Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
-
4 એપ્રિલ 2025, 17:02 IST
અપડેટેડ એક કલાક પહેલા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે ગુરુવારે એક એવી ઘટના બની કે જેને આખા ગામને હચમચાવી નાખ્યું છે.
આ ગામનાં રહેવાસી ભાનુબહેન ટોરિયા અને તેમનાં ચાર બાળકો ઢળતી બપોરે સુમરા ગામના સ્મશાન પાસે આવેલા એક કૂવામાં નિશ્ચેતન અવસ્થામાં મળી આવ્યાં હતાં.
ગામલોકો માતા અને ચારેય બાળકોને કૂવામાંથી બહાર કાઢીને ધ્રોલના એક દવાખાને લઈ ગયા, પરંતુ ડૉક્ટરે પાંચેયને મૃત જાહેર કર્યાં.
આ દરમિયાન, ભાનુબહેનની નાની દીકરી જેની ઉમર માંડ એકાદ વર્ષ છે, તે પોતાની માતા ઘરે પછી ફરે તેની રાહ જ જોતી રહી.
શુક્રવારે પાંચેયના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા બાદ આ ગોઝારી ઘટના આપઘાતનો કિસ્સો છે કે કંઈક બીજું, તે બાબતે પોલીસે તપાસ આદરી છે.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઈન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.

પોલીસને પાંચ મૃતદેહ કૂવામાં તરતા હોવાની ખબર પડી

ધ્રોલ પોલીસ સ્ટેશને નોંધાયેલા અકસ્માતે મોતના કેસમાં જણાવેલી વિગત અનુસાર 32 વર્ષનાં ભાનુબહેન અને તેમનાં ચાર સંતાન સુમરા ગામના સ્મશાન પાસે આવેલા એક ખેડૂતના કૂવામાં નિશ્ચેતન અવસ્થામાં તરતાં જોવાં મળ્યાં હતાં.
તેમનાં સંતાનોની ઓળખ આયુષ ઉર્ફે દેવશી (ઉં. નવ વર્ષ), આરઝુ (ઉં. આઠ વર્ષ), આનંદી (ઉ. છ વર્ષ) અને ઋત્વિક (ઉ. ચાર વર્ષ) તરીકે થઈ હતી.
ધ્રોલના પોલીસ ઇન્સ્પેક્ટર એચવી રાઠોડે બીબીસી ગુજરાતીને આ ઘટના અંગે જણાવ્યું કે, “સાંજના સમયે પોલીસને સમાચાર મળ્યા કે સુમરા ગામના એક કૂવામાં એક મહિલા અને તેના ચાર સંતાનો તરતાં મળી આવ્યાં છે. તેથી અમે અમારી રીતે તપાસ ચાલુ કરી. પરંતુ ત્યાં સુધીમાં ગામલોકોએ પાંચેયને કૂવામાંથી બહાર કાઢી ધ્રોલ દવાખાને લઈ આવેલા. જ્યાં પાંચેયને મૃત જાહેર કરાયાં હતાં.”
રાઠોડે જણાવ્યું કે ભાનુબહેનના પતિ જીવાભાઈ ઘેટાંબકરાં ચરાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
રાજ્ય સરકાર સંચાલિત સુમરા પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ તરપદાએ જણાવ્યું કે દેવશી આ શાળામાં ચોથા ધોરણમાં ભણતો હતો અને આરઝુ ત્રીજા ધોરણમાં ભણતી હતી. બીજા બે નાનાં ભાઈબહેન -આનંદી અને ઋત્વિક ગામની આંગણવાડીમાં ભણતાં હતાં.
સંતાનોને તેડવા માતા શાળાએ ગયાં અને પછી મૃત મળી આવ્યાં

ઘટના વિશે બીબીસી ગુજરાતીને વધારે માહિતી આપતાં ઇન્સ્પેક્ટર રાઠોડે જણાવ્યું કે ભાનુબહેન બાળકોને તેડવા માટે ઘરેથી નીકળ્યાં, પણ ચારેક કલાક પછી બાળકો સહિત મૃત મળી આવ્યાં.
“ભાનુબહેન લગભગ અગિયારેક વાગ્યે ઘરેથી એમ કહીને નીકળ્યાં કે તેઓ બાલમંદિરે અને શાળાએ ભણતાં તેનાં બે દીકરા અને બે દીકરીઓને તેડવા જાય છે. ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ તેમણે પોતાનાં સંતાનોને આંગણવાડી અને શાળાએથી તેડી લીધાં. પરંતુ અંદાજે ત્રણેક વાગ્યે ગામના લોકોને ખબર પડી કે પાંચેય સ્મશાન પાસે આવેલા એક કૂવામાં પડી ગયાં છે.”
પોલીસ ઇન્સ્પેક્ટરે આગળ જણાવ્યું કે, “ગામલોકોએ પોલીસને જાણ કરતા પહેલાં જ પાંચેય મૃતદેહો કૂવામાંથી બહાર કાઢી લીધા હતા.”
વિજયભાઈ તરપદાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમની શાળા સવારે સાતથી બપોરના સાડા બાર વાગ્યા સુધી શૈક્ષણિક કાર્ય માટે ખુલ્લી રહે છે.
“સામાન્ય રીતે ભાનુબહેન જ દેવશી અને આરઝૂને તેડવા આવે છે. પરંતુ, ગુરુવારે ભાનુબહેન થોડાં વહેલાં, અંદાજે બારેક વાગ્યે બાળકોને તેડવા આવ્યાં અને અમને જણાવ્યું કે તેમને દવા લેવા જવાનું છે, તેથી બાળકોને વહેલાં તેડી જવા માગે છે. અમે પરવાનગી આપી અને તે બાળકોને તેડી ગયાં. પરંતુ, અમને પાછળથી ખબર પડી કે શાળાના સમય બાદ આ લોકો કૂવામાં પડી ગયાં.”
એક વર્ષની આયુષી મમ્મીની રાહ જોતી રહી
ઇન્સ્પેક્ટર રાઠોડે જણાવ્યું કે ભાનુબહેનને પાંચ સંતાનો હતાં. તેમાં સૌથી નાની, દીકરી આયુષીની ઉંમર માંડ એકાદ વર્ષની છે.
“ભાનુબહેને આયુષીને તેમનાં સાસુને સોંપી અને કહ્યું કે તેઓ બાળકોને તેડવા અને દવા લેવા માટે ધ્રોલ જાય છે. પરંતુ, લાંબા સમય સુધી તેઓ ઘરે પાછાં ફર્યાં નહીં અને છેવટે આ માલધારી પરિવારને ખબર પડી કે માતા અને તેમનાં અન્ય ચાર સંતાનો તો કૂવામાં તરતાં મળી આવ્યાં.”
પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે ભાનુબહેન અને તેમના પતિ જીવાભાઈ તેમનાં લગ્ન પહેલાં પણ નજીકનાં સંબંધી થતાં હતાં.
રાઠોડે ઉમેર્યું, “માતા અને તેનાં સંતાનો અકસ્માતે કૂવામાં પડીને મૃત્યુ પામ્યાં કે આ આત્મહત્યાનો કેસ છે તે બાબતે તપાસ ચાલુ કરી છે. હાલ તો અમે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS