Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Nitesh Raut
- લેેખક, નીતેશ રાઉત
- પદ, બીબીસી મરાઠી માટે
-
23 મે 2025, 17:56 IST
અપડેટેડ 2 કલાક પહેલા
મહારાષ્ટ્રના યવતમાલ શહેર નજીકના જંગલમાંથી 15 મેના રોજ એક સળગેલો મૃતદેહ મળ્યો હરતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા મૃતકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે.
હત્યાની ચોંકાવનારી વિગત હવે બહાર આવી રહી છે.
સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે કામ કરતાં પત્નીએ બે વિદ્યાર્થીની મદદથી તેમના પતિને ઝેર આપ્યું હતું અને પતિના મૃતદેહને જંગલમાં લઈ જઈને સળગાવી દીધો હતો.
પોલીસે આપેલી માહિતી મુજબ, એ મૃતદેહ શાંતનુ દેશમુખ નામના 32 વર્ષના પુરુષનો હતો. તેમનાં આરોપી પત્નીનું નામ નિધિ દેશમુખ છે.
શાંતનુ દેશમુખ 13 મેથી ગુમ થયા હતા. નિધિ દેશમુખે ફળોના શેઇકમાં ઝેર ભેળવીને શાંતનુની હત્યા કરી હતી અને બે વિદ્યાર્થીની મદદથી તેમના મૃતદેહને સળગાવી નાખ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, નિધિ દેશમુખ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે.
શાંતનુના મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરનાર બે સગીર આરોપીને પણ પોલીસે તાબામાં લીધા છે.
આ કેસ ખરેખર શું છે? ખરેખર શું બન્યું હતું? પોલીસ તપાસમાં બીજું શું બહાર આવ્યું છે?
પતિ અને પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હતા

ઇમેજ સ્રોત, Nitesh Raut
શાંતનુ અને નિધિએ એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં. શાંતનુનાં માતાપિતા આ લગ્નની વિરુદ્ધ હતાં. શાંતનુ પહેલાંથી જ વ્યસની હતા. પરિવાર તેમના વ્યસનથી પરેશાન હતો. તેથી માતાપિતાએ શાંતનુને અલગ રહેવા જણાવ્યું હતું.
શાંતનુ અને નિધિ તેમનાં માતાપિતાથી અલગ સુયોહનગરમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. બંને એક જ શાળામાં શિક્ષક તરીકે કામ કરતાં હતાં.
યવતમાલની સનરાઇઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શાંતનુ શિક્ષક તરીકે કામ કરતા હતા, ત્યારે તેમનાં પત્ની નિધિ એ જ સ્કૂલમાં આચાર્યા તરીકે કામ કરતાં હતાં.
લગ્નના થોડા મહિનામાં જ શાંતનુએ કથિત રીતે નિધિને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે દારૂના કારણે ઝઘડા થતા હતા.
શાંતનુ દારૂ માટે નિધિ પાસે વારંવાર પૈસા માગતા હતા અને નિધિ પૈસા ન આપે તો તેમને માર મારતા હતા.
શાંતનુએ તેમના મોબાઇલમાં નિધિના કેટલાક અશ્લીલ ફોટા રાખ્યા હતા. જો નિધિ દારૂ માટે પૈસા ન આપે, તો શાંતનુ તે અશ્વીલ ફોટા વાઇરલ કરવાની ધમકી આપતા હોવાનો આરોપ છે.
આ હેરાનગતિથી કંટાળીને નિધિએ શાંતનુનો કાંટો કાઢી નાખવાનું આત્યંતિક પગલું ભર્યું હતું.
પત્નીએ વિદ્યાર્થીની મદદથી પતિની હત્યાનું કાવતરું ઘડ્યું

ઇમેજ સ્રોત, Getty Images
શાંતનુની હત્યા માટે નિધિએ ગૂગલ પરથી ઝેર કેવી રીતે તૈયાર કરવું તેની માહિતી મેળવી હતી. એ પછી તેમણે મહાદેવ મંદિર વિસ્તારમાંથી ફળો અને ફૂલો ખરીદ્યાં હતાં.
ફળો અને ફૂલોનો શેઇક બનાવ્યો હતો તથા શેઇકમાં પેરાસિટામોલની લગભગ 15 ગોળીઓ ઉમેરી હતી.
નિધિએ ઝેરી ફૂલો વિશેની માહિતી ઇન્ટરનેટ પરથી મેળવી હતી અને એ મુજબ વધુમાં વધુ ફૂલો નાખીને શેઇક તૈયાર કર્યો હતો.
દારૂના નશામાં ચકચૂર પતિને તેમણે શેઇક આપ્યો હતો. મંગળવાર, 13 મેના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ શાંતનુનું મોત થયું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નિધિએ ટ્યુશન માટે આવતા બે વિદ્યાર્થીને પોતાની કરમકહાણી જણાવીને મદદ માટે તૈયાર કર્યા હતા.
મૃતદેહના નિકાલ માટે નિધિએ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓ મૃતદેહને કારમાં નાખીને જંગલમાં ફેંકી આવ્યા હતા. જોકે, બીજા દિવસે પોલીસના ડરથી ત્રણેયે મૃતદેહ પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી નાખ્યો હતો.
એ પછી નિધિએ શાંતનુ ગુમ હોવાની કહાણી ઘડી કાઢી હતી. શાંતનું ગુમ થઈ ગયા છે એવું દેખાડવા માટે નિધિએ ફોન પર પૂછપરછનો ડોળ કર્યો હતો.
મોબાઇલ ચાલુ રાખીને શાંતનુ જીવંત હોય એવું દેખાડવાનો કારસો ઘડ્યો હતો. શાંતનુના ફોન પર નિધિ ફોન કરતાં હતાં અને જાતે જ તે ફોન પર રિપ્લાય પણ કરતાં હતાં.
પોલીસને શંકા ન જાય એટલા માટે નિધિએ શાંતનુના મોબાઇલ પરથી એવો મૅસેજ મોકલ્યો હતો કે “હું અહીં જ છું. થોડી વારમાં આવું છું.”
પુરાવાનો નાશ કરવાના તમામ પ્રયાસ નિધિએ કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, પોલીસને ચોક્કસ સંકેતો મળી ગયા હતા. બિનવારસી મૃતદેહ મળ્યો હોવાની ફરિયાદ લોહારા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી.
શાંતનું ગુમ થયાની કોઈ ફરિયાદ પોલીસમાં નોંધાઈ ન હતી. તેથી હત્યાની તપાસમાં પોલીસે મોટા પડકારનો સામનો કરવો પડ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસને મહત્ત્વના સંકેતો મળ્યા. બિયર બારમાં શાંતનુ તેમના મિત્ર સાથે હતા એવી માહિતીએ પોલીસ તપાસની દિશા બદલી નાખી હતી.
પોલીસે શકંમદ મિત્રને પૂછપરછ કરી હતી. પોલીસને 13 મેના રોજ મિત્રના મોબાઇલમાં ક્લિક કરેલો શાંતનુનો એક ફોટો મળી આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના સહાયક પોલીસ નિરીક્ષક સંતોષ મનવરે કહ્યુ હતું, “મૃતદેહની ઓળખ કર્યા પછી અમે તપાસ શરૂ કરી હતી. મિત્રના મોબાઇલ ફોનમાંના ફોટામાં શાંતનુએ જે રંગનું શર્ટ પહેર્યું હતું એવું જ શર્ટ શાંતનુના બળી ગયેલા મૃતદેહ પર પણ હતું.”
“અમે વધુ વિગત મેળવવા શાંતનુની પત્નીની પૂછપરછ કરી હતી. અમને તેમની પાસેથી સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. તપાસ પછી અમે નિધિ દેશમુખની ધરપકડ કરી હતી. નિધિએ ગુનો કબૂલ્યો હતો અને દારૂડિયા પતિથી છુટકારો મેળવવા તેની હત્યા કરી હોવાની કબૂલાત નિધિએ કરી હતી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS