Source : BBC NEWS
અપડેટેડ 9 કલાક પહેલા
આપણે બધાને પૉપકૉર્ન ખાવાનું ગમે છે, પરંતુ છેક હવે સ્પષ્ટતા થઈ કે ભારતમાં પૉપકૉર્નની ત્રણ કૅટેગરી છે અને દરેક માટે ટૅક્સનો સ્લૅબ પણ અલગ છે. પૉપકૉર્નથી લઈને જૂની કાર સહિતના મામલે જીએસટીના દર હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે.
ભારતમાં જીએસટી(ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) લાગુ થયાનાં સાત વર્ષ પછી પણ તેને લઈને ગૂંચવણ ઘટવાના બદલે વધતી જાય છે. ખાસ કરીને એક સરખી ચીજો માટે અલગ અલગ ટૅક્સ સ્લૅબને કારણે સિસ્ટમ જટિલ બની ગઈ છે તેવી ફરિયાદ કરવામાં આવે છે.
ગયા શનિવારે રાજસ્થાનના જેસલમેર ખાતે નાણા મંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે જીએસટી કાઉન્સિલની 55મી બેઠક મળી હતી.તેમાં અમુક ટૅક્સને સરળ બનાવવા ભલામણો કરાઈ હતી, પરંતુ કેટલીક બાબતો ચર્ચાસ્પદ બની છે.
પૉપકૉર્ન પરના ટૅક્સની દેશભરમાં ચર્ચા
ઉદાહરણ તરીકે જીએસટી કાઉન્સિલે સ્પષ્ટતા કરી કે મીઠું અને મસાલા છાંટેલા રેડી-ટુ-ઇટ પૉપકૉર્નને પ્રિ-પેકેજ્ડ કે લેબલ વગર વેચવામાં આવે તો તેના પર પાંચ ટકા જીએસટી લાગશે. પરંતુ આ જ પૉપકૉર્નને પ્રિપૅકેજ કરીને લેબલ લગાવીને વેચવામાં આવે તો જીએસટીનો દર સીધો 12 ટકા થઈ જશે.
આટલું જ નહીં, પૉપકૉર્નમાં ખાંડ ઉમેરવામાં આવે તો તેની કૅટેગરી બદલાઈ જશે અને કેરેમલ પૉપકૉર્ન ગણવામાં આવશે. ત્યાર પછી તેના પર 18 ટકાના દરે જીએસટી લાગશે. આમ ભારતમાં સાદા, મસાલેદાર અને ગળ્યાં – એમ ત્રણ પ્રકારનાં પૉપકૉર્ન છે અને તેના પર જીએસટીનો દર પાંચ ટકાથી લઈને 18 ટકા સુધી છે.
મહત્ત્વની વાત એ છે કે હેલ્થ અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાની ઘણા સમયથી માગણી હતી પરંતુ તેનો નિર્ણય ટાળવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વિગી અને ઝોમેટો જેવી ઈ-કૉમર્સ કંપનીઓ માટે ફૂડ ડિલિવરી ચાર્જ ઘટાડવાની માગણીનો પણ ઉકેલ નથી આવ્યો. વિમાનમાં વપરાતા એટીએફ (ઍવિયેશન ટર્બાઇન ફ્યુઅલ)ને જીએસટીમાં સમાવવાની ચર્ચા થઈ હતી, પણ મોટા ભાગનાં રાજ્યો તેના પર ટૅક્સ લાદવાનો પોતાનો અધિકાર જતો કરવા માગતા નથી. તેથી તેનો નિર્ણય મોકૂફ રખાયો છે.
જીએસટી કાઉન્સિલે જણાવ્યું છે કે આ માત્ર સ્પષ્ટતા છે અને કોઈ નવો ટૅક્સ લાદવામાં નથી આવ્યો.
ભારતમાં જીએસટીના કેટલા સ્લૅબ છે?
ભારતમાં જીએસટીના ચાર સ્લૅબ છે જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના દરે ટૅક્સ લાગે છે. આ ઉપરાંત અમુક ચીજો પર સ્પેશિયલ રેટ લાગુ પડે છે.
જેમ કે આવશ્યક ચીજો અને સર્વિસિસ 5 ટકાના સ્લૅબમાં આવે છે, જેમાં ખાદ્ય તેલ, ખાંડ, મસાલા, ચા અને કૉફી (ઇન્સ્ટન્ટ કૉફી વગર), કોલસો, રેલવે ઇકૉનોમી ક્લાસની મુસાફરી અને રાસાયણિક ખાતર સામેલ છે.
વધારે પ્રોસેસ્ડ અને લક્ઝરિયસ આઇટમો 12 ટકાના સ્લૅબમાં સામેલ છે. જેમાં ફળોનાં જ્યુસ, કૉમ્પ્યુટર, આયુર્વેદિક દવાઓ, સિલાઈ મશીન, સસ્તી હોટલોને સમાવવામાં આવે છે.
બાકીની મોટા ભાગની ચીજો અને સેવાઓ માટે 18 ટકાનો સ્ટાન્ડર્ડ રેટ લાગુ પડે છે, જેમાં નાણાકીય સેવાઓ અને વીમો, ટેલિકોમ સેવાઓ, આઈટી સેવા, નૉન-એસી રેસ્ટોરાં, સસ્તાં કપડાં તથા પગરખાં સામેલ છે.
લક્ઝરી આઇટમો અને સેવાઓને 28 ટકાના સ્લૅબમાં સામેલ કરવામાં આવે છે. જેમાં ટૉપ લેવલનાં વાહનો, એસી-ફ્રિજ જેવાં ઉત્પાદનો, તમાકુ અને મોંઘી હોટલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ચોક્કસ કૅટેગરી માટે સ્પેશિયલ રેટ પણ હોય છે. જેમ કે ગોલ્ડ અને કિંમતી પથ્થરો માટે ત્રણ ટકા, નાનાં ઉત્પાદનો માટે એક ટકા, અમુક રેસ્ટોરાં માટે પાંચ ટકાનો સ્પેશિયલ જીએસટી રેટ લાગુ થાય છે.
વિરોધ પક્ષોએ સરકારની ઝાટકણી કાઢી
વિરોધપક્ષે જીએસટી મામલે સરકારની નીતિઓની ટીકા કરી છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે “જીએસટી હેઠળ પૉપકૉર્ન પર ત્રણ અલગ સ્લેબ લાગુ પડ્યા તે વાહિયાત ચીજ છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેની હાંસી ઉડાવાઈ છે. સિમ્પલ ટૅક્સની જગ્યાએ આખી સિસ્ટમ વધુ જટિલ બની ગઈ છે.”
જયરામ રમેશે લખ્યું છે કે “જીએસટીની ચોરી અને ઇનપુટ ટૅક્સ ક્રૅડિટની છેતરપિંડી બહુ સામાન્ય બની ગયા છે. હજારો બોગસ કંપનીઓ સ્થાપવામાં આવી છે અને જીએસટી સિસ્ટમમાં એક પ્રકારની ગેઇમ રમાય છે.”
કેન્દ્ર સરકારનું બજેટ હવે માંડ 40 દિવસ દૂર છે ત્યારે જયરામ રમેશે સવાલ કર્યો છે કે શું વડા પ્રધાન અને નાણા મંત્રી સંપૂર્ણ ફેરફાર કરીને જીએસટી 2.0 લાવી શકશે કે કેમ.
દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ જીએસટી મામલે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. ખાસ કરીને જૂના વાહનો પરનો જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો તેની તેમણે ટીકા કરી છે અને કેન્દ્ર સરકાર ‘ધનાઢ્ય’ વર્ગ માટે કામ કરે છે તેવો આરોપ મૂક્યો છે.
કેજરીવાલે પોસ્ટ કરી કે “સામાન્ય મિડલ ક્લાસના લોકો માટે કાર ખરીદવી એ મોટી વાત હોય છે. પરંતુ જૂની કાર પર ટૅક્સ વધારીને કેન્દ્ર સરકારે તેમના સપના તોડી નાખ્યા છે. આ સરકાર સામાન્ય લોકોને માત્ર ફુગાવો, ટૅક્સ અને પીડા આપી રહી છે.”
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે “ભાજપ સરકારે જીએસટીને સાપસીડીની રમત બનાવી છે. તેના કારણે પ્રામાણિક અધિકારીઓ અને વ્યાપારી વર્ગમાં ગૂંચવણ પેદા થાય છે.”
ભાજપની આઈટી સેલના વડા અમિત માલવિયાએ ઍક્સ પોસ્ટમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જૂના વાહનોનું ખરીદ-વેચાણ કરતા લોકોની ઉપર આ નિયમ લાગુ પડશે અને સામાન્ય લોકો પર નહીં.
વધુમાં આ જીએસટી ખરીદ કિંમત અને વેચાણકિંમતના તફાવત ઉપર લાગુ પડશે. વાહનની સંપૂર્ણકિંમત પર નહીં. જો વાહનના વેચાણ સમયે ખોટ ગઈ હશે તો જીએસટી લાગુ નહીં પડે.
જીએસટીના જાણકાર શું માને છે?
જીએસટીના જાણકાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે, “આપણી ટૅક્સ સિસ્ટમ પહેલેથી જટિલ હતી અને હજુ સરળ નથી થઈ. ‘વન નૅશન, વન ટૅક્સ’ની વાત થતી હતી, પરંતુ હજુ એવું નથી થઈ શક્યું. આપણે ત્યાં ટૅક્સ ઉપરાંત સેસ અને સ્પેશિયલ રેટ લાગુ પડે છે જેના કારણે વિવાદો થાય છે. ભારતમાં જીએસટી મામલે ક્લાસિફિકેશનના પ્રશ્નો વધારે છે. ટૅક્સના સ્લૅબ પણ વધારે છે. શૂન્ય ટકા, પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. તેના કારણે ઘણી ગૂંચવણ પેદા થાય છે. તેના સરળીકરણ માટે રેટ ઘટાડી દેવા જોઈએ જેથી લોકોને રાહત રહે.”
કરીમ લાખાણીના માનવા પ્રમાણે, “ભારતમાં ટૅક્સ સિસ્ટમને એકદમ સરળ બનાવવી એ વિકટ કાર્ય છે અને તેમાં હજુ સમય લાગશે. કરોડો ઇનવોઈસને મૅચ કરવાનું કાર્ય દુષ્કર છે અને તેમાં સુધારા થતાં પાંચ-સાત વર્ષ લાગી શકે છે. આ દરમિયાન સૌથી પહેલાં તો સરકારે લોકોને રાહત આપવી જોઈએ. હાલમાં કન્સલ્ટન્ટ્સ પણ ગૂંચવાયેલા છે.આ ઉપરાંત પૅનલ્ટી અને વ્યાજ લાદવાનું જોખમ ઊભું છે.”
ભારતના જીએસટી માળખાને સંપૂર્ણ બદલી નાખવાની જરૂરિયાત વિશે કરીમ લાખાણી માને છે કે, “જ્યાં સુધી જૂના વિવાદો સેટલ ન થાય ત્યાં સુધી આખી સિસ્ટમમાં સુધારો લાવી શકાય તેમ નથી. આપણે હજુ પ્રયોગાત્મક તબક્કામાં છીએ. આવામાં અત્યારે ટૅક્સ સિસ્ટમ બદલવામાં આવે અને જીએસટી 2.0 લાવવામાં આવે તો ગૂંચવણ ઘટવાના બદલે વધશે, જેવું ડાયરેક્ટ ટૅક્સ કોડમાં થયું હતું.”
તેમણે કહ્યું કે, “રાજ્યો વચ્ચે ક્લાસિફિકેશનનો પણ વિવાદ છે. વેપારીઓ ટેક્સ ઘટે તેવું ઇચ્છે છે અને સરકાર ટૅક્સની આવક વધારવા માંગે છે. આવામાં લાલચ ઓછી કરવામાં આવે તે જરૂરી છે. સારી વાત એ છે કે અત્યારે જીએસટી કાઉન્સિલ સતર્ક છે. અગાઉ જે વિવાદ ઉકેલવામાં પાંચ વર્ષ લાગી જતા હતા તે હવે ટૂંકા ગાળામાં ઉકેલાય છે, કારણ કે જીએસટી નક્કી કરવાની પ્રક્રિયામાં અલગ અલગ સંગઠનોના મત પણ લેવામાં આવે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS