Source : BBC NEWS

ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ધૂળની ડમરીઓ, કરા પડવા, હવામાન ખાતા દ્વારા આગાહી, ઊભા પાક અને ખેત જણસીને નુકસાન, બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Bipin Tankaria

5 મે 2025

સોમવારે બપોર પછી ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના કારણે તાપમાનનો પારો ગગડી જવા પામ્યો હતો.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ તથા કરા પડવાની ઘટનાઓ નોંધાઈ છે.

ભાવનગરસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભી જણાવે છે કે ભારે વરસાદ અને પવન સાથે પવન ફૂંકાયો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ભાવનગરમાં એસપી ઑફિસ સહિત કેટલાંક સ્થળોએ ઝાડ પડ્યાં હતાં, પરંતુ તેનાથી ઈજાની કોઈ પ્રાથમિક માહિતી નથી.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને કારણે લાઇટનો એક ટાવર ધરાશાયી થઈ ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ સિવાય કિલોમીટરનું સાઇનબોર્ડ પણ ધરાશાયી થયું હતું. એ સમયે ત્યાંથી એક રીક્ષા પસાર થઈ રહી હતી, પરંતુ થોડા અંતરથી તેનો આબાદ બચાવ થયો હતો.

સુરેન્દ્રનગરસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા જણાવે છે કે સુરેન્દ્રનગર, ચોટિલા, ચુડા, સાયલા અને લીંબડીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઝાડ અને હોર્ડિંગ પડવાથી જિલ્લામાં કેટલાક વટેમાર્ગુઓને ઈજા પહોંચી છે.

પીઠવા જણાવે છે કે આ વરસાદને કારણે તલ અને અજમા સહિતના પાકોને નુકસાન થવાની શક્યતા છે.

રાજકોટથી બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા જણાવે છે કે શહેરમાં બપોરના ભાગે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો.

ખેડાથી બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેત મહેતા જણાવે છે કે નડિયાદ શહેરમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. નડિયાદમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

બનાસકાંઠાથી બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર દિયોદર અને ભાભર ઉપરાંત સરહદી વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હોવાનું જણાવે છે.

પંચમહાલથી બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા તથા મોરવા હડફમાં સોમવારે સાંજે વાતાવરણે પલટો લીધો હતો.

અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ધોળકા-ધંધુકામાં કાળા ડિબાંગ વાદળ સાથે કરા પડ્યા હતા. જિલ્લામાં વીજળી પડવાથી એક ખેડૂતનું મૃત્યુ પણ નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદસ્થિત આઈએમડી દ્વારા ગુજરાતમાં શુક્રવાર સુધી ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી હતી.

વિકલાંગની મજાક ઉડાવવાના મામલામાં સુપ્રીમ કોર્ટે સમય રૈના સહિત પાંચને નોટિસ મોકલી

સમય રૈના, સોનાલી ઠક્કર અને વિપુલ ગોયલ (ફાઇલ ફોટો)

સુપ્રીમ કોર્ટે સોમવારના એક અરજી પર સુનાવણી કરતા કૉમેડિયન સમય રૈના, વિપુલ ગોયલ સહિત ત્રણ કૉમેડિયન વિરુદ્ધ નોટિસ કાઢી છે.

લાઇવ લૉ અનુસાર આ અરજીમાં આ બધા કૉમેડિયન સામે વિકલાંગ લોકોની મજાક ઉડાવતા અસંવેદનશીલ જોક્સ કરવાનો આક્ષેપ છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની બૅન્ચે મુંબઈ પોલીસ આયુક્તને નિર્દેશ આપ્યા છે કે તેઓ આ બધા કૉમેડિયનને નોટિક પાઠવી છે જેથી તેઓ આવનારી સુનાવણીની તારીખ પર અદાલતમાં હાજર રહી શકે.

કોર્ટે ચેતવણી આપી કે જો આ લોકો હાજર નહીં રહે તો તેમની વિરુદ્ધ કઠોર પગલાં લેવામાં આવશે.

કોર્ટે આ આદેશ એમ/એસ ક્યૉર એસએમએ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલી એક રિટ અરજી પર આપ્યો છે.

જે ત્રણ અન્ય વ્યક્તિઓને પણ સમન મોકલવામાં આવ્યા છે, તે છે – બલરાજ પરમજીત સિંહ ઘઈ, સોનાલી ઠક્કર ઉર્ફ સોનાલી આદિત્ય દેસાઈ, અને નિશાંત જગદીશ તંવર.

બાંગ્લાદેશ : વકીલ સૈફુલ ઇસ્લામની હત્યાના કેસમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના આદેશ

ચિન્મય

ઇમેજ સ્રોત, Kamoldas

બાંગ્લાદેશના ચટગાંવની અદાલતે વકીલ સૈફુલ ઇસ્લામની હત્યાના કેસમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

ચટગાંવના મેટ્રોપૉલિટન મજિસ્ટ્રેટે (છઠ્ઠા) પોલીસ તરફથી કરવામાં આવેલી એક અરજી પર સોમવારના સુનાવણી બાદ આદેશ આપ્યો હતો.

આ દરમ્યાન, સરકારે સુપ્રીમ કોર્ટે અપીલ કરી હતી કે ચિન્મય દાસને રાજદ્રોહના મામલામાં જે જામીન મળ્યા છે, તેને રોકવામાં આવે.

આ અપીલ પર સુપ્રીમ કોર્ટના ચેમ્બર જજની અદાલતમાં સુનાવણી થવાની છે.

30 એપ્રિલના, હાઇકોર્ટે આ મામલે ચિન્મય દાસને જામીન આપ્યા હતા.

ચિન્મય દાસને ગત વર્ષે 26 નવેમ્બરના રાજદ્રોહના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી અને ચટગાંવની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

તે દિવસે તેમના જામીનની સુનાવણી દરમ્યાન કોર્ટ પરિસરમાં ઘણો વિવાદ થયો હતો.

તે દિવસે વકીલ સૈફુલ ઇસ્લામની હત્યા કરવામાં આવી હતી અને ચટગાંવની અદાલતમાં થયેલી ઝડપમાં ઓછામાં ઓછા 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

રાજનાથસિંહે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું- ‘જડબાતોડ જવાબ આપીશું’

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ભારત પાકિસ્તાન રાજનાથ સિંહ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, ANI

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોનાં મોત પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે.

રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું છે કે “દેશ પર આંખ ઉઠાવનારાઓને સેનાની સાથે મળીને જડબાતોડ જવાબ આપવામાં આવશે.”

પાકિસ્તાનના રક્ષામંત્રી સહિતના લોકો ભારત દ્વારા સૈન્યકાર્યવાહીની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે ભારતના રક્ષામંત્રીએ આ નિવેદન આપ્યું છે. ભારતમાં પણ સતત એવાં નિવેદન આવી રહ્યાં છે જેમાં પાકિસ્તાન વિરુદ્ધ સખત કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.

રાજનાથસિંહે સ્પષ્ટ સંકેત આપ્યા વગર કહ્યું કે “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમે જેવું ઇચ્છો છો એવું થઈને રહેશે.”

દિલ્હીમાં રવિવારે સાંજે સનાતન સંસ્કૃતિ જાગરણ મહોત્સવના કાર્યક્રમમાં રાજનાથસિંહે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે પહલગામ હુમલા કે પાકિસ્તાનનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેમણે સાંકેતિક રીતે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, “એક રાષ્ટ્ર તરીકે ભારતના ભૌતિક સ્વરૂપની સુરક્ષા આપણા વીર સૈનિકોએ હંમેશાં કરી છે. આધ્યાત્મિક સ્વરૂપે આપણા ઋષિમુનિઓએ સુરક્ષા કરી છે.”

ભારત-પાકિસ્તાન તણાવ પર આજે યુએન સુરક્ષા પરિષદની બેઠક

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ભારત પાકિસ્તાન રાજનાથ સિંહ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ તણાવ પર ચર્ચા કરવા માટે યુએનની સુરક્ષા પરિષદમાં આજે પાંચમી મેએ બેઠક મળશે.

સમાચાર એજન્સી પીટીઆઇના અહેવાલ પ્રમાણે સુરક્ષા પરિષદ ‘બંધબારણે’ પાકિસ્તાન અને ભારત વચ્ચેની હાલની સ્થિતિ પર વિચારવિમર્શ કરશે.

યુએનની સુરક્ષા પરિષદમાં બંધબારણે થતી બેઠકની જાહેરમાં ચર્ચા કરવામાં આવતી નથી.

રવિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પહલગામ હુમલાને ધ્યાનમાં રાખતા આ ક્ષેત્રની હાલની સ્થિતિની જાણકારી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આપવાનો નિર્ણય લેવાયો છે.

તેમાં જણાવાયું હતું કે પાકિસ્તાનના વિદેશમંત્રી ઈસહાક ડારે પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત અસીમ ઇફ્તિખારને સુરક્ષા પરિષદની બેઠક બોલાવવા માટે નિર્દેશ આપ્યો હતો.

વિદેશમાં ફિલ્મો બનાવવા પર 100 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ભારત પાકિસ્તાન રાજનાથ સિંહ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિદેશી ફિલ્મો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે વિદેશમાં ફિલ્મ બનશે તો 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.

ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લૅટફૉર્મ પર આની ઘોષણા કરતા કહ્યું કે, “અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગ ઝડપથી ખતમ થઈ રહ્યો છે. બીજા દેશો આપણા ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોને અમેરિકાથી દૂર કરવા માટે દરેક પ્રકારના પ્રોત્સાહન આપી રહ્યા છે.”

તેમણે કહ્યું કે આ બીજા દેશો તરફથી કરવામાં આવેલો એક સંગઠિત પ્રયાસ છે અને તેથી ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો’ છે.

ટ્રમ્પે કહ્યું કે વાણિજ્ય વિભાગ અને અમેરિકન વ્યાપાર પ્રતિનિધિને વિદેશી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લગાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે અધિકૃત કરી રહ્યો છે.

તેમણે લખ્યું કે, “અમે ફરીથી અમેરિકામાં બનેલી ફિલ્મો ઇચ્છીએ છીએ.”

જાન્યુઆરીમાં પોતાના બીજા કાર્યકાળની શરૂઆત પછી ટ્રમ્પે દુનિયાભરના દેશો પર ટેરિફ લગાવ્યા છે.

તેમનું કહેવું છે કે ટેરિફથી અમેરિકન નિર્માતાઓને પ્રોત્સાહન મળશે અને નોકરીઓ બચી જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS