Source : BBC NEWS

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
-
8 મે 2025, 15:54 IST
અપડેટેડ એક મિનિટ પહેલા
શનિવારે રાજકોટમાં રહેતી એક સગીરાએ રાજકોટ શહેર પોલીસને ફરિયાદ આપી કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામના રાજેશ ઉર્ફે અમિત ખૂંટ નામના યુવાને તેના પર કારમાં બળાત્કાર ગુજાર્યો છે.
પોલીસ અમિતની ધરપકડ કરે તે પહેલાં જ અમિતે સોમવારે તેની વાડી નજીક ગળે ફાંસો ખાઈ કથિત રીતે આત્મહત્યા કરી લીધી.
મામલો અહીં જ ન અટકતાં અમિતના પરિવારે પોલીસને ફરિયાદ કરી કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય માહિતપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાએ બે મહિલાઓ સાથે મળીને અમિતને હની ટ્રેપમાં ફસાવીને મરવા માટે મજબૂર કર્યા હતા.
બાદમાં અનિરુદ્ધસિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતાં પરિવારે અમિતની લાશ સ્વીકારવાની ના પડી દીધી. છેવટે પોલીસે આ કેસમાં નિષ્પક્ષ અને સઘન તપાસ કરવાની ખાતરી આપતાં પરિવારે મંગળવારે બપોરે અમિતની લાશ સ્વીકારી હતી.
ગોંડલ તાલુકામાં અનિરુદ્ધસિંહનું રીબડા ગ્રૂપ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું ગ્રૂપ એમ ક્ષત્રિયોનાં બે જૂથો વચ્ચે તાલુકામાં કથિતરીતે રાજકીય વર્ચસ્વ માટે લડત ચાલતી રહે છે.
લગભગ બે અઠવાડિયાં પૂર્વે કેટલાક પાટીદાર આગેવાનોએ જયરાજસિંહ અને તેમના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ પર “જનતા પર અત્યાચાર કરે છે” તેવા આક્ષેપ કર્યા હતા અને પાટીદાર નેતા વીનુ શિંગાળાની હત્યાનો મામલો ઉઠાવ્યો હતો. રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહ એક આરોપી હતા પરંતુ કોર્ટે પુરાવાના અભાવે તેમણે છોડી મૂક્યા હતા.
હવે અનિરુદ્ધસિંહ સામે પણ એક પાટીદારને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાનો ગુનો નોંધાતાં ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિયો, અને ક્ષત્રિયોનાં બે જૂથો વચ્ચે કથિત વર્ચસ્વ માટેનો સંઘર્ષ ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે.
અમિત ખૂંટ કોણ હતા?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
35 વર્ષીય અમિત ખૂંટ રીબડા ગામના એક ખેડૂત હતા.
ગોંડલ વિધાનસભા બેઠક પરથી 1990 અને 1995માં અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને ઊતરીને ધારાસભ્ય બનેલા મહિપતસિંહ જાડેજા પણ આ જ ગામના રહીશ હતા.
મહીપતસિંહના પુત્ર અનિરુદ્ધસિંહ અને અનિરુદ્ધસિંહના દીકરા રાજદીપસિંહ પણ આ જ ગામના રહેવાસી છે.
અમિત ખૂંટ એક પાટીદાર હતા અને પરિવારની ચાર એકર જમીન પર ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ગોંડલ તાલુકા પોલીસમથકે સોમવારે મોડી રાત્રે નોંધાયેલી ફરિયાદ અનુસાર અમિતના પરિવારમાં તેઓ પોતે, તેમનાં પત્ની અને નવ વર્ષના એક દીકરાનો સમાવેશ થતો હતો. અમિત આઠ ધોરણ સુધી ભણેલા હતા.
અમિત ખૂંટ આ પહેલાં પણ સમાચારમાં ચમક્યા હતા.
2022ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં તેનાં બે અઠવાડિયા બાદ અમિત ખૂંટે ગોંડલ તાલુકા પોલીસમથકમાં 22 ડિસેમ્બર 2022ના રોજ એક ફરિયાદ નોંધાવી હતી.
તેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે 21 ડિસેમ્બર 2022ના રોજ તેઓ જયારે તેમની વાડીએ કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે રાજદીપસિંહ અને અન્ય બે વ્યક્તિઓએ તેમને આંતરી, માર મારી, લમણે બંદૂક તાકી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ પછી જયારે એ દિવસે સાંજે તેઓ અને તેમના કાકા ઉમેશભાઈ ખૂંટ પોલીસ ફરિયાદ લખાવવા ગોંડલ જતા હતા ત્યારે અનિરૂદ્ધસિંહ અને અન્ય બે વ્યક્તિઓએ તેમને આંતરી, ગાળો દઈ ફરી વાર ધમકી આપીને કહ્યું હતું, “તમારી ગાડી પાછી વાળો નહીંતર બધાને અહીં જ પતાવી દઈશ અને તમને રીબડામાં રહેવા જેવા નહીં દઈએ.”

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
આ ઘટના પછી અમિત ખૂંટ જયરાજસિંહ જાડેજાના ગોંડલ શહેરમાં આવેલ રહેઠાણે જતા રહ્યા હતા અને ત્યાં પત્રકારોને તેમની પર કથિત હુમલાની વિગતો આપી હતી. આ ઘટના ગોંડલ વિધાનસભા બેઠક પરથી જયરાજસિંહનાં પત્ની ગીતાબા જાડેજાની જીત થઈ તેના પખવાડિયા પછી બની હતી. પોતાની ફરિયાદમાં અમિત ખૂંટે જણાવ્યું હતું કે, “આ બનાવનું કારણ એવું છે કે મારા કુટુંબીજનોએ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષને મત આપેલ હોઈ અને આ અનિરુદ્ધસિંહ જાડેજા કૉંગ્રેસ પક્ષ તરફે હોઈ જેથી તેનો રોષ રાખીને તેઓ તથા તેના પુત્રો તથા તેની સાથેના ઉપરોક્ત માણસોએ તેની ગાડીઓમાં હથિયારો લઈ આવી, મને રસ્તામાં રોકી, બંદૂક મારા લમણે મૂકી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.”
આ ઘટના પછી જયરાજસિંહે રીબડામાં એક જાહેર સભા કરી હતી અને તેમના વિરોધીઓને ચીમકી આપતાં કહ્યું હતું કે તેઓ પહેલાંનાં વર્ષોમાં હતા તે જ જયરાજસિંહ જાડેજા છે અને જરૂર પડશે તો તેમનું રહેઠાણ રીબડા ફેરવી નાખશે.
અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલના તત્કાલીન ધારાસભ્ય અને કૉંગ્રેસના નેતા પોપટ સોરઠિયાની 1988માં થયેલ હત્યાના કેસમાં કોર્ટે 1997માં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. વર્ષ 2000ની સાલથી શરૂ કરીને અનિરુદ્ધસિંહે લગભગ બે દાયકા જેલમાં કાઢ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેમની સજા માફ થતાં તેમનો છુટકારો થયો હતો.
જોકે, અમિત ખૂંટના મોટા ભાઈ મનીષ ખૂંટની ફરિયાદના આધારે સોમવારે ગોંડલ તાલુકા પોલીસમથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવાયું છે કે અમિત ખૂંટે જયરાજસિંહની સજામાફી વિરુદ્ધ અરજી કરેલ અને તેનો ખાર અનિરુદ્ધસિંહે રાખ્યો હતો.
સોરઠિયા પણ પાટીદાર સમાજના અગ્રણી હતા અને તેમની હત્યા થયા બાદ મહિપતસિંહ ચૂંટણી જીતી ગયા હતા. પરંતુ કથિતપણે જયરાજસિંહે પણ એક માથાભારે વ્યક્તિની ઓળખ ઊભી કરી.
બળાત્કારનો ગુનો નોંધાયા બાદ બીજા દિવસે ‘આત્મહત્યા’

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
શનિવારે 16 વર્ષની એક સગીરાએ રાજકોટ શહેરના એક પોલીસમથકે ફરિયાદ આપી કે તેઓ અમિત ખૂંટ સાથે દસેક દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યાં હતાં.
સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મૉડેલિંગ કરે છે અને પરિચય બાદ શુક્રવારે અમિતે રાજકોટ શહેરના એક સ્થળે તેને મળવા બોલાવ્યાં હતાં. તેઓ ત્યાં ગયાં પણ હતાં. બંનેએ જ્યૂસ પીધા બાદ અમિતે તેમને તેમની ગાડીમાં બેસાડી રાજકોટ શહેરની ભાગોળે લઈ જઈ કારમાં જ તેમના પર બળાત્કાર કર્યો હતો.
સગીરાની ફરિયાદના આધારે પોલીસે 3 મે 2025ના રોજ અમિત વિરુદ્ધ એક એફઆઇઆર નોંધી હતી અને તપાસ શરૂ કરી હતી.
જોકે, પોલીસ ફરિયાદ નોંધાયાના બે દિવસ બાદ અમિત રીબડા ગામે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ કહે છે કે પ્રાથમિક રીતે જણાય છે કે અમિતે આત્મહત્યા કરી હતી.
અમિતે કથિત સ્યૂસાઇડ નોટમાં શું આક્ષેપ કર્યા?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
રાજકોટ ગ્રામ્ય પોલીસના પોલીસ અધીક્ષક હિમકરસિંહે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે પોલીસને અમિતે પહેરેલાં કપડાંના ખિસ્સામાંથી ચાર અલગ અલગ પાનાંમાં લખાયેલ એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે.
હિમકરસિંહે કહ્યું, “અમે આ સ્યૂસાઇડ નોટ અમિત ખૂંટ દ્વારા જ લખાઈ છે કે નહીં તેની ખરાઈ કરવા આ નોટને એફએસએલમાં મોકલીશું અને તેના અક્ષર અને સ્યૂસાઇડ નોટના અક્ષર મળે છે કે નહીં તેના આધારે તેની ખરાઈ કરીશું.”
કથિત સ્યૂસાઇડ નોટમાં અમિત ખૂંટે જણાવ્યું છે કે ચાર છોકરીઓ, અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું એક ગ્રૂપ છે અને આ ગ્રૂપે તેમને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. કારણ કે, તેમણે અનિરુદ્ધસિંહ અને તેમના પુત્રો વિરુદ્ધ હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. અમિત ખૂંટે વધારે આક્ષેપ કરતાં આ કથિત સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે: “અનિરૂદ્ધસિંહ મહીપતસિંહે અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે (મને) બદનામ કરવામાં કોઈ કસર નથી છોડી. એટલે આવી બદનામી જિંદગી મારે નથી જીવવી, જેથી કરીને હું અને મારો પરિવાર ગામમાં ઊંચું ઉપાડીને ગામમાં નો નીકળી (શકીએ)…”
અનિરુદ્ધસિંહે શો જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
અમિત ખૂંટની કથિત આત્મહત્યા અને તેની કથિત સ્યૂસાઇડ નોટમાં થયેલા આક્ષેપો જાહેર થતાં અનિરુદ્ધસિંહે સોમવારે સાંજે એક વીડિયો નિવેદન આપી તેમની સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનો દાવો કર્યો હતો.
તેમણે કહ્યું, “અમિત ખૂંટ નામની વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને તેની વાડીએ આપધાત કર્યો છે, તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે એ બાબતે હું કે મારો પરિવાર ક્યાંય સામેલ નથી. મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારાં બાળકોના ત્રાસથી તેને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો તેવી કોઈ વાત નથી. રહી વાત બળાત્કારની અને પોક્સોની, તો જે મહિલાએ કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી છે તે હયાત જ છે. તે પોલીસ તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરે. મેં, કે મારાં બાળકોએ કે મારા મિત્રો જો એમાં ક્યાંય સામેલ હોય અને અમારું ક્યાંય નામ આવે તો હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું.”
સાથે જ અનિરુદ્ધસિંહે જયરાજસિંહ તરફ અંગુલિનિર્દેશ કર્યો.
તેમણે આરોપ લગાવતાં કહ્યું, “આ આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું. તે અમને, મારા પરિવારને યેનકેન પ્રકારે હેરાન કરવા માટેનું એક કાવતરું છે. કારણ કે જે સ્યૂસાઇડ નોટ મળી આવેલ છે મરનારની, એમાં ઘણાં બધાં ચેડાં કરવામાં આવેલ છે, ઘણાં બધાં પાનાંમાં ફેરફાર કરેલ છે…”

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
પોલીસે શું કાર્યવાહી કરી છે?
અમિત ખૂંટના મોટા ભાઈ મનીષ ખૂંટની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસસ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, અમિત ખૂંટ સામે બળાત્કારની ફરિયાદ કરનાર સગીરા અને તેમની સાથે રહેતાં એક મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો 108 (આત્મહત્યાની દુષ્પ્રેરણા), 61(2) (ગુનાહિત કાવતરામાં ભાગીદારી) અને 54 (ગેરકાયદેસરના કૃત્ય વખતે ગેરહાજર વ્યક્તિ તેવા કૃત્યને પ્રોત્સાહન આપેલ હોય તો તે પણ તેવા કૃત્યની ગુનેગાર ગણાશે) હેઠળ ગુનો નોંધ્યો છે.
હિમકરસિંહે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “અમે ફરિયાદમાં કહેવામાં આવેલ હકીકતોની ખરાઈ કરી રહ્યા છીએ.”
તેમણે વધુમાં જણાવ્યું કે 2022માં અનિરુદ્ધસિંહ અને તેના દીકરા વિરુદ્ધ અમિત ખૂંટે કરેલ ફરિયાદના આધારે નોંધાયેલ મારામારી અને ધમકીના કેસમાં પોલીસે કોર્ટમાં આરોપનામું (ચાર્જશીટ) રજૂ કરી દીધું છે.
અમિત વિરુદ્ધ કોઈ કાવતરું રચાયું હતું?
દરમિયાન, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અમરસંગ પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તપાસ દરમિયાન પોલીસને હની ટ્રેપનું કાવતરું રચાયું હોવાના પુરાવા મળતાં દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરા, તેમનાં બહેનપણી પૂજા રાજગોર, રાજકોટના વકીલ સંજય પંડીત અને ગોંડલના વકીલ દિનેશ પાતારની ધરપકડ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું, “સગીરા અને પૂજા રાજગોરની પૂછપરછ દરમિયાન એવી હકીકત સામે આવી કે પૂજા રાજગોરના એક ઓળખીતાએ પૂજા રાજગોરને જણાવ્યું કે અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવવાનો છે અને બદલામાં તેમને નોકરી, પૈસા વગેરે મળશે. તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે પંડિત અને પાતર તેમને આ કામમાં મદદ કરશે અને સાથે રહેશે. તેથી, પ્લાન મુજબ સગીરા ઇન્સ્ટાગ્રામ મારફત અમિત ખૂંટના સંપર્કમાં આવી અને બંને મળ્યાં અને શરીર સંબંધ બાંધ્યો. પ્લાન મુજબ જ શરીર સંબંધ બંધાયા બાદ સગીરા સીધી રાજકોટ સિવિલ હૉસ્પિટલ પહોંચી ગઈ અને તેના પર બળાત્કાર થયાની ફરિયાદ કરી. પાતર પણ તેની સાથે હૉસ્પિટલ ગયો હતો. ત્યાર બાદ પંડિત સગીરા સાથે બળાત્કારની ફરિયાદ નોંધાવવા ગયા.”
પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર આ કેસના તપાસ અધિકારી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે પૂજા અને સગીરાની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી જયારે પંડિત અને પાતરની બુધવારે ધરપકડ કરાઈ હતી.
આ વિશે વિગતો આપતાં તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “બુધવારે અમે બાળ અપરાધીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરતાં બોર્ડે તેને રિમાન્ડ હોમમાં મોકલી આપી. તે સાથે જ અમે રાજગોરને પણ કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમે પંડિત અને પાતરને ગુરુવારે કોર્ટમાં રજૂ કરીશું અને તેમના રિમાન્ડ માંગીશું,”
પરમારે કહ્યું કે “પૂજા રાજગોરને હની ટ્રેપ ગોઠવવાની સૂચના આપનાર વ્યક્તિ વિશે તપાસ થઇ રહી છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS