Home તાજા સમાચાર gujrati તાનસેનના અવાજમાં એવો શું જાદુ હતો કે ‘ધરતી પરના સૌથી મહાન’ સંગીતકાર...

તાનસેનના અવાજમાં એવો શું જાદુ હતો કે ‘ધરતી પરના સૌથી મહાન’ સંગીતકાર કહેવાયા

1
0

Source : BBC NEWS

તાનસેનની કબર પરની બોરડી, તાનારીરી, સંત હરિદાસ, અકબરના નવરત્ન તાનસેન, મુઘલ દરબાર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

એ વાત જાણીતી છે કે ભારતમાં એક સંગીતકાર એવા પણ હતા, જેમના મૃત્યુ પછી તેમની કબર પર બોરડીનો એક છોડ ઊગી નીકળ્યો, જે પછી મોટું વૃક્ષ બની ગયો.

આજે પણ સંગીત શીખનારા લોકો તેમની કબરે જાય છે અને તે ઝાડનાં પાન ખાય છે. કહેવાય છે કે તેનાં પાન ખાવાથી લોકોનો અવાજ સુરીલો બની જાય છે. આ માન્યતાની કોઈ પુષ્ટિ નથી.

આ કબર સંગીતજ્ઞ ઉસ્તાદ તાનસેનની છે.

શાસ્ત્રીય સંગીતમાં ‘ગ્વાલિયર ઘરાના’નાં અદ્‌ભુત શાન અને ઠાઠ છે. શરૂઆતમાં આ ઘરાનાએ ‘ધ્રુપદ ગાયકી’માં પોતાની એક અપ્રતિમ છાપ ઊભી કરી અને પછી જ્યારે એ જ રજવાડા સાથે સંકળાયેલા લોકો ‘ખયાલ ગાયકી’ તરફ વળ્યા ત્યારે તેમણે ‘ખયાલ ગાયકી’ની પણ એક અલગ શૈલીનો પાયો નાખ્યો જે તે રજવાડાના નામને‌ અનુરૂપ ‘ગ્વાલિયર ઘરના’ પણ કહેવાઈ.

તાનસેન કોણ હતા?

તાનસેનની કબર પરની બોરડી, તાનારીરી, સંત હરિદાસ, અકબરના નવરત્ન તાનસેન, મુઘલ દરબાર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Department of Post/India

મુઘલ સમ્રાટ જલાલુદ્દીન મહોમ્મદ અકબરના સમયમાં ગ્વાલિયર સંગીતકલાનું મોટું કેન્દ્ર ગણાતું હતું. ત્યાં રાજા માનસિંહ તોમર (1486-1516)એ એક અકાદમી સ્થાપી હતી, જેમાં સંગીતકલાનું શિક્ષા આપવા નાયક બખ્શૂ જેવા અદ્વિતીય વિશેષજ્ઞ નિમાયેલા હતા.

નાયક બખ્શૂ ‘ધ્રુપદ’ના ઉત્તમ નિષ્ણાત ગણાતા હતા અને શાહજહાંના સમય સુધી ઉત્તર ભારતના સંગીતકારો પર તેમનો પ્રભાવ છવાયેલો રહ્યો. માનસિંહ તોમર, નાયક બખ્શૂ, સુલતાન આદિલશાહસૂરી અને હઝરત મોહમ્મદ ગૌસ ગ્વાલિયરીને જોતાં ગ્વાલિયરની ગણતરી સંગીતનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્રોમાં થવા લાગી હતી.

એ વાત નોંધવા જેવી છે કે, અકબરના દરબારના 18માંથી 11 ગાયકોનો સંબંધ ગ્વાલિયર સાથે જ હતો. અકબર મહાનના દરબારમાં ગ્વાલિયરના જે ગાયકો જોડાયેલા હતા, તેમાં સૌથી અગ્રિમ નામ ઉસ્તાદ તાનસેનનું હતું.

પ્રોફેસર મોહમ્મદ અસલમે પોતાના પુસ્તક ‘સલાતીન-એ-દેહલી વ શાહાન-એ-મુગલિયા કા ઝૌક-એ-મૌસીકી’માં ઉસ્તાદ તાનસેન વિશે લખ્યું છે, “તાનસેન, જેમનું નામ સાંભળતાં જ ગાયકો કાન પકડે છે, ગ્વાલિયર નજીકના એક ગામમાં રહેતા હતા.

તેમના પિતા મકરંદ પાંડે ગૌડ બ્રાહ્મણ હતા અને તેમને હજરત મોહમ્મદ ગૌસ ગ્વાલિયરીમાં ખૂબ શ્રદ્ધા હતી. મકરંદ પાંડેને કોઈ સંતાન નહોતું, તેથી, એક વખત તેમણે હજરત મોહમ્મદ ગૌસને વિનંતી કરી કે તેઓ ખુદા પાસે દુઆ કરે કે તેમને સંતાન આપે.”

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પ્રો. મોહમ્મદ અસલમ આગળ લખે છે, “હજરત મોહમ્મદ ગૌસની દુઆથી તાનસેનનો જન્મ થયો. તાનસેન જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે મકરંદ પાંડે તેમને લઈને હજરત મોહમ્મદ ગૌસના શરણે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ દુઆ કરે કે તાનસેન સંગીતમાં નામ બનાવે. તે સમયે હજરત મોહમ્મદ ગૌસ પાન ચાવી રહ્યા હતા. તેથી તેમણે પોતાની લાળ તાનસેનના મોંમાં નાખી દીધી. આમ થતાં મકરંદ પાંડેએ કહ્યું કે, આ અમારા ધર્મમાંથી નીકળી ગયો છે, તેથી તમારાં જ ચરણોમાં રહેશે.”

હજરત મોહમ્મદ ગૌસે પોતાના દીકરાઓની જેમ તાનસેનનું પાલનપોષણ શરૂ કર્યું અને ગ્વાલિયરના નામાંકિત સંગીતજ્ઞોની દેખરેખ હેઠળ તેમને સંગીતનું શિક્ષણ અપાવ્યું. તાનસેને થોડા સમય માટે સુલતાન આદિલશાહ સમક્ષ બેઠક જમાવી અને ત્યાર પછી દક્ષિણમાં જઈને નાયક બખ્શૂનાં પુત્રી પાસેથી રાગનું શિક્ષણ લીધું.

કેટલીક જગ્યાએ એવો ઉલ્લેખ પણ મળે છે કે, તાનસેને બાબા હરિદાસ પાસેથી પણ રાગવિદ્યાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

તાનસેનને આજીવન હજરત મોહમ્મદ ગૌસ પ્રત્યે અત્યંત શ્રદ્ધા રહી. તેઓ તેમનાથી જ પ્રભાવિત થઈને મુસલમાન બન્યા હતા અને ત્યાર પછી તેમના મુરીદો [શિષ્યો]ના ગણમાં જોડાઈ ગયા હતા. પીર અને મુરીદ એટલે કે ગુરુ અને શિષ્યનો આ સંબંધ અતૂટ છે.

તાનસેન આજે પણ હજરત મોહમ્મદ ગૌસની દરગાહના પ્રાંગણમાં દફન છે. તેમની મજાર પણ તેમના ગુરુની મજારની જેમ બધાની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ઉપખંડના નામાંકિત ગાયકો તે સ્થળે ગાવાને ગૌરવની વાત સમજે છે.

શિક્ષણ પૂરું કર્યા પછી તાનસેને રાજા રામચંદ્રને ત્યાં નોકરી કરી.

રાજા રામચંદ્ર તાનસેનના પ્રખર પ્રશંસક હતા. કહેવાય છે કે, એક વાર તેમણે તાનસેનનું ગીત સાંભળીને તેમને એક કરોડ ‘દામ’ ઇનામરૂપે આપ્યા હતા.

જ્યારે તાનસેનની કલાની પ્રસિદ્ધિ અકબરના દરબાર સુધી પહોંચી ત્યારે તેમણે રાજા રામચંદ્રને કહીને તેમને આગરા બોલાવી લીધા. અકબરના દરબારમાં તાનસેનને એક વિશેષ સ્થાન મળ્યું હતું અને તેઓ હંમેશાં અકબરના પ્રિય પાત્ર રહ્યા.

શાસ્ત્રીય સંગીતમાં તાનસેનના જુદાજુદા રાગ

તાનસેનની કબર પરની બોરડી, તાનારીરી, સંત હરિદાસ, અકબરના નવરત્ન તાનસેન, મુઘલ દરબાર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Film Poster/ Tansen

તાનસેને અકબરની પસંદગી અનુસાર દરબારી કાનહરા, દરબાર કલ્યાણ, દરબારી અસાવરી અને શહાના જેવા રાગનું સર્જન કર્યું.

ડૉક્ટર અબ્દુલ હલીમના સંશોધન અનુસાર, ‘મિયાં કા મલ્હાર’, ‘મિયાં કી તોડી’ અને ‘મિયાં કી સારંગ’ પણ તાનસેને બનાવેલા રાગ છે. સૌભાગ્યથી તાનસેન દ્વારા સર્જાયેલા રાગોની પાંડુલિપિઓ રામપુરની રઝા લાઇબ્રેરીમાં સુરક્ષિત છે.

તાનસેને સંગીતકલામાં જે સેવા આપી, તે વિશે સૈયદ આબિદ અલીએ લખ્યું છે, “તેમણે શાસ્ત્રીય સંગીતને નવો રસ, નવી મીઠાશ અને નવો વળાંક આપ્યાં. તેમણે રાગોમાં અત્યંત આકર્ષક પ્રયોગ કર્યા અને એ બધા રાગ, એ પ્રયોગોની સાથે, હવે તેમના નામથી ઓળખાય છે.

દાખલા તરીકે, મિયાં કી તોડી, મિયાં કા મલ્હાર. પરંતુ, જે રાગના કારણે તાનસેનનું નામ શાસ્ત્રીય સંગીતમાં હંમેશાં જીવિત રહેશે, તે દરબારી છે, જેને સાંભળીને, અકબર અનુસાર, મનમાં સૂતેલી ઇચ્છાઓ ઝંકૃત થઈ જાય છે અને મોટાં મોટાં કામ કરવાની ઇચ્છા જાગૃત થાય છે.”

દરબારી વિશે પ્રોફેસર ખાદિમ મોહિઉદ્દીને લખ્યું છે કે, તે રાતનો પહેલો પહોર વીત્યા પછી અને મધરાત શરૂ થયાની થોડીક વાર પહેલાં ગવાય છે. જેવી તેના ધીમા આરંભિક સૂર ‘ની સા રે ધા ની પા’ ગાવાની શરૂઆત કરવામાં આવે તો તે સાંભળીને મનને શાંતિ મળે છે.

આ રાગના સૂરોના વધુમાં વધુ ભાગોનો ભાર નીચેના સપ્તક પર રહે છે. શહેનશાહ અકબરનો તે પ્રિય રાગ હતો. રાજકાજની સમસ્યાઓમાં આખો દિવસ વ્યસ્ત રહ્યા પછી બાદશાહને સુખશાંતિ જોઈતી હતી, તેથી તાનસેન આ રાગ રજૂ કરતા હતા.

અબુલ ફઝલ, જેઓ હંમેશાં ‘મારા સિવાય બીજું કોઈ નહીં’નું સૂત્ર પોકારતા રહેતા હતા, તેમણે પણ તાનસેનની ખૂબીઓનો સ્વીકાર કરતાં લખ્યું છે કે, “છેલ્લાં એક હજાર વર્ષમાં તેમના જેવા ગાયક આ ધરતી પર જન્મ્યા નથી.”

પ્રોફેસર મોહમ્મદ અસલમે લખ્યું છે કે, તાનસેને દક્ષિણમાં જઈને નાયક બખ્શૂનાં પુત્રી પાસેથી રાગનું શિક્ષણ મેળવ્યું હતું. આ ઘટનાનું વિવરણ કાજી મેરાજ ધૌલપુરે માસિક ‘આજકલ’ના સંગીત નંબર – ઑગસ્ટ 1956માં પ્રકાશિત તાનસેન પરના પોતાના લેખમાં કંઈક આ રીતે કર્યું છે, “તેમના, એટલે કે હજરત મોહમ્મદ ગૌસના, પાનની અસરથી તાનસેનના ગળામાં રસ અને સ્વાદ જન્મ્યો. જેનાથી તાનસેનનો ગાવા પ્રત્યેનો લગાવ વધી ગયો. અનેક જગ્યાએ તેમની મધુર ગાયકીને પ્રસિદ્ધિ મળવા લાગી. જોકે, તે સમય સુધી તેઓ સંગીતના નિયમોથી અજાણ હતા.”

તેમણે આગળ લખ્યું છે, “એટલે હજરત મોહમ્મદ ગૌસે રાજા માન દ્વારા સ્થપાયેલી ગાન વિદ્યાલય, ગ્વાલિયરમાં 1532માં તેમને પ્રવેશ અપાવ્યો. તે સમયે ત્યાં પોતાની કલામાં અનન્ય માહિર ગણાતા મુચ્છૂ અને ભંવર નામના બે કર્તાહર્તા હતા. તેમના ઉસ્તાદ બખ્શૂ તે સમયે મૃત્યુ પામી ચૂક્યા હતા. તેઓ પોતાના સમયના મોટા ઉસ્તાદ, પૂર્ણ વ્યક્તિત્વના સ્વામી અને રાજા માનના સહયોગી હતા.”

અકબરના કહેવાથી 16 હજાર રાગો અને 360 તાલોનો ઊંડો અભ્યાસ કર્યો

તાનસેનની કબર પરની બોરડી, તાનારીરી, સંત હરિદાસ, અકબરના નવરત્ન તાનસેન, મુઘલ દરબાર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Tansen/Book Title/Amazon

રાજાએ આ વિદ્યાલય પોતાનાં રાણી મૃગનયનીના નામે બનાવ્યું હતું, જેઓ ઉચ્ચ કોટીનાં કલાકાર હતાં અને ગાયનમાં ખૂબ પારંગત હતાં.

તાનસેન આ વિદ્યાલયમાં દીક્ષા લઈને ચારપાંચ વર્ષમાં મુક્ત થઈ ગયા, પરંતુ , ઉસ્તાદ બખ્શૂનો સહવાસ ન મળ્યાનું તેમને હંમેશા દુઃખ હતું. બખ્શૂનાં પુત્રી પોતાના પતિ સાથે દક્ષિણમાં હતાં. બખ્શૂએ પોતાના દિલની બધી સંપત્તિ એટલે કે બધી જ માહિતી તેમને આપી દીધી હતી.

તેથી તાનસેને તેમની સેવામાં ઉપસ્થિત થઈને બખ્શૂના સંગીતના નિયમોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના પીરની પરવાનગી લઈને દક્ષિણ પહોંચ્યા.

પોતાનું ગાયન સંભળાવ્યું, પરંતુ, બખ્શૂનાં પુત્રીએ કશો ભાવ આપ્યો નહીં અને કહી દીધું કે, બેટા હજી થોડું વધુ શીખો. તાનસેન ખાલી હાથે પાછા ફર્યા. પોતાના પીરને બધી હકીકત કહી. તેમણે તાનસેનની હિંમત વધારી અને કહ્યું કે, ગભરા નહીં. એક દિવસ તેઓ તારી શ્રેષ્ઠતાનો સ્વીકાર કરશે.

રાત્રે એ જ અવઢવ અને દુઃખી હૃદયે તાનસેન સૂઈ ગયા. સપનું જોયું કે એક વયોવૃદ્ધ માણસ તેમને ગીત ગાઈને કશુંક કહી રહ્યા છે. એ દરમિયાન ઘણા ઉચ્ચ સ્તરીય ધ્રુપદો પણ યાદ કરાવી દીધા.

જાગ્યા ત્યારે આ ધ્રુપદો તેમના ગળામાં ઝિલાઈ ગયાં હતાં અને જણાવેલાં બધા નિયમો તેમનાં મન-મગજમાં પૂર્ણ રીતે સચવાઈ ગયા હતા. એથી તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. પોતાના પીરને સપનાની હકીકત કહી સંભળાવી, ત્યારે પીરે જણાવ્યું કે, એ વાતોને ભૂલતો નહીં. બખ્શૂએ તને કલામાં પારંગત બનાવી દીધો છે.

ત્યાં, બખ્શૂના નામાંકિત સાગરીતો પાસે રિયાઝ કરાવવામાં આવતા હતા. દિવસે ન શીખે તેટલું રાતે શીખે તેવી પ્રતીતિ થવા લાગી. જ્યારે તાનસેનને સંપૂર્ણ વિશ્વાસ અને સંતોષ થઈ ગયો ત્યારે ફરીથી દક્ષિણ જવાનો ઇરાદો કર્યો. ઉસ્તાદ બખ્શૂનાં પુત્રીને પોતાનું ગીત સંભળાવ્યું. તેઓ અશ્ચર્યચકિત થઈ ગયાં કે હવે તેમના ખાનદાનનું બધું જ શિક્ષણ તાનસેનને મળી ગયું છે. તેમણે ખુશી પ્રગટ કરી અને બાકી રહી ગયેલું શિક્ષણ પણ તાનસેનને આપી દીધું.

તાનસેનની એક મોટી સિદ્ધિ એ પણ હતી કે, તેમણે અકબરના કહેવાથી 16 હજાર રાગો અને 360 તાલોનો ઊંડો અભ્યાસ કર્યો અને વ્યાપક વિચારણા પછી માત્ર 200 મૂળ રાગ અને 92 મૂળ તાલને સ્થાપિત રાખ્યા અને બાકીનાને રદ કરી દીધા.

તાનસેન નામની પત્રિકામાં, જે તે સુવર્ણકાળની કૃતિ છે, એ બધા રાગો અને તાલોની અલગઅલગ વિશેષતાઓ અને ગાવાની રીતો વર્ણવવામાં આવી છે.

પ્રોફેસર મોહમ્મદ અસલમે લખ્યું છે, “તાનસેને જૂના રાગોને નવું રૂપ આપ્યું એટલું જ નહીં, પોતે પણ ઘણી બધી રાગિણીઓનું સર્જન કર્યું, જે તેમના નામથી જાણીતી છે અને મિયાં કી તોડી, મિયાં કા સારંગ અને મિયાં કા મલ્હાર, વગેરે તરીકે ઓળખાય છે. તે ઉપરાંત, દરબારી અને શામ કલ્યાણ એવા રાગ છે, જે અકબરને વિશેષ રૂપે ખૂબ પસંદ હતા અને હંમેશાં તેની જ ફરમાઇશ રહેતી હતી.”

ફિલ્મોમાં તાનસેન

તાનસેનની કબર પરની બોરડી, તાનારીરી, સંત હરિદાસ, અકબરના નવરત્ન તાનસેન, મુઘલ દરબાર, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ધ્રુપદ ગાયકીમાં તાનસેનને ગ્વાલિયર ઘરાનાના માત્ર દિગ્ગજ પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં નથી આવતા, બલકે, મોટા ભાગના ઇતિહાસકારોએ તેમને ગ્વાલિયર ઘરાનાના સંસ્થાપક માન્યા છે.

તાનસેનના જમાનામાં ધ્રુપદને ભારતીય સંગીતમાં ગાયકીની શાસ્ત્રીય શૈલી તરીકેની માન્યતા મળી હતી, જેને પછીથી ચાર વાણી કે પ્રકારોમાં વિભાજિત કરવામાં આવી – ગૌરહાર, ખંડાર, નૌહાર અને ડાગર. આમાંની બે વાણીઓનું ચલણ આજે પણ છે.

તાનસેન દ્વારા ધ્રુપદ ગાયકીના એક નહીં, પરંતુ બે ઘરાનાની પરંપરા આગળ ચાલી. પહેલી, તાનસેનના મોટા પુત્ર તાન તરંગ (1536-1602) દ્વારા, જે ગાયકી સેનિયા ઘરાના તરીકે ઓળખાઈ. ધ્રુપદનો આ અંદાજ માત્ર ગાયકી સુધી સીમિત ન રહ્યો.

બીજી પરંપરા તાનસેનના નાના પુત્ર બિલાસખાન દ્વારા આગળ વધી. ધ્રુપદની આ રીતમાં સાજ પણ ઉમેરાયા. આ પરંપરાના સંગીતકારોએ રુબાબ, બીન (રુદ્ર વીણા) અને સિતાર વગાડવામાં સિદ્ધિ દર્શાવી, પરંતુ, તેમનું ધ્યાન ગાયકી પર પણ કેન્દ્રિત રહ્યું અને તેમણે સાજ અને અવાજને એક લયમાં લાવીને એક વિશિષ્ટ શૈલી વિકસાવી. આજે પણ સાજિંદાઓના રામપુર ઘરાના, શાહજહાંપુર ઘરાના અને ઇટાવા ઘરાનામાં તેનો પ્રભાવ જોઈ શકાય છે.

તાનસેનના જીવન પર ઉપખંડમાં અનેક ફિલ્મો બની ચૂકી છે. આ વિષય પર બનેલી પહેલી ફિલ્મ 1943માં આવી હતી, જેમાં કેએલ સહગલે તાનસેનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના નિર્દેશક જયંત દેસાઈ હતા.

ઈ.સ. 1990માં પાકિસ્તાન ટેલિવિઝને આ વિષય પર એક ટીવી સિરિયલ બનાવી હતી, જેના પ્રોડ્યૂસર ખ્વાજા નજમુલ હસન અને લેખિકા હસીના મોઈન હતાં. આ ટીવી સિરિયલમાં આસિફ રઝા મીર અને ઝેબા બખ્તિયારે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS