Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 21 મિનિટ પહેલા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટી (સીસીએસ)ની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા.
તેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી દેવાનો નિર્ણય મુખ્ય છે. આ ઉપરાંત અટારી બૉર્ડર પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
પહલગામમાં મંગળવારે ચરમપંથી હુમલો થયો હતો જેમાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
નિર્ણય લેવાયો કે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વાસપાત્ર રીતે અને પાછો ન ખેંચી શકાય એ પ્રકારે સીમાપાર આતંકવાદને તેના ટેકો પાછો ન ખેંચે ત્યાં સુધી વર્ષ 1960ની સિંધુ જળ સંધિ મોકૂફ કરાશે.
સિંધુ જળ સંધિ શું છે?

ઇમેજ સ્રોત, Reuters
બ્રિટિશ રાજ દરમિયાન દક્ષિણ પંજાબમાં સિંધુ નદી ખીણ પર મોટી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારને આ પ્રોજેક્ટનો એટલો લાભ મળ્યો કે તે કૃષિ શ્રેત્રે દક્ષિણ એશિયાનો મુખ્ય ભાગ બની ગયો.
ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે પંજાબના પણ ભાગલા પડ્યા જેમાં તેને પૂર્વ ભાગ ભારત અને પશ્ચિમ ભાગ પાકિસ્તાન તરફ ગયા.
આ સાથે જ સિંધુ નદી ખીણ અને તેની વિશાળ નહેરોનું પણ વિભાજન કરવામાં આવ્યું. પરંતુ તેનાથી મળતા પાણી પર પાકિસ્તાન સંપૂર્ણ ભારત પર નિર્ભર હતું.
પાણીના વહેણને જાળવી રાખવાના હેતુથી પૂર્વ અને પશ્ચિમ પંજાબના ચીફ એન્જિનિયરો વચ્ચે 20 ડિસેમ્બર 1947માં એક સંધિ થઈ.
આ સંધિ અંતર્ગત વિભાજન પહેલાં નક્કી કરાયેલો પાણીનો નિશ્ચિત હિસ્સો ભારતે 31 માર્ચ 1948 સુધી પાકિસ્તાનને આપતું રહેવાનું નક્કી થયું.
1 એપ્રિલ 1948ના રોજ જ્યારે સંધિ સમાપ્ત થઈ ત્યારે ભારતે બે મુખ્ય નહેરોનું પાણી રોકી દીધું જેના કારણે પાકિસ્તાનના પંજાબની 17 લાખ એકર જમીનની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ.
સિંધુ જળ સંધિનો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના આ પગલાં પાછળ ઘણાં કારણો રજૂ કરવામાં આવ્યાં જેમાંથી એક હતું કે ભારત કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર દબાણ ઊભું કરવા માગતું હતું.
ત્યારબાદ થયેલી સંધિ મુજબ ભારત પાણીની આપૂર્તિ જાળવી રાખવા માટે રાજી થઈ ગયું.
એક અભ્યાસ મુજબ વર્ષ 1951માં વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ટેનસી વેલી ઑથૉરિટીના પૂર્વ પ્રમુખ ડેવિડ લિલિયંથલને ભારત બોલાવ્યા.
લિલિયંથલ પાકિસ્તાન પણ ગયા અને અમેરિકા પરત ફરીને તેમણે સિંધુ નદી ઘાટીના વિભાજન પર એક લેખ લખ્યો.
આ લેખ વિશ્વ બૅન્કના પ્રમુખ અને લિલયંથલના મિત્ર ડેવિડ બ્લેકે વાંચ્યો અને આ મુદ્દે ભારત અને પાકિસ્તાનનો સંપર્ક કર્યો. ત્યારબાદ બન્ને પક્ષો વચ્ચે બેઠકો સિલસિલો શરૂ થયો.
સિંધુ જળ સંધિ પાછળની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
સિંધુ નદીનો વિસ્તાર લગભગ 11.2 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે. આ વિસ્તાર પાકિસ્તાન (47 ટકા), ભારત (39 ટકા), ચીન (8 ટકા), અને અફઘાનિસ્તાન (6 ટકા)માં આવેલ છે.
એક આંકડા પ્રમાણે લગભગ 30 કરોડ લોકો સિંધુ નદીની આસપાસના વિસ્તારોમાં રહે છે.
અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીની વેબસાઇટ પર આ સંધિ પાછળની કહાણી આપેલી છે. એરૉન વોલ્ફ અને જોશુઆ ન્યુટને પોતાના કેસ સ્ટડીમાં જણાવ્યું છે કે 1947માં ભારતના વિભાજન અગાઉ જ પંજાબ અને સિંધ પ્રાંત વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો.
1947માં ભારત અને પાકિસ્તાનના એન્જિનિયરો મળ્યા અને તેમણે પાકિસ્તાન તરફ આવતી બે મુખ્ય નહેરો પર એક સ્ટેન્ડસ્ટીલ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. તેનાથી પાકિસ્તાનને સતત પાણી મળતું રહ્યું. 31 માર્ચ 1948 સુધી આ સમજૂતી લાગુ હતી.
જમાતઅલી શાહ મુજબ પહેલી એપ્રિલ 1948ના રોજ સમજૂતી લાગુ ન રહી ત્યારે ભારતે બે મુખ્ય નહેરો પર પાણી રોકી દીધું. તેથી પાકિસ્તાની પંજાબમાં 17 લાખ એકર જમીનની હાલત ખરાબ થઈ ગઈ.
ભારતે આ પગલાં માટે ઘણાં કારણો જણાવ્યાં તેમાંથી એક કારણ એ હતું કે ભારત કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર દબાણ બનાવવા માંગતું હતું. ત્યાર પછી સમજૂતીના પગલે ભારત પાણી પુરવઠો શરૂ કરવા તૈયાર થયું.
સ્ટડી મુજબ 1951માં વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ટેનસી વેલી ઑથૉરિટીના પૂર્વ પ્રમુખ ડેવિડ લિલિયંથલને ભારત બોલાવ્યા હતા. તેઓ પાકિસ્તાન પણ ગયા હતા અને અમેરિકા પરત જઈને સિંધુ નદીના વિભાજન પર એક લેખ લખ્યો.
આ લેખ વર્લ્ડ બૅન્કના વડા ડેવિડ બ્લેકે પણ વાંચ્યો હતો. તેમણે ભારત અને પાકિસ્તાનનો સંપર્ક કર્યો અને બંને દેશો વચ્ચે બેઠકોનો સિલસિલો શરૂ થયો.
લગભગ એક દાયકા સુધી બેઠકો ચાલી. અંતે 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં સિંધુ નદી સમજૂતી પર હસ્તાક્ષર થયા.

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જેટલી વખત વિવાદ વધ્યો છે, એટલી વખત સિંધુ જળ સંધિ તોડવાની વાત કરવામાં આવી છે.
સિંધુ જળ સંધિને બે દેશો વચ્ચે જળ વિવાદ અંગે એક સફળ આંતરરાષ્ટ્રીય ઉદાહરણ માનવામાં આવે છે.
60 વર્ષ અગાઉ ભારત અને પાકિસ્તાને આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે બે પૂર્ણ કક્ષાના યુદ્ધ, કારગિલમાં એક મર્યાદિત યુદ્ધ અને હજારો અવરોધો વચ્ચે પણ સંધિ ટકી રહી હતી. તેનો વિરોધ થયો હતો છતાં સંધિને અસર નહોતી થઈ.
પુલવામા હુમલા પછી એવું લાગતું હતું કે ભારત સિંધુ જળ સંધિ રદ કરશે, પરંતુ એવું થયું ન હતું.
સિંધુ બેસિન ટ્રીટી પર 1993થી 2011 સુધી પાકિસ્તાનના કમિશનર રહી ચૂકેલા જમાતઅલી શાહે કહ્યું કે, “આ સમજૂતીના નિયમો પ્રમાણે કોઈ પણ એક તરફી રીતે આ સંધિને રદ કરી શકતા નથી કે બદલી શકતા નથી. બંને દેશો મળીને આ સંધિમાં ફેરફાર કરી શકે અથવા નવી સંધિ બનાવી શકે છે.”
પાણીને લગતા વૈશ્વિક વિવાદો પર પુસ્તક લખનાર બ્રહ્મ ચેલ્લાનીએ ‘હિંદુ’ના એક લેખમાં લખ્યું હતું કે, “પાકિસ્તાન આતંકી જૂથોનો ઉપયોગ કરે છે એવું કારણ આપીને ભારત વિયેના સંધિના લૉ ઑફ ટ્રીટીઝની કલમ 62 હેઠળ આ સંધિમાંથી પાછળ ખસી શકે છે, આંતરરાષ્ટ્રીય કોર્ટ પ્રમાણે મૂળભૂત સ્થિતિમાં પરિવર્તન થાય તો કોઈ પણ સંધિને રદ કરી શકાય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS