Source : BBC NEWS

“એક દિવસ હું ગામના ચોરે બેઠો હતો. ત્યાં કેટલાંક બાળકો તેમના મોબાઇલમાં જુગાર રમી રહ્યાં હતાં. જો તમે 36 આંકડામાંથી કોઈ એક આંકડો મૂકો, તો તમને એક રૂપિયાના બદલે 36 રૂપિયા મળે. દસ રૂપિયાના બદલે 360 રૂપિયા મળે અને 100 રૂપિયાના બદલે 3,600 રૂપિયા મળે.”
“આ છોકરાઓને જોઈને મેં પણ નીતિન પાટમસ નામના એજન્ટ પાસેથી પાંચ હજાર રૂપિયાના બૅલેન્સ સાથે ઍપ્લિકેશનના આઇડી-પાસવર્ડ મેળવ્યા. પરંતુ અમે એમાંથી કંઈ ન જીત્યા. નીતિને મને વધુ બૅલેન્સ બનાવવા અને વધુ પૈસા સાથે રમવાનું કહ્યું, જેમાં મેં 90 લાખ રૂ. ગુમાવ્યા.”
મહારાષ્ટ્રના સોલાપુરના ખુર્દવાડી તાલુકાના લૌલ ગામના 27 વર્ષીય યુવાન બાલાજી ખરેએ ઉપરોક્ત વાત જણાવી હતી.
બાલાજી અને તેમના બે ભાઈઓ તેમના વારસાગત ખેત અને ડેરી ફાર્મ સંભાળતા હતા. તેમણે 12 એકર જમીનમાંથી ત્રણ એકર જમીન વેચી નાખી, કારણ કે તેની સારી કિંમત મળી રહી હતી. તેમણે આ પૈસા એવી આશામાં બૅન્કમાં મૂકી રાખ્યા હતા કે જો ઘરની નજીક તેમને યોગ્ય કિંમતે ખેતર મળશે તો તેઓ ખરીદી લેશે.
એજન્ટને આપ્યા 82 લાખ રૂપિયા

ખરેએ બીબીસીને જણાવ્યું કે, “હું વધારાના પૈસા સાથે રમ્યો, પરંતુ એનાથી કામ ન થયું. તેથી મેં વધુ બૅલેન્સ રાખવાનું શરૂ કર્યું, જેથી હું અગાઉ થયેલા નુકસાનને કવર કરી શકું.”
“હું બૅન્કમાં પૈસા આવે એ આશાએ આખી આખી રાત લાખો રૂ.ના બૅલેન્સ સાથે જુગાર રમતો.”
બાલાજીએ કહ્યું, “આ દરમિયાન નીતિન પાટમસ, વૈભવ સુતર અને રણજિત સુતરે મને વધારાના પૈસા નાખવા કહ્યું. પૈસા પાછા આવી જશે એવી આશાએ મેં મારા બૅન્ક ખાતામાં પડેલાં નાણાં, સોનું ગીરો મૂકીને મેળવેલી રકમ અને ટ્રૅક્ટર પર લોન લઈને આ એજન્ટને 82 લાખ રૂ. આપી દીધા. પરંતુ આમાંથી કંઈ પણ ન આવ્યું.”
બાદમાં તેઓ પોલીસ પાસે ગયા અને નીતિન પાટમસ, વૈભવ સુતર અને રણજિત સુતર સામે ફરિયાદ નોંધાવી દીધી.
બાલાજીની ફરિયાદને આધારે, પોલીસ ભારતીય દંડ સંહિતાની કલમ 420, 465, 467, 468, 471, 120બી અને 34 અંતર્ગત કેસ દાખલ કર્યો.
આ કેસના સંબંધમાં નીતિન પાટમસ, વૈભવ સુતર, સ્વપ્નિલ નાગતિલક અને અમિત શિંદેની ધરપકડ કરી લેવાઈ. આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન શિંદેએ કહ્યું, “રણજિત સુતર અને અન્ય બે આરોપીઓ નાસતા ફરી રહ્યા છે, અને અમે તેમને શોધી રહ્યા છે.”
700-800 તરુણોને લાગી જુગારની આદત
આ ગુનાની ગંભીરતાને જોતા કેસની તપાસ આર્થિક અપરાધા શાખામાં તબદીલ કરી દેવાઈ છે.
આ મામલામાં હવે તપાસ થઈ રહી છે.
સોલાપુર ગ્રામ્ય આર્થિક અપરાધ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય જગતાપે કહ્યું કે આ મામલામાં વધુ લોકો આરોપી તરીકે સામે આવી શકે છે. હાલ પોલીસ આરોપીઓના બૅન્ક ખાતામાં થયેલી લેવડદેવડ અને ગુના સાથે સંભવિતપણે સંકળાયેલા વધુ લોકોની તપાસ કરી રહી છે.
બાલાજી ખરેએ કહ્યું કે માત્ર લૌલ ગામમાં જ 40-50 લોકો એવા છે જેમની સાથે ચકરી ગેઇમમાં નાણાકીય છેતરપિંડી થઈ છે.
સંતોષ શેંદે પાછલાં 30 વર્ષથી દૂધની ડેરી ચલાવે છે. તેઓ ખેડૂતો પાસેથી દૂધ એકઠું કરીને કંપનીને મોકલી આપે છે.
તેઓ કહે છે કે, “પાછલાં અમુક વર્ષોમાં અમે જોયું છે કે ઘણા યુવાનો ગેઇમના વ્યસની બની ગયા છે. પરંતુ જ્યારે અમને ખબર પડી કે બાલાજી ખરે જેવા કેટલાક ખેડૂતો પણ આમાં ફસાઈ ગયા છે, તો અમે અમારો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. અમને ખબર પડી કે આ તાલુકાના 700થી 800 યુવાનો આ જ પ્રકારની ઑનલાઇન ગેઇમની જાળમાં ફસાઈ ચૂક્યા છે.”
“અમને આમાં કેટલાક સ્થાનિક એજન્ટો પણ સક્રિય હોવાની ખબર પડી. આમ, વધુ ખેડૂતો આમાં ન ફસાય એ માટે અમે અવાજ ઉઠાવ્યો.”
ખેતર, સોનું બધું વેચી રહ્યા છે તરુણો

ઇમેજ સ્રોત, Balaji Khare
ખુર્દવાડી સોલાપુર જિલ્લાનું ખ્યાત સ્થળ છે. અહીં મધ્ય રેલવેનું મોટું જંક્શન છે. આ સ્થળ શહેરમાં ‘જંક્શન’ના નામે પણ ઓળખાય છે. રેલવેના મોટા જંકશનને કારણે આ શહેર અને વિસ્તારના આર્થિક વિકાસમાં મોટો ભાગ ભજવ્યો છે.
પાછલાં બે વર્ષમાં આ સ્થળ ‘લાલચનું જંક્શન’ બની ગયું છે. આ વિસ્તારના આશરે 700-800 યુવાનો ઑનલાઇન ગેઇમિંગની જાળમાં ફસાઈ ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, Balaji Khare
આ ગેઇમની જાળમાં ફસાયેલા યુવાનો પોતાનાં ઘરો, ખેતરો, સોનું, વાહનો બધું ગુમાવેલાં નાણાં પરત મળવાની ખોટી આશામાં ગુમાવી ચૂક્યા છે. તેમનું સર્વસ્વ ગુમાવી ચૂક્યા છે.
સામાજિક કાર્યકર સંતોષ શેંદેએ કહ્યું કે કેટલાક યુવાનોએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે.
આવા જ એક યુવાને ટ્રેનની નીચે ઝંપલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આના કારણે તેણે પોતાના હાથ-પગ ગુમાવવા પડ્યા હતા.
સામાજિક કાર્યકર સંતોષ શેંદેએ બીબીસીને જણાવ્યું કે, “બીજા પણ કેટલાક લોકોએ આત્મહત્યાના પ્રયાસ કર્યા છે. આવું ન કરવા માટે તેમને સમજાવાયા પણ હતા.”
તેમણે કહ્યું, “અમે આ ઘાતક ગેઇમ અટકે અને એજન્ટો સામે કાર્યવાહી થાય તેવું ઇચ્છીએ છીએ.”
“લૌલ ગામની જેમ જ મધા તાલુકામાં પણ ઘણા લોકોએ આ ગુનાના આરોપીઓને વધુ વળતરની અપેક્ષાએ મોટી રકમો આપી છે.”
સોલાપુર ગ્રામ્ય આર્થિક અપરાધ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય જગતાપે બીબીસીને કહ્યું કે, “અમે ફનરેપો ચકરી ગેઇમની જાળમાં અને આરોપીઓએ આપેલી લાલચમાં ફસાઈને પૈસા નાખનારા લોકોને આર્થિક અપરાધ શાખા અને સોલાપુર ગ્રામ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો આ સંબંધના કાગળો સાથે સંપર્ક કરવાની અપીલ કરી છે.”

મહત્ત્વની નોંધ
દવા અને થૅરેપીની મદદથી માનસિક બીમારીનો ઇલાજ શક્ય છે. આના માટે તમારે મનોચિકિત્સકને મળવાનું હોય છે. જો તમારામાં અથવા તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિમાં માનસિક બીમારીનાં લક્ષણો જોવા મળે તો તમે નીચેની હેલ્પલાઇનનો સંપર્ક કરીને મદદ મેળવી શકો છો.
- ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઇન 1096’ પર ફોન કરવાથી પોલીસ અધિકારી સાથે વાત કરી શકાય છે. આ હેલ્પલાઈન આત્મહત્યા નિવારવા માટે શરૂ કરવામાં આવી છે.
- સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય – 1800-599-0019 (13 ભાષામાં ઉપલબ્ધ)
- ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાયન્સિઝ – 9868396824, 9868396841, 011-22574820
- નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સ – 080 – 26995000
- વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ એલાઇડ સાયન્સ, 24X7 હેલ્પલાઇન -011 2980 2980
- રાષ્ટ્રીય સ્તરની ‘જીવનઆસ્થા હેલ્પલાઇન 1800 233 3330’ છે. આ નંબર પર આખા દેશમાંથી ગમે તે સ્થળેથી ફોન કરી શકાય છે અને કાઉન્સિલરની મદદ મળી શકે છે.
- અમદાવાદ શહેરમાં 079-26305544 એ ‘સાથ’ સંસ્થાનો હેલ્પલાઇન નંબર છે જે 24 કલાક સેવા આપે છે. આ ઉપરાંત અન્ય મોટાં શહેરોમાં પણ આવા હેલ્પલાઇન નંબર હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS