Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના (ચીન)ના આદ્યસ્થાપક માઓ ઝેડોંગ અને તેના વર્તમાન પ્રમુખ શી જિનપિંગના મતે ચીન પાસે એક “જાદુઈ શસ્ત્ર” છે.

એ યુનાઇટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ છે – અને પશ્ચિમના દેશોમાં ચીનના લશ્કરી શસ્ત્ર સરંજામ જેટલી જ ચિંતા ઊભી કરી રહ્યું છે.

આ વિભાગનું અસ્તિત્વ કંઈ નવી વાત નથી. ચાઇનિઝ કૉમ્યુનિસ્ટ પાર્ટીનું તે દાયકાઓ જૂનું અંગ છે. એના પર પુષ્કળ સામગ્રી લખાયેલી પણ છે અને અગાઉ પણ તે વિવાદોમાં સંડોવાયેલું હતું.

અમેરિકાથી માંડીને ઑસ્ટ્રેલિયા સુધીના તપાસ અધિકારીઓએ યુએફડબલ્યુડીનો ઉલ્લેખ જાસૂસીના અનેક કિસ્સાઓમાં કર્યો છે અને વિદેશોમાં હસ્તક્ષેપનો આરોપ ચીન પર અનેકવાર મૂક્યો છે.

ચીને તમામ આરોપોને વાહિયાત કહી નકારી કાઢ્યા છે.

તો યુએફડબલ્યુડી શું છે અને એ શું કરે છે?

‘ચીનના સંદેશનું રખેવાળ’

અગાઉ સામ્યવાદીઓના વ્યાપક ગઠબંધન તરીકે ઓખાતા યુનાઇટેડ ફ્રન્ટને દાયકાઓ ચાલેલા ચીનના ગૃહ યુદ્ધમાં વિજય બદલ માઓએ બિરદાવ્યો હતો.

યુદ્ધ 1949માં પૂરું થતા પાર્ટીએ શાસન શરૂ કર્યું પરંતુ અન્ય અગ્રતાઓને જોતા યુનાઇટેડ ફ્રન્ટની કામગીરી હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી. પરંતુ શીની આગેવાનીવાળા પાછલા દાયકામાં યુનાઇટેડ ફ્રન્ટનો એક રીતનો નવો અવતાર ઊભો થયો છે.

શીની યુનાઇટેડ ફ્રન્ટની આવૃત્તિ તેના અગાઉના અવતારો સાથે એકંદરે સુસંગત છેઃ “તમામ પ્રસ્તુત સામાજિક બળોનું શક્ય હોય એટલું વ્યાપક ગઠબંધન બનાવવું”, એમ જર્મન માર્શલ ફંડના સિનિયર ફેલો મરાઇકે હોલબર્ગ જણાવે છે.

પ્રથમ દૃષ્ટિએ યુએફડબલ્યુડીની કામગીરી છાની નથી. તેની વેબસાઇટ પણ છે, જેના પર તેની કામગીરીઓના અહેવાલો પણ છે. પરંતુ તેની કામગીરીના વ્યાપ અને પહોંચનો ખાસ ઉલ્લેખ નથી.

તેની મોટા ભાગની કામગીરી દેશમાંજ હોવા છતાં ડૉ હોલબર્ગે જણાવ્યું હતું કે, “વિદેશોમાં વસતા ચીનીઓને સાધવાનું લક્ષ્ય તેને સોંપવામાં આવ્યું છે”.

આજે યુએફડબલ્યુડી, ચીન જેને પોતાનો વિસ્તાર ગણે છે એ તાઇવાન અને તિબેટ તેમજ ઝિનજિઆંગની વંશીય લઘુમતીઓ પરના દમન અંગેની સંવેદનશીલ જાહેર ચર્ચાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે.

તે વિદેશી માધ્યમોમાં ચીન અંગે સાનુકૂળ માન્યતાઓ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, વિદેશોમાં ચીનની સરકારના ટીકાકારોને નિશાન બનાવે છે તેમજ વિદેશોમાં વગદાર ચીની લોકો સાથે સબંધ વિક્સાવે છે.

“યુનાઇટેડ ફ્રન્ટ જાસૂસી કરી શકે છે, પરંતુ આ તો જાસૂસીથી પણ વ્યાપક છે,” એમ યુનિવર્સિટી ઑફ સર્ધન કૅલિફોર્નિયામાં રાજકારણના આસિસ્ટન્ટ પ્રોફેસર ઑડ્રિયે વૉંગ બીબીસીને જણાવે છે.

“વિદેશી સરકારમાંથી ચોરી-છુપીથી માહિતી મેળવવા ઉપરાંત યુનાઇટેડ ફ્રન્ટની કામગીરીના કેન્દ્રમાં વિદેશોમાં રહેતા ચીની લોકોને સક્રિય કરવાનું છે,” તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, પ્રભાવ પાડવાની કામગીરીના “વ્યાપ અને પ્રકારમાં ચીન અનન્ય છે”.

શી ઝિનપિંગે વિદેશોમાં આક્રમક ચીનની હાકલ કરી છે

ઇમેજ સ્રોત, Reuters

આવા પ્રભાવની ચીનને હંમેશાં મહત્ત્વાકાંક્ષા હતી, પરંતુ તાજેતરના દાયકાઓમાં તેની વૃદ્ધિએ તેને આને અમલમાં મૂકવાની ક્ષમતા આપી છે.

યુએફડબલ્યુડી દરિયાપાર જોરપૂર્વક કૉમ્યુનિસ્ટ પાર્ટીનો બચાવ કરતા વિદેશોમાં ચીનના સામુદાયિક સંગઠનો મારફતે કામ કરે છે. તેમણે સીસીપી વિરોધી કલાકૃતિઓનો નાશ કરે છે અને તેણે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાની પ્રવૃત્તિઓ સામે વિરોધ કર્યા છે. વિદેશમાં રહેતા તિબેટ તેમજ ઉઇઘુરના દમનગ્રસ્ત લઘમુતીઓના લોકોને ધાક-ધમકીઓ આપવામાં પણ યુએફડબલ્યુડી સંકળાયેલું છે.

પરંતુ યુએફડબલ્યુડીની ઘણીખરી કામગીરી પાર્ટીની અન્ય એજન્સીઓની સાથે મળીને કરવામાં આવે છે, જેને નિરીક્ષકો “વાજબીપણે નકારી શકાય” (પ્લોઝિબલ ડિનાયેબિલિટી) એ રીતે વર્ણવે છે.

આવું ધૂંધળાપણું યુએફડબલ્યુડી અંગે શંકા-કુશંકા ઊભી કરી રહ્યું છે.

યાંગે પ્રતિબંધ સામે અપીલ કરી ત્યારે યાંગ “રાષ્ટ્રીય સલામતિ માટે સંભવિત જોખમ” પૂરવાર થઈ શકે છે એવા વિદેશ મંત્રીના અહેવાલ પર ન્યાયાધીશોએ સંમતિ વ્યક્ત કરી હતી અને ટાંક્યું કે આવા તારણ પાછળનાં કારણો પૈકી એક એ હતું કે તેમણે યુએફડબલ્યુડી સાથેના પોતાના સબંધો વિશેની ઘણી માહિતી છુપાવી હતી.

જોકે યાંગે જણાવ્યું હતું કે, તેમણે કશું ગેરકાયદે કર્યું નથી અને જાસૂસીના આરોપો “સદંતર ખોટા” છે.

યાંગ પ્રિન્સ એન્ડ્રુ સાથે

ઇમેજ સ્રોત, Supplied

યાંગ જેવા કિસ્સા હવે નિયમિત જોવા મળી રહ્યા છે. વર્ષ 2022માં બ્રિટનમાં રહેતા મૂળ ચીની વકીલ ક્રિસ્ટિન લી પર (બ્રિટનની જાસૂસી સંસ્થા) એમઆઈફાઇવે યુએફડબલ્યુડી મારફતે યુકેમાં વગદાર લોકો સાથે સબંધો વિકસાવવાનો આક્ષેપ મૂક્યો હતો. એ પછીના વર્ષે બોસ્ટનમાં ચાઇનીઝ રેસ્ટોરાં ચલાવતા અમેરિકાના નાગરિક લિઆંગ લિટાંગ પર પોતાની આસપાસના અસંતુષ્ટ ચીની લોકોની વિગતો યુએફડબલ્યુડીમાં પોતાના સંપર્કોને આપવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.

અને સપ્ટેમ્બરમાં ન્યૂ યૉર્કના ગર્વનરની કચેરીનાં કર્મચારી લિન્ડા સુન પર પોતાના પદનો ઉપયોગ ચીન સરકારના હિત સાધવા અને એના બદલામાં પ્રવાસ સહિતના અન્ય લાભો લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચીનની સરકારી સમાચાર સંસ્થાઓના અહેવાલ પ્રમાણે તેઓ 2017માં યુએફડબલ્યુડીના ટોચના અધિકારીને મળ્યાં હતાં અને અધિકારીએ તેમને “ચીન અને અમેરિકા વચ્ચેની દોસ્તીના દૂત બનવા” જણાવ્યું હતું.

ચીનના સફળ લોકોને વેપાર જગતમાં પાર્ટીની માન્યતા મેળવવાની હોવાથી તેમનું પાર્ટી સાથે સંકળાવવું એ અસામાન્ય નથી.

પણ પ્રભાવ પાડવા અને જાસૂસી કરવા વચ્ચેની ભેદરેખા ક્યાં છે?

ચીનની સરકારની કામગીરીનો સવાલ છે ત્યાં સુધી “પ્રભાવ પાડવા અને જાસૂસી વચ્ચેની ભેદરેખા ધૂંધળી છે”, એમ જોહ્ન્સ હોપ્કિન્સ યુનિવર્સિટીના રાજનીતિના પ્રોફેસર હો ફુંગ હંગે જણાવ્યું હતું.

ચીન સરકારને માહિતી આપવા સહિત જાસૂસી તપાસોમાં ચીનના નાગરિકો અને કંપનીઓએ ફરજીયાતપણે સહકાર કરવાનો કાયદો 2017માં પસાર કર્યા પછી અસ્પષ્ટતા વધુ ઘેરી બની છે. ડૉ. હુંગના જણાવ્યા પ્રમાણે તેનાથી “વાસ્તવમાં દરેક વ્યક્તિ સંભવિત જાસૂસ બની જાય છે”.

રાજ્ય સલામતીના મંત્રાલયે કુપ્રચારના નાટ્યાત્મક વીડિયો જાહેર કર્યા છે અને લોકોને ચેતવણી આપી છે કે વિદેશી જાસૂસો બધે જ છે અને “તેઓ લુચ્ચા અને ઘૂસણખોર છે”.

વિદેશી પ્રવાસે જતા કેટલાક વિદ્યાર્થીઓને વિદેશીઓ સાથે પરિચય સીમિત રાખવા અને પરત ફરતા પોતાની કામગીરીનો અહેવાલ આપવા તેમની યુનિવર્સિટીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું.

અને આમ છતાં શી વિશ્વમાં ચીનને આગળ લાવવા આતુર છે. આથી તેમણે પાર્ટીના એક વિશ્વાસુ અંગને વિદેશોમાં શક્તિ પ્રદર્શનનું બીડું સોપ્યું છે.

વિદશી સત્તાઓ માટે વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર સાથે વેપાર કરવાની સાથે પોતાની સલામતીની ગંભીર ચિંતાઓ વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું, એ મોટો પડકાર બની રહ્યો છે.

બીબીસી ગુજરાતી

ચીનના લાંબા હાથ સાથે બાથ ભિડવી

વિદેશોમાં ચીનના પ્રભાવ અંગેના વાજબી ભયના કારણે પશ્ચિમી દેશોમાં આક્રમક્તાનો ભાવ ઊભો થઈ રહ્યો છે અને ઘણીવાર સરકારો ગૂંચવણમાં મુકાઈ છે.

અમેરિકાએ 2022માં યુએફડબલ્યુડીની કામગીરીમાં સક્રિય દેખાતા લોકો પર વિઝાનાં નિયંત્રણો લાદયાં હતાં.

અકળાયેલા ચીને ચેતવણી આપી કે આવા કાયદા અને તેના પરિણામસ્વરૂપની કાર્યવાહી દ્વિપક્ષી સબંધોને અવરોધે છે.

“ચીન દ્વારા થતી જાસૂસીના કથિત આક્ષેપો તદ્દન વાહિયાત છે,” એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ યાંગ અંગે પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં મંગળવારે જણાવ્યું હતું. “ચીન અને યુકે વચ્ચેના સબંધો સુધરવા એ બંને દેશોના હિતમાં છે.”

કેટલાક નિષ્ણાતો કહે છે કે ચીનના યુનાઇટેડ ફ્રન્ટનો લાંબો હાથ ખરેખર ચિંતા પ્રેરે એવો છે.

ડૉ. હંગ જણાવે છે, “પશ્ચિમના દેશોની સરકારોએ હવે ચીનના યુનાઇટેડ ફ્રન્ટની કામગીરી અંગે આંખ આડા કાન કરવાનું બંધ કરવું પડશે અને માત્ર રાષ્ટ્રીય સલામતી જ નહીં, પરંતુ મૂળ ચીની વંશના નાગરિકોની સલામતી અને સ્વતંત્રતા સામે તેને ગંભીર જોખમ ગણવું પડશે.”

તેઓ એમ પણ ઉમેરે છે કે, “સરકારોએ ચીન-વિરોધી વંશવાદ સામે પણ સાવચેત રહેવું જરૂરી છે અને જોખમનો સાથે મળીને સામનો કરવા ચીની સમુદાયો સાથે વિશ્વાસ અને સહકાર સાધીને મહેનત કરવી પડશે.”

કોમ્યુનિસ્ટ પાર્ટીના વિદેશોમાં રહેતા અસંતુષ્ટો પર દબાણ કરવાનો યુએફડબલ્યુડી પર આક્ષેપ છે

ઇમેજ સ્રોત, Getty Images

ગયા ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં વિયેતનામમાં જન્મેલા ચીનના સામુદાયિક નેતા ડી સાન્હ ડૉંગ ઑસ્ટ્રેલિયાના એક મંત્રીની ખૂબ નજીક આવીને વિદેશી હસ્તક્ષેપનું આયોજન કરવા બદલ ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.

આરોપી પક્ષે દલીલ કરી હતી કે ડૉંગ 1990ના દાયકામાં ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને ચીનના અધિકારીઓ સાથેના સબંધોની ગર્વભેર જાહેરાત કરી હોવાથી તેઓ યુએફડબલ્યુડી માટે “આદર્શ નિશાન” હતા.

ડૉંગની સુનાવણી એ વાત પર કેન્દ્રિત હતી કે તેમણે દાનના કાર્યક્રમમાં મંત્રીની હાજરીથી ‘આપણને લાભ થશે’ એવું કહ્યું હતું ત્યારે તેમનો કહેવાનો અર્થ ઑસ્ટ્રેલિયામાં રહેતા ચીનના લોકો હતા, કે પછી ચીનમાં રહેતા લોકો હતા? “વંશીય ઓળખ અંગેની વધુ પડતી આક્રમક નીતિઓથી ચીનના લોકો સ્વીકાર્ય નથી એવો ચીનની સરકારનો કુપ્રચાર વાજબી ઠરશે, ચીનથી આવીને વસેલા લોકો ચીન તરફ વધુ ઢળશે.”

ડૉ. વોંગ કહે છે, “એ યાદ રાખવું મહત્ત્વનું છે કે ચીની વંશની દરેક વ્યક્તિ ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટીની ટેકેદાર નથી. અને વિદેશમાં વસતા લોકોનાં સંગઠનોમાં કામ કરતી દરેક વ્યક્તિ ચીન પ્રત્યેની અથાક વફાદારીથી પ્રેરિત નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS