Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
અપડેટેડ 19 મિનિટ પહેલા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટી (સીસીએસ)ની બેઠક થઈ.
આ બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયા, જેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી દેવાઈ છે. આ સાથે અટારી બૉર્ડર પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
વડા પ્રધાન આવાસ પર થયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત ઘણા ટોચના અધિકારી હાજર હતા.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે ચરમપંથી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વિદેશસચિવ વિક્રમ મિસ્રીએ સીસીએસની બેઠકમાં લેવાયેલ પાંચ નિર્ણયોની જાણકારી આપી હતી.
ભારતે લીધી આ મોટા નિર્ણયો

ઇમેજ સ્રોત, ANI
1. જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વાસપાત્ર રીતે અને પાછો ન ખેંચી શકાય એ પ્રકારે સીમાપાર આતંકવાદને તેના ટેકો પાછો ન ખેંચે ત્યાં સુધી વર્ષ 1960ની સિંધુ જળ સંધિ મોકૂફ કરાશે.
2. તાત્કાલિક અસરથી અટારી એકીકૃત ચેકપોસ્ટ બંધ કરાશે. જે લોકો માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે તેઓ 1 મે, 2025 સુધી એ જ રસ્તેથી પેલે પાર જઈ શકશે.
3. SAARC વિઝા અપવાદ યોજના અંતર્ગત પાકિસ્તાનના નાગરિકોને ભારત આવવાની પરવાનગી નહીં મળે. પાકિસ્તાની નાગરિકોને અપાયેલ દરેક જાતના SPES વિઝા રદ કરવામાં આવે છે. SPES વિઝા અંતર્ગત ભારત આવ્યા હોય એવા પાકિસ્તાની નાગરિક પાસે ભારત છોડવા માટે 48 કલાકનો સમય છે.
4. નવી દિલ્હી ખાતે પાકિસ્તાની હાઇ કમિશનમાં રહેલા સંરક્ષણ, મિલિટરી, નૅવલ અને ઍર ઍડ્વાઇઝરોને ભારતમાં ‘અવાંછિત વ્યક્તિ’ જાહેર કરવામાં આવે છે. તેમની પાસે ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય છે.
5. ભારત ઇસ્લામાબાદ ખાતેના ભારતીય હાઇ કમિશનમાંથી પોતાના સંરક્ષણ, નેવી અને ઍર ઍડ્વાઇઝરોને પરત બોલાવી લેશે. બંને દેશોનાં હાઇ કમિશનોમાં આ પદો રદ કરવામાં આવેલા મનાશે.
બેઠકમાં બીજું શું નક્કી થયું
નવી દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયોગના રક્ષા/સૈન્ય અને વાયુસેના સલાહકારોને પર્સોના નૉન ગ્રેટા વ્યક્તિ જાહર કરવામાં આવ્યા છે. તેમને ભારત છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. ભારત ઇસ્લામાબાદ ખાતે પોતાના ઉચ્ચાયોગના રક્ષા/સૈન્ય, નૌસેના અને વાયુસેના સલાહકારોને પણ પાછા બોલાવવામાં આવ્યા છે. બંને ઉચ્ચાયોગમાં આ પદ ખતમ માનવામાં આવશે.
બંને ઉચ્ચાયોગે આ સૈન્ય સલાહકારોના પાંચ સપોર્ટ સ્ટાફને પણ પાછા લઈ લેવાશે.
ઉચ્ચાયોગમાં કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવામાં આવશે. આ નિર્ણય 1 મે 2025થી લાગુ થઈ જશે.
સીસીએસે દેશમાં સુરક્ષાની પરિસ્થિતિની સમીક્ષા કરી અને સુરક્ષાદળોને કડકાઈથી સાવચેત રાખવા કહ્યું છે.
બેઠકમાં કહેવામાં આવ્યું છે કે પહલગામ હુમલાનું કાવતરું રચનારાઓ સામે સંપૂર્ણપણે કાર્યવાહી કરવામાં આવશે.
આમાં કહેવામાં આવ્યું છે કે જે રીતે તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો એ રીતે ભારત વિરુદ્ધ ચરમપંથી કાર્યવાહી કરનારાઓને છોડવામાં નહીં આવે.
સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા વડા પ્રધાન મોદી

ઇમેજ સ્રોત, Getty Images
ઉલ્લેખનીય છે કે જે સમયે પહલગામમાં ચરમપંથી હુમલો થયો, એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની યાત્રા પર હતા. પરંંતુ તેમને આ હુમલાની સૂચના મળતાં જ તેઓ સાઉદી અરેબિયાની યાત્રા અધૂરી મૂકીને સ્વદેશ પરત ફર્યા.
બુધવારે સવારે વડા પ્રધાન મોદી દિલ્હી આવ્યા. તેમણે ત્યાં પહોંચતાં જ ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત કેટલાક મોટા અધિકારીઓ સાથે વાતચીત કરી.
હુમલાની થોડી વાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમમમાં પહોંચી ગયા હતા અને પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
બાદમાં તેઓ પહલગામની નજીક બેસરન પણ પહોંચ્યા. જ્યાં ચરમપંથીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS