Source : BBC NEWS

ભારત-પાકિસ્તાન તણાવ સંઘર્ષવિરામ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાને શનિવારે એકબીજાનાં સૈન્ય હવાઈ મથકો પર હુમલા અને નુકસાન પહોંચાડ્યાના દાવા કર્યા.

બંને દેશ વચ્ચેનો તણાવ એના ચરમ પર હતો, એ દરમિયાન, અમેરિકન વિદેશમંત્રી માર્કો રુબિયો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સક્રિય થયા.

તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ, ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના સેનાપ્રમુખ આસિમ મુનીર સાથે વાતચીત કરી.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે સેનાની ત્રણે પાંખના વડાઓ સાથે બેઠક યોજી. ત્યાર પછી રિપોર્ટ આવ્યો કે, ભારત ‘ભવિષ્યમાં આતંકવાદની કોઈ પણ ઘટનાને યુદ્ધની કાર્યવાહી’ માનશે.

પાકિસ્તાન સાથે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો ભારત તરફથી આ પહેલો સંકેત હતો.

બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનના ડીજીએમઓ (ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ)એ ભારતના ડીજીએમઓ સાથે ટેલિફોન પર વાત કરી.

આ વાતચીતમાં બંને દેશ જળ, જમીન અને હવાઈ ક્ષેત્રમાંની એકબીજા સામેની પોતપોતાની સૈન્ય કાર્યવાહી અટકાવવા માટે સંમત થયા.

જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘યુદ્ધવિરામ’ની પ્રથમ માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી.

ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાંજે 5.30 વાગ્યે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ મૂકીને ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘યુદ્ધવિરામ’ની જાહેરાત કરતાં દાવો કર્યો કે ‘આખી રાત ચાલુ રહેલી વાતચીત’માં અમેરિકાએ મધ્યસ્થી કરી.

ટ્રમ્પે બંને દેશને અભિનંદન આપતાં લખ્યું, “આ અમેરિકાની મધ્યસ્થતામાં ‘આખી રાત ચાલેલી વાતચીત’ પછી થયું.”

ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘યુદ્ધવિરામ’ અંગેની આ પ્રથમ સાર્વજનિક જાહેરાત હતી, જે ભારત અને પાકિસ્તાનનાં સત્તાવાર નિવેદનોની પહેલાં કરવામાં આવી.

ત્યાર પછી તરત જ પાકિસ્તાનના વિદેશમંત્રી ઇસ્હાક ડારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર ‘યુદ્ધવિરામ’ની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, અમેરિકા, સાઉદી અરબ અને બ્રિટન સહિત ત્રીસ કરતાં વધુ દેશો રાજદ્વારી પ્રયાસોમાં સામેલ હતા.

ભારતે અમેરિકાનો ઉલ્લેખ ન કર્યો

ભારત-પાકિસ્તાન તણાવ સંઘર્ષવિરામ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, ANI

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શનિવારે સાંજે 5.45 વાગ્યે મીડિયાને બ્રીફ આપી અને બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા સંબંધમાં થયેલી સહમતી અંગે માહિતી આપી.

વિક્રમ મિસરીએ એ વાત પર ભાર મૂક્યો કે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને ફોન-કૉલ કર્યા પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહમતી થઈ છે. તેમણે અમેરિકા કે અન્ય કોઈ દેશનો નામોલ્લેખ ન કર્યો.

ત્યાર પછી ભારતના માહિતી મંત્રાલયે એ વાત પર ભાર મૂક્યો કે પાકિસ્તાન સાથે આગળની વાતચીત માટે કશો નિર્ણય નથી લેવાયો.

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે શનિવારે સાંજે છ વાગ્યે નિવેદન બહાર પાડીને ‘યુદ્ધવિરામ’ની પુષ્ટિ કરતાં ‘આતંકવાદ’ સામેના ભારતના સખત વલણનો પુનરુચ્ચાર કર્યો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સહમતી થયાની વાત કરી.

યુદ્ધ રોકવા અમેરિકા શા માટે આગળ આવ્યું?

ભારત-પાકિસ્તાન તણાવ સંઘર્ષવિરામ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્લેષકો માને છે કે, અમેરિકાને સૌથી મોટી ચિંતા એ રહી હશે કે જો આ યુદ્ધ વધી જાય તો પાકિસ્તાન કશુંક એવું પગલું ભરી શકે છે, જેનાથી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર પ્રોફેસર ચિંતામણિ મહાપાત્રા કહે છે, “અમેરિકા એ મુદ્દે ચિંતિત હતું કે જો આ સંઘર્ષ આગળ વધ્યો અને પાકિસ્તાનની સેના સામે ગંભીર પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ, તો પાકિસ્તાન કોઈ પણ પગલું ભરી શકે છે. એવું લાગે છે કે, અમેરિકાએ પાકિસ્તાનની સેના પર ડીજીએમઓ દ્વારા ભારત સાથે વાત કરવાનું દબાણ કર્યું.”

ભારતના પૂર્વ રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત રાજીવ ભાટિયા પણ એવું માને છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધવા બાબતે અમેરિકા ચિંતિત હતું અને તેથી જ્યારે સ્થિતિ ગંભીર બની ત્યારે અમેરિકાએ રાજદ્વારી પ્રયાસો વધારી દીધા.

ભાટિયા કહે છે, “દરેક સ્તરે ભારત એમ કહેતું આવ્યું હતું કે, જો પાકિસ્તાન વાતને આગળ નહીં વધારે તો અમે અટકી જઈશું. પરંતુ, જ્યારે સ્થિતિ નિયંત્રણમાં ન રહી, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે હવે પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ ગઈ છે. જાહેરમાં અમેરિકા ભલે એમ કહેતું હતું કે આ ભારત-પાકિસ્તાન વચ્ચેની લડાઈ છે, બંને દેશોએ જાતે સમાધાન શોધવાનું છે, પરંતુ, પરદા પાછળથી તે આને રોકવાનો પ્રયાસ કરતું રહ્યું. અમેરિકાના આ જ પ્રયત્નોના લીધે આ યુદ્ધ અટક્યું છે.”

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફના ખુલ્લેઆમ અમેરિકાનો આભાર માનવા અને ભારતના એ અંગે કશું નહીં બોલવા અંગે પ્રોફેસર મહાપાત્રા કહે છે, “પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ પણ એવું ઇચ્છતા હતા કે કોઈ દખલગીરી કરે અને યુદ્ધવિરામ થાય. પાકિસ્તાન અમેરિકાનો આભાર માને તે સ્પષ્ટ છે; પરંતુ, ભારતે યુદ્ધવિરામની માગ નહોતી કરી.”

“ભારત એવું ઇચ્છતું હતું કે, પાકિસ્તાન ડીએસ્કેલેટ કરે (તણાવ ઘટાડે). ભારતનું વલણ પહેલાંથી જ સ્પષ્ટ હતું કે તે પાકિસ્તાનની સેના કે સામાન્ય લોકો વિરુદ્ધ નહીં, બલકે, તેનું અભિયાન આતંકવાદ વિરુદ્ધ છે. ભારતે અમેરિકાનો આભાર એટલા માટે ન માન્યો, કેમ કે, આ સ્થિતિમાં અમેરિકાએ ભારત માટે કશું નથી કર્યું.”

ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મદદ કરવાની તૈયારી બતાવી

ભારત-પાકિસ્તાન તણાવ સંઘર્ષવિરામ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 11 મેએ ટ્રૂથ સોશિયલ પર જાહેર કરેલા એક નિવેદનમાં ભારત અને પાકિસ્તાનના ‘મજબૂત નેતૃત્વ’ને આક્રમકતા રોકવા માટે ફરી એક વાર અભિનંદન આપ્યા.

આ નિવેદનમાં ટ્રમ્પે કહ્યું, “હું આ બંને મહાન રાષ્ટ્રોની સાથે મળીને કાશ્મીર મુદ્દાનો—જે એક હજાર વર્ષથી વિવાદમાં છે—ઉકેલ લાવવાની આશા રાખું છું, જેથી ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત થઈ શકે અને અમેરિકા તથા વિશ્વના અન્ય દેશો સાથે વેપાર વધી શકે.”

ટ્રમ્પે પોતાના આ બીજા નિવેદનમાં કાશ્મીર મુદ્દાના સમાધાનની વાત કરી. કાશ્મીર એક એવો મુદ્દો છે જેના માટે ભારત કોઈ ત્રીજા દેશની મધ્યસ્થતાને સ્વીકારતું નથી.

‘યુદ્ધવિરામ’ની જાહેરાત પછી, એક તરફ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ખુલ્લેઆમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે, તો બીજી તરફ, ભારતે પોતાના એક પણ સાર્વજનિક નિવેદનમાં અમેરિકા કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થતાનો ઉલ્લેખ નથી કર્યો.

એવું મનાય છે કે, ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મહત્ત્વ આપવાથી દૂર રહે છે. જ્યારે વિશ્લેષકોનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે ટ્રમ્પ જાહેરમાં શ્રેય લઈ રહ્યા છે તેનાથી ભારતને કશો વાંધો ન હોવો જોઈએ.

ભારતના પૂર્વ રાજદૂત અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર રાજીવ ભાટિયા કહે છે, “સૌથી મહત્ત્વની વાત એ છે કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી નથી કરી, બલકે, ફેસિલિટેશન (સુવિધા ઊભી કરી આપવી) કર્યું છે; એટલે કે વાત કરાવી છે.”

સૌથી પહેલાં ટ્રમ્પે કેમ નિવેદન કર્યું?

ભારત-પાકિસ્તાન તણાવ સંઘર્ષવિરામ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, ANI

ટ્રમ્પે પોતાના બીજા નિવેદનમાં કાશ્મીરના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ એક એવો વિષય છે, જેનું ભારત આંતરરાષ્ટ્રીયકરણ થવા દેવા માગતું નથી.

એવો સવાલ પણ થઈ રહ્યો છે કે, પોતે આગળ વધીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવાની માહિતી સૌથી પહેલાં આપવી અને કાશ્મીર અંગે ટિપ્પણી કરવી, એ શું, એક પ્રકારે, ટ્રમ્પની ભારતની બાબતમાં દખલગીરી કે ઓવરરીચ છે?

રાજીવ ભાટિયા માને છે કે, ટ્રમ્પ પોતાના તરફથી કંઈ પણ કહી શકે છે, પરંતુ અગત્યનું એ છે કે ભારત તેમની વાતને કેટલું મહત્ત્વ આપે છે.

રાજીવ ભાટિયા કહે છે, “યુદ્ધવિરામની જાહેરાત સૌથી પહેલાં ટ્રમ્પે કરી તે એક રીતે ઓવરરીચ છે; પરંતુ અમેરિકાનું મીડિયા ઘણું સક્રિય રહે છે અને શક્ય છે કે ટ્રમ્પે એ માટે પહેલાં માહિતી જાહેર કરીને શ્રેય લેવાની કોશિશ કરી હોય.”

ભાટિયા કહે છે, “જોકે, ટ્રમ્પે કહ્યું છે કે, આગળ બધા મુદ્દા પર વાત થશે, કાશ્મીર મુદ્દે પણ વાત થશે; પરંતુ, મને નથી લાગતું કે આવી કોઈ વાતચીત માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે કશી સંમતિ થઈ હશે. ટ્રમ્પ એક મોટા અને મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રનું નેતૃત્વ કરે છે, તેઓ પોતાની તરફથી કહી શકે છે. પરંતુ, ભારત એ જ કરશે જે તેને કરવું હશે.”

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર પ્રોફેસર ચિંતામણિ મહાપાત્રા કહે છે, “કાશ્મીર મુદ્દાને લઈને જો કોઈ ત્રીજો દેશ દખલ કરવા માગશે, તો ભારત ના પાડી દેશે. પરંતુ, આ યુદ્ધ કાશ્મીર માટે નહીં, બલકે, આતંકવાદ મુદ્દે હતું.”

“ડોનાલ્ડ ટ્રમ્પે જો સૌ પહેલાં માહિતી આપી પણ દીધી, તો તેનાથી ભારતને કશું નુકસાન નથી થયું. ટ્રમ્પની દખલ કે તેમની ઓવરરીચને લઈને જે ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે, એ રાજકીય છે. આ પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની ટ્રમ્પ બાબતની પ્રતિક્રિયાની સરખામણી ન કરી શકાય.”

તો શું ભારત અમેરિકાના પ્રયત્નોને નજરઅંદાજ કે ડાઉનપ્લે કરી રહ્યું છે? વિશ્લેષક માને છે કે એવું નથી.

આંતરરાષ્ટ્રીય બાબતોનાં જાણકાર સ્તુતિ બેનર્જી કહે છે, “મને નથી લાગતું કે ભારત અમેરિકાના પ્રયાસોને ડાઉનપ્લે કરી રહ્યું છે. ભારત ફક્ત એ સ્પષ્ટ કરી રહ્યું છે કે અમે વાતચીત માટે મદદ તો સ્વીકારી શકીએ, પરંતુ વાતચીત માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે જ થશે. અને એટલે જ ભારતે અમેરિકાનાં નિવેદનો પર કોઈ સાર્વજનિક ટિપ્પણી નથી કરી.”

ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે કાશ્મીરનો ઉલ્લેખ કર્યો?

ભારત-પાકિસ્તાન તણાવ સંઘર્ષવિરામ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઑપરેશન સિંદૂર, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીરના મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેના ઉકેલમાં મદદની ઇચ્છા જાહેર કરી છે.

વિશ્લેષક માને છે કે ભારત ભલે આ પહેલનું સ્વાગત કરે, પરંતુ, એવું લાગતું નથી કે ભારત કાશ્મીર મુદ્દે કોઈ બહારના દેશની દખલગીરી સ્વીકારશે.

આંતરરાષ્ટ્રીય બાબતોનાં જાણકાર સ્તુતિ બેનરજી કહે છે, “અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે તેઓ અગાઉ પણ રશિયા–અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપવાની વાત કરી ચૂક્યા છે, મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવાની વાત કરી ચૂક્યા છે. હવે તેમણે કાશ્મીરની વાત કરી છે. આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે. ભારત કોઈ ત્રીજા દેશની દખલગીરી ન સ્વીકારવાના પોતાના વલણને વળગી રહેશે.”

જોકે, આવું પહેલી વખત નથી બન્યું, જેમાં કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં દખલ કરી હોય.

કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ બિલ ક્લિન્ટન પાસે અમેરિકા પહોંચ્યા હતા અને ભારતની સાથે યુદ્ધવિરામ કરવાની માગણી કરી હતી. ત્યારે બિલ ક્લિન્ટને દખલગીરી કરી હતી અને અટલ બિહારી વાજપેયીને કહ્યું હતું કે યુદ્ધ રોકવું જોઈએ. ત્યાર પછી ભારત અને પાકિસ્તાને કારગિલ યુદ્ધમાં સીઝફાયર કર્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પની પહેલાં પણ ઘણા અમેરિકન રાષ્ટ્રપતિ કાશ્મીર મુદ્દે દખલ કરવાનો પ્રયાસ કરી ચૂક્યા છે; પરંતુ, ભારતે આવા પ્રયાસોને વધારે મહત્ત્વ નથી આપ્યું.

પ્રોફેસર ચિંતામણિ મહાપાત્રા કહે છે, “ડોનાલ્ડ ટ્રમ્પની પહેલાં પણ ઘણા અમેરિકન રાષ્ટ્રપતિ કાશ્મીર મુદ્દે દખલ કરવાની કોશિશ કરી ચૂક્યા છે. પાકિસ્તાન હંમેશા એ માટે લૉબી કરે છે કે અમેરિકા કાશ્મીરના મુદ્દામાં દખલ કરે. પરંતુ, ભારતે તેનો સ્વીકાર નથી કર્યો. ભારત અત્યારે કાશ્મીરના મુદ્દે કોઈ બહારના હસ્તક્ષેપનો સ્વીકાર કરશે નહીં.”

વિશ્લેષક માને છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદનને એવા સંકેતરૂપે જોવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મહાપાત્રા કહે છે, “પાકિસ્તાન પહેલાંથી જ કાશ્મીરના મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માગે છે. એવું જરૂર કહી શકાય કે ટ્રમ્પનું નિવેદન એ વાતનો સંકેત છે કે પાકિસ્તાન આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં સફળ થઈ રહ્યું છે.”

“પાકિસ્તાન એ જાણે છે કે ભારત આ મુદ્દે કોઈ ત્રીજા દેશની દખલગીરીનો સ્વીકાર નહીં કરે. એ સ્થિતિમાં પાકિસ્તાન દુનિયા સમક્ષ એ પણ દર્શાવવા માગે છે કે, કાશ્મીરની બાબતમાં પોતે તો વાત કરવા માંગે છે, પરંતુ ભારત તે અંગે વાત કરવા નથી માગતું.”

પરંતુ, શું ટ્રમ્પ, કાશ્મીર મુદ્દામાં મધ્યસ્થતા અંગે ગંભીર છે?

પ્રોફેસર મહાપાત્રા કહે છે, “ટ્રમ્પનું કાશ્મીર અંગેનું નિવેદન વધુ ગંભીર નથી. ડોનાલ્ડ ટ્રમ્પની દાનત ખરાબ નથી. તેઓ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સમજૂતી કરાવવાની વાત કરી રહ્યા છે. એ ઇરાદો યોગ્ય છે, પરંતુ તેમાં વધારે ગંભીરતા નથી.”

વિશ્લેષક એવું પણ માને છે કે અમેરિકાના પાકિસ્તાન સાથેના સંબંધ જુદા છે અને ભારત સાથેના જુદા. એ સ્થિતિમાં અમેરિકા સમક્ષ એ પડકાર પણ છે કે, તે બંને દેશો સાથેના પોતાના સંબંધોને સાચવીને રાખે.

સ્તુતિ કહે છે, “ભારતને પાકિસ્તાન સાથેના અમેરિકાના સંબંધો સામે કશો વાંધો નથી. ભારતના પાકિસ્તાન સાથે કેટલાક મુદ્દા છે અને ભારત ઇચ્છે છે કે પાકિસ્તાન તરફથી આતંકવાદ ખતમ થાય. અમેરિકા તેમાં કયા પ્રકારની મદદ કરી શકે છે એ અમેરિકાએ જોવાનું રહેશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS