Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
અપડેટેડ 33 મિનિટ પહેલા
ગત 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા ચરમપંથી હુમલામાં 26 લોકોનાં મૃત્યુ બાદથી સમગ્ર ભારત શોકની લહેર જોવા મળી હતી.
આ હુમલામાં ત્રણ ગુજરાતીઓનાં પણ મૃત્યુ થયાં હતાં.
હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર ‘દોષારોપણ’ કરીને સિંધુ જળ સંધિ મોકૂફ રાખવા સહિત પાકિસ્તાની નાગરિકોને અપાયેલા 14 પ્રકારના વિઝા રદ કરી દીધા હતા.
આ કાર્યવાહી બાદ હવે શનિવારે વહેલ સવારે અમદાવાદ અને સુરત ખાતે સ્થાનિક પોલીસે 500 કરતાં વધુ કથિત બાંગ્લાદેશીઓ સહિતના કથિતપણે ગેરકાયદેસર રીતે ભારતમાં આવીને રહેતા લોકોની અટકાયત કરી હતી.
નોંધનીય છે કે શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહસચિવે તમામ રાજ્યોને તેમના ત્યાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા માટે યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.
આ નિર્દેશ બાદ ગુજરાત પોલીસે બાંગ્લાદેશીઓ સહિત ગુજરાતમાં કથિતપણે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને અટકાયતમાં લેવાયા બાદ પોલીસના મોટા કાફલા અને અટકાયતમાં લેવાયેલા લોકોનાં ટોળેટોળાંના વીડિયો ફરતા થયા હતા.
જેમાં બંને તરફ પોલીસકર્મીઓની કતાર છે અને સ્ત્રી-પુરુષો સહિત મોટી સંખ્યામાં અટકાયતમાં લેવાયેલા લોકો પોલીસકાફલાની વચ્ચોવચ ચાલતા જોવા મળી રહ્યા છે. આ સિવાય અટકમાં લેવાયેલા ઘણા લોકો મોટી સંખ્યામાં પોલીસકાફલા વચ્ચે કતારબદ્ધ બેસેલા જોવા મળી રહ્યા છે.
નોંધનીય છે કે ગુજરાતમાં અમદાવાદમાં ચંડોળા, સુરતના અમુક વિસ્તારો અને મહિસાગર જિલ્લામાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આ કાર્યવાહી અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલે આ કાર્યવાહી અંગે કહ્યું હતું કે, “અમને ગૃહરાજ્યમંત્રી, ડીજીપી અને અમદાવાદ પોલીસ કમિશનરે સૂચના આપી હતી કે અમદાવાદમાં ભારે સંખ્યામાં રહેતા ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવે. એપ્રિલ 2024થી અત્યાર સુધી આ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે બે એફઆઇઆર નોંધી હતી. જેમાં ગેરકાયદેસર રહેતા 127 બાંગ્લાદેશીઓને પકડી લેવાયા હતા, જે પૈકી 77 જેટલાને ડિપૉર્ટ કરી દેવાયા હતા.”
“એ ઇનપુટના આધારે ખબર પડી હતી કે ચંડોળાની આસપાસ ઘણી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી રહી રહ્યા છે. આજે સવારથી ડીસીપી ઝોન 6, ડીસીપી ક્રાઇમ, ડીસીપી એસઓજી સહિત ભારે સંખ્યામાં પોલીસકાફલા સાથે અમે કૉમ્બિંગ હાથ ધર્યું હતું. સવારના બે વાગ્યાથી આ કૉમ્બિંગ ચાલુ હતું. જેમાં અમે અત્યાર સુધી 457 લોકોની અટકાયત કરી ચૂક્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે તેમની પૂછપરછ કરાશે. આ લોકોની બાંગ્લાદેશી હોવાનું, તેમજ ગેરકાયદેસર ઘૂસ્યા હોવાનું અને અહીંનું આઇડી કાર્ડ બનાવી લીધું હોવાનું પાકું થઈ જતાં જ અમે તેમની ડિપૉર્ટેશનની કાર્યવાહી પણ શરૂ કરીશું.”
જ્યારે તેમને પુછાયું કે આ તમામ લોકો બાંગ્લાદેશી છે એવું કઈ રીતે આઇડેન્ટિફાય કરાય છે ત્યારે આ સવાલના જવાબમાં શરદ સિંઘલે કહ્યું કે, “તેની ઘણી રીતો છે. તેમણે આઇડી કાર્ડ ક્યારે બનાવડાવ્યું. તેમનો જન્મ ક્યાં થયો અને તેમનાં માતાપિતા ક્યાં છે સહિતના ઇનપુટ્સ આધારે અમે વેરિફાય કરીએ છીએ. આ ઉપરાંત તેઓ હાલ કોના સંપર્કમાં છે અને ક્યારે ક્યારે બાંગ્લાદેશ જઈ આવ્યા છે, એ સંબંધની માહિતીઓ ભેગી કરીને આ પ્રક્રિયા કરવામાં આવે છે.”

ઇમેજ સ્રોત, ANI
આ સિવાય સુરત શહેરમાંથી સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ, ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચ અને મોટી સંખ્યામાં પોલીસકાફલા સાથે પહોંચેલી પોલીસની ટીમે 100 કરતાં વધુ કથિતપણે નકલી દસ્તાવેજો સાથે અને ગેરકાયદેસર રીતે ભારત આવેલા કથિત બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી.
બીબીસીના સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી અનુસાર મહિસાગર જિલ્લામાં પણ પોલીસે રાજ્ય સરકારની સૂચના બાદ ગેરકાયદેસર રીતે રહેતા લોકોની શોધખોળ શરૂ કરી હતી.
આ તપાસ દરમિયાન પોલીસે ખાનપુર તાલુકાના કારંટા ગામમાંથી નવ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી.
હર્ષ સંઘવીએ આપી ચેતવણી

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત સરકારનું માનવું છે કે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પકડવા માટેનું અત્યારસુધીનું આ સૌથી મોટું ઑપરેશન છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મોડી રાતથી ચાલી રહેલા આ ઑપરેશનમાં અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 એમ કુલ હજારથી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સિંધવીએ આજે આ વિશેની માહિતી આપતા પત્રકારોને જણાવ્યું હતું, “રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે સરકારે લાલ આંખ કરી છે. બાંગ્લાદેશમાંથી ખોટા દસ્તાવેજો બનાવીને જે લોકો ભારતનાં વિવિધ રાજ્યોમાં રહી રહ્યા છે તે પૈકી કેટલાક લોકો ડ્રગ્સના ધંધા સાથે કે માનવ-તસ્કરી સાથે જોડાયેલા છે.”
હર્ષ સંઘવીનો દાવો હતો કે અગાઉ કેટલાક પકડાયેલા લોકો અલ-કાયદા માટે સ્લિપર-સેલ તરીકે કામ કરતા હતા.
તેમણે કહ્યું હતું, “આપણે જોયું હતું કે અગાઉ ચાર બાંગ્લાદેશીઓ પકડાયા હતા તે પૈકી બે લોકો અલ-કાયદા માટે સ્લિપર સેલ તરીકે કામ કરતા હતા. આ તમામ બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓની તપાસ ચાલુ છે.”
હર્ષ સંઘવીએ રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ચેતવણી આપતાં કહ્યું હતું, “જો તમામ ઘૂસણખોરો પોલીસ સમક્ષ સરેન્ડર નહીં કરે તો પોલીસ તેમના ઘરે જઈને પકડશે. આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
તેમણે એ પણ ચેતવણી આપી હતી કે આ પ્રકારે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પનાહ આપનારા સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
પહલગામ હુમલા બાદ ભારતે શું કાર્યવાહી કરી?

ઇમેજ સ્રોત, ANI
બુધવારે પહલગામ હુમલા બાદ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કૅબિનેટ સમિતી (સીસીએસ)ની બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.
જે નીચે મુજબ હતા.
- જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વાસપાત્ર રીતે અને પાછો ન ખેંચી શકાય એ પ્રકારે સીમાપાર આતંકવાદને તેના ટેકો પાછો ન ખેંચે ત્યાં સુધી વર્ષ 1960ની સિંધુ જળ સંધિ મોકૂફ કરાશે.
- તાત્કાલિક અસરથી અટારી એકીકૃત ચેકપોસ્ટ બંધ કરાશે. જે લોકો માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે તેઓ 1 મે, 2025 સુધી એ જ રસ્તેથી પેલે પાર જઈ શકશે.
- SAARC વિઝા અપવાદ યોજના અંતર્ગત પાકિસ્તાનના નાગરિકોને ભારત આવવાની પરવાનગી નહીં મળે. પાકિસ્તાની નાગરિકોને અપાયેલ દરેક જાતના SPES વિઝા રદ કરવામાં આવે છે. SPES વિઝા અંતર્ગત ભારત આવ્યા હોય એવા પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે.
- નવી દિલ્હી ખાતે પાકિસ્તાની હાઇ કમિશનમાં રહેલા સંરક્ષણ, મિલિટરી, નૅવલ અને ઍર ઍડ્વાઇઝરોને ભારતમાં ‘અવાંછિત વ્યક્તિ’ જાહેર કરવામાં આવે છે. તેમની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે.
- ભારત ઇસ્લામાબાદ ખાતેના ભારતીય હાઇ કમિશનમાંથી પોતાના સંરક્ષણ, નેવી અને ઍર ઍડ્વાઇઝરોને પરત બોલાવી લેશે. બંને દેશોનાં હાઇ કમિશનોમાં આ પદો રદ કરવામાં આવેલા મનાશે.
આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા શુક્રવારે પાકિસ્તાની નાગરિકોને ઇશ્યુ કરાયેલા લૉંગ ટર્મ વિઝા, ડિપ્લોમેટિક વિઝા અને ઑફિશિયલ વિઝા ઉપરાંત તમામ પ્રકારના વિઝા 27 એપ્રિલથી રદ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.
જોકે, જે પાકિસ્તાનીઓ મેડિકલ વિઝા પર ભારત આવ્યા છે તેમના વિઝા 29 એપ્રિલ સુધી માન્ય રાખવામાં આવશે.
દૂરદર્શન ઇન્ડિયા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ભારતનાં બધાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વાતચીત કરીને તેમનાં રાજ્યોમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમને તાત્કાલિક અસરથી પરત મોકલવાનું સુનિશ્ચિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
આ સિવાય કેન્દ્રીય ગૃહસચિવ ગોવિંદ મોહને પણ રાજ્યોના ચીફ સેક્રેટરીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ યોજીને જે તે રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકો સામે જરૂરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS