Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Reuters
59 મિનિટ પહેલા
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈએ ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે “ઈરાન ક્યારેય ઇઝરાયલ સાથે સમાધાન નહીં કરે.”
બીજી એક પોસ્ટમાં તેમણે કહ્યું કે “યુદ્ધ શરૂ થઈ ગયું છે.”
આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ‘બિનશરતી સરેન્ડર’ અને ઈરાનના સુપ્રીમ લીડર છુપાયેલા છે એવી વાતો લખી હતી.
ત્યાર પછી હવે આયતુલ્લાહ અલી ખામેનેઈએ ઍક્સ પર પોસ્ટ કરી છે.
ખામેનેઈએ લખ્યું કે, “અમે આતંકવાદી ઝાયનિસ્ટ શાસનને જોરદાર જવાબ આપવો જોઈએ. અમે ઝાયનિસ્ટો પર કોઈ દયા નહીં દેખાડીએ.”
અગાઉ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર લખ્યું કે, “અમને સારી રીતે ખબર છે કે કથિત ‘સુપ્રીમ લીડર’ ક્યાં છુપાયેલા છે. તેઓ એક સરળ ટાર્ગેટ છે, પરંતુ હાલમાં તેઓ ત્યાં સુરક્ષિત છે.”
ટ્રમ્પે લખ્યું હતું કે, “અમે હમણાં તેમને હટાવવાના (મારવાના) નથી. કમસે કમ અત્યારે નહીં. પરંતુ અમે નથી ઇચ્છતા કે સામાન્ય નાગરિકો અથવા અમેરિકન સૈનિકો પર મિસાઇલ ફેંકવામાં આવે. અમારી ધીરજ ખૂટતી જાય છે.”
કૅનેડાના પીએમ સાથે મોદીની મુલાકાતઃ ભારત, કૅનેડા હાઈ કમિશનરની કચેરી ફરીથી ખોલવા સહમત

ઇમેજ સ્રોત, X/@narendramodi
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 શિખર મંત્રણામાં ભાગ લેવા કૅનેડા ગયા છે ત્યારે ભારત અને કૅનેડાએ એકબીજાની રાજધાનીમાં હાઈ કમિશનરની કચેરી ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની સાથે બેઠક યોજી હતી ત્યાર પછી આ નિર્ણય લેવાયો છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે ભારત અને કૅનેડા એકબીજાને ત્યાં વહેલી તકે હાઈ કમિશનર ફરીથી સ્થાપિત કરવા સહમત થયા છે.
કૅનેડાના આમંત્રણ પછી વડા પ્રધાન મોદી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે. કૅનેડાના પીએમ સાથે મુલાકાત પછી તેમણે ઍક્સ પર પોસ્ટ કરી કે, “વડા પ્રધાન માર્ક કાર્ની સાથે શાનદાર બેઠક થઈ. જી-7 શિખર સંમેલનની સફળ મેજબાની કરવા બદલ તેમને અને કૅનેડાની સરકારને અભિનંદન. ભારત અને કૅનેડા લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનમાં દૃઢ વિશ્વાસથી જોડાયેલા છે.”
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે બંને દેશોની બેઠકમાં ભારત-કૅનેડાના સંબંધોના મહત્ત્વ પર વાતચીત થઈ હતી જે સમાન મૂલ્યો, લોકશાહી અને કાયદાના શાસન પર આધારિત છે.
બંને દેશોએ સ્વચ્છ ઊર્જા, ટેકનોલૉજી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), ફૂડ સિક્યૉરિટી અને ક્રિટિકલ મિનરલ્સના ક્ષેત્રે સહયોગ વધારવા આયોજન કર્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS