Source : BBC NEWS
- લેેખક, ફિલિપા રોક્સબી
- પદ, આરોગ્ય સંવાદદાતા
-
20 જાન્યુઆરી 2025, 11:56 IST
અપડેટેડ 43 મિનિટ પહેલા
વૈશ્વિક નિષ્ણાતોનો અહેવાલ જણાવે છે કે લોકોને સ્થૂળ કહેવા તે તબીબી રીતે “ભૂલભર્યું” છે અને આ વ્યાખ્યાને બે ભાગમાં વહેંચવી જોઈએ.
કોઈ મેડિકલ સમસ્યાને કારણે સ્થૂળ હોય તેવા લોકો માટે “ક્લિનિકલ ઑબેસિટી” શબ્દનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે ચરબીયુક્ત શરીર હોય, રોગ થવાનું જોખમ હોય એવા દર્દીઓ માટે “પ્રી-ક્લિનિકલ ઑબેસ” શબ્દનો ઉપયોગ કરવો જોઈએ.
દર્દીઓની સ્થૂળતા નક્કી કરવા માટે, વ્યક્તિનું વજન તેની ઊંચાઈના સંદર્ભમાં યોગ્ય છે કે નહીં તેના માપ માટેના બૉડી માસ ઇન્ડેક્સ(બીએમઆઈ) પર આધાર રાખવા કરતાં આ વધારે સારું છે.
વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો સ્થૂળતા સાથે જીવી રહ્યા હોવાનો અંદાજ છે અને વજન ઘટાડવાની દવાઓની જોરદાર માંગ છે.
“સ્થૂળતાનો સંદર્ભ વ્યાપક છે.”
ધ લેન્સેટ ડાયાબિટીસ ઍન્ડ ઍન્ડોક્રાઇનોલૉજી જર્નલમાં પ્રકાશિત થયેલા આ અહેવાલને વિશ્વભરના 50થી વધુ તબીબી નિષ્ણાતોએ સમર્થન આપ્યું છે.
નિષ્ણાત જૂથના અધ્યક્ષ અને કિંગ્સ કૉલેજ લંડનના પ્રોફેસર ફ્રાન્સેસ્કો રુબીનોએ કહ્યું હતું, “સ્થૂળતા ધરાવતી વ્યક્તિઓ તેમનાં અંગોને તથા એકંદર આરોગ્યને લાંબા સમય સુધી જાળવી શકે છે, જ્યારે અન્ય લોકોમાં ગંભીર બીમારીનાં ચિહ્નો જોવાં મળે છે.”
તેમણે ઉમેર્યું હતું, “સ્થૂળતાનો સંદર્ભ વ્યાપક છે.”
અહેવાલમાં જણાવ્યા મુજબ, વર્તમાન, વ્યાપક વ્યાખ્યાનો અર્થ એ છે કે ઘણા બધા લોકો મેદસ્વી હોવાનું નિદાન થઈ રહ્યું છે, પરંતુ તેમને યોગ્ય સંભાળ મળતી નથી.
ક્રૂનાં નાતાલી અઠવાડિયામાં ચાર વખત જીમમાં જાય છે અને સ્વસ્થ આહાર લે છે. તેમ ચતાં તેમનું વજન વધારે છે.
બીબીસી-5ના લાઇવ ફોન ઇન વિથ નિકી કૅમ્પબેલ કાર્યક્રમમાં નાતાલીએ કહ્યું હતું, “હું ખુદને થોડી જાડી ગણું છું, પણ હું એકદમ તંદુરસ્ત છું.”
“તમે મારો બીએમઆઈ જોશો તો હું મેદસ્વી છું, પણ મારા ડૉક્ટર સાથે વાત કરું તો તેઓ કહે છે કે હું ફિટ છું, સ્વસ્થ છું અને મારામાં કશું જ ખોટું નથી.”
“હું ફિટ રહેવા અને લાંબા સ્વસ્થ જીવન માટે મારાથી બનતું બધું જ કરી રહી છું,” એમ નાતાલીએ ઉમેર્યું હતું.
ફાલમાઉથના રિચાર્ડે જણાવ્યું હતું કે બીએમઆઈ બાબતે ઘણો ગૂંચવાડો છે.
રિચાર્ડે કહ્યું હતું, “તેમણે મારો ટેસ્ટ કર્યો ત્યારે હું બૉર્ડરલાઇન મેદસ્વી હતો, પરંતુ મારી બૉડી ફૅટ માત્ર 4.9 ટકા જ હતી. સમસ્યા એ છે કે મારો મસલ માસ ઘણો વધારે છે.”
માઇકના મતે, તમે જાડા પણ હો અને તંદુરસ્ત પણ હો તે શક્ય નથી. એ બધું આહાર પર આધારિત છે.
તેમણે કહ્યું હતું, “પાતળા થવાના અખતરાઓથી મને બહુ હસવું આવે છે. તમારે વજન ઘટાડવું જ હોય તો ખાવાનું બંધ કરો. તે સરળ છે.”
હાલમાં ઘણા દેશોમાં પ્રચલિત વ્યાખ્યા અનુસાર, 30થી વધુના બીએમઆઈ ધરાવતી વ્યક્તિને સ્થૂળ ગણવામાં આવે છે.
તેમાં પુખ્ત વયના લોકોના કિલોગ્રામમાં વજનને તેમની ઊંચાઈના મીટરના વર્ગ દ્વારા વિભાજીત કરીને ગણતરી કરવામાં આવે છે.
દાખલા તરીકે, વ્યક્તિનું વજન 70 કિલોગ્રામ અને ઊંચાઈ 1.70 મીટર હોય તો મીટરમાં તેમની ઊંચાઈનો વર્ગ 1.70 x 1.70 = 2.89 થશે.
તેમના વજનના કિલોગ્રામનો આ રકમથી ભાગાકાર કરોઃ 70 ÷ 2.89 = 24.22
પરિણામને એક દશાંશ સ્થાન પર દર્શાવો: 24.2.
જોકે, બીએમઆઈની મર્યાદાઓ છે.
કોઈ વ્યક્તિ બહુ વજનનું વહન કરી રહી છે, પરંતુ બહુ ચરબીનું નહીં, તેનું માપ બીએમઆઈ કાઢે છે.
તેથી રમતવીરો જેવા ખૂબ જ સ્નાયુબદ્ધ લોકોનો બીએમઆઈ ઊંચો હોય છે, પરંતુ તેમનામાં વધુ ચરબી હોતી નથી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સ્વસ્થ વજન ધરાવતી અથવા મેદસ્વી વસ્તીના પ્રમાણના મૂલ્યાંકન માટે બીએમઆઈ મોટા સ્તરે ઉપયોગી છે, પરંતુ તે દર્દીના એકંદર સ્વાસ્થ્ય વિશે કશું જ જણાવતો નથી.
દાખલા તરીકે, દર્દીને હૃદયની સમસ્યા કે અન્ય બીમારીઓ છે કે કેમ તે બીએમઆઈ જણાવતો નથી. તે વિવિધ પ્રકારની બૉડી ફૅટ વચ્ચેનો ફરક પારખી શકતો નથી. કમર અને અન્ય અંગોની આસપાસની વધારે ખતરનાક ચરબીને પણ તે માપી શકતો નથી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિગતવાર મેડિકલ હિસ્ટ્રી સાથે દર્દીની કમર અથવા તેના શરીરમાં ચરબીનું પ્રમાણ માપવાથી બીએમઆઈ કરતાં પણ ઘણું વધારે સ્પષ્ટ ચિત્ર મળી શકે છે.
પ્રોફેસર રુબિનોએ કહ્યું હતું, “સ્થૂળતા સ્વાસ્થ્ય માટે જોખમી છે. એ ઉપરાંત કેટલાક લોકો માટે તે બીમારી પણ છે.”
ક્લિનિકલી ઑબેસ
મેદસ્વિતા રોગ સ્વરૂપે હોય ત્યારે શરીરનાં અંગોને અને વ્યક્તિની રોજિંદી પ્રવૃત્તિઓને અસર કરતા હૃદય રોગ, શ્વાસ લેવામાં તકલીફ, ટાઇપ-ટુ ડાયાબિટીસ અથવા સાંધાના દુ:ખાવા જેવા સંકેતો જોવા મળે છે. તેની દવાઓ અથવા શસ્ત્રક્રિયા દ્વારા સારવાર શક્ય છે.
પ્રી-ક્લિનિકલી ઑબેસ
મેદસ્વિતા સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે, પરંતુ કોઈ બીમારીનું કારણ બનતી ન હોય ત્યારે લોકોને વજન ઘટાડવાની સલાહ આપવી જોઈએ, કાઉન્સેલિંગ કરવું જોઈએ અને તેમના શરીર પર નજર રાખવી જોઈએ જેથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાવાની શક્યતામાં ઘટાડો થાય.
દર્દીને કોઈ રોગ થવાનું જોખમ છે કે કેમ તે જાણવા માટે તબીબીઓ તેના પારિવારિક ઇતિહાસ પર પણ ધ્યાન આપવું જોઈએ.
શારીરિક વજનમાં 20 ટકા સુધી ઘટાડો કરતી દવાઓ મોટા પાયે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી રહી છે ત્યારે આ અહેવાલ જણાવે છે કે સ્થૂળતાને ફરીથી વ્યાખ્યાયિત કરવી “વધુ સુસંગત” છે, કારણ કે “તેનાથી ચોક્કસ નિદાન થઈ શકે છે.”
વેગોવી અને મૌન્જારો જેવી વજન ઘટાડવાની દવાઓની પહોંચ 30થી વધુ બીએમઆઈ અને વજન સંબંધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા દર્દીઓ સુધી મર્યાદિત હોય છે.
આ અહેવાલમાં યોગદાન આપનાર સિડની યુનિવર્સિટીના બાળ સ્થૂળતાના નિષ્ણાત પ્રોફેસર લુઇસ બૌરે જણાવ્યું હતું કે નવા અભિગમથી પુખ્ત વયના લોકો અને સ્થૂળતા ધરાવતાં બાળકોને “વધારે યોગ્ય સારવાર મળી શકશે” તેમજ વધુ પડતા નિદાન અને બિનજરૂરી સારવારના પ્રમાણમાં ઘટાડો થશે.
રૉયલ કૉલેજ ઑફ ફિઝિશિયન્સે જણાવ્યું હતું કે આ અહેવાલે “અન્ય ક્રૉનિક બીમારીઓ જેમ જ ઉત્સાહ અને કરુણા સાથે સ્થૂળતાની સારવાર માટે” મજબૂત આધાર આપ્યો છે.
અલબત, અન્ય લોકોને એવી ચિંતા છે કે આરોગ્ય બજેટ પરના દબાણને કારણે પ્રી-ઑબેસિટી શ્રેણીના દર્દીઓ માટે ઓછાં નાણાં ફાળવવામાં આવે એવું શક્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS