Source : BBC NEWS

પહલગામ હુમલો, વોટ્સઍપ મેસેજ સૈનિકોની સહાય માટે, સંરક્ષણ મંત્રાલયે ચેતવ્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

27 એપ્રિલ 2025, 06:35 IST

અપડેટેડ 3 કલાક પહેલા

પહલગામ હુમલા બાદ ભારતીય સેનાના આધુનિકીકરણ, યુદ્ધમાં ઘાયલ થયેલા તથા મૃત્યુ પામનારા સૈનિકોના નામે ખોટા વૉટ્સઍપ મૅસેજ મોકલીને લોકો પાસેથી પૈસાની માગ થઈ રહી છે, જેની સામે ભારતના સંરક્ષણ મંત્રાલયે ચેતવણી ઉચારી છે.

સંરક્ષણ મંત્રાલયે આ સંદેશાને ભ્રામક ગણાવ્યા છે અને નિવેદન બહાર પાડીને કહ્યું છે કે લોકોએ આ પ્રકારના બનાવટી સંદેશાથી બચવું જોઈએ.

આ સંદેશમાં ચોક્કસ બૅન્ક એકાઉન્ટમાં સહાયના પૈસા જમા કરાવવાની અપીલ થઈ રહી છે. આ સંદેશમાં કૅબિનેટના નિર્ણય તથા વિખ્યાત ફિલ્મ અભિનેતાના નામનો પણ હવાલો અપાયો છે.

સંરક્ષણ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું છે કે વૉટ્સઍપ સંદેશમાં ખોટો બૅન્ક ખાતા નંબર આપવામાં આવ્યો છે, જેથી લોકો દ્વારા મોકલવામાં આવેલી ઑનલાઇન સહાયની રકમ જમા નથી થતી.

મંત્રાલયે આ પ્રકારના સંદેશાથી સાવધ રહેવા પણ કહ્યું છે.

સંરક્ષણ મંત્રાલયે તેના નિવેદનમાં સરકાર દ્વારા યુદ્ધમાં મૃત્યુ પામનારા તથા ઘાયલ સૈનિકો માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.

વર્ષ 2020માં ‘આર્મ્ડ ફૉર્સિઝ બૅટલ કૅઝ્યુલિટીઝ વૅલફેર ફંડ’ની સ્થાપના કરવામાં આવી હતી, જેમાંથી સૈનિકોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમનું સંચાલન પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

પહલગામ હુમલાના પીડિતોને ન્યાય મળશે જ, ‘મન કી બાત’માં બોલ્યા મોદી

નરેન્દ્ર મોદી, મન કી બાત, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં પહલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતરો. તેમણે કહ્યું હતું, ‘હું પીડિતોને વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય મળશે.’

વડા પ્રધાન મોદીએ કહ્યું, “તા. 22 એપ્રિલના પહેલગામ ખાતે થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને દુખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે.”

“હું પીડિત પરિવારોને ફરી વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય મળીને જ રહેશે. આ હુમલા માટે દોષિતો તથા ષડયંત્ર રચનારાઓને કડકમાં કડક જવાબ આપવામાં આવશે.”

વડા પ્રધાને કહ્યું, “પહલગામમાં જે હુમલો થયો છે, એ આતંકના આકાઓની હતાશા દેખાડે છે. તેમની કાયરતા દેખાડે છે.”

“ભારતીયોમાં જે આક્રોશ છે, તે દુનિયાભરના લોકોમાં છે. આ આતંકવાદી હુમલા પછી સતત દુનિયાભરના લોકો સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.”

આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર વિશ્વ 140 કરોડ ભારતીયોની સાથે છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર ખાતે મંગળવારે ઉગ્રવાહી હુમલો થયો હતો, જેમાં 25 પર્યટક અને એક સ્થાનિક સહિત 26 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતીનો પણ સમાવેશ થાય છે.

બિલાવલ ભુટ્ટોએ સિંધુ નદી અને ભારતના લોકો પર આપેલા નિવેદનનો સી. આર. પાટીલે શો જવાબ આપ્યો?

એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલ, બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, એફબીઆઈ, પહલગામ હુમલો, સિંધુ નદી, સી આર પાટીલ, બિલાવલ ભુટ્ટો, પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચૅરમૅન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારત અને સિંધુ નદીને લઈને એક નિવેદન આપ્યું છે તેને લઈને ભારતમાં નેતાઓએ તેની પ્રતિક્રિયા આપી છે.

બિલાવલ ભુટ્ટોએ સિંઘના સુક્ખરમાં યોજીત એક રેલીમાં ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું, “ક્યાં તો સિંધુ નદીમાં અમારું પાણી વહેશે અથવા તો તેમનું લોહી વહેશે.”

બિલાવલ ભુટ્ટોના આ નિવેદન પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કડક પ્રતિક્રિયા આપી છે.

તેમણે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, “છોડો ને હવે, તેમની આવી ધમકીથી અમે થોડા ડરીએ છીએ.”

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે બિલાવલનું આ નિવેદન મૂર્ખતાભર્યું છે. તેમણે કહ્યું, “મેં તેમનું નિવેદન સાંભળ્યું છે, તેમણે કહ્યું કે પાણી નહીં મળે તો લોહી વહેશે. તેમને કહો કે ક્યાંક છલાંગ મારે, પાણી નહીં મળે તો છલાંગ ક્યાં મારશે?”

પહલગામ હુમલાની તપાસ કરશે NIA, ગૃહ મંત્રાલયે આપ્યો આદેશ

એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલ, બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, એફબીઆઈ, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ (રાષ્ટ્રીય અન્વેષણ અભિકરણ)એ જણાવ્યું છે કે તેણે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલાની તપાસ પોતાના હાથમાં લઈ લીધી છે.

એએનઆઈએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે આ તપાસ તેણે ગૃહ મંત્રાલયના આદેશના આધારે લીધી છે.

એનઆઈએ એ જણાવ્યું કે આઈજી, ડીઆઈજી અને એસપીની દેખરેખ હેઠળ ગઠિત ટીમ પહલગામની બેસરન ખીણમાં મંગળવારે થયેલા હુમલાના સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે. પહલગામમાં મંગળવારે ચરમપંથી હુમલા થયો તેમાં 26 લોકોનાં મોત થયાં હતાં.

પહલગામ હુમલાને લઈને એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે શું કહ્યું?

એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલ, બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, એફબીઆઈ, પહલગામ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલાને લઈને અમેરિકાના ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે.

કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “એફબીઆઈ હાલમાં જ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના તમામ પીડિતો પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરે છે. અને ભારત સરકારને પોતાનું પૂર્ણ સમર્થન પ્રદાન કરવાનું યથાવત્ રાખશે.”

તેમણે કહ્યું કે આ આતંકવાદની બુરાઈઓથી આપણા વિશ્વને લગાતાર થતા જોખમની યાદ અપાવે છે. પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરો, આ કઠિન સમયમાં સેવા આપનારા તમામ કાયદાકીય પ્રવર્તન અધિકારીઓનો આભાર.

પહલગામમાં મંગળવારે ચરમપંથી હુમલો થયો હતો જેમાં 26 પ્રવાસીઓનાં મૃત્યુ થયાં હતાં.

પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ વડોદરા અને રાજકોટમાં પોલીસે કેટલા ‘બાંગ્લાદેશી’ પકડ્યા?

બાંગ્લાદેશી, પહલગામ, જમ્મુ-કાશ્મીર, ગેરકાયદે, વિઝા, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર,ગુજરાતમાં સમાચાર, બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર ‘દોષારોપણ’ કરીને સિંધુ જળ સંધિ મોકૂફ રાખવા સહિત પાકિસ્તાની નાગરિકોને અપાયેલા 14 પ્રકારના વિઝા રદ કરી દીધા હતા.

આ કાર્યવાહી બાદ શનિવારે વહેલી સવારથી ગુજરાતભરમાં 1000થી વધુ કથિત બાંગ્લાદેશીઓ સહિતના કથિતપણે ગેરકાયદે રીતે ભારતમાં આવીને રહેતા લોકોની અટકાયત કરી હતી.

આ અભિયાન વડોદરામાં પણ ચાલુ થયું હતું. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમરે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, “આ માટે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 500 જેટલા શકમંદોને પકડ્યા છે જેમના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. તે પૈકી પાંચ બાંગ્લાદેશી હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે. બાકીનાની તપાસ ચાલી રહી છે.”

રાજકોટના ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે ગુજરાતમાં જે પણ ગેરકાયદેસર પ્રવાસીઓ રહે છે અને ખાસ કરીને જેઓ બાંગ્લાદેશથી આવ્યા છે તેમને શોધીને ડિપૉર્ટ કરવાની કાર્યવાહી કરવાની સૂચના ડીજી ઑફિસમાંથી મળી છે.

તેમણે કહ્યું, “રાતભર ચાલેલા આ ઑપરેશનમાં અમે 800 લોકોની તપાસ કરી જેમાં દસ ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓ મળી આવ્યા. તેમે આવનારા દિવસોમાં ગૃહ વિભાગ અને ગૃહ મંત્રાલયના મારફતે પ્રક્રિયા પૂર્ણ કરીને ડિપૉર્ટ કરી દેવામાં આવશે.”

પોલીસે આ કાર્યવાહી અમદાવાદના ચંડોળા, સુરતના કેટલાક વિસ્તારોમાં અને મહિસાગર જિલ્લામાં કરી હતી.

આ કાર્યવાહી શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમામ રાજ્યોમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને ઓળખીને તેમને પરત મોકલવાના નિર્દેશ બાદ કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં એક મઝારને બુલડોઝરથી ધ્વસ્ત કરવાનો મામલો શું છે?

ઉત્તરાખંડમાં એક મઝારને બુલડોઝરથી ધ્વસ્ત કરવાનો મામલો શું છે? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Asif Ali/ BBC

ઉત્તરાખંડના દેહરાદૂનના દૂન હૉસ્પિટલના પરિસરમાં એક મઝારને પ્રશાસને શુક્રવારે મોડી રાત્રે બુલડોઝર ચલાવીને ધ્વસ્ત કરી નાખી.

આ કાર્યવાહી મુખ્ય મંત્રીના પોર્ટલ પર કરવામાં આવેલી ફરિયાદને આધારે કરવામાં આવી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ મઝાર ગેરકાયદેસર બનાવવામાં આવી હતી.

મઝારના મુતવલ્લી મહફૂઝ અહમદે જણાવ્યું કે આ વકફ બોર્ડમાં રજીસ્ટર્ડ હતી.

આ કાર્યવાહી દરમિયાન ભારે પોલીસદળ જમા હતું. શનિવારે મુસ્લિમ સમુદાયે આ કાર્યવાહીનો વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે પગલાં ઉઠાવવાની માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે વકફ સંપત્તિઓના સંબંધમાં યથાસ્થિતિ બનાવી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આને આ મઝારના મામલે પ્રશાસને તેને બુલડોઝર ચલાવીને ધ્વસ્ત કરી નાખી.

દહેરાદૂનના કલેક્ટર સબિન બંસલે જણાવ્યું, “રાજ્ય સરકારના 2016ના અધિનિયમ મુજબ વગર અનુમતિએ કોઈ પણ સાર્વજનિક પરિસરમાં ધાર્મિકસ્થળ બનાવવું પ્રતિબંધિત છે.”

ટ્રમ્પ બોલ્યા- પુતિન નથી ઇચ્છતા કે યુદ્ધ સમાપ્ત થાય

અમેરિકા, રશિયા, યુક્રેન, યુદ્ધ, ઝેલેન્સ્કી, ટ્રમ્પ, પુતિન, બીબીસી ગુજરાતી, ગુજરાત સમાચાર, ગુજરાતીમાં સમાચાર, ગુજરાતના સમાચાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Andriy Yermak/Telegram

શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથેની મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં લખ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નથી ઇચ્છતા કે યુદ્ધ સમાપ્ત થાય.

ટ્રમ્પે શનિવારે ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ લખી. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન મામલે તેઓ ચાહે જેટલો સારો યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકે, તેમની ટીકા કરવામાં આવે છે.

શનિવારે ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના અંતિમસંસ્કાર માટે રોમ પહોંચેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS