Source : BBC NEWS

પહલગામ હુમલો, સરકાર અને સુરક્ષાબળોની ક્યાં ચૂક થઈ, સર્વદળીય બેઠક, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલો થયા પછી કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિ સામે પણ સવાલ થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો એક મોટો વાયદો હતો.

વર્ષ 2019માં સરકારે કલમ 370 નાબૂદ કરી હતી. તેના દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવામાં આવ્યો. એ સમયે વડા પ્રધાન મોદીએ કલમ 370ની નિંદા કરી હતી.

તેમણે કહેલું કે, ‘કલમ 370 એક સાધન છે. તેનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંક, હિંસા અને ભ્રષ્ટાચાર ફેલાવવામાં આવતો હતો.’

ત્યારથી લઈને પહલગામ સુધી, મોદી સરકારનો દાવો રહ્યો છે કે તેમના શાસનનાં દસ વર્ષો દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને અહિંસાનો નવો યુગ શરૂ થયો છે.

મંગળવારના હુમલાને જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલો સૌથી ઘાતક ચરમપંથી હુમલો મનાય છે.

આ હુમલા પછી ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે. તેમાં સૌથી મોટા સવાલ સરકારની જમ્મુ-કાશ્મીર નીતિ સામે છે. એટલે કે, સરકારની નીતિ કેટલી સફળ રહી?

જે દાવા કરાયા તેની હકીકત શી છે? આ ઘટના પછી આ નીતિનું શું થશે?

આ બધા સવાલોના જવાબ જાણવા માટે બીબીસીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી.

મોદી સરકારની જમ્મુ-કાશ્મીર નીતિ અને દાવા

પહલગામ હુમલો, સરકાર અને સુરક્ષાબળોની ક્યાં ચૂક થઈ, સર્વદળીય બેઠક, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2014થી જ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવાનો મોદી સરકારનો એક મોટો વાયદો હતો. ફરી વાર સત્તામાં આવ્યા પછી મોદી સરકારે કલમ 370 નાબૂદ કરી. સરકારનો દાવો હતો કે તેનાથી ત્યાંની પરિસ્થિતિ સામાન્ય થશે.

સરકારે જાહેરાત કરી કે ભારતનાં બાકીનાં રાજ્યના લોકો પણ હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે અને ઘર બનાવી શકે છે.

પર્યટન અને સુરક્ષા, આ નીતિના મહત્ત્વના ભાગ હતા. સરકારે ઘણી વાર દાવો કર્યો કે કલમ 370 નાબૂદ થઈ ગયા પછી જમ્મુ-કાશ્મીરમાં પર્યટકોની સંખ્યા ઘણી વધી છે. આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે.

વર્ષ 2024માં 34 લાખ કરતાં વધારે પર્યટકો જમ્મુ-કાશ્મીર ગયા હતા. જમ્મુ-કાશ્મીર માટે આ એક નવો રેકૉર્ડ હતો. બૉર્ડર ટૂરિઝમની પણ શરૂઆત કરવામાં આવી.

આ ઉપરાંત, સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ઘણી મૂળભૂત–માળખાકીય સંરચનાઓનું નિર્માણ કરવામાં આવ્યું. ઘણી ટનલ બની. તેણે જમ્મુ-કાશ્મીરના સુદૂર વિસ્તારોને એકબીજા સાથે જોડવાનું કામ કર્યું.

ચાલુ વર્ષે વડા પ્રધાન મોદીએ સોનમર્ગ ટનલનું ઉદ્‌ઘાટન કર્યું. આ ટનલ સોનમર્ગ અને ગગનગિરિને જોડે છે. આ પરિયોજના પૂર્ણ થવા પાછળ લગભગ 2,700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.

પહલગામ હુમલો, જમ્મુ-કાશ્મીર સરકાર અને સુરક્ષાબળોની ક્યાં ચૂક થઈ, સર્વદળીય બેઠક, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઉચ્ચ શિક્ષણ માટે ઘણી સંસ્થાઓ ખોલવામાં આવી. એટલે સુધી કે, સિધરામાં એક ગોલ્ફ કોર્સ પણ બનાવવામાં આવ્યો.

સરકાર દ્વારા દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને ટૅબલેટ્સ આપવામાં આવ્યાં.

ઘણું બધું કરીને સરકાર દ્વારા એ દર્શાવવામાં આવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ભયનો યુગ પૂરો થઈ ગયો છે. સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ચરમપંથી તત્ત્વોને કાબૂ કરી લેવાયા છે.

વર્ષ 2019માં કલમ 370 હટાવ્યાનાં પાંચ વર્ષ પછી વડા પ્રધાન મોદીએ વર્ષ 2024માં પહેલી વાર જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કર્યો.

તેમનો આ પ્રવાસ લોકસભા ચૂંટણીના થોડાક દિવસ પહેલાં થયો હતો. શ્રીનગરમાં એક મોટી સભામાં વડા પ્રધાને કહેલું કે, કાશ્મીરી હવે ‘આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છે’.

તેમણે કહ્યું, “કલમ 370 નાબૂદ થયા પછી કાશ્મીર પ્રગતિ અને સમૃદ્ધિનાં નવાં શિખરો સર કરી રહ્યું છે. સ્થાનિક લોકો મુક્તપણે શ્વાસ લઈ શકે છે. આ આઝાદી કલમ 370 હટી ગયા પછી આવી છે. દાયકાઓ સુધી કૉંગ્રેસ અને તેના સહયોગીઓએ કલમ 370 વિશે જમ્મુ-કાશ્મીર અને દેશના લોકોને ગેરમાર્ગે દોર્યા.”

જોકે, આ દરમિયાન સમસ્યાઓ પણ આવી. વર્ષ 2017માં અમરનાથ યાત્રાળુઓ પર ચરમપંથીઓએ હુમલો કર્યો. તેમાં આઠ યાત્રાળુઓનાં મૃત્યુ થયાં.

વર્ષ 2019માં કલમ 370 હટી તે પહેલાં, ખીણના પુલવામામાં થયેલા ચરમપંથી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો માર્યા ગયા.

કઈ વાતની જરૂર છે?

પહલગામ હુમલો, જમ્મુ-કાશ્મીર સરકાર અને સુરક્ષાબળોની ક્યાં ચૂક થઈ, સર્વદળીય બેઠક, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસીએ કાઉન્ટર ટેર્‌રિઝમ વિશેષજ્ઞ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉન્ફ્લિક્ટ મૅનેજમેન્ટના ડૉ. અજય સાહની સાથે વાત કરી.

તેમણે કહ્યું, “જ્યાં સુધી કાઉન્ટર ટેર્‌રિઝમની વાત છે, આ સરકારે એવું કશું નથી કર્યું જે અગાઉ નહોતું થતું. પૉલિસી, જે પહેલાં હતી, એ જ આજે પણ છે. તેનાથી ચરમપંથ પર કશો ફરક નથી પડ્યો.”

“પહેલાં લોકો કહેતા હતા કે, ડેવલપમેન્ટ લઈને આવ્યા છે. હવે કહે છે કે, ઇન્વેસ્ટમેન્ટ લાવ્યા છે. મને નથી દેખાતું. કદાચ, બે-ચાર રોડ બની ગયા; પહેલાં પણ બન્યા હતા. ભલે ને આમણે તેનું ઉદ્‌ઘાટન કર્યું હોય, ટનલ આમના જમાનમાં નથી બની.”

તેમણે કહ્યું કે, ‘કાઉન્ટર ટેર્‌રિઝમ માત્ર સુરક્ષાદળોની સફળતા હોય છે. સરકારનું કામ નીતિ બનાવવાનું અને સંવાદ વધારવાનું હોય છે.

સાહનીના મતાનુસાર, આ પાસામાં મોદી સરકાર વધુ સફળ નથી રહી.

તેઓ કહે છે, “કાઉન્ટર ટેર્‌રિઝમ માત્ર સુરક્ષાદળોની સફળતા હોય છે. તેમાં અગાઉ નિષ્ફળતા પણ મળી. તેમાંથી શીખ્યા, બદલાયા. પછી થોડી થોડી ક્ષમતા અને યોગ્યતા વધારવામાં આવી.”

“સુરક્ષાદળોનું કામ રાજદ્વારી મુદ્દાને ઉકેલવાનું નથી. તે તમને એક હદ સુધી કોઈ વિસ્તાર કે તેના લોકો પર નિયંત્રણ આપી શકે છે. ત્યાર પછી રાજકીય પહેલની જરૂર હોય છે. તે ક્યારેય નથી.”

સાહની અનુસાર, “જે રાજકીય પહેલ છે, તે ભાગલા પાડનારી અને ધ્રુવીકરણ કરનારી છે. રોજ સવારે તમે કંઈક એવું કહો છો કે કરો છો, જેનાથી મુસ્લિમ વસ્તીમાં અલગતા જન્મે છે અને હિંદુ વસ્તી વધારે ઉત્તેજિત થાય છે.”

તેમના અનુસાર, “આ વસ્તુઓ ધીમે ધીમે સમાપ્ત કરીને, આખા જમ્મુ-કાશ્મીરને ફરી એક ભારતીય ઓળખમાં લાવવું જોઈએ. તે એક સમાવેશી ઓળખ હોવી જોઈએ, ધ્રુવીકરણવાળી ઓળખ નહીં. તેની સાથે જ, બીજી તરફ ઇસ્લામી ચરમપંથની વાત થાય છે. આ જે બે અતિવાદી વિચારધારાઓ છે, તે એકબીજાના કારણે ફૂલેફાલે છે.”

શું મોદી સરકારની છબિને નુકસાન થયું છે?

પહલગામ હુમલો, જમ્મુ-કાશ્મીર સરકાર અને સુરક્ષાબળોની ક્યાં ચૂક થઈ, સર્વદળીય બેઠક, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય જનતા પાર્ટીનું માનવું છે કે, આ ઘટનાથી સરકારની છબિ અને તેની જમ્મુ-કાશ્મીર નીતિ પર કશી અસર નહીં પડે.

પાર્ટીના પ્રવક્તા પણ આ વાત માને છે કે, સરકારે જમ્મુ-કાશ્મીરના મામલે જે વિશ્વાસ મેળવ્યો હતો, તે વિશ્વાસ પાછો ઊભો થતાં સમય લાગશે.

ભાજપ પ્રવક્તા આરપી સિંહે બીબીસીને કહ્યું, “આનાથી સરકારની છબિ પર કશી આંચ નહીં આવે. સમસ્યા ગ્રાઉન્ડ પર હશે. જે લોકોને કાશ્મીર પર વિશ્વાસ હતો, તે ડગી ગયો છે. ખાસ કરીને, પર્યટકોનો વિશ્વાસ.”

“જમ્મુ-કાશ્મીર પર્યટન માટે જાણીતું છે. ટુરિસ્ટ સેક્ટરમાં લોકોનો વિશ્વાસ ઊભો કરવામાં ખૂબ સમય લાગ્યો. સુરક્ષા ફરીથી એક મોટો મુદ્દો બની ગઈ છે. પરંતુ તેનાથી સરકારની જમ્મુ-કાશ્મીર નીતિ નહીં બદલાય. જમ્મુ-કાશ્મીરને ભારતની મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસ આગળ પણ ચાલુ રહેશે.”

તેમણે કહ્યું, “આજે જમ્મુ-કાશ્મીરના યુવા પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. મુસ્લિમ યુવા પણ કરી રહ્યા છે. અત્યારે સરકારનું પહેલું કામ એ રહેશે કે લોકોને ફરી કાશ્મીર પર વિશ્વાસ બેસે. ભારતીય પર્યટકો પર આની અસર પડશે. રાજ્યની અર્થવ્યવસ્થા પણ નબળી થશે.”

શું મોદી સરકારની કાશ્મીર નીતિ નિષ્ફળ નીવડી છે?

પહલગામ હુમલો, જમ્મુ-કાશ્મીર સરકાર અને સુરક્ષાબળોની ક્યાં ચૂક થઈ, સર્વદળીય બેઠક, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ, કાશ્મીરી વિશેષજ્ઞોનું માનવું છે કે, સરકારના વાયદા ક્યારેય સાચા હતા જ નહીં. એ તો બસ ખરા મુદ્દા છુપાવવા માટેનાં આવરણ હતા.

રાજકીય વિશેષજ્ઞ અને કાશ્મીર યુનિવર્સિટીમાં પ્રોફેસર નૂર અહમદ બાબા કહે છે કે, સરકાર પોતાની કાશ્મીર નીતિનો અમલ ન કરી શકી.

તેમણે બીબીસીને કહ્યું, “જ્યારે કલમ 370 હટાવવામાં આવી, ત્યારે કહેવાયું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ચરમપંથ અને અલગતાવાદને જડમૂળથી ખતમ કરવામાં આવી રહ્યા છે. ત્યાર પછી જમ્મુ-કાશ્મીરની સિ સિક્યૉરિટીનો કંટ્રોલ દિલ્હીના હાથમાં હતો.”

“ત્યાર પછી પરિસ્થિતિમાં સુધારો થવા લાગ્યો હતો અને ટૂરિઝમ મજબૂત થઈ રહ્યું હતું. જોકે, ત્યારે પણ જમ્મુ અને કાશ્મીરના અમુક વિસ્તારોમાં હિંસા થઈ રહી હતી. પરંતુ કહેવામાં આવ્યું કે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. લોકોનો વિશ્વાસ પાછો આવી ગયો છે.”

નૂર અહમદનું કહેવું છે કે, મંગળવારે થયેલો હુમલો આ વાતને નકારે છે.

તેમના અનુસાર, “અહીં સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતા છે. આ અતિ આત્મવિશ્વાસનું પરિણામ પણ છે. હવે કેન્દ્ર સરકાર માટે એમ કહેવું મુશ્કેલ હશે કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ ઠીક છે. આ ઘટના એક રીતે સરકારની જમ્મુ-કાશ્મીર નીતિની નિષ્ફળતા છે.”

શું પહેલાં કરતાં પરિસ્થિતિ બદલાઈ છે?

પહલગામ હુમલો, જમ્મુ-કાશ્મીર સરકાર અને સુરક્ષાબળોની ક્યાં ચૂક થઈ, સર્વદળીય બેઠક, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

મનોહર પર્રિકર સુરક્ષા અધ્યયન અને વિશ્લેષણ સંસ્થા (એમપી-આઇડીએસએ)ના સભ્ય આદિલ રશીદ સાથે પણ બીબીસીએ વાત કરી.

આદિલ રશીદનું મંતવ્ય છે, “વર્ષ 2019માં જ્યારથી કલમ 370 હટાવવામાં આવી, ત્યારથી જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિમાં સતત સુધારો થયો છે. તેની સાથે વિકાસ પણ ખૂબ સારો થયો છે. શરૂઆતમાં એક અનિશ્ચિતતાની સ્થિતિ હતી, જે હવે ખતમ થતી જાય છે.”

તેઓ કહે છે, “તેનું પ્રમાણ એ છે કે આ ઘટનાના વિરોધમાં પરમ દિવસની રાતે રેલી અને કૅન્ડલ માર્ચ નીકળી. ત્યાર પછી ઇમામોએ મસ્જિદોમાંથી આ હુમલાની નિંદા કરી. જમ્મુ-કાશ્મીરના બધા સમુદાયોએ આની સખત ટીકા કરી છે. સરકાર અને સુરક્ષાદળો માટે આ ખૂબ ઉત્સાહવર્ધક સંકેત છે.”

તેઓ કહે છે, “મને નથી લાગતું કે જમ્મુ-કાશ્મીરના વિકાસની કોઈ પણ નીતિમાં ફેરફાર થશે. જોકે, એક અસરકારક સુરક્ષાનીતિ જરૂર આવશે.”

આદિલ રશીદનું કહેવું છે, “જેઓ સરકારના સૌથી મોટા ટીકાકાર પણ છે, તેઓ પણ આ વાતને નકારી નથી શકતા કે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ નથી થયો. કાશ્મીરના જે સામાન્ય નાગરિકો છે તેમને ખૂબ ફાયદો થયો છે.”

“જેમના મનમાં રાજકીય વિચાર છે, તે હંમેશાં રહેશે. પરંતુ વાસ્તવિક રીતે ખૂબ સુધારો થયો છે. દેશના નાગરિકોને વિશ્વાસ છે કે પરિસ્થિતિ ઠીક થઈ છે.”

તેમના અનુસાર, “એક એવી ઘટના થઈ પણ જાય તો નાગરિકોને આ કોઈ ટ્રેન્ડ નહીં લાગે. આ એક ખૂબ મોટો હુમલો જરૂર છે. તેમાં રાજદ્વારી અને સેનાના સ્તરે નક્કર કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યાંના લોકોને સરકાર પર જે ભરોસો બેઠો છે, મને નથી લાગતું કે તે કમજોર થશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS