Source : BBC NEWS
27 ડિસેમ્બર 2024
ઑક્ટોબર-2013માં અમદાવાદમાં એક સાર્વજનિક કાર્યક્રમ યોજાયો, જેમાં એ સમયના પીએમ ડૉ. મનમોહનસિંહ તથા તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા.
2014ની લોકસભા ચૂંટણી પહેલાંની રાજકીય પરિસ્થિતિને જોતાં મોદી ‘દેશના 31 મુખ્ય મંત્રીઓમાંથી એક’ હોવા છતાં સીએમ અને પીએમ બંને શું બોલે છે અને એકબીજા સાથે કેવી રીતે વર્તે છે તેની ઉપર પત્રકારો અને રાજકીય વિશ્લેષકોની વિશેષ નજર હતી.
પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં નરેન્દ્ર મોદીએ દેશના દિગ્ગજ નેતા વિશે ટિપ્પણી કરી હતી. એ પછી ડૉ. મનમોહનસિંહે બોલવાનું હતું, ત્યારે શાંત અને સરળ રાજકારણીની છાપ ધરાવતા તત્કાલીન પીએમે પોતાના સ્વભાવથી વિપરીત જઈને મંચ પરથી મોદીને રોકડું પરખાવ્યું હતું.
ગુજરાતનાએ કાર્યક્રમમાં મોદીના ભાષણ દરમિયાન ગોકીરો થયો હતો અને મનમોહનસિંહે જવાબ આપ્યો ત્યારે તાળીઓ પડી હતી.
મનમોહનસિંહનાં 10 વર્ષના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રીપદે રહ્યા હતા. એ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે અનેક વખત મતભેદ સર્જાયા હતા.
સિંહ પરના શાબ્દિક પ્રહાર મોદી પીએમ બન્યા એ પછી પણ ચાલુ રહેવા પામ્યા હતા.
રાજકીય મતભેદોની વચ્ચે કેન્દ્ર સરકારે મનમોહનસિંહના નિધન નિમિત્તે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
મોદીએ તેમની ઍક્સ પોસ્ટમાં લખ્યું, પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડૉ. મનમોહનસિંહના નિધનથી દેશ શોકાતુર છે. આ સિવાય તેમને ‘વિનમ્ર અને વિદ્વાન’ જણાવ્યા હતા.
મંચ પર વડા પ્રધાન અને પીએમપદના ઉમેદવાર
તા. 29 ઑક્ટોબરના અમદાવાદમાં સરદાર પટેલ મૅમોરિયલ સોસાયટી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામં આવ્યું હતું. જેમાં સરદાર પટેલના નવનિર્મિત મ્યૂઝિયમનું ઉદ્ઘાટન કરવાનું હતું.
સોસાયટીના વડા દીનશા પટેલ હતા, જેઓ તે વખતે ખેડાની બેઠક પરથી સંસદસભ્ય અને ડૉ. મનમોહનસિંહ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા.
દીનશા પટેલનું કહેવું હતું કે જ્યારે તેમણે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે (તત્કાલીન) પીએમ મનમોહનસિંહને આમંત્રણ આપ્યું, ત્યારે તેમનું કહેવું હતું કે કાર્યક્રમ માટે ગુજરાતના સીએમ મોદીને પણ આમંત્રણ આપવું. મોદી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હતા.
સપ્ટેમ્બર-2013માં ભાજપે નરેન્દ્ર મોદીને પીએમપદના ઉમેદવાર બનાવ્યા હતા એટલે બંનેની મુલાકાત ઉપર રાજકીય વિશ્લેષકો, રાજકીયપક્ષો અને પત્રકારોની નજર હતી.
ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીએ મંચ પરથી પાંચેક મિનિટનું હિંદીમાં ભાષણ કર્યું, જેના અંતભાગમાં મોદીએ કહ્યું હતું, “આપણને હંમેશા એક ફરિયાદ, રંજ અને દર્દ રહેશે, દરેક હિંદુસ્તાનીના દિલમાં એક દર્દ રહેશે કે કાશ સરદારસાહેબ આપણા પહેલા વડા પ્રધાન બન્યા હોત, તો આજે દેશની તકદીર પણ અલગ હોત, દેશની તસવીર પણ અલગ હોત.”
તેમના આ નિવેદન બાદ સભામાં થોડી છૂટીછવાઈ તાલીઓ પડી હતી. એ પછી મોદીએ પોતાનું ભાષણ આગળ વધારતા કહ્યું :
“સરદારસાહેબની ખોટ આ દેશને સદા સર્વદા સાલશે. સરદારસાહેબ, તેમના જીવન અને કાર્યકાળનું સ્મરણ કરતા આપણે બધા દેશની એકતા માટે આપણા જીવનમાં કામ કરીએ આ એક અપેક્ષા સાથે તમારો ખૂબ-ખૂબ આભાર.”
મોદીએ ભાષણની છેલ્લી લાઇનો બોલી, ત્યાર સુધીમાં સભામાં ઉગ્ર ગણગણાટ શરૂ થઈ ગયો હતો, કારણ કે અપ્રત્યક્ષ રીતે તે જવાહરલાલ નહેરુ ઉપર શાબ્દિકપ્રહાર હતો.
તેમના પછી ઉદ્ધાટક અને કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. મનમોહનસિંહે ભાષણ કર્યું. પોતાના ભાષણ દરમિયાન ડૉ. મનમોહનસિંહે કહ્યું હતું:
“મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ તથા મૌલાના અબ્દુલ કલામ આઝાદ બધા બિનસાંપ્રદાયિક, ખુલ્લા વિચારોવાળા, સહનશીલ, ગરીબો પ્રત્યે કરુણા ધરાવનારા તથા ભારતની અખંડિતતા માટે લડનારા હતા.”
મનમોહનસિંહના આ નિવેદનને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓ પાડીને વધાવી લીધું હતું. એજ ભાષણમાં તેમણે કહ્યું હતું, “સરદાર પટેલ કૉંગ્રેસના હતા અને અધ્યક્ષ તરીકે પાર્ટીને મજબૂત બનાવવા તેમણે ખૂબ જ મહેનત કરી હતી….હું પણ એજ પાર્ટીનો સભ્ય છું.”
મનમોહનસિંહના નિવેદનના ગૂઢાર્થ હતા. બે દિવસ પછી સરદાર પટેલની જન્મજયંતી નિમિતે કેવડિયા ખાતે 182 મીટર ઊંચી લોહપુરુષની પ્રતિમા સ્થાપવાની કામગીરીનું ખાતમૂહુર્ત થવાનું હતું.
આને ભાજપ અને નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલના રાજકીય વારસા ઉપર તરાપની રીતે જોવામાં આવ્યું, એટલે ડૉ. સિંહનું આ નિવેદન મહત્ત્વપૂર્ણ હતું. કૉંગ્રેસના અનેક નેતાઓએ ગુજરાત સરકારની આ યોજનાને ખર્ચાળ ગણાવીને તેની ટીકા કરી હતી.
ચૂંટણીપ્રચાર દરમિયાન મોદીએ ઓછાબોલા વડા પ્રધાન ઉપર મૌન મોહન સિંહ અને મૌનીબાબા કહીને તેમની ઉપર શાબ્દિકપ્રહાર કર્યા હતા.
આ સિવાય કૉમનવેલ્થ કૌભાંડ, 2જી કૌભાંડ, કોલસા કૌભાંડ, બૅન્કોના એનપીએ અને દેવાસ ડીલ જેવા મુદ્દે યુપીએ સરકાર ઉપર પ્રહાર કરતી વખતે મનમોહનસિંહને જવાબદાર ઠેરવ્યા હતા.
જોકે મે-2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા એ પછી તેઓ પૂર્વ વડા પ્રધાનના નવા સત્તાવાર નિવાસસ્થાને ગયા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી.
‘રેઇનકોટ પહેરીને બાથરૂમમાં સ્નાન’
આઠમી નવેમ્બર 2016ના રોજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નોટબંધી જાહેર કરી હતી. રાતોરાત રૂ. 500 અને રૂ. એક હજારની ચલણી નોટો રદ થવાને કારણે અર્થતંત્રને આંચકો લાગ્યો હતો.
લગભગ એક પખવાડિયા પછી સંસદમાં તેના ઉપર ચર્ચા થઈ, ત્યારે રાજ્યસભામાં મનમોહનસિંહે સરકારના નિર્ણયની ટીકા કરી હતી અને તે શા માટે અર્થતંત્ર માટે નુકસાનકર્તા છે, તેના વિશે વિશેષ ચર્ચા કરી હતી.
ફેબ્રુઆરી-2017માં નોટબંધીની હાલાકી ઓછી થવા લાગી તથા અન્ય મુદ્દે રાજ્યસભામાં ચર્ચા થઈ, ત્યારે પીએમ મોદીએ કહ્યું, “ભારતમાં છેલ્લાં 30-35 વર્ષથી ભારતના આર્થિકનિર્ણયો સાથે એમનો (મનમોહનસિંહનો) સીધો સંબંધ રહ્યો છે અને નિર્ણાયક ભૂમિકામાં રહ્યા છે. 35 વર્ષ સુધી.”
“આ દેશમાં અર્થજગત સાથે સંકળાયેલી કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જેનો ભારતની આઝાદીનાં 70 વર્ષમાં અડધો સમય સુધી આટલો દબદબો રહ્યો હોય.”
“કેટલા કૌભાંડોની વાતો આવી….આટલું બધું થયું, તો પણ એમની ઉપર એક દાગ ન લાગ્યો. બાથરૂમમાં રેઇનકોટ પહેરીને નહાવાની કળા ડૉક્ટરસાહેબ જ જાણે છે.”
એ પછી નવેમ્બર-2019માં કરતારપુર કૉરિડૉર શરૂ થયો ત્યારે ડૉ. સિંહ દર્શનાર્થે ગયા હતા. પાકિસ્તાનમાંથી શરણાર્થી તરીકે આવ્યા બાદ મનમોહનસિંહની પોતાના જન્મના વતનની આ પહેલી મુલાકાત હતી.
આ ઘટનાના થોડા મહિના અગાઉ જ ડૉ. મનમોહનસિંહે ભાજપ સરકારના પહેલા કાર્યકાળને ‘તારાજીપૂર્ણ અને માનસિક રીતે આઘાતજનક’ કહીને વખોડ્યો હતો.
ફેબ્રુઆરી-2024માં રાજ્યસભામાં ચર્ચા કરતી વખતે વડા પ્રધાને મનમોહનસિંહ તથા લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.
વર્ષ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ મુસ્લિમોનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે મનમોહનસિંહે આ નિવેદનની ટીકા કરીને કહ્યું હતું કે ભૂતકાળમાં કોઈપણ વડા પ્રધાને આવા શબ્દ નથી કહ્યા.
આ સાથે જ તેમણે ખેડૂતોના આંદોલન, અગ્નિપથની યોજના તથા મોદી સરકારની અન્ય નીતિઓની ટીકા કરી હતી.
મોદી સામે ડૉ. સિંહ
યુપીએ-1 સરકાર દરમિયાન ગોધરાકાંડની તપાસ માટે નિમવામાં આવેલા મુખર્જી કમિશને આગ અકસ્માતે લાગી હોવાનું તારણ આપ્યું હતું. જે હુલ્લડખોરો દ્વારા આગ લગાડવામાં આવી હોવાના રાજ્ય સરકારના વલણથી વિપરીતનું તારણ હતું.
એપ્રિલ-2009માં લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે મનમોહનસિંહ પર અમદાવાદમાં જૂતું ફેકાયું હતું. આ આરોપ સબબ પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી, પરંતુ મનમોહનસિંહે તેને માફ કરી દીધો હતો.
10 વર્ષ દરમિયાન સીબીઆઈ દ્વારા ‘નકલી ઍન્કાઉન્ટરોની તપાસ, હુલ્લડોમાં મોદીની કથિત ભૂમિકા’ સહિતના મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર વારંવાર સામ-સામે રહ્યા હતા.
યુપીએ સરકાર દરમિયાન ભાજપે જીએસટી, આધાર અને મનરેગાનો વિરોધ કર્યો હતો, પરંતુ આજે મોદી સરકાર તેને પોતાની નોંધપાત્ર સિદ્ધિ ગણાવે છે. જોકે, ભાજપનું કહેવું છે કે તેને વિભાવના સામે નહીં, પરંતુ તેના સ્વરૂપ સામે વાંધો હતો.
મનમોહનસિંહે પોતાના બીજા કાર્યકાળની છેલ્લી પત્રકારપરિષદમાં કહ્યું હતું કે ‘હાલના મીડિયા કરતાં ઇતિહાસ મારા પ્રત્યે વધુ ઉદાર હશે.’
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS