Home તાજા સમાચાર gujrati ‘પહેલાં દસ લાખ ભરો, પછી પ્રસૂતિ’ હૉસ્પિટલના હઠાગ્રહને લીધે જોડિયા દીકરીઓને જન્મ...

‘પહેલાં દસ લાખ ભરો, પછી પ્રસૂતિ’ હૉસ્પિટલના હઠાગ્રહને લીધે જોડિયા દીકરીઓને જન્મ આપ્યા પછી માતાનું મોત

2
0

Source : BBC NEWS

પુણેમાં સગર્ભા મહિલાનું  મૃત્યુ વિવાદ, પંડિત દીનાનાથ મંગેશકર હૉસ્પિટલ, દેવેન્દ્ર ફડણવીસ તપાસ કમિટી આદેશ, ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC & Fb/Sushma Andhare

જોડિયા દીકરીઓને જન્મ આપ્યા બાદ સારવારમાં કથિત વિલંબને કારણે પુણેમાં મહિલાનું પીડાને કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું છે.

30 વર્ષનાં ઇશ્વરી ભીસેના સંબંધીઓનો આરોપ છે કે ઇશ્વરીને પ્રસૂતિ દરમિયાન ઘણો બધો રક્ત સ્ત્રાવ થયો હોવા છતાં અહીંની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલે ભંડોળના અભાવે આરોગ્ય સેવા પૂરી પાડવાનો ઇન્કાર કર્યો હતો. સ્થાનિક મીડિયામાં મહિલાનું નામ તનિષા ભીસે હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઇશ્વરીના પતિ સુશાંત ભીસેએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સમયસર સારવાર મળી હોત તો મારી પત્નીનો જીવ બચી શક્યો હોત. સુશાંત ભીસે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમિત ગોરખેના અંગત સહાયક તરીકે કામ કરે છે.

આ ઘટના બાબતે પ્રતિક્રિયા આપતાં દીનાનાથ મંગેશકર હૉસ્પિટલના સંચાલકોએ જણાવ્યું હતું કે મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અધૂરી છે અને વહીવટીતંત્ર તપાસ માટે તૈયાર છે.

આ ઘટના પ્રકાશમાં આવતાંની સાથે જ રાજકીય વર્તુળોમાંથી પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કેટલાક સામાજિક કાર્યકરો અને તબીબી વ્યાવસાયિકોએ આ ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરી છે.

મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને કમનસીબ ગણાવીને સમિતિ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા, તો વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે હૉસ્પિટલના મૅનેજમેન્ટ ઉપર શાસકોનો હાથ છે, એટલે જ તેઓ આવું વલણ દાખવી શક્યા હતા.

આ ઘટનાને કારણે પુણે સહિત રાજ્યમાં અનેક જગ્યાએ રોષભર્યા પ્રત્યાઘાત જોવા મળ્યા છે. કેટલાક લોકોએ હૉસ્પિટલની બહાર વિરોધ પણ કર્યો હતો.

ખરેખર શું થયું હતું?

પુણેમાં સગર્ભા મહિલાનું  મૃત્યુ વિવાદ, પંડિત દીનાનાથ મંગેશકર હૉસ્પિટલ, દેવેન્દ્ર ફડણવીસ તપાસ કમિટી આદેશ, ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, SUSHMA ANDHARE/FACEBOOK

ઇશ્વરી સાત માસનાં ગર્ભવતી હતાં. તેમના ગર્ભમાં જોડિયાં સંતાનો હતાં. 28 માર્ચે પ્રસૂતિ દરમિયાન તેમને પીડા અને રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો. તેથી પરિવારજનો તેમને દીનાનાથ મંગેશકર હૉસ્પિટલે લઈ ગયા હતા.

તપાસ કર્યા પછી ડૉક્ટરે જણાવ્યું હતું કે ઇશ્વરીની પ્રસૂતિમાં કૉમ્પ્લિકેશન્શ સર્જાયાં હોવાથી તેમનું તાત્કાલિક સિઝેરિયન કરવું પડશે.

ઇશ્વરીનાં ભાભી પ્રિયંકા પાટીલે કહ્યું હતું, “બન્ને બાળકોનો જન્મ નિર્ધારિત સમય પહેલાં થયો હોવાથી (પ્રિમૅચ્યોર) તેમને નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ(એનઆઈસીયુ)માં રાખવા જરૂરી છે.”

એનઆઈસીયુમાં એક બાળકને રાખવાનો માસિક ખર્ચ રૂ. 10 લાખ થશે. તેથી બે બાળકો માટે રૂ. 20 લાખ તાત્કાલિક જમા કરાવવાનું હૉસ્પિટલ પ્રશાસને ઇશ્વરીના પરિવારજનોને જણાવ્યું હતું.

પ્રિયંકાએ કહ્યું હતું, “આમાં કોઈ ઘટાડો કરી શકાશે કે કેમ, એવું અમે પૂછ્યું ત્યારે ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તમારે ડિપોઝિટ તરીકે રૂ. 10 લાખ જમા કરાવવા પડશે. અમે ત્રણ લાખ રૂપિયા તાત્કાલિક જમા કરવા તૈયાર હતા. એ પૈસા જમા કરીને ઇશ્વરીને દાખલ કરવા અને તેની સારવાર તત્કાળ શરૂ કરવા અમે તેમને વિનંતી કરી હતી.”

જોકે, હૉસ્પિટલે એ વાત ધ્યાનમાં લીધી ન હતી. ઇશ્વરીને લૅબર રૂમમાંથી બહાર કાઢીને ઓપીડીમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં બેથી ત્રણ કલાક રાહ જોયા બાદ પરિવારે ઇશ્વરીને બીજી હૉસ્પિટલમાં ખસેડ્યાં હતાં, જ્યાં બાળકોને જન્મ આપ્યા બાદ તેમનું મોત થયું હતું.

પ્રિયંકાએ કહ્યું હતું, “ડૉક્ટરોએ પૈસા જમા કરવાની વાત ઇશ્વરીની સામે જ કરી હતી. મારાં ભાભીનું બ્લડ પ્રેશર પહેલેથી જ વધારે હતું અને આટલા પૈસાની વ્યવસ્થા તાત્કાલિક થઈ શકે એમ નથી એવી ખબર તેમને પડી ત્યારે તેઓ વધુ ટેન્શનમાં આવી ગયાં હતાં. તેઓ રડવા લાગ્યાં હતાં. તેનો તેમને આઘાત લાગ્યો હતો.”

દીનાનાથ મંગેશકર હૉસ્પિટલને વિનવણી કરવામાં અને ઇશ્વરીને બીજી હૉસ્પિટલમાં લઈ જવામાં બેથી ત્રણ કલાક વેડફાયા હતા. એ દરમિયાન ઇશ્વરીએ કશું ખાધું પણ ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રિયંકાનું કહેવું છે કે એ દરમિયાન ઇશ્વરીને કેટલી પીડા થતી હતી તેની કોઈ ચિંતા હૉસ્પિટલ પ્રશાસને કરી ન હતી.

ભાજપના ધારાસભ્ય અમિત ગોરખેની ઑફિસ અને મંત્રાલય તરફથી ફોન કરવામાં આવ્યા હોવા છતાં ઇશ્વરીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં ન હતાં.

પ્રિયંકના કહેવા મુજબ, “હૉસ્પિટલના બિલિંગ વિભાગનાં મીનાક્ષી ગોસાવીએ કહ્યું હતું કે ‘તમે મુખ્ય મંત્રી રાહત ભંડોળમાંથી પૈસા લાવો અથવા ગમે ત્યાંથી લાવો,’ પણ પૂરા દસ લાખ રૂપિયા જમા કરાવ્યા પહેલાં સારવાર શરૂ થશે નહીં.”

પોતાનાં ભાભીના મોત માટે દીનાનાથ મંગેશકર હૉસ્પિટલ પ્રશાસન, ડૉ. સુશ્રુત ધૈસાસ અને મીનાક્ષી ગોસાવી જવાબદાર હોવાનો આક્ષેપ પ્રિયંકાએ કર્યો છે.

હૉસ્પિટલ પ્રશાસન શું કહે છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ ઘટના સંબંધે દીનાનાથ મંગેશકર હૉસ્પિટલે પ્રતિક્રિયા આપી છે.

મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતાં હૉસ્પિટલના જનસંપર્ક અધિકારી રવિ પાલેકરે કહ્યું હતું, “આ મામલાની આંતરિક તપાસ ચાલી રહી છે અને તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.”

એવું રવિ પાલેકરે ઉમેર્યું હતું, “કેટલાક મીડિયાએ જે માહિતી આપી છે, તે અધૂરી અને એકતરફી છે. તેનાથી હૉસ્પિટલની બદનામી જ થાય છે.”

આ બાબતે વધુ વિગત આપવાનો તેમણે ઇન્કાર કર્યો હતો. તપાસનો અહેવાલ ક્યાં સુધીમાં આવશે, એ બાબતે કશું કહી શકાય નહીં. તે દીનાનાથ હૉસ્પિટલ અને સરકાર વચ્ચેની પ્રક્રિયા છે, એવું પણ તેમણે જણાવ્યું હતું.

હૉસ્પિટલે આ ઘટના સંદર્ભે એક સમિતિની રચના કરીને ત્રણ પાનાનો વિગતવાર અહેવાલ બહાર પાડ્યો હતો. એ અહેવાલમાં હૉસ્પિટલે પોતાનો પક્ષ વિગતવાર રજૂ કર્યો છે.

એ તપાસ સમિતિએ ત્રણ તારણ કાઢ્યાં છેઃ

  • મહિલા માટે ટ્વિન પ્રેગ્નેન્સી જોખમી હતી.
  • માહિતી હોવા છતાં પહેલા છ મહિના સુધી તેઓ એએનસી ચેક-અપ માટે હૉસ્પિટલે આવ્યાં ન હતાં.
  • આ ફરિયાદ સારવારનું ઍડવાન્સ માંગવામાં આવ્યાના ગુસ્સામાં કરવામાં આવી હોય તેવું લાગે છે.

હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. ધનંજય કેલકર, મેડિકલ સુપરિટેન્ડન્ટ ડૉ. અનુજા જોશી, ઇન્ટેન્સિવ કેર યુનિટના વડા ડૉ. સમીર જોગ અને ઍડમિનિસ્ટ્રેટર સચીન વ્યાવરેનો આ સમિતિમાં સમાવેશ થાય છે.

પુણેમાં સગર્ભા મહિલાનું  મૃત્યુ વિવાદ, પંડિત દીનાનાથ મંગેશકર હૉસ્પિટલ, દેવેન્દ્ર ફડણવીસ તપાસ કમિટી આદેશ, ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

દર્દીના જૂના કેસ પેપર્સ, હાલના કેસ પેપર્સ અને સંબંધિત ડૉક્ટર્સનાં નિવેદનો નોંધીને હૉસ્પિટલે તપાસ હાથ ધરી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ, ઇશ્વરી 2020થી સમયાંતરે સારવાર અને સલાહ લેવા માટે હૉસ્પિટલમાં આવતાં હતાં. 2020માં 50 ટકા સખાવતનો લાભ લઈને હૉસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી હતી.

હૉસ્પિટલે તેમને 2023માં બાળક દત્તક લેવાની સલાહ આપી હતી, કારણ કે ગર્ભાવસ્થા તેમના માટે જોખમી હતી અને સલામત પ્રસૂતિની કોઈ શક્યતા ન હતી.

અહેવાલ જણાવે છે કે, “માતા અને બાળકની સલામતી માટે પ્રસૂતિ પૂર્વેની તપાસ (એએનસી) ઓછામાં ઓછી ત્રણ વખત કરાવવાની સૂચના બધી હૉસ્પિટલોને આપવામાં આવી છે. તેમણે હૉસ્પિટલમાં એવી તપાસ કરાવી ન હતી અને બહાર કરાવી હોય તો હૉસ્પિટલને તેની જાણ નથી.”

ઇશ્વરીના પરિવારજનો ઇંદિરા આઈવીએફના રિપોર્ટ સાથે 15 માર્ચે ડૉ. સુશ્રુત ઘૈસાસને મળ્યા હતા. ઇશ્વરીનો પ્રસૂતિકાળ અત્યંત જોખમી હોવાનું ડૉ. ઘૈસાસે તેમને જણાવ્યું હતું.

એ ઉપરાંત દર સાત દિવસે ચેક-અપ માટે આવવાની સલાહ તેમને આપવામાં આવી હતી. એ મુજબ, તેમણે 22 માર્ચે હૉસ્પિટલે આવવાનું હતું, પરંતુ તેઓ આવ્યાં ન હતાં, એવું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

પુણેમાં સગર્ભા મહિલાનું  મૃત્યુ વિવાદ, પંડિત દીનાનાથ મંગેશકર હૉસ્પિટલ, દેવેન્દ્ર ફડણવીસ તપાસ કમિટી આદેશ, ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

અહેવાલમાં જણાવ્યા મુજબ, 28 માર્ચે દર્દી ઇમર્જન્સી કે લૅબર રૂમમાં નહીં, પરંતુ ડૉ. ધૈસાસના આઉટપેશન્ટ વિભાગમાં આવ્યા હતા.

ડૉ. ઘૈસાસે તપાસ કરી ત્યારે દર્દીની હાલત સંપૂર્ણપણે સામાન્ય હતી અને તેમને કોઈ તાત્કાલિક સારવારની જરૂર ન હતી, પરંતુ જોખમી અવસ્થાને ધ્યાનમાં રાખીને ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ સારવાર માટે દાખલ થવાની સલાહ અને ખર્ચનો અંદાજ આપવામાં આવ્યો હતો.

અહેવાલ જણાવે છે, “દર્દીના સંબંધીઓએ મેડિકલ ડિરેક્ટર ડૉ. કેલકરને ફોન કરીને પોતાની સમસ્યા જણાવી હતી. ડૉ. કેલકરે તેમને શક્ય હોય તેટલા પૈસા જમા કરાવવા જણાવ્યું હતું.”

દર્દીના કોઈ પણ સંબંધીએ પ્રશાસન કે ચૅરિટી વિભાગની રૂબરૂ મુલાકાત લીધી ન હતી.

એક નર્સે જણાવ્યું હતું કે દર્દી અને તેમના સંબંધીઓ પોતાની બૅગ લઈને ચાલ્યા ગયાં હતાં. થોડા સમય સુધી દર્દીના સંબંધીઓ તરફથી કોઈ હિલચાલ ન થઈ, ત્યારે ડૉ. ઘૈસાસે દર્દીના પતિને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો.

તેથી 28 માર્ચની બપોર પછી દર્દીનું શું થયું તેનો ડૉ. ઘૈસાસ અને હૉસ્પિટલ પ્રશાસનને કોઈ ખ્યાલ ન હતો, એવું હૉસ્પિટલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

સૂર્યા હૉસ્પિટલની માહિતી અનુસાર, અગાઉની સર્જરી અને કૅન્સર વિશેની વિગત છુપાવવામાં આવી હતી, એવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ મુજબ, “હૉસ્પિટલની તબીબી સલાહનું પાલન કરવામાં આવ્યું ન હતું તેમજ તબીબી નિર્દેશકે આપેલી શક્ય હોય તેટલા પૈસા જમા કરાવવાની સૂચનાનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. દર્દીના મૃત્યુને કારણે થયેલી હતાશા અને ઍડવાન્સ માંગવામાં આવ્યાના રોષને કારણે જ આ ફરિયાદ કરવામાં આવી હોવાનો સમિતિનો મત છે.”

અધિવેશનમાં ઉઠાવાશે આ મુદ્દો

પુણેમાં સગર્ભા મહિલાનું  મૃત્યુ વિવાદ, પંડિત દીનાનાથ મંગેશકર હૉસ્પિટલ, દેવેન્દ્ર ફડણવીસ તપાસ કમિટી આદેશ, ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષનાં ઉપનેતા સુષ્મા અંધારેએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે દીનાનાથ હૉસ્પિટલની બેદરકારી અને અસંવેદનશીલતાને કારણે ઇશ્વરી ભીસેએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

તેમણે કહ્યું હતું, “ઇશ્વરી ભીસેને હૉસ્પિટલમાં દાખલ કરો તેવી સૂચના આપતા ફોન અમિત ગોરખેની ઑફિસ અને મંત્રાલયમાંથી કરવામાં આવ્યા હતા. તેમ છતાં મંગેશકર હૉસ્પિટલ જરાય સમજી ન હતી કે પ્રસૂતિની પીડા ભોગવતી વ્યક્તિને માનવતાવાદી દૃષ્ટિકોણ સારવાર માટે દાખલ કરવી જોઈએ.”

સુષ્મા અંધારેએ આક્ષેપ કર્યો હતો કે શાસકોનું મજબૂત પીઠબળ અને છત્રછાયા હોય ત્યારે જ આટલો ઘમંડ તથા બેદરકારી હોઈ શકે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે દીનાનાથ હૉસ્પિટલ વિશે અસંખ્ય ફરિયાદો હોવા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. હૉસ્પિટલમાં મળતી જગ્યા અને વિશેષાધિકારો સત્તામાં રહેલા લોકોને કારણે છે, એ અલગથી કહેવાની જરૂર નથી.

“તેમ છતાં સત્તાધારી પક્ષના ધારાસભ્યની નજીકના સાથીઓ જીવનની હૉસ્પિટલને પરવા ન હોય તો આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આ હૉસ્પિટલ કીડીઓની જેમ કચડી નાખતાં અચકાશે નહીં.”

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર)નાં સંસદસભ્ય સુપ્રિયા સુલેએ પણ આ ઘટનાની ટીકા કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે મંત્રાલયની વિનંતી પણ સાંભળવામાં આવતી ન હોય તો સામાન્ય લોકોએ શું કરવું?

‘રિપોર્ટ પછી યોગ્ય કાર્યવાહી કરીશું’

પુણેમાં સગર્ભા મહિલાનું  મૃત્યુ વિવાદ, પંડિત દીનાનાથ મંગેશકર હૉસ્પિટલ, દેવેન્દ્ર ફડણવીસ તપાસ કમિટી આદેશ, ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, X/Supriya_Sule

મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં જે ઘટના ઘટી તે ‘કમનસીબ’ છે.

“કેટલાક તબીબો અને સ્ટાફે અસંવેદનશીલતા દાખવીને ડિલિવરી માટે આવેલી મહિલાને ઍડમિટ ન કરી અથવા તો વધુ નાણાની માગણી કરી એવી બાબત સામે આવે છે.”

“બધાની અપેક્ષા હોય છે કે સખાવતી હૉસ્પિટલોએ તેની ફરજ સુપેરે બજાવવી જોઈએ. આથી, અમે ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કર્યું છે. કમિટી આ ઘટનાની તપાસ કરશે અને આવી ઘટનાઓ ફરીથી ન બને તથા સખાવતી હૉસ્પિટલોને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય, તેના વિશે ભલામણ આપશે.”

પુણેના જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર ડૂડીએ આ ઘટના બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કોની ભૂલ છે તેની ખબર રિપોર્ટ આવ્યા પછી પડશે.

તેમણે કહ્યું હતું, “અમે આ ઘટનાની નોંધ લીધી છે અને યોગ્ય કાર્યવાહી કરીશું. આ બાબતે કડક કાર્યવાહી નિશ્ચિત રીતે જરૂરી છે, પરંતુ કોની ભૂલ છે તેની ખબર રિપોર્ટ આવ્યા પછી જ પડશે. અમે બે દિવસમાં રિપોર્ટ આપવા જણાવ્યું છે.”

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકૂળેએ આ ઘટના બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ખરેખર શું ખોટું થયું છે તેની તપાસ સરકાર કરશે.

તેમણે કહ્યું હતું, “આ ઘટનામાં અમે કોઈને માફ કરીશું નહીં. દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરીશું. કાર્યવાહી જરૂર કરવામાં આવશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS