Source : BBC NEWS
અમેરિકામાં 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તે અગાઉ ડૉલર સતત મજબૂત બનતો જાય છે. દરમિયાન ભારતીય ચલણના ધોવાણે અનેક લોકોની ચિંતા વધારી દીધી છે, કારણ કે ભારત આયાત આધારિત અર્થતંત્ર હોવાથી ડૉલરની મજબૂતી બહુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ડૉલરની સામે તમામ વૈશ્વિક ચલણોમાં નબળાઈ ચાલુ છે જેના કારણે આ સપ્તાહમાં રૂપિયો પણ તેની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો.
14 જાન્યુઆરી, મંગળવારે ડૉલરની સામે રૂપિયો 86.64ની રેકૉર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો અને અંતે 86.63 પર બંધ થયો હતો.
ભારતીય રૂપિયા પર દબાણ આવે ત્યારે ચલણનો ઘસારો રોકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ફોરેક્સ માર્કેટમાં ડૉલરનું વેચાણ કરતી હોય છે જેથી રૂપિયાનો ઘટાડો અટકે છે.
આ વખતે પણ એવું જ કરવામાં આવ્યું છે. રૉઇટર્સના અહેવાલ મુજબ રૂપિયાને ટેકો આપવા માટે આરબીઆઈએ ડૉલર વેચ્યા છે. એક ખાનગી બૅન્કના કરન્સી ડીલરે રૉઇટર્સને જણાવ્યું હતું કે આરબીઆઈએ દરમિયાનગીરી કરી ન હોત તો ડૉલરનો ભાવ કમસે કમ 86.70 થાય તેમ હતો.
સવાલ એ છે કે ડૉલર કેમ મજબૂત બનતો જાય છે અને રૂપિયો કેમ સતત ઘસાય છે.
ડૉલર કેમ મજબૂત બની રહ્યો છે?
ડૉલર મજબૂત થવાનું કારણ અમેરિકાની નવી રાજકીય સ્થિતિ જણાવાઈ રહી છે. રૉઇટર્સના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પ્રવેશવાના છે ત્યારે હવે યુએસ ફેડ દ્વારા વ્યાજમાં ઘટાડાની શક્યતા ઓછી છે અને ડૉલર અનેક વર્ષની ટોચે પહોંચી ગયો છે.
યુએસની નવી સરકાર વિકાસલક્ષી અને ફુગાવાલક્ષી નીતિઓ અપનાવશે તેવું માનવામાં આવે છે. તેમાં કેટલાક દેશો પર ઊંચા ટેરિફ લાદવામાં આવશે તેવું ટ્રમ્પ પહેલાં પણ કહી ચૂક્યા છે.
દુનિયાનાં મુખ્ય છ ચલણ – યુરો, જાપાની યેન, બ્રિટિશ પાઉન્ડ, કૅનેડિયન ડૉલર, સ્વીડિશ ક્રોના અને સ્વિસ ફ્રાન્ક સામે ડૉલર કેટલો મજબૂત છે તેના માપને ડૉલર ઇન્ડેક્સ કહેવાય છે.
સપ્ટેમ્બરના અંતથી અત્યાર સુધીમાં આ ઇન્ડેક્સ લગભગ 10 ટકા વધ્યો છે અને બે વર્ષ કરતાં વધુ સમયની ઊંચી સપાટી પર છે. એટલે કે તમામ દેશોનું ચલણ ઘટી રહ્યું છે, જ્યારે ડૉલર વધ્યો છે.
અમેરિકામાં ટ્રમ્પ સરકારની ટ્રેડ અને ટેરિફ નીતિઓને ધ્યાનમાં રાખીને રોકાણકારો પોતાના પૉર્ટફોલિયો બનાવી રહ્યા છે જેમાં બીજાં અર્થતંત્રો અને ચલણો પર દબાણ વધશે તેવું નિષ્ણાતો માને છે.
ટ્રમ્પે અગાઉ પણ આવી નીતિ અપનાવી હતી અને ડૉલરમાં આવી જ મજબૂતી જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત રાષ્ટ્રપતિ હતા ત્યારે ફેબ્રુઆરી 2018થી ફેબ્રુઆરી 2020 વચ્ચે ડૉલરમાં લગભગ 13 ટકાનો વધારો થયો હતો અને તે વખતે તેમણે ચીન અને મૅક્સિકો પર આકરા ટેરિફ ઝીંક્યા હતા.
રૂપિયાનો ઘટાડો શા માટે ચિંતાજનક છે?
ડૉલર એ સર્વત્ર સ્વીકાર્ય ગ્લોબલ ચલણ છે અને ડૉલર મોંઘો થાય તો તેને ખરીદવા માટે વધારે રૂપિયા ખર્ચવા પડે છે.
ઉદાહરણ તરીકે થોડા સમય અગાઉ ડૉલરનો ભાવ 80 રૂપિયા હતો ત્યારે 100 ડૉલરની ચીજ ખરીદવા માટે 8000 રૂપિયા ખર્ચ આવતો હતો, પરંતુ હવે તેને ખરીદવા માટે 8600 કરતાં વધારે રૂપિયા આપવા પડે છે. તેથી ડૉલર મજબૂત થાય અને રૂપિયો નબળો પડે ત્યારે સામાન્ય રીતે મોંઘવારી વધતી હોય છે.
ક્રૂડઑઇલની આયાત પાછળ ભારતે વધારે ખર્ચ કરવો પડે છે, તેનાથી પેટ્રોલ, ડીઝલ અને બધી પેટ્રોલિયમ પેદાશો મોંઘી થાય છે, પરિવહનના ખર્ચમાં વધારો થાય છે અને અંતમાં દરેક ચીજનો ભાવ વધારવો પડે છે.
ડૉલર મોંઘો પડે ત્યારે વિદેશમાં ભણવાનો ખર્ચ વધી જાય છે જેથી વિદેશમાં સંતાનોને ભણવા મોકલનાર વાલીઓએ વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે. વિદેશપ્રવાસ માટે પણ પહેલાં કરતાં વધારે રૂપિયા આપવા પડે છે.
કરિયાણાથી લઈને કપડાં અને વીજળીથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધીની ચીજો મોંઘી થવા લાગે છે. મોબાઇલ ફોન, લૅપટૉપ, ઇમ્પૉર્ટેડ બૅટરી, વાહનો સહિત દરેક ચીજના ભાવ વધી જાય છે તેથી રૂપિયો નબળો પડે તો તેની અસર દરેક વ્યક્તિ સુધી અનુભવાય છે.
રૂપિયાનું મૂલ્ય ઘટે તો તેની અસર આયાત પર આધારિત બિઝનેસ જગત પર સૌથી વધારે પડે છે, પરંતુ તેની સામે નિકાસ આધારિત ઉદ્યોગોને ફાયદો થાય છે. તેથી ડૉલર મોંઘો થાય તે આઇટી, ઓટોમોબાઇલ, જેમ્સ ઍન્ડ જ્વેલરી માટે ફાયદાકારક હોઈ શકે છે.
રૂપિયાની નબળાઈથી સામાન્ય લોકોને કેવી અસર થાય?
ભારત પોતાની મોટા ભાગની આયાત માટે ડૉલરમાં ચુકવણી કરે છે તેથી હવે ભારતનું ઇમ્પૉર્ટ બિલ વધે તેવી શક્યતા છે. તેમજ ખાદ્ય તેલો, કઠોળ, ફર્ટિલાઇઝર, ઑઇલ અને ગૅસ માટે વધારે ભાવ ચૂકવવો પડી શકે છે.
ભારત હજુ 88 ટકા ક્રૂડઑઇલની આયાત કરે છે ત્યારે ડૉલરની મજબૂતીના કારણે ફુગાવો બેકાબૂ બનવાની શક્યતા છે. પરિવહન ખર્ચ વધવાના કારણે ખાદ્યપદાર્થો મોંઘા થશે અને વ્યાપાર ખાધ વધી શકે છે. એટલે કે નિકાસની આવક કરતાં આયાત ખર્ચ વધી જશે. આવી સ્થિતિમાં જો વ્યાજના દર વધશે તો એકંદરે અર્થતંત્રને ફટકો પડે તેવું જણાઈ રહ્યું છે.
આયાત આધારિત ઉદ્યોગોમાં ઍનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ્સને સૌથી વધારે અસર થવાની શક્યતા છે. જે કંપનીઓએ વિદેશમાં દેવું કર્યું હશે તેમણે પણ ડૉલરમાં પેમેન્ટ કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે. ફુગાવાને વધતો અટકાવવા માટે આરબીઆઈ વ્યાજના દર નહીં ઘટાડી શકે જેથી જીડીપીના ગ્રોથ રેટને અસર થઈ શકે છે.
રૂપિયો નબળો થયો કે ડૉલર મજબૂત બન્યો?
રૂપિયાના ઘટતા મૂલ્યના કારણે વિરોધપક્ષો સરકારની ટીકા કરી રહ્યા છે અને રૂપિયાને સ્થિરતા આપવામાં સરકાર નિષ્ફળ ગઈ તેવો આરોપ મૂકે છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની વેબસાઇટ પ્રમાણે 26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ પહેલી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા તે દિવસે ડૉલરનો ભાવ 58.58 રૂપિયાની આસપાસ હતો. તેની તુલના હાલના ભાવ સાથે કરાય તો રૂપિયા સામે ડૉલર લગભગ 47 ટકા મોંઘો થયો છે.
અગાઉ મનમોહનસિંહે 22 મે, 2004ના રોજ વડા પ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લીધા તે સમયે ડૉલરનો ભાવ 45.33 રૂપિયા હતો. તેમના 10 વર્ષના કાર્યકાળના અંતે ડૉલરનો ભાવ 58ને વટાવી ગયો હતો, એટલે કે મનમોહનસિંહના કાર્યકાળમાં રૂપિયા સામે ડૉલર 29 ટકા વધ્યો હતો.
જોકે, અર્થશાસ્ત્રીઓ માને છે કે ભારતે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. રૂપિયો અહીંથી વધારે ઘટે તેવી શક્યતા ઓછી છે.
આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ પ્રોફેસર અને હાલમાં ગોવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ ખાતે ઇકૉનૉમિક્સના સિનિયર પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “રૂપિયો નથી ગગડ્યો, પરંતુ ડૉલર મજબૂત બન્યો છે.”
તેમણે કહ્યું કે, “રૂપિયો અહીંથી હવે વધુ ઘટે તેવી શક્યતા નથી. ફુગાવા પર લગભગ અડધા ટકા જેટલી અસર પડી શકે છે, પરંતુ તેની સામે લોકોને રાહત આપવા માટે સરકારે પેટ્રોલિયમ પેદાશો પર ટૅક્સ ઘટાડવો જોઈએ.”
પ્રોફેસર મોરિસે કહ્યું કે, “ડૉલરની સામે માત્ર રૂપિયો નહીં પણ તમામ મોટાં ચલણોમાં ઘટાડો થયો છે. તેના માટે બે-ત્રણ કારણો જવાબદાર છે. એક, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાના કારણે લગભગ બે ક્વાર્ટર સુધી યુએસ ફેડ વ્યાજદરમાં કાપ નહીં મૂકે. બીજું, ટ્રમ્પની નીતિ અમેરિકામાં ઉદ્યોગોને આકર્ષવાની છે. અને ત્રીજું કારણ એ છે કે આખી દુનિયામાં અનિશ્ચિતતાનો માહોલ છે.”
“આ ઉપરાંત આઇટી, ફાર્માસ્યુટિકલ્સ, હળવાં એન્જિનિયરિંગ ઉત્પાદનો અને ટેક્સ્ટાઇલ્સની નિકાસમાં ફાયદો થઈ શકે છે,” તેમ તેઓ કહે છે.
તાજેતરમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ કહ્યું હતું કે રૂપિયાના ઘટવાથી ‘વધારે પડતી ચિંતા’ કરવાની જરૂર નથી.
રઘુરામ રાજને કહ્યું કે “વાસ્તવમાં ડૉલર તમામ ચલણો સામે મજબૂત બની રહ્યો છે. યુરોને જુઓ તો ગયા વર્ષની શરૂઆતમાં એક ડૉલરથી 91 સેન્ટ ખરીદી શકાતા હતા, જ્યારે હવે 98 સેન્ટ ખરીદી શકાય છે. એટલે કે યુરોમાં છથી સાત ટકા ઘસારો થયો છે. રૂપિયાની સાથે પણ આવું જ થયું છે અને તેનો દર 83માંથી 86 થઈ ગયો છે.”
અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે જણાવ્યું કે, “શૅરબજારમાં 11 હજાર કરોડ કરતાં વધારે વિદેશી કંપનીઓનું રોકાણ હતું જેને તેઓ એક વર્ષથી પાછું ખેંચી રહ્યા છે તેથી માગ પેદા થઈ છે અને રૂપિયા પર દબાણ આવ્યું છે. આ ઉપરાંત ભારત પાસે 710 અબજ ડૉલરનું વિક્રમજનક વિદેશી હૂંડિયામણ છે, પણ તેની સામે 670 અબજ ડૉલરનું વિદેશી દેવું પણ છે જેના વ્યાજની ચુકવણીમાં મોટા પાયે ડૉલરની જરૂર પડે છે.”
તેમણે કહ્યું કે “હાલમાં ચાલુ ખાતાની ખાધ (કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ અથવા સીએડી) જીડીપીના એક ટકાની નજીક છે જે ગયા વર્ષે 0.70 ટકા હતી. તેના કારણે ડૉલર બહુ વધ્યો છે. ભારતની નિકાસથી એટલી કમાણી નથી થતી જેટલી જાવક આયાતની પાછળ થાય છે.”
તેમણે કહ્યું કે, “આગામી દિવસોમાં ખાદ્યતેલ, ક્રૂડઑઇલ, હેવી મશીનરીના ભાવ વધશે જેના કારણે બીજી ચીજોમાં પણ ભાવવધારો જોવા મળશે. હેમંતકુમાર શાહ માને છે કે દિલ્હીની ચૂંટણી પછી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી શકે છે.”
હવે આગળ રૂપિયાનું શું થવાનું છે?
રેટિંગ એજન્સી કેરએજ રેટિંગ્સના ઍસોસિયેટ ઇકૉનૉમિસ્ટ મિહિકા શર્માએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “ડૉલરની મજબૂતી અને અમેરિકન બૉન્ડની ઊંચી યીલ્ડના કારણે વિદેશી પૉર્ટફોલિયો ઇન્વેસ્ટરો (એફપીઆઈ) ભારત સહિતનાં ઉભરતાં બજારોમાંથી મૂડી પાછી ખેંચી રહ્યા છે. તેના કારણે તમામ ઉભરતાં બજારોમાં કરન્સી પર દબાણ આવ્યું છે. આ ઉપરાંત ભારતના વિકાસદરમાં થયેલા ઘટાડાના કારણે પણ રૂપિયો ઘટ્યો છે.”
તેમણે કહ્યું કે, “નજીકના ગાળામાં અમેરિકન ડૉલર સામે રૂપિયો 86થી 87ની વચ્ચે રહેવાની શક્યતા છે. બજારની અત્યારની અસ્થિરતાને ધ્યાનમાં લેતા રૂપિયો વધુ ઘસાઈ શકે છે. જોકે, ટ્રમ્પની ટેરિફ નીતિઓ ધારણા પ્રમાણે આક્રમક નથી તેથી ડૉલર ઇન્ડેક્સ લેવલમાં થોડો ઘટાડો શક્ય છે જેનાથી રૂપિયાને ટેકો મળશે. આ દરમિયાન રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા હસ્તક્ષેપ કરીને રૂપિયાને સપોર્ટ આપી શકે છે.”
ઇકૉનૉમિસ્ટ મિહિકા શર્માએ કહ્યું કે, “રૂપિયો ઘસાવાથી આયાત ખર્ચ વધશે પરંતુ અહીં એ વાત યાદ રાખવી જોઈએ કે માગ-પુરવઠાનાં બીજાં પરિબળો પણ ભાવોને અસર કરશે. ખાદ્યાન્ન ફુગાવો ઘટ્યો હોવાના સંકેત છે ત્યારે નાણાકીય વર્ષ 2025માં ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો (સીપીઆઈ) 4.8 ટકા રહેવાની અને નાણાકીય વર્ષ 2026માં ઘટીને 4.5 ટકા રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂકી શકે છે.”
“સર્વિસ સેક્ટરમાં મજબૂત નિકાસના કારણે નાણાકીય વર્ષ 2025માં ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.9 ટકા સુધી રહી શકે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS