહુ ઓછી છે.

વડા પ્રધાને જેને ‘તૂટેલી’ ઇમિગ્રેશન સિસ્ટમ ગણાવી છે તેને ‘ચુસ્ત’ બનાવવાના વ્યાપક પ્રયાસોનો આ ભાગ છે.

તેના કારણે યુકેમાં પાંચ વર્ષ પછી ઑટોમેટિક સેટલ થવાની સુવિધાનો અંત આવશે. મોટા ભાગના માઇગ્રન્ટે ઓછામાં ઓછાં 10 વર્ષ માટે યુકેમાં રહેવું પડશે. ત્યાર પછી જ તેઓ સેટલ્ડના દરજ્જા માટે અરજી કરી શકશે અને પૂર્ણ નાગરિકત્વ મેળવવાના માર્ગે આગળ વધી શકશે.

સાથે સાથે યુકેના વડા પ્રધાન સ્ટાર્મરે એમ પણ કહ્યું કે નર્સ, એન્જિનિયર્સ, એઆઈ નિષ્ણાતો, અને “યુકેના વિકાસ અને સમાજને ખરેખર યોગદાન આપી શકે” તેવા બીજા લોકો માટે એક ‘ફાસ્ટ-ટ્રેક’ સેટલમેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં માઇગ્રેશન ઑબ્જર્વેટરીના ડાયરેક્ટર મૅડેલિન સમ્પશને બીબીસીને જણાવ્યું કે, સેટલ થવા માટે 10 વર્ષના રૂટના કારણે “બીજા ઊંચી આવક ધરાવતા દેશોની તુલનામાં યુકે વધારે પ્રતિબંધાત્મક” બની જશે.

સમ્પશને કહ્યું કે “આ બદલાવનો મુખ્ય પ્રભાવ ગૃહ મંત્રાલયને વધુ વિઝા-ફીની આવકના રૂપમાં પડશે, કારણ કે કામચલાઉ વિઝા પર આવેલા લોકો અહીં રહેવા માટે સતત ફી ચૂકવતા રહે છે.”

યુકેમાં સેટલ થવાની લાંબી પ્રક્રિયાના કારણે માઇગ્રન્ટ્સ માટે અહીં વસવાટ કરવો મુશ્કેલ બનશે કારણ કે “વધુ લોકો પાસે કાયમીના દરજ્જા સાથે આવતા અધિકારો નહીં હોય.”

પરંતુ કિઅર સ્ટાર્મરે આ યોજનાઓને “ભૂતકાળની તુલનામાં એક સ્વચ્છ વિરામ” ગણાવ્યો હતો, જે સુનિશ્ચિત કરશે કે આ દેશમાં વસવાટ કરવો એક એવો વિશેષાધિકાર હશે જેને પ્રાપ્ત કરવો પડશે, અધિકારની જેમ નહીં મળે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS