Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters,AdityaDhar/Instagram
9 ઑગસ્ટ 2009ના દિવસે કરાચી પોલીસે ઝીરો પૉઇન્ટ તરીકે ઓળખાતી જગ્યાએ વાય આકારમાં ‘ફિલ્ડિંગ’ ગોઠવી હતી.અહીંથી એક રસ્તો ગ્વાદર કોસ્ટલ હાઇવે તરફ જતો હતો, તો બીજો ક્વેટા તરફ.
જોકે, કરાચી પોલીસની ટીમ તેના ચિરપરિચિત ગણવેશમાં ન હતી, પરંતુ તેમણે કોસ્ટગાર્ડનો વેશ ધારણ કર્યો હતો. જેથી રહમાન ડકૈત કરાચી પોલીસને જોઈને સાવચેત ન થાય અને છટકી ન જાય.
એસપી ચૌધરી અસલમ કરાચી પોલીસની આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. રહમાન ડકૈતને કારણે કરાચી પોલીસ અને એસપી ચૌધરી અસલમની વ્યક્તિગત રીતે ભારે નાલેશી થઈ હતી. આજે તે હિસાબ સરભર કરવાનો સમય હતો, પરંતુ થશે કે નહીં, તે સમયના ગર્ભમાં હતું.
તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાએ રહમાન ડકૈતની ભૂમિકા ભજવી છે, જ્યારે સંજય દત્તે એસપી ચૌધરી અસલમનો રોલ અદા કર્યો છે. આ ફિલ્મે કરાચી અંડરવર્લ્ડને ફરીથી ચર્ચામાં લાવી દીધું છે.
એએસઆઈથી એસએસપી સુધી
ઇમેજ સ્રોત, JIO/YT/TRAILER GRAB
અસલમનો જન્મ ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના માનસેરાના દુદૈલ તાલુકામાં 1964માં થયો હતો. તા. 31 ઑક્ટોબર 1984ના દિવસે માત્ર 20 વર્ષની ઉંમરે અસલમે વર્દી પહેરી.
અસલમે તેની કારકિર્દીની શરૂઆત સિંધ રિઝર્વ પોલીસની વિખ્યાત ‘ઇગલ સ્ક્વૉડ’માં આસિસ્ટનન્ટ સબ-ઇન્સ્પેક્ટર તરીકે કરી, પણ ટૂંક સમયમાં રૅગ્યુલર પોલીસમાં સ્થાન મેળવી લીધું હતું.
કરાચીના નઝીમાબાદ વિસ્તારમાં આરિફ સિદ્દિકી પાસેથી એસપી અસલમે પોલીસ ડિપાર્ટમેન્ટના શરૂઆતના પાઠ શિખ્યા. આરિફના દીકરા આફતાબ લંડનમાં રહે છે અને તેમણે એસપી અસલમ વિશે અભ્યાસ કર્યો છે.
આફતાબ સિદ્દિકીના કહેવા પ્રમાણે, અસલમ પહેલાં ઇન્સ્પેક્ટર બન્યા. આગળ જતાં નઝીમાબાદના ડીએસપી બન્યા. જે ખુરશી ઉપર તેના ગુરૂ આરિફ સિદ્દિકી બેસતા, એના ઉપર હવે તેનું પ્રભુત્વ હતું.
એ પછી લારકાનાની સ્પેશિયલ બ્રાન્ચ, સુકુરની સ્ટેટ રિઝર્વ પોલીસ, કરાચીની કારચોરી વિરોધી પાંખમાં ફરજ બજાવી. કારકિર્દીના છેલ્લા સમયમાં તેઓ સીઆઈડી (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) તથા આતંકવાદવિરોધી દળના વડા હતા.
અસલમની અટક ચૌધરી ન હતી, તેમની જ્ઞાતિ ચૌધરી ન હતી કે પરિવાર પણ એવો ન હતો, છતાં તેમના નામ સાથે ‘ચૌધરી’ કઈ રીતે જોડાઈ ગયું, તેના વિશે કોઈ નહોતું જાણતું.
રહમાન ડકૈત સામે ચૌધરી અસલમ
1992- ’93 દરમિયાન કરાચીમાંથી અસામાજિક તત્ત્વોને સાફ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું. ચૌધરી અસલમ, શોએબ સિદલે તથા રાવ અનવર જેવા અધિકારીઓ આ કાર્યવાહીના ‘હીરો’ બની ઊભરી આવ્યા હતા.
આ ગાળા દરમિયાન ચૌધરી અસલમનું નામ ‘ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ તરીકે ચર્ચિત થયું. આ કાર્યવાહીમાં. કેટલાક ઍન્કાઉન્ટર ઉપર સવાલ પણ ઊભા થયા. જેનો લાભ હરીફ રહમાન ડકૈતને થયો, જેને કથિત રીતે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું સમર્થન હાંસલ હતું અને એની હરીફ પાર્ટી એમક્યૂએમને નુકસાન થયું.
આ બાજુ અંડરવર્લ્ડમાં રહમાન ડકૈતનું કદ વધી રહ્યું હતું, તો બીજી બાજુ કરાચીના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચૌધરી અસલમ દિગ્ગજ બની રહ્યા હતા. બંનેનું સામસામે થવું સ્વાભાવિક હતું.
એક તબક્કે હરીફ ગૅંગે રહમાન ડકૈત ઉપર ખૂબ જ દબાણ વધારી દીધું, જેના કારણે તે ક્વેટામાં જઈ છુપાયો. એવામાં રહમાન ડકૈતના ઠેકાણાં વિશે લ્યારી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના તત્કાલીન વડા અસલમને બાતમી મળી.
વિશ્વાસુ લોકોની ટીમ લઈને એસપી અસલમ ત્યાં પહોંચ્યા અને ઘેરો ઘાલ્યો. રહમાને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પડી જવાને કારણે તેને પગમાં વાગ્યું.
હવે, રહમાન ડકૈતનો ‘ફેંસલો’ થવાનો હતો કે એવામાં એસપી ચૌધરી અસલમના ફોનની રિંગ વાગી.
રહમાન ડકૈતની ચૌધરી અસલમને હાથતાળી
સામાન્ય રીતે ચૌધરી અસલમ આવી કાર્યવાહી સમયે પોતાનો ફોન સાથે ન રાખતા. જેથી કરીને ‘લૉકેશન ટ્રાયન્ગ્યુલેશન’, ‘જિયો ફેન્સિંગ’ કે કોલ ડિટેઇલ રેકૉર્ડ્સના આધારે અદાલતમાં તેની હાજરી સાબિત ન થઈ શકે.
ચૌધરી અસલમ પાસે બીજો નંબર રહેતો, જેના વિશે તેના અમુક સિનિયરને જ ખબર હતી. કોલ એ ગુપ્ત નંબર ઉપર આવ્યો હોવાથી એસમપી અસલમે ઉપાડ્યો. સામે છેડે પાકિસ્તાનનાં પૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ આસિફઅલી ઝરદારી હતા.
એ કોલમાં કથિત રીતે ઝરદારીએ એસપીને કહ્યું, “એને મારશો નહીં…કશું ખોટું ન કરશો…તમારી પાસે જે કેસ હોય, તેને (કોર્ટમાં) રજૂ કરો…..ઍન્કાઉન્ટર ન કરતા.”
આગળ જતા આસિફઅલી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા અને તેમના દીકરા બિલાવલ ભુટ્ટો પાકિસ્તાન સરકારમાં મંત્રી.
ઇમેજ સ્રોત, SMVP
એસપી ચૌધરી અસલમથી હવે કશું થાય એમ ન હતું. રહમાન ડકૈતનો કબજો લેવામાં આવ્યો, પરંતુ તેની ધરપકડ રેકૉર્ડ ઉપર લેવામાં નહોતી આવી.
પોલીસ તેને લઈને કરાચી પહોંચે, એ પહેલાં સેનાની ગુપ્તચર પાંખે રહમાન ડકૈતનો કબજો લઈ લીધો અને ગુપ્તસ્થળે લઈ ગઈ.
આ માટે ઇસ્લામાબાદના સ્તરેથી આદેશ આવ્યા હતા. મિલિટરી ઇન્ટેલિજન્સે ત્રણ-ચાર અઠવાડિયાં બાદ રહમાન ડકૈતનો કબજો કરાચી પોલીસને સોંપી દીધો.
રહમાન ડકૈતની ધરપકડ ચોપડે નોંધાઈ ન હોવાથી તેને કરાચીમાં એક ઇન્સ્પેક્ટરના ઘરે રાખવાનું નક્કી થયું. એક તબક્કે રહમાન ડૈકત ત્યાંથી નાસી છૂટ્યો. એ પછી તેણે વાત ફેલાવી કે તે પોલીસવાળાને લાંચ આપીને છૂટ્યો છે.
આ ઘટનાને કારણે પોલીસ બેડા, રાજકારણ તથા પાકિસ્તાન મિલિટરીમાં ચકચાર ફેલાઈ ગઈ. ઘટના સમયે એસપી ચૌધરી અસલમ હૉસ્પિટલમાં હોવા છતાં આકરી પૂછપરછ કરવામાં આવી અને નાલેશી થઈ. ત્યારથી રહમાન ડકૈત પ્રત્યેનું ખુન્નસ વધી ગયું હતું.
માશુક બ્રોહી કે રસૂલ બક્ષ બ્રોહી?
ઇમેજ સ્રોત, Facebook/ChaudhryAslam
જુલાઈ-2006માં લ્યારી ટાસ્ક ફોર્સે એસપી ચૌધરી અસલમના નેતૃત્વમાં ગડપમાં કથિત રીતે કુખ્યાત હિસ્ટ્રીશિટર માશુક બ્રોહીનું ઍન્કાઉન્ટર કર્યું.
પોલીસનું કહેવું હતું કે તેમણે માશુક બ્રોહીની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ માશુકે પ્રતિકાર કર્યો અને ઍન્કાઉન્ટરમાં તેનું મોત થયું.
જોકે, થોડા દિવસમાં મીડિયામાં આવવા લાગ્યું કે મૃતકનું સાચું નામ રસૂલ બક્ષ બ્રોહી હતું. જે સિંધના નવાબશાહના સ્ક્રંદ ગામનો ગરીબ ખેડૂત હતો. જેને એસપી અસલમ અને તેની ટીમે બે દિવસ પહેલાં ઊઠાવ્યો હતો અને તેનું ઍન્કાઉન્ટર કર્યું હતું.
સિંધ પોલીસે તપાસ કરતા મૃતકના પરિવારજનોનો દાવો સાચો ઠર્યો હતો. ચૌધરી અસલમ સહિત અનેક અધિકારીઓ-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમણે જેલમાં જવું પડ્યું.
જોકે, બે-એક વર્ષમાં ચૌધરી અસલમ સહિત મોટા ભાગના પોલીસ અધિકારીઓને પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે નિર્દોષ જાહેર કર્યા. મોટા ભાગના અધિકારીઓ ફરી પોત-પોતાના કામે પરત ફર્યા.
‘પાંચ કરોડ લઈ તો લઉં પણ…’
ઇમેજ સ્રોત, Facebook/SindhPolice
ડિસેમ્બર-2007માં બેનઝીર ભુટ્ટોની હત્યા થઈ. પાકિસ્તાનમાં પીપીપી સત્તા ઉપર આવી અને બેનઝીરના પતિ આશિફઅલી ઝરદારી રાષ્ટ્રપતિ બન્યા. જોકે, પીપીપી અને રહમાન ડકૈતના સંબંધોમાં ખટાશ આવી રહી હતી અને ગજગ્રાહ વધી રહ્યો હતો.
એવામાં સિનિયર એસપી બની ગયેલા ચૌધરી અસલમને ટિપ મળી હતી, જેના આધારે તેમણે બલૂચિસ્તાનના હાઇવે ઉપર કાફલો ગોઠવ્યો હતો.
બાતમીદાર તથા મોબાઇલ સર્વેલન્સના આધારે રહમાન ડકૈત તથા તેના ત્રણ સાગરિત આગળ વધી રહ્યા હતા. ‘કોસ્ટગાર્ડ’ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાથી તેમણે કોઈ ઉતાવળું પગલું ભરવાને બદલે સહકાર આપવાનું નક્કી કર્યું.
તેઓ બહાર આવ્યા કે ચૌધરી અસલમ તથા અન્ય અધિકારીઓએ તેમને ઘેરી લીધા. આ તબક્કે નાસી છૂટવાનો કોઈ ઉપાય ન હતો, એટલે રહમાન ડકૈતે કથિત રીતે રૂ. પાંચ કરોડ આપવાની ઓફર કરી. રહમાને તેના એક સાગરિતને નાણા લેવા માટે પણ મોકલ્યો.
એક તબક્કે ચૌધરી અસલમે કહ્યું કે, ‘મેં તારી પાસેથી પૈસા નહોતા લીધા, તો પણ ભારે બદનામી થઈ હતી. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પૂછપરછ કરી, જો હું તારી પાસેથી પૈસા લઉં, તો તો તું શુંય કરશે?’
ઇમેજ સ્રોત, Reuters
10 ઑગસ્ટના અખબારોમાં સમાચાર આવ્યા કે રહમાન ડકૈત તેના ત્રણ સાગરિતો સાથે માર્યો ગયો છે. પાંચ કરોડ રૂપિયા અંગે કરાચી પોલીસમાં ચર્ચાઓ ચાલતી રહી.
જોકે, કરાચીના મીડિયા, પત્રકારો અને પોલીસમાં હંમેશાં આવી ચર્ચા રહી કે તેને જીવતો પકડવામાં આવ્યો અને પછી તેની ‘ગેમ’ કરી નાખવામાં આવી.
કેટલાક પોલીસ અધિકારીઓના મતે ચૌધરી અસલમ સરેરાશ પોલીસ અધિકારી હતા. તેઓ ખાસ હોનહાર, સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ કે બૌદ્ધિક પોલીસ અધિકારી ન હતા. તપાસ કે વહીવટી બાબતોમાં પણ તેમને ખાસ ગતાગમ નહોતી પડતી.
ચૌધરી અસલમ તથા તેમની ટીમની ઉપર નકલી તથા ન્યાયેત્તર ઍન્કાઉન્ટર કરવાના આરોપ લાગતા હતા, પરંતુ મોટા ભાગની પ્રાથમિક પોલીસ તપાસમાં ક્લિનચીટ મળી હતી.
એ દિવસે મોતને હાથતાળી ન મળી….
ઇમેજ સ્રોત, Getty Images
રહમાન ડકૈતના મૃત્યુ બાદ ભાગલાવાદી તત્ત્વો, ઉગ્રવાદીઓ, ધાર્મિક કટ્ટરવાદીઓ, લશ્કર-એ-તોઇબા, લશ્કર-એ-જંગવી, તાલિબાન અને કબીલાઈઓની દહેશત વધી રહી હતી. એટલે સુરક્ષાબળો અને જનતાને એસપી ચૌધરી અસલમ જેવા અધિકારીઓની જરૂર હતી અને તેમને છૂટો દોર આપવામાં આવ્યો.
કારકિર્દી દરમિયાન અનેક ઉગ્રવાદી તથા અસામાજિક તત્ત્વોની ધરપકડ અને ઍન્કાઉન્ટર કર્યાં હોવાથી ચૌધરી અસલમના જીવ ઉપર હંમેશાં જોખમ રહેતું.
નવેમ્બર-2010માં કરાચીની સીઆઈડી ઓફિસ ઉપર વિસ્ફટોકોથી ભરેલી ગાડી વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં 20 લોકોનાં મૃત્યુ થયાં. તાલિબાન તથા લશ્કર-એ-ઝંગવીએ તેની જવાબદારી લીધી અને કહ્યું કે તેમના નિશાન ઉપર ચૌધરી અસલમ હતા.
સપ્ટેમ્બર-2011માં તેમના ઘરે વિસ્ફટકોથી ભરેલી ગાડીમાં ધડાકો થયો, જેમાં છ પોલીસવાળા અને બે રાહદારીનાં મૃત્યુ થયાં. આ હુમલાની જવાબદારી અલ-મુખ્તારે લીધી, જેના છેડા તાલિબાન સાથે જોડાયેલા હતા.
શરમાળ અને ઓછાબોલા પોલીસ અધિકારી તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા ચૌધરી અસલમ ટીવી ઉપર આવતા અને ઉગ્રવાદીઓને પડકારતા. પોતાના ઘર ઉપર હુમલા બાદ ચૌધરી અસલમનું એક નિવેદન ખૂબ જ ચર્ચિત બન્યુ હતું:
“તેઓ (હુમલાખોર) કાયર છે. પોતાને મુસલમાન કહે છે, પરંતુ તેઓ કાફર છે. આને કારણે હું તેમની સામે ઑપરેશન્સ કરવા વધુ પ્રતિબદ્ધ થયો છું. તેમણે ઊંઘતાં બાળકો ઉપર હુમલો કર્યો. હું દિવસ અને રાત રસ્તા ઉપર જ હોઉં છું. જો તમારે મને મારવો હોય તો મારા ઉપર સીધો હુમલો કરો.”
ચૌધરી અસલમનાં જીવ ઉપરના જોખમને જોતા તેમને બુલેટપ્રૂફ તથા બૉમ્બપ્રૂફ ગાડી આપવામાં આવી હતી. આ સિવાય તેમને બૉડીગાર્ડ્સ પણ ફાળવવામાં આવ્યા હતા.
ઇમેજ સ્રોત, Reuters
9 જાન્યુઆરી, 2014ના તેમની બૉમ્બ-પ્રૂફ ગાડી રિપેરિંગમાં હોવાથી ચૌધરી અસલમ બુલેટપ્રૂફ કારમાં ઓફિસે જવા નીકળ્યા. સુરક્ષા કાફલાની એક ગાડી ચૌધરી અસલમની દવાઓ લેવા માટે રસ્તામાં રોકાઈ હતી.
દરમિયાન લ્યારી એક્સપ્રેસ-વે ધ્રૂજી ઊઠે એવો ધડાકો થયો. પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, એક ગાડી આવી અને ચૌધરી અસલમની ગાડી સાથે ટકરાઈ એ પછી વિસ્ફોટ થયો. પોલીસ ગાડી 20-30 ફૂટ દૂર ફંગોળાઈ ગઈ.
તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી. તેમનું કહેવું હતું કે ચૌધરી અસલમે તેના તાલિબાનીઓની હત્યા કરી હતી, તેમને પકડ્યા હતા, ત્રાસ આપ્યો હતો અને તેમને ઘાયલ કર્યા હતા.
એસપી અસલમનાં મૃત્યુ બાદ પણ જોખમ ઓછું નહોતું થયું. તેમના જનાજાનો સમય અને સ્થળ બદલવામાં આવ્યા હતા. ડાઘુઓની ત્રણ-ત્રણ વખત જડતી લેવામાં આવી હતી.
આ સિવાય જનાજા સમયે મોબાઇલ જામર્સ પણ લગાડવામાં આવ્યા હતા, જેથી કરીને ઉગ્રવાદીઓ દૂરથી મોબાઇલ ફોન મારફત કોઈ ધડાકો ન કરી શકે. સિંધના મુખ્ય મંત્રી ચૌધરી અસલમના જનાજામાં સામેલ થયા અને તત્કાલીન વડા પ્રધાને હુમલાને વખોડી અંજલિ આપી.
ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ-2017માં પાકિસ્તાની મીડિયામાં એવી ચર્ચા થવા લાગી હતી કે ચૌધરી અસલમના બૉડીગાર્ડે જ દગો કર્યો હતો અને તેણે જ એસપી અસલમની હિલચાલ વિશે બાતમી આપી હતી.
જૂન-2017માં પાકિસ્તાની સેનાની પ્રચાર પાંખે કુલભૂષણ જાધવનો વીડિયો બહાર પાડ્યો. જેમાં તેઓ કથિત રીતે કબૂલ કરતા દેખાય છે કે તેઓ ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ ઍન્ડ એનાલિસ વિગ સાથે સંકળાયેલા છે અને પાકિસ્તાની જનતાને ડરાવવા માટે અનેક વિસ્ફોટોને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં ચૌધરી અસલમની હત્યા પણ સામેલ હતી.
જોકે, ભારતનું કહેવું છે કે નિવૃત નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવ ઈરાનમાં હતા, જ્યાંથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું તથા દબાણ હેઠળ બોલાવવામાં આવ્યું છે.
પાકિસ્તાનની સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપવાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ ભારતે ઇન્ટરનૅશનલ કૉર્ટ ઑફ જસ્ટિસમાં ધા નાખી હતી. હેગસ્થિત અદાલતે કુલભૂષણ જાધવને ફાંસી નહીં આપવા માટે પાકિસ્તાનને જણાવ્યું હતું. હાલમાં તેઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







