Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Arun Mehta
- લેેખક, વિક્રમ મહેતા
- પદ, બીબીસી સંવાદદાતા
-
2 મે 2025, 06:56 IST
અપડેટેડ 2 મે 2025, 12:30 IST
વર્ષ 1952ની આ વાત છે. ઉપલેટા-ધોરાજીના ખેડૂતોએ પાણી વેરાને લઈને ઉચ્છંગરાય ઢેબરની સરકાર સામે બાંયો ચડાવી હતી. આક્રોશિત ખેડૂતોનું નેતૃત્વ એક મહિલા કરી રહ્યાં હતાં અને મહિલાની પ્રભાવક ભૂમિકા સરકારની નજરે ચડેલી હતી.
એક સભામાં એ તેજધાર વ્યક્તિત્વ ધરાવતાં મહિલા આગઝરતું ભાષણ આપી રહ્યાં હતાં ત્યાં જ પોલીસની એક ટુકડી આવી ચડી હતી.
એ મહિલાની તે દિવસે પોલીસના હાથમાં પકડાઈ જવાની પૂરી સંભાવના હતી પણ ત્યાં જ અચાનક લાઇટ ગુલ થઈ ગઈ હતી.
અંધારામાં એ મહિલા ત્યાંથી ભાગી ગયાં અને બીજે ગામે ભરાયેલી ખેડૂતોની સભામાં પહોંચી ગયાં હતાં. આ મહિલાને પકડવાનો મક્કમ નિર્ણય કરીને આવેલી પોલીસ હાથ ઘસતી રહી ગઈ હતી.
પ્રસ્તુત કિસ્સો પુસ્તિકા ‘સૌરાષ્ટ્રની સિંહણ’માં ટાંકવામાં આવ્યો છે. પોલીસ અફસરોની આંખમાં ધૂળ નાખનાર એ મહિલાને ‘સૌરાષ્ટ્રની સિંહણ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. એ મહિલા એટલે નિરુબહેન પટેલ.
સૌરાષ્ટ્રના ‘સશક્ત’ મહિલા નેતાઓની પંગતમાં નિરુબહેનનું નામ આજે પણ ગુંજે છે. સૌરાષ્ટ્રના એક નાનાં ગામડાંમાંથી આવતાં મહિલાએ વિદેશોમાં પણ એમણે ડંકો વગાડી દીધો હતો.
આજીવન સામ્યવાદી વિચારધારાને વરેલાં નિરુબહેન પટેલે મહાગુજરાત આંદોલનથી માંડીને વિવિધ નાનાં-મોટાં આંદોલનોમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી.
ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટાઈને તેઓ ગુજરાતનાં પ્રથમ મહિલા મેયર બન્યાં હતાં. તેમણે મહાગુજરાત ચળવળમાં પણ ભાગ લીધો હતો. તેમની કહાણી જાણીએ આ અહેવાલમાં…
ચૌદ વર્ષની ‘સિંહણકન્યા’

ઇમેજ સ્રોત, Arun Mehta
નિરુબહેનના પુત્ર અરુણ મહેતાએ બીબીસી ગુજરાતી સાથે તેમનાં માતાનાં સંસ્મરણો વાગોળ્યા હતા. અરૂણ મહેતા લાંબા સમયથી કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(એમ) સાથે જોડાયેલા છે.
અરૂણ મહેતા કહે છે એ પ્રમાણે વર્ષ 1926માં ધોલેરા પાસેના ભડિયાદ ગામે શિક્ષક દંપતીને ત્યાં નિરુબહેનનો જન્મ થયો હતો. તેમનાં પિતા જીવરાજભાઈ પટેલ અને માતા દીવાળીબહેન પટેલ બંને ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલાંં હતાં. નિરુબહેને પ્રાથમિક શિક્ષણ ગામની જ સ્થાનિક શાળામાં મેળવ્યાં બાદ ભાવનગરની માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલમાં આગળના અભ્યાસ માટે પ્રવેશ લીધો હતો.
અરૂણ મહેતા જણાવે છે, “વર્ષ 1942માં ગાંધીજીની આગેવાની હેઠળ ભારત છોડો આંદોલન વધુ તીવ્ર બન્યું એટલે ગાંધીજીનું આહ્વાન માનીને એમણે અભ્યાસ છોડી દીધો. અંગ્રેજો સામેની લડાયક વૃતિને કારણે નિરુબહેનના પિતાની બદલીઓ પણ ખૂબ થતી હતી. નિરુબહેન પર આઝાદીના આંદોલનનો ખાસ્સો પ્રભાવ રહ્યો હતો.”
અરૂણ મહેતા કહે છે, “માત્ર ચૌદ વર્ષની ઉંમરે જ મારાં માતા નિરુબહેન ક્રાંતિરંગથી રંગાઈ ગયાં હતાં. નિરુબહેને 1942ના આંદોલન સમયે ધંધુકા પાસેના ભીમનાથ પુલને દારુગોળાથી ઊડાવી દેવાનો કારસો ઘડયો હતો.”
‘આઝાદી આંદોલનની વિરાંગનાઓ’ પુસ્તિકામાં યશવંત મહેતા લખે છે એ પ્રમાણે “ભાવનગરની માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલમાં ભણતી આ કિશોરી ગફલતને કારણે કેદ પકડાઈ ગઈ અને આખો કાઠિયાવાડી સમાજ ચોંકી ઉઠ્યો. જે જમાનામાં સ્ત્રી માત્ર ગૃહિણી અને માતાની જ ભૂમિકા ભજવી શકતી, જે જમાનામાં લગભગ તમામ સ્ત્રીઓ નિરક્ષર હતી, તેમાં 14 વર્ષની એક છોકરી બૉમ્બ લઈને પુલ ઉડાડવા જાય, એ સમાચારે આખા ભાવનગર પંથકમાં ચર્ચા જગાવી હતી. એ દિવસથી ભાવનગરની પ્રજાના દિલમાં નિરૂબહેન માટે અનન્ય પ્રેમ અને લાગણી રોપાઈ ગઈ હતી જે અંત સુધી રહી હતી.”
અરુણ મહેતા કહે છે, “તેમણે અધૂરો અભ્યાસ પછી શરૂ કર્યો હતો અને બૉમ્બે ઍલ્ફિસ્ટન કૉલેજમાં ગુજરાતી સાથે સ્નાતક કર્યું હતું. ભાવનગર આવ્યા પછી નિરુબહેનની મુલાકાત ક્રાંતિકારી સરદાર પૃથ્વીસિંહ સાથે થઈ હતી અને તેઓ સામ્યવાદી રંગે રંગાયાં હતાં.”
નિરુબહેન ‘સૌરાષ્ટ્રનાં સિંહણ’ કેમ કહેવાયાં?

ઇમેજ સ્રોત, Arun Mehta
નિરુબહેનને ‘સૌરાષ્ટ્રનાં સિંહણ’નું બિરુદ મળવા પાછળ એક રોચક પ્રકરણ છે. ‘સૌરાષ્ટ્રની સિંહણ’ પુસ્તકમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે ખેડૂતોને નહેરોનું પાણી જોઈતું હોય તો બેટરમેન્ટ લૅવી નામનો વેરો ભરવો જોઈએ એવું ત્યારની સૌરાષ્ટ્ર સરકારે જાહેર કર્યું હતું. આ વર્ષ 1952 આસપાસની વાત છે.
મધ્ય સૌરાષ્ટ્રમાં નહેરોમાંથી પાણી ન મળતું હોય તેવા ખેડૂતોએ પણ વેરો ભરવાનો આવ્યો એટલે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. આ રોષે આંદોલનનો રંગ ધારણ કર્યો અને નિરૂબહેને લડતની આગેવાની લીધી.
જોતજોતામાં પાંચસો જેટલી બહેનો લડતમાં જોડાઈ. નિરુબહેનના માથે ગિરફતારીનું વૉરંટ લટકતું હતું. છતાં તેઓ નિર્ધારિત સમયે, નિર્ધારિત સ્થળે પ્રગટ થઈને અને ભાષણ કરતાં. પોલીસ ધરપકડ કરે એ પહેલા તો અદૃશ્ય થઈ જતાં.
પોલીસની ઊંઘ નિરુબહેને હરામ કરી નાખી હતી. પોલીસ આદોંલનકારીઓ પર ચાંપતી નજર રાખી રહી હતી. પણ કેમેય કરીને ફાવતી ન હતી. આની પાછળ નિરુબહેનની એક પ્રયુક્તિ પણ હતી.
અરુણ મહેતા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “નિરુબહેન ગામડે-ગામડે પુરુષનો વેશ બદલીને સભા કરવા માટે જતાં હતાં. જે ગામમાં રાતે સભા આયોજિત થવાની હોય એની જાણ છાપાંના માધ્યમથી નિરુબહેન કરી દેતાં હતાં એટલે એક રીતે જો તાકાત હોય તો સભાને રોકી લેવાનો ખુલ્લો પડકાર નિરુબહેન સરકાર-પોલીસ સામે ફેંકતાં હતાં. નિરુબહેનને પકડવા એ પોલીસ માટે વટ્ટનો સવાલ હતો. પોલીસ સભાસ્થળે આવી ચડે પણ નિરુબહેન ક્યાંય જોવા ન મળે અને આમ છતાં નિરુબહેન હાજર હોય.”
“રાતના સમયે લાઇટના અજવાળે સભા યોજાતી હતી. જેવી પોલીસના ભણકારા સંભળાય એટલે ખેડૂતો લાઇટ બંધ કરી દેતા અને નિરુબહેન બીજા ગામનાં ખેતરોમાં સભા ભરવા નીકળી જતાં હતાં. દોઢ-બે મહિના સુધી આંદોલન આવી રીતે ચાલ્યું હતું”
‘સૌરાષ્ટ્રની સિંહણ’ પુસ્તકમાં નોંધાયેલા એક કિસ્સા પ્રમાણે, “ડુમિયાણી પાસે નિરૂબહેનની ઘોડાગાડી પર પોલીસની લાઠીઓ પડી. કૂદીને ભાગેલાં નિરૂબહેનની પાછળ પોલીસે દોટ મૂકી પણ વોંકળો આવતા પોલીસની જીપ અટકી ગઈ. મોજ નદીમાં રબારીનો છોકરો ઘોડી ચારે. નિરૂબહેનને ઓળખી ગયો પળવારમાં એનું કેડીયું અને પાઘડી પહેરી તેઓ ઘોડી પર ચડી ગયાં. ઉઘાડા શરીરે રબારીનો છોકરો ઘોડીને દોરવા માંડ્યો. પોલીસે તેમને શોધે ત્યાં તો પોલીસની સામેથી ઘોડી પણ પસાર થઈ ગઈ.”
નિરુબહેનનાં આ પ્રકારનાં પરાક્રમોને કારણે જ સૌરાષ્ટ્રના ‘ચેત મછંદર’, ‘જય હિન્દ’, ‘ફૂલછાબ’ જેવાં અખબારોએ એમને ‘સૌરાષ્ટ્રનાં સિંહણ’નું બિરુદ આપ્યું હતું.
આ લડતમાં જીતનું અંતિમ સ્મિત નિરુબહેનનું હતું. લડત સફળ થઈ, સમાધાન થયું. બેટરમેન્ટ લૅવીનો અમલ મોકુફ રહ્યો. નિરૂબહેનની નેતાગીરીએ રંગ રાખ્યો હતો પણ એમની ધરપકડનું વૉરંટ તો હજું ઊભું જ હતું. પોલીસ એમને શોધતી હતી.
અરુણ મહેતા બીબીસી ગુજરાતીને જણાવે છે એ પ્રમાણે, “નિરુબહેને સામે ચાલીને ભરવાડ સ્ત્રીના વેશમાં ઉપલેટા સ્ટેશનથી ટ્રેનમાં બેસીને ભાવનગર પહોંચ્યાં હતાં અને પોલીસ સામે સમર્પણ કર્યું હતું. નિરુબહેન જાતે પોલીસ સામે હાજર થયાં હતાં એ સિવાય ક્યારેય પોલીસના હાથમાં પકડાયાં ન હતાં.”
સુબોધ મહેતા અને નિરુબહેન પટેલ

ઇમેજ સ્રોત, Arun Mehta
નિરૂબહેનનો સામ્યવાદી રંગ ભાવનગરમાં પૂરબહારમાં ખીલ્યો. અહીં એમને જીવનસાથી સુબોધ મહેતા મળ્યાં. નિરૂબહેનનો કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાવાનો પ્રસંગ પણ રસપ્રદ છે.
સૌરાષ્ટ્રની સિંહણ પુસ્તક અનુસાર એ સમયમાં ફૂલટાઇમ વર્કર તરીકે રેલ્વે યુનિયનનું કામ કરતા ભાવનગર આવેલા જાણીતા સામ્યવાદી સુબોધ મહેતા અને તેમના સાથીદારો રહેતા હતા. આ અંધારિયા ખંડને કમ્યુન નામ આપવામાં આવેલું હતું.
બટુક વોરા લખે છે, ”એક દિવસ અચાનક ટપાલી પત્ર આપી ગચો. સુંદર મરોડદાર અક્ષરમાં નિરૂબહેન પટેલે પોતે પક્ષમાં ઝંપલાવવાની વાત કરી હતી અને એક દિવસે થેલીમાં બે જોડ કપડાં સાથે તેમણે પક્ષની કચેરીનો દાદરો ચડ્યો.”
નિરુબહેન પટેલે સુબોધ મહેતા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.
અરુણ મહેતા બીબીસી ગુજરાતીને કહે છે, ”ભાવનગરમાં ભૂત બંગલા નામનું મકાન સૌ સામ્યવાદીઓનું નિવાસસ્થાન હતું ત્યાં વજુભાઈ શુક્લ, સુબોધ મહેતા, નિરુબહેન સહિતનાં સામ્યવાદીઓ કોમ્યુનમાં રહેતાં હતાં.”
અરુણ મહેતા જણાવે છે, “એ સમયે સામ્યવાદી પક્ષના મહામંત્રી એ. કે. ગોપાલન ભારત આવ્યા હતા. નિરુબહેન અને સુબોધ મહેતા બંને વચ્ચે પ્રેમની કૂંપળો ફૂટી હતી એની એ. કે. ગોપાલનને જાણ હતી એટલે એમણે જ મારાં માતા-પિતાને લગ્ન કરવા માટે પ્રેરણા આપી હતી.”
“સુબોધ મહેતા સાથે એમણે એક અગ્નિના પ્રતિકરૂપ પ્રકાશિત બલ્બની સામે રહીને લગ્ન કર્યાં હતાં.”
અરુણ મહેતા આગળ કહે છે, “સુબોધ મહેતા અને નિરુબહેને લગ્ન કર્યાં ત્યારે કોઈ મૂડી ન હતી. સંસાર માંડ્યો ત્યારે કબાટ-પલંગથી માંડીને વાસણોની વ્યવસ્થા સ્થાનિક કામદારોએ કરી હતી.”
તેઓ વધુમાં ઉમેરે છે કે, “મારાં માતા-પિતાના દાંપત્યજીવનમાં પણ કોઈ દિવસ ખટાશ આવી નથી કે વિસંવાદિતાની પરિસ્થિતિ સર્જાઈ નથી. કારણ કે બંનેમાં પરસ્પર સમજણ અને ક્રાંતિ લાવવાની ધૂન સવાર હતી. તેમણે પોતાનું જીવન દિનદુ:ખિયા માટે સમર્પિત કરી દીધું હતું. મારાં માતા-પિતા વચ્ચે હંમેશાં અંગત જીવનની નહીં પણ જાહેર જીવનની જ ચર્ચા થતી હતી.”
મહાગુજરાત આંદોલન અને સત્યાગ્રહી મહિલાઓ

ઇમેજ સ્રોત, Arun Mehta
મહાગુજરાત આંદોલનના મશાલચી ઇન્દુચાચા પર પણ સમાજવાદી વિચારધારાનો પ્રભાવ રહ્યો હતો. ગુજરાતના સામ્યવાદીઓની પણ આ આંદોલનમાં સક્રિય ભૂમિકા રહી હતી. સુબોધ મહેતા અને નિરુબહેન પટેલ પણ ઇન્દુલાલ યાજ્ઞિક સાથે નજીકથી જોડાયેલાં હતાં.
અરુણ મહેતા જણાવે છે એ પ્રમાણે, “મહાગુજરાત ચળવળ અંતર્ગત જેલભરો આંદોલન અમલી બનાવવામાં આવ્યું હતું. 1958માં પોલીસે જેલભરો કાર્યક્રમ નિષ્ફળ જાય એ માટે પોલીસે આકાશપાતાળ એક કરી નાખ્યું હતું પણ આમ છતાં મહિલાઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો”
નિરુબહેન પર લખાયેલી ‘અમોનેય સ્મરી લેજો…જરી પલ એક નાની’ પુસ્તિકા પ્રમાણે આ આંદોલનમાં નિરુબહેન પટેલની આગેવાની તળે 600 જેટલી સત્યાગ્રહી મહિલાઓએ ધરપકડ વહોરી હતી. હડતાળો, ઘેરાવ, સત્યાગ્રહને લઈને તેમને રાજ્યકક્ષાએ પણ ઓળખ મળી હતી.
1961માં દીવ-દમણ મુક્તિ સંગ્રામમાં પણ નિરુબહેન પટેલે ભાગ લીધો હતો અને આ દરમિયાન એમની ધરપકડ પણ થઈ હતી.
‘સૌરાષ્ટ્રની સિંહણ’ પુસ્તકમાં નોંધ છે એ પ્રમાણે, “પોર્ટુગીઝ હકૂમતમાંથી દીવને મુક્ત કરાવવાના આંદોલન વખતે નહેરૂ સરકાર દ્વારા આંદોલનને ટાળવા ટેકો આપવાને બદલે સત્યાગ્રહીઓ પર લાઠીચાર્જ કરવામાં આવેલો. વજુભાઈ શુકલ અને નિરૂબહેનની આગેવાની નીચે સરઘસ ચાલતું હતું. પોલીસે સરઘસ પર લાઠીચાર્જ કર્યો. સત્યાગ્રહીઓ ઘવાયા. એ દિવસે રાત્રે દીવની જાહેરસભામાં નિરુબહેને આગ ઝરતું ભાષણ કરેલું ને એના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. પંડિત નહેરૂએ લાઠીચાર્જ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને સત્યાગ્રહીઓના આદોલનને બિરદાવ્યું હતું.”
1965 આસપાસ ભાવનગર રેસિડેન્શિયલ યુનિવર્સિટી મુદ્દે આંદોલન થયું તેમાં પણ નિરુબહેને ભાગ લીધો. વર્ષ 1969-1970માં યુનિવર્સિટી આંદોલન ચરમસીમા પર હતું.
અરુણ મહેતા કહે છે, “જ્યારે હું સાતેક વર્ષનો હોઈશ ત્યારે યુનિવર્સિટી આંદોલનની શરૂઆત થઈ હતી. નિરુબહેનની ધરપકડ થઈ હતી અને તેમને સાબરમતી જેલમાં પૂરી દેવામાં આવ્યાં હતાં. મારી ઉંમર ત્યારે સાત વર્ષની હોવાના કારણે કાયદા મુજબ મને પણ સાથે રાખવો પડે. દોઢેક મહિના હું મારી માતા સાથે સાબરમતી જેલમાં રહ્યો હતો.”
ગુજરાતનાં અને ભાવનગરનાં પ્રથમ મહિલા મેયર

ઇમેજ સ્રોત, Arun Mehta
‘આઝાદી આંદોલનની વિરાંગનાઓ’ પુસ્તિકામાં યશવંત મહેતા લખે છે, ‘નીરૂબહેન બહુ સફળ નહીં એવા એક રાજકીય પક્ષ સાથે જોડાયાં છતાં પ્રજા એમને તો માનતી જ રહી અને એમને જ કારણે આ પક્ષને કેટલીક સફળતા પણ મળતી રહી. 1952થી સતત ભાવનગર મ્યુનિસિપાલિટીમાં તેઓ ચૂંટાયાં અને પ્રમુખ બન્યાં. 1968માં ભાવનગર મ્યુનિસિપાલિટીના તેઓ પ્રથમ મહિલા મેયર બન્યાં. ગુજરાતનાં પ્રથમ મહિલા મેયરની સિદ્ધી પણ તેમનાં નામે બોલે છે.’
અરુણ મહેતા એમનાં માતા નિરુબહેનના મેયર બનવા અંગે જણાવે છે, “1968માં સીપીઆઈ(એમ) અને સંયુક્ત સમાજવાદી પાર્ટી, પ્રજા સમાજવાદી પાર્ટી ત્રણેય પાર્ટીએ ભેગા મળીને ચૂંટણી લડી હતી. સીપીઆઈ(એમ) એ 12 બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તમામ બેઠકો પર જીત મેળવી હતી. ગુજરાતમાં પહેલીવાર સામ્યવાદી પક્ષે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ખાતું ખોલાવ્યું હતું. નિરુબહેનની મહત્ત્વની ભૂમિકા હોવાથી તેમની સર્વાનુમતે નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. એ વખતે મહિલા અનામત પણ ન હતું. ”
અરુણ મહેતા નિરૂબહેનની કામગીરી અંગે કહે છે, ”ભાવનગરમાં સૌથી પહેલા એમણે ડબ્બા શૌચાલયોને એક વર્ષમાં દૂર કરાવ્યાં. શૌચાલય બનાવનારાને નગરપાલિકાએ ખર્ચ પૂરો પાડ્યો હતો. રૂપમ ટૉકીઝ પાસે બસ સ્ટેન્ડ હતું જે શિફ્ટ કરીને ગંગાજળિયા તળાવ પાસે લાવવામાં આવ્યું. અને એ સમયે 16 નવી બસ અને બે ડબલ-ડેકર બસો વસાવવામાં આવી. આઠસો જેટલાં સ્લમ-કવાર્ટર બનાવવામાં આવ્યાં જે આજે પણ હયાત છે. કુપોષિત બાળકો માટે દુધ અને બ્રૅડની યોજના શરૂ કરી તો પૂરગ્રસ્તો માટે મકાનો બનાવ્યાં. પ્રૌઢ શિક્ષણ માટે પણ એમણે સક્રિયતા દાખવી હતી આ બદલ એમને માધુરી શાહ ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. મહિલાની રોજગારી માટેના પણ પગલાં ભર્યાં હતાં. 1974માં રેલ્વે હડતાળ સમયે નિરુબહેનની ભારત સરકારે મિસા હેઠળ ધરપકડ કરી હતી અને એમને દોઢ માસ સુધી જેલમાં રાખવામાં આવ્યાં હતાં.”
‘મોતને પણ હાથતાળી આપી’

ઇમેજ સ્રોત, Arun Mehta
‘સૌરાષ્ટ્રની સિંહણ’ પુસ્તકમાં આ પ્રસંગ નોંધાયો છે જેમાં નિરુબહેન માંડમાંડ બચ્યાં હતાં. ફિનલૅન્ડના પાટનગર હેલસિન્કીમાં વિશ્વશાંતિ પરિષદ મળેલી. ભારતમાંથી દોઢસો પ્રતિનિધિઓ પસંદ થયેલા જેમાં નિરૂબહેન પણ ગયેલાં. એમને વિદાય આપવા રેલવે પર માનવ મહેરામણ| હતો. કોઇ વરઘોડો જતો હોય એમ ટ્રેન આખી ફૂલોથી લદાઈ ગઈ.
હેલસિન્કીમાં નિરૂબહેનનું ભાષણ ‘ભારતીય સમાજમાં સ્ત્રીનું સ્થાન’ ખૂબ વખણાયું. પછી એ યુરોપના પ્રવાસે મોટરકારમાં નીકળ્યાં. બૅલ્જિયમમાં એમની પૂરપાટ જતી ગાડી એક વૃક્ષ સાથે અથડાઈ અને મોટરના ચૂરેચૂરા થઈ ગયા હતા. નિરુબહેનને હાડકામાં સખત ઈજા પહોંચી હતી.
પુસ્તકમાં લખાયું છે એ પ્રમાણે, “તેમની સારવાર કરનાર ડૉકટરોએ સ્વીકાર્યું કે આવી પારાવાર વેદના વચ્ચે પહાડ જેવી સહનશીલતા ધરાવતો કોઈ દર્દી અમે જોયો નથી.”
તારીખ 5 મે, 1994ના રોજ નિરુબહેને બિમારી બાદ આ દુનિયાને અલવિદા કહ્યું. એમની સ્મશાનયાત્રામાં ભાવનગર પંથકનો લોકસમુદાય ઉમટી પડ્યો હતો.
શહેર આખું શોકમાં હતું. એમની સ્મશાનયાત્રામાં વિશાળ જનમેદની પોકારો કરતી હતી:
“નિરુબહેન કે અરમાનો કો મંઝિલ તક પહોંચાયેંગે”
“ગલી ગલી મેં નારે હૈં, નિરુબહેન હમારે હૈં”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS