Source : BBC NEWS

ઇમેજ સ્રોત, BUSHRA BEGAM
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 (સાયન્સ તથા સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા 2025નું પરિણામ સોમવારે આવી ગયું છે.
આ સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયું છે.
પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીની સંઘર્ષ અને મહેનતની એક અલગ કહાણી હોય છે.
સંઘર્ષ અને મહેનત કરીને સારું પરિણામ લાવનાર કેટલાક વિદ્યાર્થીઓ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
બાળકોને ભણાવવા માટે માતાપિતાનો પણ એક અલગ સંઘર્ષ હોય છે. જેમકે કોરોનામાં પતિને ગુમવનાર સિંગલ માતા હોય કે પછી ટાયર પંચરનું કામ કરીને દીકરીઓને અભ્યાસ કરાવનાર પિતા કે પછી ખેતી કરનાર પિતા કે ચાની લારી ચલાવનાર પિતાનાં બાળકોએ સંઘર્ષ સાથે સફળતા મેળવી.
ટાયર પંચરનુ કામ કરતા પિતાની દીકરીના સંઘર્ષની કહાણી
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ટાયર પંચરનુ કામ કરતાં સૈયદ મહમદ્દ અલીનાં દીકરી બુશરા બેગમે ધોરણ 12 સાયન્સમાં 96.48 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. સૈયદ મહમદ્દ અલીને ચાર દીકરીઓ છે.
તેમની મોટી દીકરી યુપીએસસીની તૈયારી કરે છે જ્યારે બીજી નંબરની દીકરી એમએસસી કરે છે. બુશરા તેમની ત્રીજી દીકરી છે.
સૈયદ મહમદ્દ અલીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, “મારી છોકરીઓ છોકરાઓથી જરાય ઊતરતી નથી. મારી ચારેય દીકરીઓ ભણવામાં ખૂબ જ હોશિયાર છે. મારી રખિયાલમાં ટાયર પંચરની દુકાન છે.”
“દરેક મા-બાપ ઇચ્છે કે તેમનાં બાળકો સાહેબ બને. હું દિવસ રાત મજુરી કરીશ પરંતુ મારી દીકરીઓને સાહેબ બનાવીશ. અલ્લાહની મહેરબાની છે કે મને એટલું કામ મળી રહે છે કે મારે મારી દીકરીઓની ફી ભરી શકું.”
બુશરા બેગમે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “મારા પિતા અમને ભણાવવા માટે ખૂબ જ મજૂરી કરે છે. સામાન્ય રીતે દીકરીઓ મોટી થાય એટલે તેમને ઘરકામ કરવા પડે. જોકે મારાં અમ્મી અમને ઘરના કોઈ કામ કરવા દેતાં નથી. અમ્મી હંમેશાં અમને ભણવા માટે જ પ્રેરે છે.”
બુશરા પોતાની તૈયારી અંગે કહે છે કે, “હું બે વર્ષ દરમિયાન સ્કૂલ અને ટ્યુશનથી આવ્યા બાદ ઘરે દિવસમાં પાંચ કલાક ભણતી હતી. સાયન્સમાં અભ્યાસ કરવો હોય તો રોજનું રોજ રિવિઝન કરવું જોઈએ. રિવિઝનમાં બૅકલૉગ વધી જાય તો પછી તે પૂરો કરવામાં તકલીફ પડે છે. હું કૉમ્પ્યુટર ઍન્જિનિયરનો અભ્યાસ કરવા માંગુ છું. ભણ્યા બાદ હું કૉમ્પ્યુટર ક્ષેત્રમાં બિઝનેસ કરવા માંગુ છુ.”
ભણવા સાથે પિતાને ચાની લારી પર મદદ કરનાર વિદ્યાર્થી 99.99 પર્સેન્ટાઇલ કેવી રીતે મેળવ્યા?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
રાજકોટમાં ચાની લારી અને પાનનો ગલ્લો ચલાવનાર નારણભાઈ પરમારના દીકરાએ ધોરણ 12ના કૉર્મસ પ્રવાહમાં 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે અને 96.50 પર્સન્ટેજ છે.
નારણભાઈ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “મારો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. મારા દીકરાએ બે વર્ષ સુધી મોબાઇલ ફોન રાખ્યો ન હતો. અમે તેને ફોન રાખવાનું કહ્યું છતાં પણ તે ફોન રાખવા તૈયાર ન હતો.”
“મારે ચાની લારી અને પાનનો ગલ્લો છે. ઘણીવાર તો તે મને મદદ કરવા માટે ચાની લારી પર પણ આવતો હતો. મારે ક્યાંક જવાનું થાય તો તે લારી અને ગલ્લો ચલાવતો હતો. મારી ચાની કિટલી પર બેસીને તે વાંચતો. મારો દીકરાને આગળ જે ભણવું હોય અને તે જે પણ બનવા માંગે તે તેની ઇચ્છા છે.”
રાજ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “સવારે જાગીને તાજગી હોય એટલે સવારે જ જાગીને વાંચતો હતો. ત્યારબાદ બે કલાક મારા પિતાને મદદ કરવા આવતો હતો. ત્યારબાદ શાળામાં જતો અને શાળાથી ઘરે આવીને વાંચતો હતો. મારા પિતાને ટિફીન આપવા કે મારા પિતા બહાર કામે જાય ત્યારે હુ ચા બનાવતો. હુ કેબીને બેસીને પણ વાંચતો હતો.હું ચાર્ટડ અકાઉન્ટન્ટ બનવા માંગુ છું.મારી પાસે ફોન ન હતો એટલે સારુ પરિણામ લાવી શક્યો . મોબાઈલનો ઉપયોગ કરીએ તો ભણવામાંથી ધ્યાન ભટકી શકે છે.”
માતાપિતા ખેતી અને પશુપાલન કરીને ફી ભરી, દીકરો 96 ટકા લાવ્યો

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
અરવલ્લી જિલ્લાના સબલપુર ગામમાં રહેતા ઉમંગ સોલંકીએ ધોરણ 12 સાયન્સમાં 96 ટકા મેળવ્યા છે. ઉમંગનાં માતા અને પિતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે.
ઉમંગના પિતા સુખદેવભાઈ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “હું ખેતી અને પશુપાલન કરું છું. મારો દીકરાને 10મા ધોરણમાં 88 ટકા આવ્યા બાદ તેને સાયન્સમાં અભ્યાસ કરવો હતો.”
“તેના શાળાના શિક્ષકોએ મને ફોન કરીને કહ્યું કે તમારો દીકરો હોશિયાર છે. તેને ભણાવજો. મેં નક્કી કર્યું કે ભલે મારે મજૂરી કરવી પડે પણ હું મારા દીકરાને ભણાવીશ.”
“પશુઓનું દૂધ વેચીને જે પૈસા આવતા તેમાંથી અમે તેની ફી ભરતા હતા મારો દીકરો ત્રણ વર્ષથી કોઈ લગ્ન કે પ્રસંગમાં જતો ન હતો. મારા દીકરા પાસે મોબાઇલ ફોન ન હતો. તેમજ તેને કયારેય ફોન લેવા માટે જીદ પણ કરી નથી. છેલ્લાં ત્રણ વર્ષથી અમારા ઘરે ટેલીવિઝન પણ બંધ કરી દેવામાં આવ્યું છે.”
ઉમંગએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “મારે A1 ગ્રેડ આવ્યો છે. મારી શાળના શિક્ષકોનો મને ખૂબ જ સપોર્ટ હતો. હું દરરોજ રિવિઝન કરતો હતો.”
“મારે આગળ મેડિકલમાં અભ્યાસ કરવો છે. મે નીટની પરિક્ષા આપી છે. A1 ગ્રેડ છે.”
“હું શાળા અને ટ્યુશનમાં જે ભણું તે રિવિઝન કરતો હતો. શાળાના શિક્ષકોએ મને ખૂબ જ મદદ કરી હતી અને હું પોતે દિવસમાં 6 કલાક વાંચતો હતો.”
કોરોનામાં પિતા ગુમાવનાર દીકરીએ 99.99 પર્સેન્ટાઇલ કેવી રીતે મેળવ્યા?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
રાજકોટની ધાર્મીના પિતાનું કોરાનાની બીમારીથી મૃત્યુ થયું હતું. પિતાના મૃત્યુ બાદ તેમનાં માતાએ તેમને મહેનત કરીને ભણાવ્યાં છે. ધાર્મીએ ધોરણ 12 કૉમર્સમાં 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.
ધાર્મીનાં માતા હિનાબહેન કથિરીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “મારા પતિનું કોરોનાની બીમારીથી મોત થયું હતું. હું ઇમિટેશન જ્વેલરીનું કામ કરુ છું.”
“અમારા પરિવારમાં કોઈ આટલા ટકા લાવ્યું નથી. ધાર્મિના ભાઈજીએ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું.”
ધાર્મી કથિરીયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પિતાને યાદ કરીને રડવા લાગ્યાં હતાં.
ધાર્મીએ સ્વસ્થ્ય થઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “મે મારા પિતાને ઇચ્છા પૂરી કરી છે. હું દિવસમાં 10 થી 12 કલાક અભ્યાસ કરતી હતી. હું ચાર્ટડ ઍકાઉન્ટન્ટ બનવા માંગુ છું.”
ખેતીનું કામ કરતાં-કરતાં દાહોદના વિદ્યાર્થીએ કેટલા ટકા મેળવ્યા?

ઇમેજ સ્રોત, ROHIT BARIA
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભણેલા ગામના રોહિત બારીયાને 12મા ધોરણમાં સામાન્ય પ્રવાહમાં 66 ટકા મેળવ્યા છે.
રોહિતનાં બહેન વૈશાલીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “અમારા ગામમાં શાળા નથી. મારાં માતાપિતા મજૂરી કરે છે.”
“મારો ભાઈ પણ ભણતા ભણતા ખેતીમાં મદદ કરતો હતો. ચારો કાપવો, નિંદામણ જેવાં કામ કરતો અને શાળાએ જતો હતો. અમારા ગામથી ચાર કિલોમીટર દૂર શાળા છે. અમારા ગામમાં બસ કે અન્ય સુવિધા ઓછી હોવાથી તે ચાલીને જતો હતો.”
રોહિતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “હું હજું વધારે મહેનત કરીશ. ગ્રેજ્યુએટ કર્યા બાદ હું સરકારી નોકરીની તૈયારી કરીશ.હું સરકારી નોકરી મારા ઘરની ગરીબી દૂર કરીશ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS