Source : BBC NEWS

ડોનાલ્ડ ટ્રમ્પ, હશ મની, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

10 જાન્યુઆરી 2025, 07:37 IST

અપડેટેડ 2 કલાક પહેલા

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ હશ મની કેસમાં સજા શુક્રવારે ન્યૂયૉર્કની એક કોર્ટમાં સુનાવણી થઈ.

ડોનાલ્ડ ટ્રમ્પે આ સુનાવણીમાં વર્ચ્યુઅલી હાજરી આપી છે.

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ‘હશ મની’ કેસમાં ન તો જેલની સજા ફટકારાઈ છે કે ન તો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદો આપતી વખતે તેમના પર કોઈ શરતો લાદવામાં આવી ન હતી.

કેસની સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ જુઆન મર્ચને કહ્યું હતું કે તેઓ લોકોને સમજાવવાની યોજના બનાવી રહ્યા છે કે તેમને બિનશરતી કેમ મુક્ત કરવામાં આવ્યા. તેમણે પહેલાં આવા સંકેતો કેમ આપ્યા હતા તે પણ તેઓ સમજાવશે. તેમણે શા માટે કહ્યું હતું કે તેમને જેલમાં મોકલવામાં આવશે નહીં કે દંડ પણ નહીં થાય એ વાત પણ તેઓ સમજાવશે.

તેમણે કહ્યું, “કોર્ટે આટલી અનોખી અને ખાસ પરિસ્થિતિનો સામનો પહેલાં ક્યારેય કર્યો નથી.”

તેમણે આ કેસને ‘ખરેખર અસાધારણ’ ગણાવ્યો હતો.

આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે શું તેઓ તેમને આપવામાં આવી રહેલી સજાને રોકી શકે છે? આના પર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ 5-4 મતથી નિર્ણય આપ્યો હતો અને ટ્રમ્પની વિનંતીને ફગાવી દીધી.

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે 2016માં થયેલા એક કૌભાંડ અંગે ચૂપ રહેવાના બદલામાં પૉર્નસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને ગુપ્ત રીતે પૈસા આપ્યા હતા.

ટ્રમ્પને ગયા વર્ષે મે મહિનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ડેનિયલ્સે દાવો કર્યો હતો કે ટ્રમ્પ સાથે તેમના શારીરિક સંબંધો હતા અને આ હકીકત છુપાવવા માટે પણ તેમને 1.30 લાખ ડૉલર ચૂકવવામાં આવ્યા હતા.

ટ્રમ્પ અમેરિકાના પહેલા નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે જેમને કોઈ ફોજદારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ચીનના એક શહેરમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ ભડકી હિંસા

એક વીડિયોમાં ચીનના પોલીસ અધિકારીઓ પ્રદર્શનકારી યુવાનને માર મારતા નજરે પડે છે

ઉત્તર-પશ્ચિમ ચીનના એક શહેરમાં એક વિદ્યાર્થીનાં મોતને કારણે હિંસા ભડકી ઉઠી છે. બીબીસીએ એક વેરિફાઇડ વીડિયો મારફતે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

સોશિયલ મીડિયા પર શૅર કરેલા એક વીડિયોમાં પ્રદર્શનકારીઓ પોલીસ પર સામાન ફેંકી રહ્યા છે. શાંક્સી પ્રાંતના પુચેંગમાં અધિકારી કેટલાક પ્રદર્શનકારીઓને મારી રહ્યા હોય તેમ નજરે પડે છે.

અધિકારીઓએ જણાવ્યું કે કિશોરનું મોત 2જી જાન્યુઆરીના રોજ તેની સ્કૂલની હૉસ્ટેલમાં પડવાને કારણે થયું હતું. તેના મોત બાદ સોશિયલ મીડિયા પર આરોપ લગાવાઈ રહ્યા છે કે આ મામલાને છુપાવવામાં આવી રહ્યો છે.

આ ઘટના બાદ ત્યાં પ્રદર્શનો શરૂ થઈ ગયાં અને ઘણા દિવસો સુધી ચાલ્યાં. પરંતુ સપ્તાહની શરૂઆતમાં તેને દબાવી દેવામાં આવ્યાં. બીબીસએ ત્યારબાદ પુચેંગમાં વિરોધપ્રદર્શનના કોઈ પુરાવા નથી મળ્યા.

ચીનમાં પ્રદર્શનો અસામાન્ય નથી પરંતુ કોવિડ નીતિઓ સામે વર્ષ 2022માં વિરોધ બાદ ત્યાંના અધિકારીઓ પ્રદર્શનો મામલે વિશેષ સંવેદનશીલ થઈ ગયા છે.

પુચેંગમાં થયેલાં પ્રદર્શનો મામલે અધિકારીઓ ચૂપ છે. ચીનમાં સોશિયલ મીડિયાથી પ્રદર્શનોની કોઈ ક્લિપ કે તેના ઉલ્લેખને પણ સૅન્સર કરી દેવામાં આવ્યું છે. અહીં આમ જ થાય છે. પરંતુ ચીનથી ઘણા વીડિયો લીક થઈ ગયા છે અને ઍક્સ પર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની અરજી ફગાવાઈ, ‘હશ-મની’ મામલે સજા પર રોક નહીં

પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સનો દાવો છે કે ટ્રમ્પે તેમની સાથે કથિત રીતે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ આ મામલે ચૂપ રહેવા માટે તેમને નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ પર ‘હશ-મની’ મામલે શુક્રવારે થનારી સજા પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો.

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપરિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો હતો કે તે પોતાના પર થનારી સજા પર રોક લગાવી શકે છે કે નહીં?

જેના પર સુપ્રીમ કોર્ટના જજોએ 5-4થી આ ચુકાદો સંભળાવતા ટ્રમ્પની અપીલને ફગાવી દીધી.

ટ્રમ્પ પર વર્ષ 2016માં ઍડલ્ટ ફિલ્મસ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે એક લાખ ત્રીસ હજાર ડૉલર આપ્યા હતા. જેને છુપાવવા માટે ટ્રમ્પના રેકૉર્ડમાં હેરાફેરી માલુમ પડી હતી. આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ જુઆન મર્ચને સંકેત આપ્યા છે કે તેઓ ટ્રમ્પને જેલની સજા આપવા પર વિચાર નહીં કરે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટ્રમ્પે ગુરુવારે સાંજે પત્રકારોને કહ્યું કે આ ‘અપમાનજનક’ હતું પરંતુ એક ‘યોગ્ય ચુકાદો’ હતો.

લૉસ એન્જલસની આગ હવે નવા વિસ્તારોમાં પણ ફેલાઈ, મૃત્યુઆંક પણ વધ્યો

અમેરિકાની આગ, લૉસ એન્જલસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના લૉસ એન્જલસનાં જંગલોમાં લાગેલી આગ વધારે વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહી છે.

આગને કારણે મરનારાની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.

લૉસ એન્જલસનાં મેયર કરેન બૅસે જણાવ્યું કે પશ્ચિમ વિસ્તારમાં આવેલા પહાડોમાં નવી આગ લાગી છે. ઝડપથી ફૂકાતા પવનને કારણે આ આગ વધારે પ્રમાણમાં ફેલાઈ શકે છે.

તેમણે લોકોને સુરક્ષિત જગ્યાઓ પર જતા રહેવાની અપીલ કરી છે.

લૉસ એન્જલસના ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ક્રિસ્ટન ક્રૉલીએ જણાવ્યું કે પેલિસેડ્સમાં લાગેલી આગને કારણે વધુ બે વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે આગને કારણે કેટલા લોકોનાં મૃત્યુ થયાં તેની ચોક્કસ જાણકારી નથી.

આ પહેલાં ઇટનમાં લાગેલી આગને કારણે પાંચનાં મોત થયાં હતાં.

ક્રૉલીએ કહ્યું કે પેલિસેડ્સની આગ 19 હજાર એકરથી વધારે જમીનમાં ફેલાઈ છે જેને કારણે 53,00 ઇમારતો નષ્ટ થઈ ગઈ છે.

તેમણે એમ પણ કહ્યું કે વેંચુરા કાઉન્ટીમાં પણ આગ લાગી છે. અહીં 50 એકર જમીન પર આગ વિસ્તરી છે. જેેને બુઝાવવા માટે 60 ફાયર ફાઇટર્સ મોકલવામાં આવ્યા છે.

દિલ્હી: ભયંકર ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઓછી થઈ

હવામાન, દિલ્હી, એનસીઆર, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ, શિયાળો, ઠંડી, મોસમ

ઇમેજ સ્રોત, ANI

દિલ્હી અને તેની આસપાસના એનસીઆર વિસ્તારમાં સવારે ભયંકર ધુમ્મસ જોવા મળ્યું. જેને કારણે ગાડીઓ સ્લો ચાલતી જોવા મળી. ગુરુવારે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે આજે મોટાભાગના વિસ્તારોમાં સ્મૉગ કે મધ્યમ ધુમ્મસ છવાયેલું રહેશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે શુક્રવારે રાત્રે પણ સ્મૉગ અથવા હળવાથી મધ્યમ ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના છે.

શુક્રવારે મહત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે કે ન્યૂનતમ તાપમાન છ ડિગ્રી સુધી જશે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધુમ્મસને કારણે ટ્રેનો મોડી ચાલી રહી છે તથા ફ્લાઇટ્સ પણ મોડી થઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS