Source : BBC NEWS

પહલગામમાં પર્યટકો પર થયેલા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષાદળો કેટલાંક ઘરોને શોધી શોધીને ધ્વસ્ત કરી રહ્યાં છે.
22 એપ્રિલે પહલગામની બેસરન ખીણમાં થયેલા ચરમપંથી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યાર પછી જમ્મુ કાશ્મીરમાં મોટા પાયે કાર્યવાહી ચાલુ છે.
અત્યાર સુધીમાં ઓછાંમાં ઓછાં 10 ઘર પર આ કાર્યવાહી થઈ છે. બીબીસીએ બે પરિવારો સાથે વાત કરી જેમાંથી એક પરિવાર આદિલ હુસૈન ઠોકરનો છે.
પહલગામ હુમલા પછી અનંતનાગ પોલીસે જે ત્રણ ચરમપંથીઓનાં સ્કેચ જાહેર કર્યાં હતાં, તેમાં આદિલ હુસૈન ઠોકરનું નામ પણ સામેલ છે.
જોકે, ઘરને તોડી પાડવાની કાર્યવાહી અંગે પોલીસ કે સુરક્ષાદળો તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.
પોલીસે પૂછપરછ દરમિયાન કેટલાય લોકોની અટકાયત કરી છે. પરંતુ તેમના અંગે કોઈ માહિતી જાહેર નથી કરી.
આદિલ ઠોકરના પરિવારે શું કહ્યું?

આદિલ ઠોકરના પરિવારનું કહેવું છે કે 25 એપ્રિલની રાતે સેના અને પોલીસ તેમના ઘરે પહોંચી હતી.
આદિલ ઠોકરનાં માતા શાહજાદા બાનો કહે છે કે, “રાતે 12.30 વાગ્યા સુધી સેના અને પોલીસના લોકો ત્યાં હાજર હતા. મેં તેમની માફી માંગતા કહ્યું કે અમારી સાથે ન્યાય થવો જોઈએ. મેં પૂછ્યું કે અમારી શી ભૂલ છે. પરંતુ તેમણે મને ત્યાંથી ચાલવા કહ્યું અને બીજા ઘરમાં મોકલી દીધા.”
તેમણે કહ્યું કે, “રાતે 12.30 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો. મોહલ્લાના લોકોને 100 મીટર દૂર જતા રહેવા કહેવાયું. બધા લોકોને ત્યાંથી હટાવી દેવાયા. કેટલાક લોકો સરસવના ખેતરમાં જતા રહ્યા, કેટલાકે બીજાના ઘરમાં શરણ લીધું.”
શાહજાદા બાનોએ કહ્યું કે, “તે વખતે અમારા ઘરમાં કોઈ ન હતું. મારા બે દીકરા અને પતિને પોલીસે બંધ કરી દીધા છે. અમારી પાસે કોઈ સહારો નથી.”
શાહજાદા બાનોએ કહ્યું કે તેમનો પુત્ર આદિલ 2018થી ગુમ છે.
ઝાકિર અહમદનું ઘર પણ તોડી પડાયું

કુલગામ જિલ્લાના મતલહામા ગામમાં ઝાકિર અહમદના ઘરે પણ આવી જ કાર્યવાહી થઈ છે. પરિવારનું કહેવું છે કે ઝાકિર 2023થી ઘર છોડીને જતો રહ્યો હતો અને હજુ સુધી કોઈ પતો નથી.
ઝાકિરના પિતા ગુલામ મોહિઉદ્દીનનું કહેવું છે કે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી પોલીસ અને સેનાએ જણાવ્યું કે તમારો પુત્ર એક ચરમપંથી સંગઠનમાં જોડાઈ ગયો છે.
ગુલામ મોહઉદ્દીને જણાવ્યું કે, “અમારા ઘરને વિસ્ફોટથી તોડી પાડવામાં આવ્યું. તે વખતે રાતના અઢી વાગ્યા હતા. અમને મસ્જિદમાં રાખવામાં આવ્યા હતા, તે વખતે વિસ્ફોટ કરાયો હતો.”
તેમણે દાવો કર્યો કે, “અમને હજુ નથી ખબર કે ઝાકિર અહમદ જીવીત છે કે મરી ગયો છે. અમારો તેની સાથે કોઈ સંપર્ક નથી થયો. સેના અને ગામના લોકોને પણ ખબર છે કે તેણે કદી અમને પોતાનો ચહેરો નથી દેખાડ્યો.”
મોહિઉદ્દીન કહે છે કે, “અમારું બધું મકાનમાં દબાઈ ગયું. અમે કોઈ ચીજ કાઢી ન શક્યા. અમારી એક નાનકડી દીકરી છે, તેને ચાદરમાં લપેટીને ઢાંકી. આજે જે કપડાં પહેર્યાં છે તે જ બચાવ્યા છે. તે રાતે અમે માત્ર અમારો જીવ બચાવી શક્યા.”
‘ભાઈને વર્ષોથી નથી જોયો’

ઝાકિરનાં બહેન રુકૈયાનો પણ દાવો છે કે તેમણે પોતાના ભાઈને વર્ષોથી નથી જોયા.
તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે, “અમારા માટે તો તે દિવસે જ મરી ગયો, જ્યારે તે ઘર છોડીને ગયો હતો. અમને નથી ખબર કે તે જીવિત છે કે નહીં.”
રુકૈયા કહે છે, “અમે અમારી આંખોથી કંઈ નથી જોયું. આજે પરિવાર પર બહુ જુલમ થયો છે. મારા બે ભાઈ પોલીસની હિરાસતમાં છે. મારા કાકાનો એકમાત્ર દીકરો પણ જેલમાં છે.”
તેમણે કહ્યું કે, “ઝાકિરને પરિવારનું સમર્થન નથી. મારું કહેવું છે કે તે જ્યાં હોય ત્યાં પકડીને તેને ખતમ કરી નાખો. અમે હાથ જોડીને ન્યાયની માંગણી કરીએ છીએ. અમને કંઈ નથી જોઈતું.”
સેના, પોલીસ કે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલની કચેરી તરફથી આ કાર્યવાહી વિશે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.
કાર્યવાહી સામે સવાલો

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક લોકો આ કાર્યવાહીને લઈને સવાલો પણ ઉઠાવી રહ્યા છે. જમ્મુ -કાશ્મીરના રહેવાસી અને કાયદાના જાણકાર ઍડવોકેટ હબીલ ઇકબાલ કહે છે કે આ પ્રકારની કાર્યવાહી સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશનું ઉલ્લંઘન છે.
તેઓ માને છે કે, “આ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયની અવમાનના છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે મકાનો પાડી દેવાના મામલે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.”
તેઓ કહે છે, “નોટિસ આપવામાં આવી હોય કે ન આપવામાં આવી હોય, ધોળા દિવસે ઘરો તોડી પાડવામાં આવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટે તેને સામૂહિક સજા ગણાવી છે. કોર્ટ કહે છે કે આવું કૃત્ય કોઈપણ કાયદા હેઠળ સ્વીકાર્ય નથી. તે કાયદાના શાસનની વિરુદ્ધ છે.”
હાબિલ ઇકબાલે કહ્યું, “સુપ્રીમ કોર્ટે ખૂબ જ સ્પષ્ટ કહ્યું છે કે આ સામૂહિક સજા છે. કાનૂન વ્યવસ્થામાં એવું નથી હોતું કે કોઈ વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવે અને તમે તેના આખા પરિવાર કે ઘર સામે કાર્યવાહી કરો.”
“આ બધું બંધારણની વિરુદ્ધ છે, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાની વિરુદ્ધ છે અને કાયદાના શાસનની વિરુદ્ધ છે. દુનિયાના કોઈપણ કાયદા હેઠળ આવી કાર્યવાહીની મંજૂરી નથી, પછી ભલે તે ફોજદારી કાયદો હોય, બંધારણ હોય, આંતરરાષ્ટ્રીય ધોરણો હોય કે સભ્યતાના આંતરરાષ્ટ્રીય નિયમો હોય.”
મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ અને કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપીનાં વડાં મહેબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને આ કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમણે લખ્યું કે, “પહલગામ હુમલા પછી ભારત સરકારે સતર્ક રહેવાની અને આતંકવાદીઓ અને નિર્દોષ નાગરિકો વચ્ચે ભેદ પાડવાની જરૂર છે. સરકારે આતંકવાદનો વિરોધ કરનારાઓને અલગ ન કરવા જોઈએ.”
મહેબૂબા મુફ્તીએ લખ્યું, “એવા અહેવાલો મળ્યા છે કે હજારો લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આતંકવાદીઓનાં ઘરોની સાથે, સામાન્ય કાશ્મીરીઓનાં ઘરો પણ તોડી પાડવામાં આવ્યાં છે. સરકારને અપીલ છે કે નિર્દોષ લોકો સામે કાર્યવાહી ન કરવા અધિકારીઓને સૂચના આપે.”
તેમણે લખ્યું કે “સામાન્ય લોકો પોતાને એકલા પડી ગયેલા ગણશે તો તેનાથી આતંકવાદીઓના ઇરાદાને મજબૂતી મળશે.”
બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ ઍક્સ પર લખ્યું કે, “પહલગામ આતંકી હુમલા પછી આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ જરૂરી છે. કાશ્મીરના લોકોએ આતંકવાદ અને નિર્દોષ લોકોની હત્યા સામે ખુલીને અવાજ ઉઠાવ્યો છે. આ કામ તેમણે જાતે કર્યું છે. હવે સમય આવી ગયો છે કે લોકોના આ સમર્થનને બળ આપવામાં આવે, તેઓ એકલા પડી જાય એવું કરવામાં ન આવે.”
તેમણે લખ્યું કે, “દોષિતોને આકરી સજા આપવામાં આવે. તેમના પર કોઈ દયા રાખવામાં ન આવે. પરંતુ નિર્દોષ લોકોને પરેશાન કરવામાં ન આવે તે પણ જોવું જોઈએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS