Source : BBC NEWS

અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની ટેરિફ નીતિ, દુનિયામાં મંદીના ભણકારા, ભારત, ચીન, યુરોપીય સંઘ, જર્મની, અર્થવ્યવસ્થા, શૅરમાર્કેટ, શૅરબજાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

5 એપ્રિલ 2025, 19:18 IST

અપડેટેડ 43 મિનિટ પહેલા

અમેરિકા સાથે કારોબાર કરનાર દેશો પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાખેલા ટેરિફના એલાન બાદ દુનિયાભરનાં શૅરબજારમાં હડકંપ મચી ગયો છે.

ટ્રમ્પના ટેરિફ પર ચીનના જવાબી ટેરિફે આખી દુનિયાને અર્થવ્યવસ્થામાં મુશ્કેલી વધે તેવી આશંકા વધારી દીધી છે.

ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફથી અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ચીનથી માંડીને ભારતનાં બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ છે.

શુક્રવારે અમેરિકા અને બ્રિટનનાં શૅરબજારોના સૂચકાંક અંદાજે પાંચ ટકાથી વધુ ઘટી ગયા. અમેરિકન બજારમાં કોરોના બાદ આ સૌથી મોટો ઘટાડો છે.

વિશ્વના બધા દેશો પર 10 ટકા અને મોટા ટ્રેડિંગ પાર્ટનરો પર અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફના એલાન બાદ આખી દુનિયાનાં શૅરબજારોમાં રોકાણકારોએ લાખો કરોડો રૂપિયા ગુમાવ્યા છે.

આ સાથે જ અમેરિકન બજારોમાં મોંઘવારી અને બેરોજગારીનું સંકટ પણ વધી ગયું છે.

જોકે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ટેરિફની અમેરિકન અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં થાય. તેમણે દેશમાં રોજગારના બહેતર આંકડાનો હવાલો આપતા આ ચિંતાને નકારી દીધી છે.

તેમણે કહ્યું “મજબૂતીથી ટકી રહો. આપણને નુકસાન નહીં થાય.”

ટ્રમ્પે કહ્યું, “અમેરિકામાં આવનારા રોકાણકારો અને અહીં મોટું રોકાણ કરનારા માટે મારી નીતિઓ ક્યારેય નહીં બદલાય. આ ધનવાન થવાનો ઉત્તમ સમય છે. તમે પહેલાં કરતાં વધુ ધનવાન થશો.”

યુરોપીય સંઘ પર ટેરિફ પર જવાબી કાર્યવાહી માટે તૈયાર

અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની ટેરિફ નીતિ, દુનિયામાં મંદીના ભણકારા, ભારત, ચીન, યુરોપીય સંઘ, જર્મની, અર્થવ્યવસ્થા, શૅરમાર્કેટ, શૅરબજાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તારીખ બીજી એપ્રિલના ટ્રમ્પે અનેક દેશો પર લાદનાર ટેરિફની જાહેરાત કરી હતી.

પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે અમેરિકામાં 1968 બાદ આયાતી ચીજો પર આ સૌથી મોટો ટૅક્સ વધારો છે. તેનાથી ધંધો મંદ પડી જશે અને અનેક દેશો મંદીમાં સપડાઈ જશે.

જોકે સૌથી મોટું સંકટ વૈશ્વિક ટેરિફ વૉર છેડાય તેનું છે. ચીને અમેરિકા પર 34 ટકા ટેરિફ લાદીને તેના સંકેત આપ્યા છે. ચીન પહેલાંથી અમેરિકા પર પોતાની પ્રોડક્ટ નિકાસ કરનારી કેટલીક કંપનીઓ પર પ્રતિબંધ લાદી ચૂક્યું છે.

તેમાં રેયર અર્થ મટીરિયલ નિકાસ કરનારી કેટલીક કંપનીઓ સામેલ છે. રેયર અર્થ મટીરિયલ ફોનથી લઈને કાર સુધીના મૅન્યુફૅક્ચરિંગમાં કામ લાગે છે.

ચીન તરફથી જવાબી ટેરિફ પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું, “ચીને ખોટો રસ્તો પસંદ કર્યો છે. તે ગભરાઈ ગયું છે. તેના માટે આ સંકટ સાબિત થશે.”

જોકે ચીનની સાથે અમેરિકાના અન્ય મોટા ટ્રેડિંગ પાર્ટનર યુરોપીય સંઘે પણ જવાબી ટેરિફ લાદવાનો સંકેત આપ્યો છે.

જોકે અમેરિકન સપ્લાયર ચેઇન માટે મહત્ત્વના વિયેતનામ જેવા દેશોએ વાતચીતના માધ્યમથી ટેરિફ પર સમજૂતીના સંકેત આપ્યા છે, પરંતુ જો યુરોપ અને અન્ય એશિયન દેશોએ પણ જવાબી ટેરિફ લાદ્યા તો આખી દુનિયાના ટ્રેડ માર્કેટમાં મોટું સંકટ પેદા થઈ શકે છે.

યુરોપિયન યુનિયનના ટ્રેડ કમિશનર મારોસ સફ્કોવિકે શુક્રવારે કહ્યું કે તેમણે બે કલાક સુધી અમેરિકન અધિકારીઓ સાથે સ્પષ્ટ વાત કરી. બાદમાં તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે કારોબારી સંબંધો મામલે એક નવા દૃષ્ટિકોણની જરૂર છે.

તેમણે કહ્યું, “ઈયુ સાર્થક વાતચીત માટે તૈયાર છે, પણ તે પોતાનાં હિત નહીં છોડે.”

અમેરિકાના ટેરિફ વૉરથી દુનિયામાં મંદીનું સંકટ

અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની ટેરિફ નીતિ, દુનિયામાં મંદીના ભણકારા, ભારત, ચીન, યુરોપીય સંઘ, જર્મની, અર્થવ્યવસ્થા, શૅરમાર્કેટ, શૅરબજાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન ફેડરલ રિઝર્વ (કેન્દ્રીય બૅન્ક)ના ચીફ જેરોમ પૉવેલે અમેરિકન ટેરિફને ઘણો વધારે ગણાવ્યો છે.

તેમણે કહ્યું, “તેનાથી મોંઘવારી વધશે અને વિકાસ ધીમો થશે. મોંઘવારી અને ધીમો વિકાસ ક્યાં સુધી રહેશે એ કહી ન શકાય.”

જોકે ટ્રમ્પે ટેરિફના એલાન બાદ પૉવેલને વ્યાજદરોને ઘટાડવાની અપીલ કરી છે.

અગાઉ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક જેપી મૉર્ગનના ચીફ ઇકૉનૉમિસ્ટ અને ગ્લોબલ રિસર્ચના હેડ બ્રુસ કેસમૅને કહ્યું કે આ વર્ષના અંત સુધી દુનિયામાં મંદી આવવાની આશંકા 60 ટકા છે.

અગાઉ બૅન્કે 12 માર્ચે કહ્યું હતું કે મંદીની આશંકા 40 ટકા છે.

તેઓ લખે છે, “અમેરિકન ઉપભોક્તાઓ લાંબા સમયથી વિદેશથી આવતા સસ્તા સામાનનો લાભ ઉઠાવતા રહ્યા છે. પણ તેની કિંમત તેમને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાંથી નોકરીઓ ગુમાવીને ચૂકવવી પડી છે.”

અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની ટેરિફ નીતિ, દુનિયામાં મંદીના ભણકારા, ભારત, ચીન, યુરોપીય સંઘ, જર્મની, અર્થવ્યવસ્થા, શૅરમાર્કેટ, શૅરબજાર, બીબીસી ગુજરાતી

હવે અમેરિકા ઇચ્છે છે કે ત્યાં મૅન્યુફૅક્ચરિંગ સંબંધિત રોજગારી વધે. જોકે જોવાનું એ રહેશે કે બદલાયેલી પરિસ્થિતિમાં તેનું શું થશે.

ટ્રમ્પના નવા ટેરિફના એલાનની સાથે ઍપલ અને નાઇકી જેવી કન્ઝ્યુમર કંપનીઓના શૅરમાં મોટો ઘટાડો થયો છે. બંને કંપનીઓ પોતાના સપ્લાય માટે એશિયન દેશો પર ઘણી નિર્ભર છે.

માત્ર કન્ઝ્યુમર કંપનીઓ જ નહીં, પણ હવે હેલ્થકેર અને યુટિલિટીઝ કંપનીઓ પણ તેનાથી પ્રભાવિત જણાઈ રહી છે.

અમેરિકાના ન્યૂ જર્સીમાં અપ્લાયન્સ સ્ટોર ચલાવનાર પૅટ મસ્કરીટોલોએ કહ્યું કે નવા ટેરિફ બાદ તેમને પોતાની દુકાન બંધ કરવી પડી શકે છે. તેઓ ગત વર્ષથી જ આ કારોબાર ચલાવે છે.

તેમણે ગ્રાહકોને કહ્યું કે તેઓ બને એટલી જલદી ખરીદી કરી લે, નહીં તો રેફ્રિઝરેટર, એસી જેવી વસ્તુઓની કિંમત 30થી 40 ટકા વધી જશે.

ટ્રમ્પના ટેરિફથી ભારતને કેટલું નુકસાન?

અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની ટેરિફ નીતિ, દુનિયામાં મંદીના ભણકારા, ભારત, ચીન, યુરોપીય સંઘ, જર્મની, અર્થવ્યવસ્થા, શૅરમાર્કેટ, શૅરબજાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જાણીતા અમેરિકન અર્થશાસ્ત્રી લૉરેન્સ એચ. સમર્સે અમેરિકન શૅરબજારોમાં આવેલા ઘટાડા પર ચિંતા કરતા કહ્યું, “બજારમાં ઘટાડો કોઈ બૅન્ક ફેઇલ થવાથી, મહામારી, વાવાઝોડું કે કોઈ દેશના કોઈ મોટા કારસ્તાનને કારણે આવ્યો નથી. આ ટ્રમ્પની નીતિઓનું પરિણામ છે, જેના પર તેમને ગર્વ છે. આવું પહેલાં ક્યારેય થયું નથી. આ બહુ ખતરનાક છે.”

ટ્રમ્પના ટેરિફ પછી ભારતનાં કેટલાંક સેક્ટરોને પણ ભારે નુકસાન થવાની આશંકા છે.

વિશ્લેષકોના મતે, તેનાથી ભારતના સ્માર્ટફોન માર્કેટ પર અસર પડી શકે છે. ઍપલે ભારતમાં આઇફોન ઍસેમ્બલિંગ પ્લાન્ટ સ્થાપ્યા પછી તેની સ્માર્ટફોન નિકાસ વધીને 6 અબજ ડૉલર થઈ હતી, પરંતુ નવો ટેરિફ તેને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે આઇફોનમાં વપરાતા મોટા ભાગના સ્પેરપાર્ટ આયાત કરવામાં આવે છે.

અમેરિકામાં નિકાસ થતી ચીજવસ્તુઓમાં 30 ટકા હિસ્સો જેમ્સ ઍન્ડ જ્વેલરીનો હોય છે. ઊંચા ટેરિફને લીધે તેની નિકાસ પર પણ અસર થશે.

ભારતની કાપડ નિકાસ પહેલેથી જ ચીન અને બાંગ્લાદેશ સાથે સખત હરીફાઈનો સામનો કરી રહી છે. ટેરિફમાં વધારાને કારણે આ નિકાસ વધુ મોંઘી થશે.

જોકે, નવા ટેરિફમાં ભારતનાં ફાર્મા સેક્ટરોનો બાકાત રાખવામાં આવ્યાં છે. પરંતુ આગામી સમયમાં તેઓ કેટલીક દવાઓ પર ટેરિફની જાહેરાત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતનાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમ ઉત્પાદનો પર અમેરિકા પહેલેથી જ 25 ટકા ટેરિફ લાદી ચૂક્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS