Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
10 મિનિટ પહેલા
પહલગામ ચરમપંથી હુમલા બાદ કેન્દ્ર સરકાર તરફથી એક સર્વપક્ષીય બેઠક બોલાવાઈ. એ દરમિયાન તમામ પક્ષોએ સરકારને જવાબી કાર્યવાહીમાં સમર્થન આપવાની વાત કરી.
જોકે, વિપક્ષે સરકાર સામે સુરક્ષામાં ચૂકનો મુદ્દો પણ ઉઠાવ્યો.
હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સિંધુ જળ સંધિ મોકૂફ રાખવા સહિતના પાંચ મોટા નિર્ણયો કર્યા.
જવાબમાં પાકિસ્તાને પણ ભારતનાં પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના કાર્યકાળમાં કરાયેલી શિમલા સમજૂતીને મોકૂફ કરી દીધી અને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું. પાકિસ્તાનના આ પગલાં બાદ સોશિયલ મીડિયા પર ઇંદિરા ગાંધી અંગે ચર્ચાએ જોર પકડ્યું છે.
ઇંદિરા ગાંધી અંગે કોણ શું કહી રહ્યું છે?

ઇમેજ સ્રોત, ANI
પહલગામ હુમલાના વિરોધમાં હૈદરાબાદમાં વિપક્ષના નેતાઓ દ્વારા એક કૅન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.
કૅન્ડલ માર્ચ દરમિયાન કૉંગ્રેસ નેતા અને તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, “દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને એક વિનંતી છે. જે આતંકવાદીઓએ આપણા દેશવાસીઓ પર હુમલો કર્યો, એ હુમલાખોરોને અમે બધા 140 કરોડ દેશવાસી સાથે મળીને જવાબ આપવા તૈયાર છીએ.”
રેવંત રેડ્ડીએ કહ્યું, “1967માં જ્યારે ચીને આપણા દેશ પર હુમલો કર્યો તો ઇંદિરાજીએ જડબાતોડ જવાબ આપ્યો. એ બાદ 1971માં જ્યારે પાકિસ્તાને દેશ પર હુમલો કર્યો તો ઇંદિરાજીએ જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા. એ સમયે અટલ બિહારી વાજપેયીજીએ ઇંદિરાજીને દુર્ગા કહ્યાં હતાં.”
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ઇંદિરા ગાંધીની તસવીર પોસ્ટ કરીને લખ્યું, “આજે દેશને ઇંદિરા ગાંધીની ખૂબ યાદ આવી રહી છે.”
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ એક ખાનગી સમાચાર ચૅનલના શો પર કહ્યું, “તમે સુરક્ષામાં ચૂકની વાત કરો છો. સર્વપક્ષીય બેઠકમાં સરકારે સુરક્ષામાં ચૂકની વાતને બિલકુલ સ્વીકારી છે. દેશમાં સૌથી મોટી સુરક્ષા ચૂક શું હતી? વડાં પ્રધાનઆવાસમાં જ વડાં પ્રધાનની હત્યા થઈ ગઈ.”
તેમણે સવાલ કર્યો, “અમે ક્યારેય ઇંદિરાજીને મુદ્દો બનાવ્યો હતો, કહો તો જરા?”
નોંધનીય છે કે 31 ઑક્ટોબર, 1984ના રોજ ઇંદિરા ગાંધીના આવસ પર જ તેમના બે અંગરક્ષકોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
ખરેખર, જો આપણે શિમલા સમજૂતીની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો એ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા જંગ સાથે જોડાયેલી છે.
1971માં ભારતે બાંગ્લાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન)ને પાકિસ્તાનથી આઝાદ કરાવવામાં મદદ કરી હતી. એ સમયે લગભગ 90 હજાર પાકિસ્તાની સૈનિકો પાસેથી આત્મસમર્પણ કરાવાયું હતું.
1971ના જંગ બાદ ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે એક સમાધાન પર સહીઓ થઈ હતી. એને જ શિમલા સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર શું કહી રહ્યા છે લોકો?

ઇમેજ સ્રોત, Getty Images
પહલગામ હુમલા બાદ તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડી અને શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે ઇંદિરા ગાંધી અંગે આપેલા નિવેદન પર સોશિયલ મીડિયામાં લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેમનાં નિવેદનોને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક તેના પક્ષમાં નથી દેખાઈ રહ્યા.
રેવંત રેડ્ડીના નિવેદન પર આયુષ મિશ્રા નામના એક યૂઝરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે, “આખા દેશને એક સાથે આવતો જોઈને ગર્વ મહેસૂસ થાય છે.”
કન્હૈયાલાલ શરણ નામના યૂઝરે ઍક્સ પર લખ્યું કે, “જો આજે ઇંદિરા ગાંધી જીવિત હોતો તો પાકિસ્તાન આવતી કાલનો સૂર્ય જોઈ શક્યું હોત.”
પ્રભાસ ફેન નામના એક યૂઝરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો શૅર કરીને લખ્યું, “જુઓ, વર્ષ 1971માં ભારતીય સૈન્યે કેવી રીતે પાકિસ્તાનના સૈનિકો પાસેથી આત્મસમર્પણ કરાવ્યું હતું. આવું કરનારાં ઇંદિરા ગાંધી જ હતાં.”
મિસ્ટર શર્મા નામના એક ટ્વિટર યૂઝરે ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અંગે તેઓ ભાષણ આપતાં દેખાય છે. આ યૂઝરે પોસ્ટમાં લખ્યું, “એવો જવાબ હતો કે અમેરિકા અને પાકિસ્તાન બંનેના હોશ ઊડી ગયા.”
બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ શિમલા સમજૂતીને યાદ કરીને એ સમયે પાકિસ્તાનના સૈનિકોને છોડી દેવા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
તેમનું કહેવું છે કે ભારતે મેદાન પર તો જંગ જીતી લીધી હતી, પરંતુ શિમલા સમજૂતીના કારણે ચર્ચાના ટેબલ પર જંગ હારી ગયું.
શું હતી શિમલા સમજૂતી?

ઇમેજ સ્રોત, Getty Images
1971માં ભારત-પાકિસ્તાનના જંગ બાદ શિમલા સમજૂતી થઈ હતી. આ એક ઔપચારિક સમજૂતી હતી, જેને બંને દેશો વચ્ચે દુશ્મનાવટને ખતમ કરવા માટે મહત્ત્વપૂર્ણ મનાઈ હતી.
આ સાથે જ શાંતિપૂર્ણ સમજૂતીને આગળ વધારવામાં પણ શિમલા સમજૂતીની ખાસ ભૂમિકા મનાતી હતી.
શિમલા સમજૂતી પ્રમાણે બંને દેશો એ વાત પર સંમત હતા કે બંને તમામ મુદ્દોનું સમાધાન દ્વિપક્ષીય વાતચીત અને શાંતિપૂર્ણ રીતે કરશે.
1971ના જંગ બાદ શિમલા સમજૂતી અંતર્ગત લાઇન ઑફ કંટ્રોલ (એલઓસી) બની અને બંને દેશો એ વાતે સંમત થયા કે તેઓ તેનું સન્માન કરશે અને કોઈ પણ એકતરફી નિર્ણય નહીં લે.
બંને પક્ષ એલઓસીને માપદંડ માનીને એકબીજાના વિસ્તારોથી સૈનિકો હઠાવવાની વાત પર સંમત થયા હતા.
પહલગામ હુમલા બાદ ભારતે અત્યાર સુધી શું પગલાં ઉઠાવ્યાં?
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટી (સીસીએસ)ની બેઠક થઈ.
ભારતે પાકિસ્તાન સાથે 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો.
સાથે જ ભારતે અટાઇ ઇન્ટિગ્રેટેટ ચેકપોસ્ટને પણ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય કર્યો.
બેઠક બાદ થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશસચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે હવે પાકિસ્તાની નાગરિક સાર્ક વિઝા છૂટ સ્કીમ (એસવીઇએસ) અંતર્ગત અપાયેલ વિઝાના આધારે ભારતનો પ્રવાસ નહીં ખેડી શકે.
એસવીઈએ અંતર્ગત પાકિસ્તાની નાગરિકોને અગાઉ અપાયેલા વિઝા રદ મનાશે. એસવીઇએસ અંતર્ગત જે પાકિસ્તાની નાગરિક ભારતમાં છે તેમણે ભારત છોડવું પડશે.
નવી દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયોગના સંરક્ષણ / સૈન્ય, નૌસેના અને વાયુ સેનાના સલાહકારોને અવાંછિત વ્યક્તિ જાહેર કરાયા.
ભારત ઇસ્લામાબાદસ્થિત પોતાના ઉચ્ચાયોગના સંરક્ષણ / સૈન્ય, નૌસેના અન વાયુ સેના સલાહકારોને પણ પાછા બોલાવશે. બંને ઉચ્ચાયોગમાં આ પદ ખતમ માનવામાં આવશે.
ઉચ્ચાયોગમાં કર્મચારીની સંખ્યા 55થી ધીરે ધીરે ઘટાડીને 30 કરી દેવાશે. આ નિર્ણય 1 મે 2025થી લાગુ થશે.
ભારત તરફથી કરાયેલી કાર્વયાહીનો જવાબ આપતાં પાકિસ્તાને પણ કેટલાંક પગલાં લીધાં.
પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય સમજૂતીને મોકૂફ કરી દીધી છે. તેમાં શિમલા સમજૂતી સામેલ છે.
તેમણે ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્રે અને પોતાની સીમાઓ બંધ કરવાની અને ભારત સાથે વેપારને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
ભારતની માફક પાકિસ્તાને પણ ત્યાં રહેલા ભારતીય સંરક્ષણ સલાહકારો અને તેમના સહાયકોને દેશ છોડવા કહ્યું છે. સાથે જ તેમણે પોતાના રાજદ્વારી સ્ટાફને પણ સીમિત કરી દીધો છે.
પાકિસ્તાને કહ્યું છે કે ભારત સિંધુ નદીના પાણીના પ્રવાહને રોકવા કે વાળવાની કોશિશ કરશે તો તેને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે અને તેનો પૂરી તાકત સાથે જવાબ અપાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS