Source : BBC NEWS

ગુજરાતના તોફાનોમાં ભોગ બનનારા લોકોને અમદાવાદ ખાતેના શ્રધ્ધાજંલી આપતા એક કાર્યક્રમની તસ્વીર.

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોમાં ત્રણ બ્રિટિશ નાગરિકો સહિત, કુલ ચાર લોકોની હત્યાના કેસમાં છ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના નીચલી અદાલતના વર્ષ 2015ના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખ્યો છે.

28મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોમાં હિમ્મતનગરના પ્રાંતિજમાં એક ટોળાએ ચાર લોકોને મારી નાંખ્યા હતા. આ કેસમાં નીચલી અદાલતે આ કેસના આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. જોકે, આ ચુકાદાની વિરુધમાં ભોગ બનનારા ઇમરાન દાઉદે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીના સંદર્ભમાં પોતાના ઑર્ડરમાં ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું છે કે પોલીસ તપાસ દરમિયાન પુરાવાના અભાવને કારણે આ છ લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે.

6 માર્ચ, 2025ના આ ઑર્ડર પ્રમાણે – કોર્ટને આ કેસમાં કોઇ એવા પુરાવા મળ્યા નથી કે જેનાથી તે નીચલી કોર્ટના ચુકાદામાં કંઇ ફેરફાર કરી શકે, જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ, સાબરકાંઠા દ્વારા છ લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે.

સઇદ દાઉદ, સકીલ દાઉદ, મોહમ્મદ અબ્દુલ અસ્વર (તમામ બ્રિટિશ નાગરિકો) અને યુસુફ પાલેગર (નવસારીના રહેવાસી) નામના ચાર લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યાં હતાં, જેમાં તેમની ઉપર એક ટોળાએ હથિયારોથી હુમલો કર્યો હતો. જોકે, આ ઘટનામાં ઇમરાન દાઉદ નામના વ્યક્તિને ગંભીર ઇજા થઈ હોવા છતાં તેઓ બચી જવા પામ્યા હતા.

આ ઘટના બાદ પ્રાંતિજમાં પોલીસ ફરીયાદ થઇ હતી, જેની તપાસ સ્થાનિક પોલીસ કરી રહી હતી, પરંતુ થોડા સમય બાદ તેની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા રચના કરવામાં આવેલી SITને સોંપવામાં આવી હતી. આ ગુના બદલ કૂલ છ આરોપીની ધરપકડ થઇ હતી જેમાં મીઠાભાઇ પટેલ, રાકેશ પટેલ, ચંદુભાઇ પટેલ, કાળાભાઇ પટેલ, રમેશભાઇ પટેલ અને મનોજભાઇ પટેલ નામના લોકોનો સમાવેશ થાય છે.

ફેબ્રુઆરી 2015માં સાબરકાંઠાની સેશન્સ કોર્ટે આ તમામ લોકોને નિર્દોષ છોડી દીધા હતા. બીબીસીએ તેમાથી અમુક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ગુનામાં જેમની ધરપકડ થઇ હતી, તે મીઠાભાઇ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, “આખરે અમારી સાથે ન્યાય થયો છે. હું ગુનાના સ્થળે હાજર ન હતો, મેં કંઇ કર્યુ ન હતું. મરનાર લોકો સાથે મને સહાનુભૂતિ છે, પરંતુ મને ખુશી છે કે મારે હવે કોર્ટ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. આ કેસ પછી મેં મારી નોકરી ગુમાવી, રોજગારી ગુમાવી અને જીવનનાં અમુલ્ય વર્ષો ગુમાવ્યાં.”

શું હતી ઘટના?

2002ના તોફાનો સમયની અમદાવાદ શહેની એક તસ્વીર.

ઇમેજ સ્રોત, Getty Images

કેસની વિગતો પ્રમાણે, ભોગ બનનારા તમામ પાંચ લોકો આગ્રા અને જયપુરનો પ્રવાસ કરીને નવસારી તરફ જતા હતા. યુ.કેમાં વસવાટ કરતા આ લોકો ભારતમાં રજાઓ માણવા માટે આવ્યા હતા.

પોલીસ ફરિયાદ પ્રમાણે 28 ફેબ્રુઆરી, 2002ના રોજ સાંજે 6 વાગે તેમની કારને એક ટોળાએ રોક્યા, જેમણે તેમને તેમના ધર્મ વિશે પૂછ્યું, અને જ્યારે તેમને ખબર પડી કે આ લોકો મુસ્લિમ ધર્મના છે તો તેમના પર હુમલો કરી દીધો હતો.

તેમની ગાડીના ડ્રાઇવર યુસુફ પાલેગરને કારની સાથે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો, જ્યારે બીજા તમામ લોકો પર ટોળાએ હુમલો કર્યો હતો. હુમલા બાદ અસ્વર અને ઇમરાનને પોલીસ હૉસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગઇ હતી, જેમાં અસ્વરનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

થોડા દિવસો બાદ સઇદ અને સકીલનાં શરીરનાં બળી ગયેલાં અવશેષો ઘટનાસ્થળની બાજુમાં આવેલી રબર ફૅક્ટરીમાંથી મળ્યાં હતાં.

કોર્ટમાં પોતાની જુબાનીમાં ઇમરાને જણાવ્યું હતું, ‘આશરે 5.30 (February 28, 2002ના રોજ) વાગ્યે તેઓ જ્યારે હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેમણે એક પોલીસ અધિકારીને પૂછ્યુ હતું કે ‘શું આ રસ્તો તેમના માટે સુરક્ષિત છે’, તેમણે કહ્યું હતું કે તે રસ્તો સુરક્ષિત છે.”

ઇમરાને વધુમાં તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે, “આશરે 6 વાગ્યાની આસપાસ લગભગ 15થી 20 લોકોના ટોળાએ તેમની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુસુફે ગાડી રોકી ન હતી, ત્યારબાદ ટોળું તેમની ગાડીની પાછળ દોડ્યું, પરંતુ ગાડી સુધી પહોંચી શક્યુ ન હતુંં. પરંતુ થોડે આગળ લગભગ 20 મોટરસાઇકલ પર સવાર લોકોએ ફરીથી તેમની કારને રોકવાનો પ્રયાસ કર્યો, યુસુફે રોડની બાજુથી ગાડી કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ રસ્તો બંધ હોવાથી તેમણે ગાડી રોકી દેવી પડી હતી.”

જોકે, કેસની વિગતો પ્રમાણે આ ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી, જેમાં યુસુફ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ઇમરાન અને બીજા લોકો પર હુમલો થયો હતો.

આ કેસમાં અનેક સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે, જેમાંથી અમુક લોકોએ પોતાની જુબાની ફેરવી દીધી છે.

પ્રવીણ પટેલ, જે આ કેસના એક સાક્ષી છે. તેમણે આ ઘટનાને દુરથી જોઇ હતી.

તેમણે તપાસ અધિકારીઓને જણાવ્યું હતું, “અમે જોયું કે ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી, જ્યારે બે લોકો ભાગી ગયા હતા, અને બીજા બે ઉપર હુમલો થયો હતો.”

પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ‘તેમણે જ્યારે એક પોલીસ જીપ ત્યાંથી પસાર થતા જોઇ ત્યારે તેમને આ ઘટનાની જાણ કરી હતી.’

ઘટનાસ્થળે પોલીસ પહોંચી ત્યારબાદ એક પોલીસ વાનમાં અસ્વર અને ઇમરાનને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

જોકે, બીજા બે લોકોની કોઇ ભાળ તે સમયે પોલીસને મળી ન હતી. હૉસ્પીટલમાં અસ્વરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટનાની ફરીયાદ 2002માં નોંધાઇ હતી, જેની તપાસ 2008માં SIT ને સોંપવામાં આવી હતી, જેણે 2009માં ચાર્જ ફ્રેમ કર્યા હતા, અને 2015માં નીચલી કોર્ટે તેનો ચુકાદો આપ્યો હતો. જેમાં છ આરોપીઓને તેણે નિર્દોષ છોડ્યા હતા.

બ્રિટિશ નાગરિકોનાં મૃત્યુ અને બ્રિટિશ દૂતાવાસ

ગોધરામાં ટ્રેનમાં આગ લગાવાઈ હતી ત્યાર પછી રમખાણ શરૂ થયાં હતાં

ઇમેજ સ્રોત, SEBASTIAN D’SOUZA/AFP via Getty Images

મરનાર સઇદ દાઉદના ભાઇ, બિલાલ દાઉદે બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર, મુંબઇ ખાતે આ ઘટનાની રજુઆત કરી હતી.

તે સમયના અધિકારી આયન રિક્સે, બિલાલ અને સ્થાનિક પોલીસ સાથે ગુનાના સ્થળની મુલાકાત લીધી હતી.

તેમની મુલાકાચ દરમિયાન તેઓ ‘ફ્લૅક્સિસ ગમ્મી હૉશ પ્રાઇવેટ લિમિટેડ’ નામની એક રબર ફૅક્ટરીમાં ગયા હતા, જે રોડથી 400 મીટર જેટલી દૂર હતી. આ ફૅક્ટરીમાં ‘તોફાની તત્ત્વો’એ આગ લગાવી દીધી હતી.

તેમને આ બળેલી ફૅક્ટરીમાંથી માનવીય અવશેષો મળ્યાં હતાં, આ નમૂનાઓને તેમણે ફોરેન્સીક સાઇન્સ લૅબોરેટરી, હૈદરાબાદમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં.

બ્રિટિશ દૂતાવાસે આ નમૂનાઓને બિલાલના લોહીના નમૂના સાથે ચકાસવા માટે બિલાલના લોહીનું સૅમ્પલ પણ લેવામાં આવ્યું હતું.

જોકે, ત્યારબાદ બ્રિટિશ હાઇકમિશનરની કચેરીને 24 માર્ચ, 2002ના રોજ એક બેનામી ફૅક્સ પણ મળ્યો હતો, જેમાં એક વ્યક્તિનું નામ અને તે વ્યક્તિ જ ટોળાની આગેવાની કરી રહ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ ફૅક્સને હાઇકમિશનરની કચેરીએ ગુજરાતના ડી.જી.પીને મોકલ્યો હતો, જે બાદ તપાસની ધમધમાટ શરુ થઇ હતી.

બચાવ પક્ષના વકીલ, વિજય એચ. પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, “એ બદનસીબીની વાત છે કે, પોલીસ સાચા આરોપીઓને પકડી નથી શકી. પોલીસ આ ફૅક્સ ક્યાંથી આવ્યો હતો, કોણે મોકલ્યો હતો, તેની પણ તપાસ કરી નથી શકી. જે ખરેખર સાચા આરોપીઓ સુધી પહોંચવામાં મદદરૂપ થઇ શકી હોત.”

તેમણે વધુમાં જણાવ્યું કે “સાચા આરોપીઓ મળ્યા નહીં, એટલે જે આગેવાનો હતા, જે સમાજના નાનાં મોટાં કામો સાથે સંકળાયેલા હતા, તેમનાં નામો લખીને તેમને આરોપી બનાવી દેવામાં આવ્યા હતા, એટલા માટે ન તો તેમની સામે કોઇ પુરાવા હતા, કે ન તેમની ઓળખ પણ થઇ શકી હતી.”

આ ગુનામાં મનોજ પટેલની પણ ધરપકડ થઇ હતી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મનોજ પટેલે કહ્યું, “2002 થી 2015, મારે દરેક પોલીસ સ્ટેશન અને કોર્ટની મુલાકાત લેવી પડી હતી. એક કે બીજી રીતે મને વારેઘડીએ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતો હતો. મારે છ મહીના જેલમાં વિતાવવા પડ્યા અને મારી ખેતીની જમીન પણ વેચી દેવી પડી છે.”

કયા આધારે આરોપીઓ નિર્દોષ છૂટ્યા?

2002નાં રમખાણો વખતે સુરક્ષાદળના એક કર્મચારીની તસવીર.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

સમાન્ય રીતે કોઇ પણ ગુનો બને તો ગુનાને નજરે જોનારા સાક્ષીને સામે શંકાસ્પદ લોકોને લાવવામાં આવે છે, તેમની ઓળખ કરાવવામાં આવે છે. આ ગુનામાં ફરીયાદી અને ઘટનાના સાક્ષી ઇમરાને, ધરપકડ કરાયેલા લોકોને ઓળખી બતાવવાના હતા. આ માટે તેમણે યુ.કે.થી વીડિયો કૉલ થી ઓળખ પરેડમાં ભાગ લીધો હતો.

જોકે, આ ઓળખ પરેડને નીચલી અદાલતે ઠોસ પુરાવા તરીકે નહોતી ગણી.

ઓળખ પરેડ દરમિયાન તેમણે ક્હયું હતું, “આ લોકો ટોળામાં હતા તેવા લાગે છે, અત્યારે 8 વર્ષ થઇ ગયા છે.”

આ કેસ સંદર્ભે બીબીસી ગુજરાતીએ ગુજરાત હાઇકોર્ટમાં ઇમરાનના વકીલ નાસીર સૈયદ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, તેમણે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

બચાવ પક્ષના વકીલની દલીલ હતી કે ફરીયાદ નોંધતા સમયે આરોપીઓની કોઇ વિગત એફ.આઇ.આરમાં નોંધવામાં આવી ન હતી.

બચાવ પક્ષના બીજા વકીલ રશ્મીન જાનીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે “કોઇ પણ આરોપીની ભૂમિકા પોલીસ પોતાની તપાસમાં નક્કી કરી શકી ન હતી. તેમણે શું કર્યું હતું? કેવી રીતે ગુનો આચર્યો હતો? તેવી કોઇ જ માહિતી પોલીસ પાસે ન હતી.”

આ કેસની તપાસ સમયે આરોપીઓના લાઈ-ડિટેક્શન ટેસ્ટ પર કરવામાં આવ્યા હતા.

જોકે, તેને પણ કોર્ટે ઠોસ પુરાવા તરીકે નહોતા ગણ્યા.

વસંત પટેલ નામના એફ.એસ.એલ અધિકારીએ તેમનો લાઈ-ડિટેક્શન ટેસ્ટ કર્યો હતો.

તેમણે તપાસકર્તાઓને જણાવ્યું હતું, “ટેસ્ટનાં પરિણામોમાં એવું જાણવા મળ્યું હતું કે મીઠાભાઇ અને રાકેશભાઇ ખોટું નહોતા બોલી રહ્યાં, જ્યારે ચંદુભાઇ અને કાલાભાઇ ખોટું બોલી રહ્યાં હતાં, જ્યારે મનોજભાઇ અને રમેશભાઇ પર ગુનો આચરવા માટે શંકા જઇ શકે છે તેવું લાગી રહ્યું હતું. જ્યારે કોર્ટે તેમને પૂછ્યું હતું કે આ લાઈ-ડિટેક્શન માટે પોલીસે કોર્ટની પરવાનગી લીધી હતી, તો તેનો જવાબ તેઓ આપી શક્યા ન હતા, અને જણાવ્યું હતું કે માત્ર આરોપીઓની મરજીથી આ લાઈ-ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS