Source : BBC NEWS
ચેતવણીઃ આ અહેવાલની કેટલીક માહિતી વાચકોને વ્યથિત કરી શકે છે.
પાકિસ્તાનના સરાય આલમગીરમાં ચાર વર્ષની બાળકી ઝહરા પર બળાત્કાર અને હત્યાનો મામલો જેટલી નાટકીય રીતે ઉકેલાયાનો દાવો કરવામાં આવતો હતો, તેના કરતા પણ વધુ નાટકીય રીતે આ કેસનો અંત આવ્યો છે.
પોલીસ અધિકારીઓએ દાવો કર્યો કે તેમણે મુખ્ય આરોપીની ઓળખ કરી લીધી છે જે પહેલેથી તેમની કસ્ટડીમાં છે. જોકે, થોડા જ કલાકોમાં મુખ્ય આરોપી શંકાસ્પદ સ્થિતિમાં ફરાર થઈ ગયો અને પછી રહસ્યમય રીતે તેનું મોત પણ થયું.
બીબીસી સાથે વાત કરતા પંજાબ પ્રાંતના ગુજરાતના ડીએસપી આમિર શિરાજીએ પુષ્ટિ કરી કે, “આરોપીને અજાણ્યા લોકોએ માથામાં ગોળી મારી દીધી જેથી તેનું મોત નિપજ્યું હતું. હવે આ કેસની તપાસ ચાલી રહી છે.”
પરંતુ આ બધું કેવી રીતે થયું?
ગુરુવારે મધ્ય પંજાબના ગુજરાત જિલ્લાની પોલીસે પુષ્ટિ કરી કે ચાર વર્ષની ઝહરા પર બળાત્કાર અને હત્યાના 11 દિવસ પછી ડીએનએ મૅચ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
શુક્રવારે આરોપીને કોર્ટમાં રજૂ કરવાનો હતો. ઘટનાની તપાસ દરમિયાન અટકાયત કરાયેલા પાંચ શંકાસ્પદોમાં 34 વર્ષીય આરોપી પણ સામેલ હતો.
પાંચમી જાન્યુઆરીએ બળાત્કાર અને હત્યાની આ ઘટના સરાય આલમગીરના ખોહર ગામે બની હતી. બાળકીની લાશને બોરીમાં ભરીને નિર્જન મકાનમાં ફેંકી દેવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મેડિકલ રિપોર્ટમાં પણ બાળકી પર બળાત્કાર થયો હોવાનું સાબિત થયું હતું.
ગુજરાતના ડીએસપીના જણાવ્યા અનુસાર શરૂઆતમાં બાળકીના અપહરણના કેસની એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે મેડિકલ રિપોર્ટમાં હત્યા અને બળાત્કાર સાબિત થવાથી કલમ 376 પણ ઉમેરવામાં આવી હતી.
આરોપી અંધારામાં ભાગ્યો અને પછી મૃતદેહ મળી આવ્યો
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સરાય આલમગીરમાં બાળકીની હત્યાના મુખ્ય આરોપી મોહમ્મદ નદીમને ઘટના સમયે પહેરેલાં કપડાં શોધવા માટે પોલીસ ખોહર ગામમાં લઈ જઈ રહી હતી, પરંતુ આ દરમિયાન આરોપી ફરાર થઈ ગયો. મોડી રાત્રે એક નિર્જન વિસ્તારમાંથી આરોપીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસના નિવેદન મુજબ 16 જાન્યુઆરી, 2025ની રાત્રે આરોપી પોલીસ કસ્ટડીમાંથી ધુમ્મસ અને અંધારાનો ફાયદો ઉઠાવીને નાસી છુટ્યો હતો. તેણે કૉન્સ્ટેબલને ધક્કો માર્યો, વાહનમાંથી કૂદી ગયો અને હાથકડી સાથે ફરાર થઈ ગયો.
આ ઘટના વિશે નોંધાયેલી એફઆઈઆર અનુસાર, “પોલીસે આરોપીઓનો પીછો કર્યો અને એક જગ્યાએ તેમને બે-ત્રણ લોકોનો અવાજ, ગાળો અને પછી ગોળીબારનો અવાજ સંભળાયો હતો.”
એફઆઈઆર પ્રમાણે “પોલીસે જ્યારે તેમને બોલાવ્યા ત્યારે અજાણ્યા લોકો ભાગી ગયા. પરંતુ તેમને ઘટનાસ્થળે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિ મળી જેને હોસ્પિટલે લઈ જવાયો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો. તેની ઓળખ ઝહરાના કેસમાં આરોપી તરીકે થઈ હતી.”
આરોપી કેવી રીતે પકડાયો હતો?
આ અગાઉ ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પોલીસ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, “આરોપીની ઓળખ કરવા માટે પંજાબ ફૉરેન્સિક સાયન્સ એજન્સીના નિષ્ણાતોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે. ઘટનાસ્થળ અને તેની આસપાસની જગ્યાએથી ડીએનએનાં સૅમ્પલો અને અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.”
પોલીસના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન અલગ-અલગ 73 જગ્યાએથી ડીએનએનાં સૅમ્પલો લેવામાં આવ્યાં હતાં. તેમાંથી 24 જગ્યાએથી માનવ ડીએનએના નિશાન મળી આવ્યાં હતાં. નજીકના ઘરોમાંથી પાંચ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી અને તેમાંથી ત્રણનો પોલિગ્રાફિક ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.
પોલીસે કહ્યું કે, “ત્યાર પછી ડીએનએનાં સૅમ્પલ પંજાબ ફૉરેન્સિક સાયન્સ એજન્સી, લાહોર મોકલવામાં આવ્યા અને શંકાસ્પદ ડીએનએ મૃત છોકરીનાં સૅમ્પલો સાથે મૅચ થઈ ગયાં.”
આ કેસ દરમિયાન આરોપી સુધી પહોંચવામાં પોલીસને ડીએનએ સૅમ્પલની મદદ મળી. એટલું જ નહીં, ડીએસપી સિટી ગુજરાત આમિર શિરાજી મુજબ ઘટના પછી મળેલા સીસીટીવી ફૂટેજના 77 સૅકંડના ઑડિયોએ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પોલીસે બીબીસીને મહત્ત્વની માહિતી આપી જેના દ્વારા તેમને ઘટનાના 11 દિવસ પછી આરોપીને શોધવામાં મદદ મળી હતી.
77 સૅકંડનો ઑડિયો, દરવાજો બંધ થવાનો અવાજ અને દુકાનનો સીસીટીવી કૅમેરા
પોલીસે બીબીસીને જણાવ્યું કે સીસીટીવી ફૂટેજમાં ઝહરા 3.07 વાગ્યે કૅમેરાની સામેથી ગાયબ થઈ જાય છે. બરાબર 77 સેકન્ડ પછી 3.08 વાગ્યે છોકરીની ચીસ સંભળાય છે.
ઝહરા કહેતી હતી, “ચાચુ…. ચાચુ નથી જવું. … નથી આવવું” અને પછી દરવાજાનો આગળિયો બંધ થવાનો અવાજ પણ રેકૉર્ડિંગમાં સંભળાય છે.
ચીસ ક્યાં પૂરી થાય છે તે જાણવા માટે પોલીસે એક અલગ રીત અપનાવી અને ઝહરા જેટલી જ ઉંમરના એક સ્થાનિક છોકરાને તે જગ્યાથી 77 સૅકંડ સુધી ચાલવા કહ્યું જ્યાંથી ઝહરા કૅમેરાની નજરમાંથી દૂર થઈ જાય છે.
ગુજરાત સિટીના ડીએસપી આમિર શિરાજીએ બીબીસીને જણાવ્યું કે, “જે દરવાજા પાસે આગળિયાનો અવાજ સાંભળીને છોકરો અટકી ગયો, તે આરોપીના ઘરનો દરવાજો હતો.”
જોકે, પોલીસ સામે બીજી એક સમસ્યા હતી. આ ઘરની બરાબર સામે જ બીજું એક ઘર પણ છે. તેથી છોકરી કયા ઘરમાં ગઈ હતી તે કેવી રીતે ખબર પડે?
અહીં પોલીસે બંને ઘરના દરવાજાના આગળિયા બંધ કરવાનો અવાજ રેકૉર્ડ કર્યો અને પછી તેને સીસીટીવીમાં રેકૉર્ડ થયેલા અવાજ સાથે મૅચ કર્યો.
ઘટનાની તપાસ કરી રહેલા ડીએસપી આમિર અબ્બાસ શિરાઝીએ જણાવ્યું કે, “આરોપીનો દરવાજો ભારે હતો અને તેનો અવાજ રેકૉર્ડ કરેલા ઑડિયો સાથે મેળ ખાતો હતો. બીજો દરવાજો હળવો હતો અને તેનો અવાજ મેળ ખાતો નહોતો.”
ઘરની ઓળખ કર્યા પછી પોલીસે એ જાણવાનું હતું કે આરોપી તે સમયે ઘટનાસ્થળે હાજર હતો કે નહીં.
આરોપીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે ઘટના સમયે તે એક દુકાને ગયો હતો. પરંતુ દુકાનનાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યાં, તો તે ત્યાં ન હતો.
ડીએસપી આમિર શિરાજીએ કહ્યું કે, “આરોપી તે વખતે ઘરમાં એકલો હતો. તેના ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ કરતા જાણવા મળ્યું કે તે વખતે તેણે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો ન હતો.”
આ બધું જાણ્યા પછી પોલીસને ખબર પડી કે જે નિર્જન જગ્યાએથી છોકરીનો મૃતદેહ મળ્યો હતો, તે જગ્યા આરોપીના ઘરની દિવાલને અડીને આવેલી હતી.
પોલીસના કહેવા મુજબ આરોપી છોકરીના મૃતદેહને લઈ જઈ શક્યો નહીં હોય. કઠિન સ્થિતિ જઈ ત્યારે તેણે કોઈ સમયે મૃતદેહને એક કોથળામાં નાખીને એક ખાલી મકાનની છત પરથી નીચે ફેંકી દીધો.
આમિર શિરાજીએ કહ્યું, “જે પ્રકારના કોથળામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો, તેવા કોથળા આરોપીના ઘરમાં હાજર હતા.”
તેમણે બીબીસીને જણાવ્યું કે, “પૉલિગ્રાફ ટેસ્ટ માટે તેમને પંજાબ ફૉરેન્સિક સાયન્સ એજન્સીમાં મોકલવામાં આવ્યો, ત્યારે તેમણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને મહિલા અધિકારીઓને આખી વાત કહી દીધી.”
આ વિશે વધુ માહિતી મેળવવા માટે બીબીસીએ ઝહરાનાં માતા સાથે પણ વાત કરી જેઓ હજુ શોકમગ્ન છે.
‘દીકરો કહે છે બધાને કહી દો કે આપણા ઘેર ન આવે’
પાંચમી જાન્યુઆરીની બપોરે નાનકડી ઝહરા પોતાના ઘરની નજીકમાં રહેતા તેનાં માસીના ઘરે જવા નીકળી હતી. બીજા દિવસે તેનો મૃતદેહ પડોશના એક સૂમસામ ઘરમાંથી એક કોથળામાંથી મળી આવ્યો હતો.
તેની માતા સબા જુનૈદ કહે છે, “તે દિવસે મેં ઝહરાને એક સફરજન ખવડાવ્યું અને ફીડર પીવડાવ્યું. ત્યાર પછી તેણે પોતાની નાનકડી બૅગ ઉપાડી અને ટ્યૂશન માટે રાજીરાજી થઈને ભાઈની પાછળ ગઈ અને પછી અમારું જીવન વેરાન થઈ ગયું. હવે અમે જીવતી લાશો જેવા છીએ, અમે એવા મડદાં છીએ જે ખુલ્લી અને વેરાન આંખોથી દુનિયાને જોઈ રહ્યા છીએ.”
ઝહરાનો જન્મ તેનાં માતાપિતાનાં લગ્નનાં 13 વર્ષ પછી થયો હતો. તેની માતા સબા જુનૈદ માટે આ અસહ્ય ઘટના છે.
સબા પોતાની દીકરીને યાદ કરીને રડતાં રડતાં કહે છે, “તે દિવસે હું ખૂબ ખુશ હતી કે તેણે આટલી આરામથી ભોજન કરી લીધું. પછી તેણે કહ્યું, ‘મા, મારે પણ ભણવા જવું છે.’ મને પૂછ્યા વગર તે ક્યારેય ક્યાંય જતી ન હતી.”
“તે જ વખતે મારો દીકરો પણ નજીકમાં રહેતી મારી બહેનના ઘરે જવા રવાના થયો હતો. હું તેને ખુશ હતી પણ તેને નજર લાગી ગઈ. મારી દીકરી બહાર ગઈ પણ જીવતી પાછી ન આવી.”
તેણે એમ પણ કહ્યું કે આ ઘટનાની તેનાં સાત વર્ષના પુત્ર પર એટલી ઊંડી અસર થઈ છે કે તે લોકોના આવન-જાવનથી ડરે છે. “તે હવે કહી રહ્યો છે કે બધાને કહી દો કે આપણા ઘરે ન આવે.”
ઝહરાના પિતા જુનૈદ ઇકબાલ વિદેશમાં રહે છે અને હાલમાં પાકિસ્તાન આવ્યા છે. સબાનું કહેવું છે કે ઝહરાએ જિદ્દ કરીને તેમને બોલાવ્યા હતા.
સબા કહે છે, “અમારાં લગ્નનાં 13 વર્ષ પછી મારી દીકરીનો જન્મ થયો હતો. મેં રડી રડીને અલ્લાહ પાસે દીકરીની દુઆ કરી હતી. તે અમને બહુ વ્હાલી હતી. તેના પિતા તેને બહુ ચાહતા હતા. તેણે પિતાને રડીને બોલાવ્યા કે તમે મારી પાસે આવો.”
પાંચમી જાન્યુઆરીએ શું થયું હતું?
આ ઘટના વિશે બીબીસી સાથે વાત કરતા ઝહરા જુનૈદના કાકા ઉસ્માને કહ્યું, “તે દિવસે અમે બધા એક લગ્નમાં ગયા હતા અને મારી ભાભી અને મારી પત્ની ઘરે હતાં. ઝહરાને મોકલ્યા પછી ભાભીએ તેની બહેનના ઘરે ફોન કર્યો. પછી અમને ખબર પડી કે ઝહરાનો ભાઈ ઘરે પહોંચી ગયો હતો, પરંતુ ઝહરા પહોંચી ન હતી.”
ઝહરા તેની માસીના ઘરે ન પહોંચતા સબા તેને શોધવા નીકળ્યાં હતાં. સબાના કહેવા પ્રમાણે, “અમારી ગલીમાં બાળકો આવતાં-જતાં રહે છે, તેઓ રમતાં હોય છે, રોનક હોય છે. બાળકોને વૅકેશન છે તેથી તેઓ આવતાં-જતાં રહે છે. અમને કલ્પના પણ નહોતી કે અમારા પડોશમાં આવું કંઈક થઈ શકે છે.”
ઉસ્માન કહે છે, “મારા ભાભીના કહેવાથી અમે કૅમેરાનો વીડિયો ચેક કર્યો તો જોયું કે ઝહરા ઘરમાંથી નીકળતી હોય તેવો વીડિયો છે. તે આગળ એક શેરીમાં વળી જાય છે. અમે દરેક જગ્યાએ તપાસ કરી. મેં 15 નંબર પર ફોન કર્યો અને પોલીસ સ્ટેશને ગયો, પોલીસ આવી. તેમણે આસપાસની જગ્યાની તપાસ કરે. બધા કૅમેરા જોયા, પરંતુ તેની ભાળ ન મળી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS