Source : BBC NEWS

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
20 એપ્રિલના રોજ સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગોંડલ વિધાનસભા બેઠક, પાટીદાર એકતા અને ક્ષત્રિયોના વર્ચસ્વ વિશે નિવેદન કરવામાં આવે છે.
બેઠકમાં પાટીદાર સમાજનાં યુવા અગ્રણી જિગીષા પટેલે વીનુ શીંગાળાને ‘છોટે સરદાર’ ગણાવે છે અને તેમણે ગોંડલ પર રાજ કરનારા લોકોને જનતા પર અત્યાચાર કરનારા લોકો ગણાવ્યા હતા.
તેમણે કથિતપણે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું હતું કે ‘આવા લોકોની સામે બંડ પોકારનાર’ વીનુ શીંગાળાનું એક પૂતળું તેમના વતન એવા ગોંડલ તાલુકાના દડવા ગામે સ્થાપવામાં આવશે.
સુરતની આ મીટિંગમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના અલ્પેશ કથીરિયા પણ હાજર હતા. જિગીષા પટેલે વીનુ શિંગાળાની જન્મતિથિ એટલે કે સાત એપ્રિલને ‘પ્રતિશોધ દિવસ’ એટલે કે બદલાના દિવસ તરીકે ઉજવવાની પણ હાકલ કરી.
સુરતની એ મીટિંગના ત્રણ દિવસ બાદ ગોંડલના સુલતાનપુર ગામે એક ‘જન આક્રોશ સભા’ને સંબોધન કરતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશે અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ, વરુણ પટેલ જેવા અનામત આંદોલનના નેતાઓ તથા મેહુલ બોઘરા જેવા ગોંડલના અગ્રણીને ‘વિઘ્નસંતોષી ટોળકી’ ગણાવ્યા હતા અને તેમની સામે નારેબાજી કરી હતી.
ગણેશે આ લોકોને ગોંડલ આવી બતાવવાનો પડકાર ફેંક્યો હતો.
તેના જવાબમાં 27 એપ્રિલ, 2025ના રોજ સુરતથી અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા તેમ જ અમદાવાદથી જિગીષા પટેલ સહિતના લોકો ગોંડલ ગયા હતા. તેમના કાફલા પર ગણેશના કથિત સમર્થકોએ વિરોધ કરીને હુમલો કર્યો અને મોટરકારના કાચ તોડી નાખ્યા હતા.
સામે પક્ષે એવા આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ કે કથીરિયાના કથિત સમર્થકોએ ગણેશના સમર્થકો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો. બંને પક્ષોએ આ મતલબની પોલીસ ફરિયાદો નોંધાવી છે.
તાજેતરમાં બનેલી આ ઘટનાઓથી ગોંડલનો ઇતિહાસ લોકોને ફરી તાજો થયો છે.
બે દાયકા પૂર્વે થયેલી હત્યાઓ કેમ ચર્ચામાં છે?

ગોંડલના રાજવી પરિવારના સભ્ય એવા ગુણાદિત્યસિંહ જાડેજાની માલિકીની એવી રાજવાડી તરીકે જાણીતી 114 વીઘા જમીનના વેચાણ બાદ તેની માલિકીના ઝઘડામાં વિક્રમસિંહ રાણા નામના ક્ષત્રિયની 13 મે, 2003ના રોજ હત્યા થઈ હતી.
આ હત્યામાં રાજકોટ જિલ્લાના તે વખતના યુવા ભાજપ મોરચાના પ્રમુખ વીનુ શિંગાળા, તેમના માસિયાઈ ભાઈ રામજી મારકણા સહિત પંદર લોકોનાં નામ આરોપી તરીકે ઊછળ્યાં હતાં અને તેમની ધરપકડો થઈ હતી.
પરંતુ વિક્રમસિંહની હત્યાના નવ મહિના બાદ જ વીનુ શિંગાળાના સમર્થક નિલેશ રૈયાણીની આઠમી ફેબ્રુઆરી, 2004ના રોજ ગોંડલ શહેરમાં સરાજાહેર ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી.
આ હત્યાના સંદર્ભમાં ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ, વિક્રમસિંહના ભાઈ મહેન્દ્રસિંહ ઉર્ફે ભગત સહિત 16 લોકોનાં નામ આરોપી તરીકે સામે આવ્યાં.
રૈયાણીની હત્યાના એક મહિના પછી 19 માર્ચ, 2004ના રોજ જામીન પર છૂટેલા શિંગાળાની પણ તેમના રાજકોટ નિવાસે ગોળીઓ ધરબીને હત્યા કરવામાં આવી હતી. તેમાં પણ જયરાજસિંહ, નરેન્દ્રસિંહ સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
સેશન્સ કોર્ટે જયરાજસિંહને 2009માં શિંગાળા કેસમાં અને 2010માં રૈયાણી કેસમાં નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
શિંગાળા કેસમાં સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ કરવામાં આવી હતી, તેનો 2013માં ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે જયરાજસિંહને છોડી મૂકતો ચુકાદો આપ્યો. પરંતુ રૈયાણી કેસમાં થયેલી અપીલનો ચુકાદો આપતા હાઇકોર્ટે 11 ઑગસ્ટ, 2017ના રોજ જયરાજસિંહને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
તે વખતે જયરાજસિંહ ધારાસભ્ય તરીકે ત્રીજીવાર ચૂંટાયેલા હતા.
હાઇકોર્ટના ચુકાદા સામે જયરાજસિંહ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટના ચુકાદા પર સ્ટેની દાદ માંગી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ તત્કાળ રાહત ન મળતા 28 સપ્ટેમ્બર, 2017ના રોજ તેમને જેલમાં જવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેમને 5 ઑક્ટોબર, 2017ના રોજ જામીન આપ્યા અને તેઓ જેલની બહાર આવ્યા.
વીનુ શિંગાળા કોણ હતા?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
વીનુ શિંગાળા ગોંડલના દડવા ગામના વતની હતા અને વ્યવસાયે સિવિલ કૉન્ટ્રૅક્ટર હતા.
શિંગાળા સાથે કામ કરી ચૂકેલા ભાજપના એક સિનિયર આગેવાને બીબીસીને જણાવ્યું, “તેઓ AA (ડબલ ‘એ’) કૅટેગરીના કૉન્ટ્રૅક્ટર હતા અને તેથી સરકારના મોટા મોટા કૉન્ટ્રૅક્ટ તેમને મળતા હતા. પરંતુ તેમની રાજકીય મહેચ્છાઓ પણ હતી અને તેથી તેઓ ભાજપના સંગઠનનું પણ ઘણું કામ કરતા હતા. રાજકોટ જિલ્લાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ ઘણું કામ કર્યું હતું.”
1969માં જન્મેલ વીનુ શિંગાળા તેમના પરિવાર સાથે રાજકોટમાં રહેતા હતા.
ભાજપના એક પ્રદેશ નેતાએ તેમની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે, ” ગોંડલ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડવાની તેમની મહત્ત્વાકાંક્ષા હતી.”
“તેથી તેમણે ગોંડલમાં લોકોને હળવા-મળવાનું વધારી દીધું હતું અને તેમનું નેટવર્ક બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ માટે ટિકિટ પણ માંગી હતી પરંતુ ભાજપે તેમની માંગણી ન સ્વીકારી અને જયરાજસિંહને જ બીજી વાર ઉમેદવાર બનાવ્યા.”
“તેવામાં વિક્રમસિંહ રાણાનું મર્ડર થયું. ત્યાર બાદ વીનુ શિંગાળાએ રાજકીય ગોઠવણો કરવા માંડી. તેથી, જયરાજસિંહને પણ એમ લાગ્યું કે તેમને કોઈ પડકાર ફેંકી રહ્યું છે.”
હત્યાઓના ઘટનાક્રમમાં શિંગાળાનો જીવ કેવી રીતે ગયો?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
વિક્રમસિંહ રાણા હત્યા કેસમાં ગોંડલના ચોથા અધિક સેશન્સ જજની કોર્ટે 28 માર્ચ, 2019ના રોજ ચુકાદો આપ્યો અને તેમાં રામજી મારકણા અને હરેશ ચોથાણીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા કરી જયારે અન્યોને પુરાવાના અભાવે છોડી મૂક્યા.
ચુકાદા મુજબ વિક્રમસિંહ તેમનાં બહેનનાં નણંદ એવાં રાજેશ્રી જાડેજાને ગોંડલમાં આવેલા રાજ્ય અનામત પોલીસ(એસઆરપી)દળના કૅમ્પ ખાતે મૂકવા જતા હતા ત્યારે આરોપીઓએ તેમની કારને ગોંડલ શહેરમાં આંતરી, રાજેશ્રી જાડેજાને ઈજા પહોંચાડી, તેમને કારમાંથી ઉતારી દઈને વિક્રમસિંહનું કાર સાથે અપહરણ કરી લીધું હતું.
ત્યાર પછી, તેમને અણીદાર હથિયારો અને ધોકા વડે માર મારી, તેમની હત્યા કરી ગોંડલ શહેરની ભાગોળે તેમની લાશ અને કારને ફેંકી દેવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન રાજેશ્રી જાડેજાએ ચોથાણી અને મારકણાને ઓળખી બતાવ્યા હતા.
સેશન્સ કોર્ટના ચુકાદામાં જણાવાયા મુજબ વિક્રમસિંહે રાજવાડીની જમીન ગુણાદિત્યસિંહ જાડેજા પાસેથી ખરીદી હોવાનો દાવો હતો. ચુકાદાના પાના નંબર 90 પર ટાંકવામાં આવ્યું છે કે રાજવાડીની વિવિધ સર્વે નંબર ધરાવતી જમીનોમાં 1997-98ના વર્ષમાં વિક્રમસિંહનું નામ દાખલ થયું હતું. ત્યારબાદ 2001માં વિક્રમસિંહે જમીન બાબતે એક દીવાની કેસ દાખલ કરી રાજવાડીની જમીનમાં ગુણાદિત્યસિંહ કે તેના માણસો પ્રવેશે નહીં અને તેમની પાસેથી તે જમીનનો કબ્જો પડાવી ન લે તેવો હુકમ મેળવવા કોર્ટની દાદ માંગી હતી.
પરંતુ, આ જમીનની માલિકી બાબતે તકરાર ચાલતી હતી. નિલેશ રૈયાણી કેસમાં ગુજરાત હાઇકોર્ટે 11 ઑગસ્ટ, 2017ના રોજ આપેલા ચુકાદામાં પાના નંબર સાત પર રામજી મારકણાના એવા દાવાનો ઉલ્લેખ છે કે વીનુ શિંગાળાએ પણ આ જમીન ગુણાદિત્યસિંહ પાસેથી ખરીદી હતી. આ જમીનના રેકૉર્ડ્સમાં શિંગાળાનું નામ પણ બોલાતું હતું હતું તેવો ઉલ્લેખ વિક્રમસિંહ હત્યા કેસના ચુકાદાના પાના નંબર 90 પર છે.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
શિંગાળાએ રાજવાડીની જમીન ખરીદ્યા બાદ તેમના માસિયાઈ ભાઈ રામજી મારકણાએ તે જમીનમાં ખેતીનો વહીવટ સંભાળેલો હતો. રાજકારણમાં આવ્યા પહેલાં જયરાજસિંહ શક્તિ ગ્રૂપ નામનું એક ગ્રૂપ ચલાવતા હતા અને વિક્રમસિંહ પણ ઘણા સમય સુધી તેના સભ્ય હતા.
આ ગ્રૂપ જયારે ખૂબ મજબૂત જણાતું હતું ત્યારે 1990ના દાયકાની શરૂઆતમાં જયરાજસિંહ સામે ગોંડલમાં એક જાદુગરના શોના એક ચોકીદારની હત્યા કર્યાના આક્ષેપ થયા હતા.
ત્યાર બાદ જયરાજસિંહ અને વિક્રમસિંહના નામ ગોંડલના પોલીસ સબ ઇન્સપેક્ટર લક્ષ્મણ ચાવડાની હત્યાના કેસમાં પણ ઊછળ્યાં હતાં.
વિક્રમસિંહની હત્યા બાદ વીનુ શિંગાળા પોતાની જાતને ગોંડલમાં પાટીદાર આગેવાન તરીકે પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કરતા રહ્યા અને રામજી મારકણા તેમાં સાથ પુરાવતા રહ્યા. રૈયાણી મર્ડર કેસમાં હાઇકોર્ટના ચુકાદામાં ટાંકવામાં આવ્યું છે કે 8 ફેબ્રુઆરી,2004ના રોજ ગોંડલમાં પટેલ કન્યા છાત્રાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને તેમાં જયરાજસિંહને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તેથી, મારકણાએ છાત્રાલયના પ્રમુખ વિઠ્ઠલ ધડૂકને તે દિવસે ફોન કરીને કહ્યું કે એક પાટીદાર હોવા છતાં કાર્યક્રમમાં હાજર રહેવા તેમને આમંત્રણ નહોતું અપાયું જયારે જયરાજસિંહ એક ક્ષત્રિય હોવા છતાં તેમને બોલાવાયા હતા.
મારકણાએ ધડૂકને જણાવી દીધું કે તે તો કાર્યક્રમમાં હાજર રહેશે જ. પરંતુ પ્રમુખે તેમને તેમ ન કરવા સમજાવ્યા અને દરવાજેથી જ પાછા વાળ્યા. કાર્યક્રમના સ્થળના દરવાજેથી મારકણા, રૈયાણી અને જયેશ ઉર્ફે પાંચા સાટોડીયા મારકણાની મલ્ટીયુટીલીટી વિહિકલ જીપમાં બેસી રાજવાડી તરફ જવા નીકળ્યા. પરંતુ, થોડે દૂર મોંઘીબા શાળા પાસે જયરાજસિંહ અને અન્ય આરોપીઓએ તેમને આંતર્યા અને ગોળીબાર કર્યો.
તેમાં રૈયાણીનું મૃત્યુ થયું અને મારકણાને પગે ફ્રેક્ચર થઈ ગયું. આ ઘટના બાદ મારકણા શિંગાળાના ઘરે રાજકોટ રહેવા જતા રહ્યા હતા.
પરંતુ, 19 માર્ચ, 2004ના રોજ શિંગાળા તેમના બંગલાના બગીચામાં સવારે છાપું વાંચતા હતા ત્યારે જયરાજસિંહના માસિયાઈ ભાઈ વિરમદેવસિંહ જાડેજાએ દીવાલ ટપી બગીચામાં ધસી આવી શિંગાળા પર ગોળીબાર કરી તેમની હત્યા કરી હતી. આ નોંધ ગુજરાત હાઇકોર્ટે તેના 24 ડિસેમ્બર,2013ના ચુકાદામાં કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS