Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
પહલગામમાં થયેલો ચરમપંથી હુમલો એ 2019 પછી જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઘાતકી હુમલો છે, જેમાં 26 લોકો માર્યા ગયા છે.
મરનારા લોકોમાં સૈનિકો કે અધિકારીઓ ન હતા, પરંતુ પર્યટકો હતા જેઓ ભારતના સૌથી સુંદર સ્થળે ફરવા આવ્યા હતા.
તેના કારણે આ હુમલો ક્રૂર અને પ્રતીકાત્મક બંને છે. આ માત્ર લોકોનો જીવ લેવા માટે કરવામાં આવેલી વિચારપૂર્વકની કાર્યવાહી નથી. પરંતુ સ્થિતિ સામાન્ય હોવાના દાવા પરનો હુમલો છે. ભારત સરકાર સ્થિતિ સામાન્ય હોવાનો સંદેશ આપવા મહેનત કરે છે ત્યારે આ હુમલો થયો છે.
જમ્મુ અને કાશ્મીરના જટિલ ઇતિહાસને જોતાં ઍક્સપર્ટ કહે છે કે ભારતની પ્રતિક્રિયા દબાણની સાથે સાથે અગાઉના ઉદાહરણોથી પણ નક્કી થશે.
ભારત અને પાકિસ્તાન સમગ્ર કાશ્મીર પર દાવો કરે છે. જોકે, તેના અલગ અલગ હિસ્સા પર બંનેનું શાસન છે.
હુમલા પછી ભારતે કેટલાંક જવાબી પગલાં લીધાં છે. જેમ કે અટારી પર મુખ્ય બૉર્ડર ક્રૉસિંગ બંધ કરવું, પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ અટકાવી દેવી અને કેટલાક રાજદ્વારી અધિકારીઓની હકાલપટ્ટી જેવાં પગલાં સામેલ છે.
આ ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે વચન આપ્યું છે કે માત્ર હુમલાખોરો પર નહીં, પરંતુ ભારતીય ધરતી પર આ ‘નાપાક કૃત્ય’ પાછળના માસ્ટરમાઇન્ડ સામે પણ કાર્યવાહી થશે.
ભારત કેવી કાર્યવાહી કરી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતો કહે છે કે સૈન્ય કાર્યવાહી થશે કે નહીં તે સવાલ નથી. પરંતુ સવાલ એ છે કે આ કાર્યવાહીને ક્યારે અને કઈ કિંમતે અંજામ આપવામાં આવશે.
સૈન્ય ઇતિહાસકાર શ્રીનાથ રાઘવને બીબીસીને જણાવ્યું કે, “આપણને આકરી કાર્યવાહી જોવા મળી શકે છે જે સ્થાનિક જનતા અને પાકિસ્તાનના લોકો માટે સંદેશ હશે. વર્ષ 2016થી અને ખાસ કરીને 2019 પછી જવાબી કાર્યવાહી તરીકે સીમાપાર સૈન્ય અભિયાન અથવા હવાઈ હુમલાનો રસ્તો અપનાવવામાં આવ્યો છે.”
તેમણે કહ્યું કે, “હવે સરકાર માટે તેનાથી ઓછી કાર્યવાહી કરવી મુશ્કેલ રહેશે. અને પાકિસ્તાન તેનો જવાબ આપશે, જે રીતે અગાઉ પણ કર્યું છે. બંને તરફથી ખોટા અંદાજનો ખતરો રહેવાનો છે.”
રાઘવનનો ઇશારો 2016 અને 2019માં ભારત તરફથી કરવામાં આવેલી જવાબી કાર્યવાહી તરફ છે.
સપ્ટેમ્બર 2016માં જમ્મુ-કાશ્મીરમાં ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક થયેલા હુમલામાં 19 ભારતીય સૈનિકોના મોત થયા હતા.
ત્યાર બાદ ભારતે એલઓસી પાર સર્જિકલ સ્ટ્ર્રાઇક કરી હતી અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચરમપંથીઓના ઠેકાણાને નિશાન બનાવ્યાનો દાવો કર્યો હતો.
વર્ષ 2019માં પુલવામા હુમલો થયો હતો જેમાં અર્ધલશ્કરી દળોના 40 જવાનો માર્યા ગયા હતા. ત્યાર બાદ ભારતે બાલાકોટમાં કથિત ચરમપંથી કૅમ્પો પર હવાઈ હુમલા કર્યા હતા.
1971 પછી પહેલી વાર ભારતે પાકિસ્તાનની અંદર હુમલો કર્યો હતો.
પાકિસ્તાને પણ તેનો જવાબ આપ્યો અને ફાઇટર વિમાનોના સંઘર્ષ દરમિયાન એક ભારતીય પાઇલટને બંધક બનાવ્યા હતા.
બંને તરફથી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ સંપૂર્ણ યુદ્ધ ટાળવામાં આવ્યું હતું.
ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ખતરો

ઇમેજ સ્રોત, Getty Images
બે વર્ષ પછી 2021માં બંને દેશો વચ્ચે એલઓસી સીઝફાયર પર સહમતી બની હતી. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં વારંવાર ચરમપંથી હુમલા છતાં આ સમજૂતી જળવાઈ રહી.
વિદેશનીતિના વિશ્લેષક માઇકલ કુગલમૅનનું માનવું છે કે તાજેતરના હુમલામાં મોટી જાનહાનિ અને ભારતીય નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા તેના કારણે એવી શક્યતા વધી ગઈ છે કે ભારતને આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા મળી જશે તો પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેના આકરી કાર્યવાહી કરી શકે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે, “ભારત માટે આ પ્રકારની કોઈ પણ પ્રતિક્રિયાનો મુખ્ય ફાયદો રાજનૈતિક હશે કારણ કે તેના પર આકરામાં આકરી કાર્યવાહી કરવાનું દબાણ રહેશે.”
કુગલમૅન કહે છે, “બીજો એક લાભ એ છે કે જવાબી કાર્યવાહીમાં ચરમપંથી ઠેકાણાને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવશે તો તેની ડિટરન્સ ક્ષમતા વધશે અને ભારત વિરોધી જોખમ ઓછું થશે. તેનું એક નુકસાન એ છે કે જવાબી કાર્યવાહીથી સંકટ ગંભીર બની શકે છે અને સંઘર્ષ ફેલાવાનો ખતરો રહે છે.”
ભારત પાસે કયા વિકલ્પો છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની અલ્બેની યુનિવર્સિટીના ક્રિસ્ટોફર ક્લેરી કહે છે કે ગુપ્ત કાર્યવાહીનું એક પાસું એ છે કે તેને નકારી શકાય છે. પરંતુ તેનાથી પગલાં લેતા દેખાવાની રાજકીય જરૂરિયાત સંતોષાતી નથી.
તેમના કહેવા પ્રમાણે ભારત પાસે બે રસ્તા બચે છે.
પ્રથમ, 2021નું એલઓસી યુદ્ધવિરામ નબળું પડી રહ્યું છે, તેથી ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્રોસ બૉર્ડર ગોળીબાર માટે લીલી ઝંડી આપી શકે છે.
બીજું, 2019ની જેમ હવાઈ હુમલો કરવાનો અથવા પરંપરાગત ક્રૂઝ મિસાઇલ હુમલાનો વિકલ્પ પણ છે, જેમાં બદલાની કાર્યવાહીનું જોખમ રહેલું છે, જેમ કે 2019 દરમિયાન જોવા મળ્યું હતું.
દક્ષિણ એશિયાની રાજનીતિનો અભ્યાસ કરનાર ક્રિસ્ટોફર ક્લેરીએ બીબીસીને જણાવ્યું કે, “એક પણ રસ્તો જોખમ વગરનો નથી. આ વખતે અમેરિકા બીજા મામલામાં અટવાયું છે તેથી શક્ય છે કે સંકટના સમાધાનમાં આ વખતે મદદ ન કરે.”
ભારત પાકિસ્તાન સંકટમાં સૌથી મોટો ખતરો એ છે કે બંને પડોશી દેશો પાસે પરમાણુ હથિયારો છે.
દરેક નિર્ણય પર તેની અસર થાય છે, પછી તે સૈન્ય રણનીતિને આકાર આપવાની વાત હોય કે રાજકીય સમીકરણનો મામલો હોય.
રાઘવન કહે છે કે પરમાણુ શસ્ત્રો ખતરો છે અને અવરોધક તરીકે પણ કામ કરે છે. આનાથી બંને પક્ષોને શું પગલાં લેવા તે નક્કી કરવામાં સંયમ રાખવાની ફરજ પડે છે.
રાઘવન કહે છે, “કોઈ પણ કાર્યવાહીને સચોટ અને ટાર્ગેટેડ તરીકે દર્શાવવામાં આવે તેવી શક્યતા છે. પાકિસ્તાન પણ એ જ રીતે બદલો લઈ શકે છે અથવા બીજો રસ્તો અપનાવી શકે છે.”
રાઘવનના મતે, “આપણે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના અન્ય સંઘર્ષોમાં પણ આવી જ પૅટર્ન જોઈ છે – પૂર્વયોજિત હુમલો અને ત્યાર બાદ તણાવ ઘટાડવાના પ્રયાસો. પરંતુ ધારણા પ્રમાણે બધું ન થાય તેવો ખતરો હંમેશાં રહે છે.”
પુલવામા પ્રકરણમાં શું શીખવા મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કુગલમૅન કહે છે, “પુલવામા કટોકટીનો એક પાઠ એ છે કે બંને દેશો મર્યાદિત કાર્યવાહીને લઈને સહજ છે.”
તેમના મતે, “જવાબી કાર્યવાહી કરતી વખતે ભારતે રાજકીય અને વ્યૂહાત્મક લાભો અને નુકસાનનું મૂલ્યાંકન કરવાની જરૂર પડશે, સાથે સાથે કટોકટી વધુ ગંભીર બનવાના અથવા સંઘર્ષ ફાટી નીકળવાના જોખમનું પણ મૂલ્યાંકન કરવું પડશે.”
અનવર ગર્ગશ ડિપ્લોમેટિક એકૅડેમી અને હડસન ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલો હુસૈન હક્કાની કહે છે, “ભારતના દૃષ્ટિકોણથી આવા હુમલા ખૂબ જ મર્યાદિત હોય છે, તેથી પાકિસ્તાન તેનો જવાબ આપતું નથી. તેનાથી ભારતના લોકોને લાગે છે કે તેમની સરકારે કોઈ કાર્યવાહી કરી છે.”
હક્કાનીએ બીબીસીને કહ્યું કે, “પરંતુ આવા હુમલા પછી પાકિસ્તાન તેને કોઈ પણ પુરાવા વગર જવાબદાર ગણાવાય છે એમ કહીને પલટવાર પણ કરી શકે છે.”
ભારત જે રસ્તો પસંદ કરે અને પાકિસ્તાન તેનો ગમે તે જવાબ આપે, તેમાં દરેક પગલે જોખમ રહેલું છે.
બંને દેશો વચ્ચે યુદ્ધનો ખતરો રહે છે અને સાથે સાથે કાશ્મીરમાં શાંતિનું સપનું પણ દૂર થતું જાય છે.
આ ઉપરાંત ભારતે આવા હુમલા માટે જવાબદાર સુરક્ષાની નિષ્ફળતા વિશે પણ વિચાર કરવાનો રહેશે.
રાઘવન કહે છે, “ટુરિસ્ટ સિઝન દરમિયાન આવો હુમલો દેખાડે છે કે કોઈ ગંભીર ભૂલ થઈ છે. તે પણ એવી જગ્યાએ જે કેન્દ્રશાસિત પ્રદેશ હોય.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS