Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાગ્યશ્રી રાઉત
- પદ, બીબીસી મરાઠી માટે
-
24 મે 2025, 21:07 IST
અપડેટેડ 39 મિનિટ પહેલા
નાગપુર શહેરમાં પોલીસે એક હોર્સ રાઇડિંગ ઍકેડમીમાં ઘોડી સાથે સેક્સ કરવા બાબતની ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યો છે.
આ ફરિયાદ નાગપુરના ગિટ્ટીખદાન પોલીસ સ્ટેશનમાં ગત 18 મે (ગુરુવાર)ના રોજ નોંધાઈ હતી.
પોલીસે જણાવ્યું કે તેમને એક 30 વર્ષની વ્યક્તિએ ઘોડી સાથે સેક્સ માણ્યો હોવાની ફરિયાદ મળી છે, અને તેઓ આરોપીને શોધી રહ્યા છે.
સમગ્ર મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલામાં નાગપુરના પ્રમોદ સંપત લાડવે (31)એ ફરિયાદ નોંધાવી છે.
તેઓ નાગપુરમાં ટીવી ટાવર બાલાજી ટેમ્પલની પાસે એક હોર્સ રાઇડિંગ ઍકેડેમી ચલાવે છે. તેમની ઍકેડેમીમાં તેમની પાસે કુલ 17 ઘોડા છે. જે પૈકી નવ નર છે અને આઠ માદા.
તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની ઍકેડેમીના ગાર્ડ રુસ્તમે 17 મેના રોજ રાત્રે 11 વાગ્યાને 30 મિનિટે તેમને ફોન કર્યો હતો.
સિક્યૉરિટી ગાર્ડે તેમને કહ્યું કે 30 વર્ષીય સૂરજ ઉર્ફે ચોટ્ટો ખોબ્રાગડે ઍકેડેમીમાં ચોરી કરીને નાસી છૂટ્યા છે.
બીજા દિવસે 18 મેના રોજ પ્રમોદ લાડવેએ તેમની ઍકેડેમીમાંથી શું શું ચોરાયું એ જાણવા માટે સીસીટીવી ફૂટેજ જોયા.
તેમની ફરિયાદમાં તેમણે કહ્યું છે કે સૂરજ ખોબ્રાગડેએ ઍકેડેમીમાંથી બે હજાર રૂપિયાની કિંમતની લોખંડની ચાર ઍંગલ ચોરી હતી અને પછી નાસી છૂટ્યા હતા.
ઘોડી સાથે સેક્સ

ઇમેજ સ્રોત, Getty Images
ચોરી સિવાય ફરિયાદી પ્રમોદ લાડવેએ સૂરજ સામે વધુ એક ગંભીર આરોપ પણ મૂક્યો હતો.
આ આરોપો અનુસાર, પ્રમોદે કહ્યું કે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે સૂરજે તેમની ઍકેડેમીની ઈરા નામની ઘોડી સાથે બળજબરીથી સેક્સ કર્યું હતું.
એફઆઈઆર પ્રમાણે આરોપીએ ઘોડીને શારીરિક યાતના આપી અને ક્રૂર વર્તન કર્યું હતું.
ભારતીય દંડ સંહિતા, 2023ની કલમ 303(2) અને પ્રાણી સામે ક્રૂરતા નિવારણ કાયદા, 1960ના સેક્શન 11 (1) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
બીબીસી મરાઠીએ પ્રમોદ લાડવેનો સંપર્ક સાધ્યો.
તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “આરોપી યુવક માનવતાનગરમાં રહે છે. મેં તેને સીસીટીવીમાં આ કૃત્ય કરતા જોયો છે.”
“એ અહીં કામ નહોતો કરતો, પરંતુ સોશિયલ મીડિયા પર એવું ફેલાવાઈ રહ્યું છે કે તે અહીં કામ કરતો હતો. જોકે, એ વાતનો મુદ્દો નથી. આના કારણે મારી ઍકેડેમીની અકારણ બદનામી થઈ છે. તેને સજા અપાવવા માટે પોલીસ ફરિયાદ કરાઈ છે. જોકે, હજુ સુધી તેની ધરપકડ નથી થઈ.”
નાગપુર પોલીસે શું કહ્યું?
ગિટ્ટીખદાન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી ચેતન બોરખેડેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “સેક્શન 11એ અંતર્ગત આ મામલામાં ગુનો દાખલ કર્યો છે. 18 મેના રોજ ફરિયાદ દાખલ કરાઈ હતી. જોકે, હજુ સુધી આરોપીની ધરપકડ નથી કરાઈ.”
તેમણે માહિતી આપતાં કહ્યું કે, “અમે આરોપીને શોધી રહ્યા છીએ.”
2022માં પણ પુણે પોલીસે જ્યારે એક કૂતરા સાથે સૃષ્ટિ વિરુદ્ધની ક્રૂરતા આચરવામાં આવી હતી ત્યારે ગુનો દાખલ કર્યો હતો.
એ પહેલાં પૂર્વ મહારાષ્ટ્રના ચંડોલી જંગલ વિસ્તારમાં એક મૉનિટર ગરોળી સાથે રેપનો મામલો સામે આવ્યો હતો.
પ્રાણીઓના અધિકારી માટેના કાયદા કયા છે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં શરૂઆતમાં 1912ના વન્યપ્રાણીઓ અને પક્ષીઓ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. પછી 1912માં ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઘડાયો હતો. પાલતુ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદો 1960માં ઘડવામાં આવ્યો હતો.
પરંતુ પ્રાણી અધિકાર કાર્યકરો કહે છે કે પ્રાણીઓ સામે ક્રૂરતા માટે કાયદામાં કોઈ કડક જોગવાઈઓ નથી.
પશુઓના શિકાર અથવા ક્રૂરતાના અભ્યાસુ અને તેની સામે લડત ચલાવતા વકીલ બસવરાજ હોસાગૌડર કહે છે કે, “માનવોની ક્રૂરતાને ધ્યાનમાં લેવામાં આવે છે. જોકે પોલીસ અથવા વનવિભાગે પશુઓ પ્રત્યે ક્રૂરતા સામે પગલાં લેવામાં થતો વિલંબ એ એક મોટી સમસ્યા છે.
તેમણે કહ્યું કે આના માટે એક લડાઈ લડવી પડશે.
પાલતુ પ્રાણીઓ સંબંધિત કાયદામાં ખૂબજ ઓછી સજા અને દંડની જોગવાઈ છે. પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ, 1960 મુજબ, પાલતુ પ્રાણીને મારવા અથવા ત્રાસ આપવા બદલ માત્ર ત્રણ જ મહિનાની જેલ અને 50 રૂપિયા દંગની જોગવાઈ છે.
વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ કાયદામાં ત્રણથી સાત વર્ષની જેલ અને 25 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં આમાં કોઈ ફેરફાર થયો નથી.
વકીલ બસવરાજ હોસાગૌડર કહે છે કે, “સમયના અનુરૂપ આ સંદર્ભમાં સજા અને દંડ વધારવાની જરૂર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પશુ પ્રત્યે ક્રૂરતાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કાયદામાં ફેરબદલની જરૂર છે.”
“દેશભરની બિનસરકારી સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે. અને ભારતીય પશુ કલ્યાણ બોર્ડ પણ આ બાબતે ફૉલોઅપ લઈ રહ્યું છે. “
સરકાર સમક્ષ કરવામાં આવેલી માંગ મુજબ, વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સજાની મુદત 10થી 14 વર્ષ હોવી જોઈએ. હોસાગૌડર એમ પણ કહે છે કે દંડ 50 હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવો જોઈએ.
આટલાં વર્ષોમાં કાયદામાં કોઈ ફેરબદલ નથી થયો. ઓછી સજા અને થોડા દંડને કારણે લોકોમાં કાયદાનો ડર નથી. જેને લીધે પશુઓ પ્રત્યે ક્રૂરતાના બનાવો વારંવાર બનતા રહે છે. પશુ કાર્યકરો કહે છે કે આને રોકવા માટે કાયદા કડક કરવા અને કડક સજાની જોગવાઈ કરવી એ સમયની માંગ છે.
( બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન )
SOURCE : BBC NEWS