Source : BBC NEWS

પહલગામમાં થયેલા ચરમપંથી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર યતિષભાઈ સુધીરભાઈ પરમાર અને સ્મિત યતિષભાઈ પરમારનું મૃત્યુ થયું છે.પહલગામ ચરમપંથી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત
અમેરિકા, પહલગામ, ઉગ્રવાદી હુમલો, બંદૂકધારી, ગુજરાતી, ઘાયલ, મૃત્યુ, ગુજરાત સમાચાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, જમ્મુ-કાશ્મીર, પ્રવાસી, ગુજરાતી પર્યટક, ગુજરાતીમાં સમાચાર, બીબીસી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ALPESH DABHI

23 એપ્રિલ 2025

જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં થયેલા ચરમપંથી હુમલામાં બે ભાવનગરના પ્રવાસીઓ અને એક મૂળ સુરતના પરંતુ મુંબઈ ખાતે સ્થાયી થયેલા એક પ્રવાસી એમ કુલ મળીને ત્રણ ગુજરાતીઓનાં મૃત્યુ થયાં છે.

ભાવનગર ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભીએ જણાવ્યું હતું કે “ભાવનગરના કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે આ મોતની ખબરની પુષ્ટિ કરી છે. ભાવનગર ખાતેથી જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે ફરવા ગયેલા એક ગ્રૂપમાં બે લોકો વિશેની કોઈ ભાળ મળતી નહોતી. હવે એ સમાચારની પુષ્ટી થઈ છે કે આ બંને પિતા-પુત્રનું આ ચરમપંથી હુમલામાં મૃત્યુ થયું છે.”

બંને ભાવનગરના રહેવાસી છે અને પિતા-પુત્ર છે. તેમનાં નામ યતિષભાઈ સુધીરભાઈ પરમાર અને સ્મિત યતિષભાઈ પરમાર છે. આ જ ગ્રૂપમાંથી ભાગવનગરના ભરતનગર ખાતે રહેતા વીનુભાઈ ડાભી આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા. તેઓ હાલ સારવાર હેઠળ છે અને સુરક્ષિત છે.

મૃતક યતિષ પરમારના સાળા નિખીલ નાથાણી આ હુમલો કેવી રીતે થયો તે વિશે જણાવતા કહે છે, “20 જણા મોરારિબાપુની કથા સાંભળવા ગયા હતા. મારાં માતા-પિતા, યતિષભાઈ અને સ્મિત પણ ત્યાં શ્રીનગર ગયાં હતાં. યતિષભાઈ મારા બનેવી થાય છે અને સ્મિત મારો ભાણિયો. પહલગામમાં થયેલા હુમલામાં બંનેને ગોળી વાગી હતી. મારો ભત્રીજો પણ સાથે હતો અને તેણે આ બધું નજરે જોયું હતું. મારા ભત્રીજાનો ફોન આવ્યો હતો રાત્રે અને તેણે મને કહ્યું કે સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી છે, બહુ લોહી નીકળે છે. આતંકવાદીઓએ હુમલો કર્યો છે. કેટલાય માણસો પર ગોળીબાર કર્યો છે.”

યતિષભાઈ પરમાર ભાવનગર ખાતે આવેલી કાળિયાબીડ નંદનવન સોસાયટીની શેરી નંબર 7માં રહે છે. તેઓ તેમનાં પત્ની અને પુત્ર તથા અન્ય સંબંધીઓ સાથે મળીને શ્રીનગરમાં ચાલતી મોરારિબાપુની કથામાં ભાગ લેવા માટે 16મી એપ્રિલના રોજ સુરેન્દ્રનગરથી જમ્મુ તાવી ઍક્સપ્રેસમાં ગયા હતા. અચાનક તેમનાં મૃત્યુના સમાચાર મળતા તેમના પરિવારજનોમાં શોકનું વાતાવરણ છે.

હવે તેમના મૃતદેહોને ભાવનગર લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મૃતક યતિષભાઈ પરમારના અન્ય એક સંબંધી પ્રકાશ નાથાણી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં રડતાં રડતાં કહે છે, “તેઓ 16 એપ્રિલના રોજ મોરારીબાપુની કથામાં ગયા હતા. ગઈ રાત સુધી તેમના વિશે માહિતી નહોતી પણ આજે સવારે ફોન આવ્યો કે અમારા બનેવી અને ભાણેજ આ દુનિયામાં નથી રહ્યા. અમારા પરિવાર દુ:ખમાં ગરકાવ થઈ ગયો છે.”

પહલગામ ચરમપંથી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત
અમેરિકા, પહલગામ, ઉગ્રવાદી હુમલો, બંદૂકધારી, ગુજરાતી, ઘાયલ, મૃત્યુ, ગુજરાત સમાચાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, જમ્મુ-કાશ્મીર, પ્રવાસી, ગુજરાતી પર્યટક, ગુજરાતીમાં સમાચાર, બીબીસી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, RUPESH SONVANE

સમાચાર સંસ્થા એએનઆઈએ સુરતના ડેપ્યુટી મામલતદાર સાજીદ મેરુજયના હવાલે સમાચાર આપ્યા છે કે સુરતના એક પ્રવાસીનું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલામાં મોત થયું છે. આ પ્રવાસીનું નામ શૈલેષભાઈ હિંમતભાઈ કળઠિયા હતું. તેમની ઉંમર 44 વર્ષની હતી.

ડેપ્યુટી મામલતદાર સાજીદ મેરુજયે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, “આ જે આતંકવાદી હુમલો થયો છે જમ્મુ-કાશ્મીરમાં, તેમાં શૈલેષભાઈ કળઠિયાનું દુ:ખદ અવસાન થયું છે. તેમના પિતરાઈ મયૂરભાઈ તેમણે અમારો સંપર્ક સાધ્યો હતો. તેઓ મોટા વરાછા ખાતે રહે છે. તેમના તરફથી અમને સૂચના મળી હતી. તેમના વિશે જાણકારી માટે અમે ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશનમાં અને જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં સંપર્ક કર્યો. ત્યાંથી અમને આ સમાચારની પુષ્ટિ મળી છે. તેમની સાથે તેમની પત્ની શિતલબહેન, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ પણ સાથે હતાં. પરંતુ તેઓ હાલ સુરક્ષિત છે. તેમને કોઈ ઇજા થઈ નથી. તેઓ હાલ જિલ્લાના મુખ્યાલયમાં છે.”

સાજીદે કહ્યું કે હાલ શૈલેષભાઈના પિતરાઈ મયૂરભાઈ જમ્મુ-કાશ્મીરમાં આ પીડિત પરિવારને મદદ કરવા માટે જઈ રહ્યા છે. તેમને જે પ્રકારની સહાયતા જોઈએ તે સરકાર પૂરી પાડવામાં આવશે.

તેમના પાડોશીએ શું કહ્યું?

પહલગામ ચરમપંથી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત
અમેરિકા, પહલગામ, ઉગ્રવાદી હુમલો, બંદૂકધારી, ગુજરાતી, ઘાયલ, મૃત્યુ, ગુજરાત સમાચાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, જમ્મુ-કાશ્મીર, પ્રવાસી, ગુજરાતી પર્યટક, ગુજરાતીમાં સમાચાર, બીબીસી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, RUPESH SONVANE

સુરત ખાતે અમારા સહયોગી રૂપેશ સોનવણેએ જણાવ્યું છે, “શૈલેષભાઈનો પરિવાર મોટા વરાછા ખાતે ચીકુવાડી વિસ્તારમાં રહેતો હતો. તેઓ મૂળ સુરતના હતા પરંતુ મુંબઈ ખાતે સ્થાયી થયા હતા. તેઓ બૅન્ક ઑફ ઇન્ડિયામાં કામ કરતા હતા.”

“ચાર વર્ષ પહેલાં તેમનો પરિવાર સુરત ખાતે જ રહેતો હતો. પરંતુ ત્યાર પછી તેઓ મુંબઈ ખાતે સ્થાયી થઈ ગયા.”

શૈલેષભાઈના પાડોશી રમેશભાઈ ઢાકેચાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, “તેઓ મારા પાડોશી થાય, તેઓ મુંબઈમાં નોકરી કરતા હતા, તેઓ ફરવા ગયા હતા અને આતંકવાદી હુમલામાં તેમને ગોળી વાગી અને તેમનું મૃત્યુ થયું છે. હાલ તો આ પરિવાર મુંબઈ રહે છે અને તેમનું મકાન ભાડે આપેલું છે.”

“શૈલેષભાઈનાં માતાનું બે વર્ષ પહેલાં જ અવસાન થઈ ચૂક્યું છે અને તેમના પિતા હિંમતભાઈ અમરેલી જિલ્લાના કુંપણિયા ગામમાં રહે છે.”

પહેલગામમાં શું થયું હતું?

પહલગામ ચરમપંથી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત
અમેરિકા, પહલગામ, ઉગ્રવાદી હુમલો, બંદૂકધારી, ગુજરાતી, ઘાયલ, મૃત્યુ, ગુજરાત સમાચાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, જમ્મુ-કાશ્મીર, પ્રવાસી, ગુજરાતી પર્યટક, ગુજરાતીમાં સમાચાર, બીબીસી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મુસાફરો પર હુમલો થયો છે. પહલગામના બેસરન વિસ્તારમાં થયેલા આ હુમલામાં તંત્રે બીબીસીને જણાવ્યા મુજબ 26 લોકોનાં મૃત્યુ થયાં છે.

નોંધનીય છે કે આ હુમલામાં ભાવનગરના એક મુસાફર વિનુ ડાભી સહિત અન્ય કેટલાક લોકો પણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

પહલગામને તેની સુંદરતાને કારણે મિની સ્વિટ્ઝરલૅન્ડ પણ કહેવામાં આવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને પહલગામમાં થયેલા ‘આતંકવાદી હુમલા’ને વખોડતાં તેમાં મૃત્યુ પામનારાના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

પહલગામ હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક તંત્ર દ્વારા ઇમર્જન્સી કંટ્રોલ રૂમના નંબર અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે.

ઇમર્જન્સી કંટ્રોલ રૂમ – શ્રીનગર : 0194-2457543, 0194-2483651

આદિલ ફરીદ, એડીસી, શ્રીનગર : 7006058623

મંગળવારે થયેલા આ હુમલા બાદ તરત સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. ઘટનાસ્થળે મેડિકલ ટીમ પણ પહોંચી ગઈ છે.

બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર પ્રમાણે કેટલાક ઈજાગ્રસ્તોને અનંતનાગની સરકારી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરનાં સ્વાસ્થ્યમંત્રી સકીના ઇટૂએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અનંતનાગ મેડિકલ કૉલેજમાં કેટલાક ઈજાગ્રસ્તોને દાખલ કરાયા છે. ત્રણ લોકોની સ્થિતિ હાલ ઠીક છે. જ્યારે એકની હાલત ગંભીર છે. તેમણે વધુ ત્રણ ઈજાગ્રસ્તો અંગે જાણકારી આપી અને કહ્યું કે તે પૈકી એકને શ્રીનગરમાં દાખલ કરાયા છે.

હુમલામાં ઈજાગ્રસ્ત ગુજરાતીએ શું કહ્યું?

પહલગામ ફરવા ગયેલા વિનુભાઈ ડાભીને હાથે ગોળી સ્પર્શીને નીકળી ગઈ હતી, જે બાદ તેમને સારવાર હેઠળ ખસેડાયા છે પહલગામ ચરમપંથી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત
અમેરિકા, પહલગામ, ઉગ્રવાદી હુમલો, બંદૂકધારી, ગુજરાતી, ઘાયલ, મૃત્યુ, ગુજરાત સમાચાર, નરેન્દ્ર મોદી, અમિત શાહ, જમ્મુ-કાશ્મીર, પ્રવાસી, ગુજરાતી પર્યટક, ગુજરાતીમાં સમાચાર, બીબીસી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભાવનગરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે આ મામલે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું : “હાલ મળી રહેલી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના પહલગામ જિલ્લામાં એક હુમલો થયો છે. જેમાં ભાવનગરની વિનુભાઈ ડાભી નામની વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થઈ છે. આ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી અમે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (એસઇઓસી)માંથી મેળવી રહ્યા છીએ.”

તેમણે કહ્યું હતું કે, “ભાવનગર ડિસ્ટ્રિક્ટની ડિઝાસ્ટર ટીમ રાજ્યના એસઈઓસી સાથે સંપર્કમાં છે અને આગળ ગુજરાતનું એસઈઓસી જમ્મુ-કાશ્મીરના એસઇઓસી સાથે સંપર્કમાં છે.”

પહલગામ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ભાવનગરના વિનુ ડાભીએ બીબીસી હિન્દી સાથે વાત કરતા કહ્યું કે, “મારું નામ વિનુભાઈ છે, હું ગુજરાતના ભાવનગરથી છું.”

“અમે ત્યાં બેઠા હતા. અમે ઉપર 35 રૂ.ની ટિકિટ લઈને ગયેલા. અમે પાંચ-દસ મિનિટ બેઠા એટલામાં તો ફાયરિંગ શરૂ થઈ ગઈ. ત્યાં માત્ર ટુરિસ્ટ જ બેઠા હતા.”

“એ બાદ નાસભાગ મચી ગઈ. બધા ભાગવા માંડ્યા. કોઈ આ તરફ, તો કોઈ પેલી તરફ. કોઈ પડી ગયું, કોઈનું હાથ ભાંગી ગયો તો કોઈનો પગ. કોઈને ઈજા થઈ ગઈ. મને આ વાગી ગયું. અહીં મને ગોળી વાગી છે.”

“મને ભાગતાં ભાગતાં ગોળી વાગી. ત્યાં ઘણા લોકો હતા. ત્યાં 200-250 લોકો હતા. અમારા ગ્રૂપના 20 લોકો ત્યાં હતા.”

“ફાયરિંગ થયા બાદ અમે બધા અલગ અલગ પડી ગયા. કોઈ હાથમાં ન આવ્યું. ક્યાં ગયા ક્યાં નહીં, ખબર નથી. મારી સાથેના બીજા લોકો ક્યાં છે એ મને નથી ખબર. મેં કોઈનો ફોન મારફતે સંપર્ક નથી કર્યો. અહીં હું એકલો છું.”

“ત્યાં બધા અલગ અલગ પડી ગયા, ત્યાં પરિવાર પણ અલગ પડી ગયો, ક્યાં ગયા ક્યાં નહીં, ખબર નથી.”

“દસ-15 મિનિટ સુધી ફાયરિંગ થતી રહી. પહેલાં એક ગોળી ચાલી, પછી બીજી, ત્રીજી એ બાદ ભારે ફાયરિંગ થવા લાગી. પછી નાસભાગ મચી ગઈ. મને હાથ પર ગોળી વાગી છે.”

ભાવનગરથી જે ગ્રૂપ જમ્મુ-કાશ્મીર ફરવા ગયું હતું તે પૈકી બે વ્યક્તિનું પહલગામ ચરમપંથી હુમલામાં મોત થયું છે જ્યારે કે એકને ઈજા થઈ છે.

ઇમેજ સ્રોત, ALPESH DABHI

ભાવનગરથી બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભીએ જણાવ્યું કે ભાવનગર અને પાલીતાણાથી આશરે 20 લોકો પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે ભાવનગરથી સુરેન્દ્રનગર અને ત્યાંથી ટ્રેનથી 16 એપ્રિલે મોરારીબાપુની કથા સાંભળવા જમ્મુ કાશ્મીર ગયા હતા અને 29 એપ્રિલના દિવસે પાછા આવવાના હતા.

ભાવનગરના વિનુભાઈ ડાભીના ઈજાગ્રસ્ત થવાની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી અનુસાર વિનુભાઈ ડાભીને હાથના ભાગે ઈજા પહોંચતા સારવારમાં હૉસ્પિટલ ખસેડાયા હતા.

જે લોકો ભાવનગરથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા તેમાંથી બે લોકો – સ્મિત યતિષભાઈ પરમાર અને યતિષભાઈ પરમારના સમાચાર આ લખાય છે ત્યાં સુધી સ્થાનિકોને મળ્યા નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS