Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
27 મિનિટ પહેલા
પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે ભારતને ચેતવણી આપી છે કે જો તેણે પાકિસ્તાનના પાણીને રોકવા કે તેનું વહેણ બદલવા માટે કોઈ માળખું બનાવ્યું કે નિર્માણ કર્યું તો તેને નષ્ટ કરી દેવાશે.
પાકિસ્તાનની ખાનગી ચૅનલ જિયો ન્યૂઝના કાર્યક્રમ ‘નયા પાકિસ્તાન’માં બોલતાં સંરક્ષણમંત્રીએ કહ્યું, “જો ભારત સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરીને પાણી રોકવા કે તેનું વહેણ બદલવા કોઈ માળખું બનાવશે તો તેને પાકિસ્તાન વિરુદ્ધ હુમલો માનવામાં આવશે અને અમે એ માળખાને નષ્ટ કરી દઈશું.”
તેમણે કહ્યું કે, “સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરવું સરળ નથી, આ પાકિસ્તાન વિરુદ્ધ જંગની જાહેરાત હશે. હુમલો માત્ર તોપના ગોળા કે બંદૂક ચલાવવા સુધી જ સીમિત નથી, તેના ઘણા રૂપ છે, જેમાંથી એક આ પણ છે. આનાથી દેશના લોકો ભૂખ કે તરસથી મરી શકે છે.”
આ પહેલાં 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણાં કડક પગલાં લીધાં હતાં, જેમાં વર્ષ 1960ની સિંધુ જળ સંધિને મોકૂફ રાખવાનો નિર્ણય પણ સામેલ છે.
આ પહેલાં સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચૅરમૅન બિલાવલ ભુટ્ટોના નિવેદન પર ભારતમાં આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી.
બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુક્ખરમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે ‘સિંધુ નદીમાં કાં તો અમારું પાણી વહેશે કાં એમનું લોહી.’
તેમના નિવેદન પર ભારતના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય જળશક્તિમંત્રી સીઆર પાટીલ સહિત ઘણા મોટા નેતાઓએ કઠોર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
જોકે, બીબીસી સાથે વાતચીતમાં બિલાવલ ભુટ્ટોએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે રેલીમાં તેમણે ‘સામાન્ય પાકિસ્તાની જનતાની ભાવનાઓ’ જ વ્યક્ત કરી હતી.
પાકિસ્તાનનો દાવો – ભારત પર વધ્યું આંતરરાષ્ટ્રીય દબાણ

ઇમેજ સ્રોત, Getty Images
જિયો ન્યૂઝના કાર્યક્રમમાં પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, “હાલ પાકિસ્તાન સિંધુ જળ સંધિના ભારત દ્વારા એકતરફી ઉલ્લંઘનના મામલાને ઘણા મંચો પર લઈ જઈ રહ્યું છે.”
તેમણે કહ્યું કે ભારતે પહલગામ ઘટનાના મામલે કોઈ પુરાવા નથી આપ્યા.
બંને દેશો વચ્ચે તણાવ અને યુદ્ધના ખતરા વિશે પુછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે એવું ન કહી શકાય કે યુદ્ધનો ખતરો ટળી ચૂક્યો છે કે ઘટી ગયો છે, ભારતે 2019માં પણ 12 દિવસ બાદ જવાબ આપ્યો હતો.
14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા એક આત્મઘાતી હુમલામાં 40 કરતાં વધુ જવાનનાં મૃત્યુ થયાં હતાં.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા બાદ સતત તણાવ જોવા મળી રહ્યો છે.
ખ્વાજા આસિફે કહ્યું કે પાછલા કેટલાક દિવસોથી ભારત પર વૈશ્વિક સ્તરે દબાણ વધી ગયું છે.
અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના નિવેદન વિશે પુછાયું ત્યારે ખ્વાજા આસિફે કહ્યું કે તેમણે (જેડી વેંસે) બારત માટે પોતાની પ્રતિષ્ઠા બચાવવાની ગુંજાશ છોડી દીધી છે, જેથી એ કંઈક કરવા ઇચ્છે તો કરી શકે.
તેમણે કહ્યું કે આ અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે, કારણ કે નીતિગત નિવેદન વ્હાઇટ હાઉસમાંથી આવે છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે ફૉક્સ ન્યૂઝના એક કાર્યક્રમમાં પહલગામ હુમલા અંગે પાકિસ્તાનને ‘અમુક હદ સુધી જવાબદાર’ ગણાવતાં ભારત સાથે સહયોગ કરવાની આશા વ્યક્ત કરી છે.
ગત ગુરુવારે અપાયેલા એક ઇન્ટરવ્યૂમાં વેંસે કહ્યું હતું કે અમેરિકાને આશા છે કે હાલના હુમલા બાદ “ભારતની પ્રતિક્રિયા એક વ્યાપક ક્ષેત્રીય સંઘર્ષમાં તબદીલ નહીં થાય.”
તેમણે કહ્યું, “અને અમે સ્પષ્ટપણે આશા કરીએ છીએ કે પાકિસ્તાન, જેટલી હદ સુધી એ જવાબદાર છે, ભારતનો સહયોગ એ સુનિશ્ચિત કરવા માટે કરશે કે આતંકવાદીઓને શોધવામાં આવે અને કાર્યવાહી કરાય.”
22 એપ્રિલના રોજ પહલગામ હુમલા સમયે વેંસે પોતાનાં પત્ની ઉષા વેંસ અને બાળકો સાથે ભારતની મુલાકાતે હતા અને તેમણે હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ભારત પર દબાણ વધારવાની પાકિસ્તાનની કોશિશ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સાઉદી અરેબિયા સહિત અન્ય દેશોને ક્ષેત્રોમાં તણાવ ઘટાડવાનો આગ્રહ કર્યો છે અને પ્રયત્ન કર્યો છે કે એ દેશો ભારત પર દબાણ કરે.
રેડિયો પાકિસ્તાન અનુસાર, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાજ શરીફે શુક્રવારે ઇસ્લામાબાદમાં સાઉદી અરેબિયાના રાજદૂત નવાફ બિન સઈદ અલ માલિકી સાથે આ મામલે વાત કરી છે.
કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર હુમલા બાદ દક્ષિણ એશિયામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ કરતાં શહબાઝ શરીફે કહ્યું કે, “આતંકવાદ ભલે ક્યાંય પણ હોય, પાકિસ્તાન તેની નિંદા કરે છે.”
શુક્રવારે વડા પ્રધાન શહબાઝ શરીફે યુએઈના રાજદૂત હમ્માદ અબીદ ઇબ્રાહીમ સાલિમ અલ-ઝાબી સાથે મુલાકાત કરી.
તેમણે કહ્યું, “પાકિસ્તાન ખુદ આતંકવાદનો સૌથી મોટો પીડિત રહ્યો છે.”
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કુવૈતના રાજદૂત નાસિર અબ્દુલ રહમાન જાસરને પણ શુક્રવારના રોજ ઇસ્લામાબાદમાં મુલાકાત કરી.
તેમણે કહ્યું કે પાછલાં અમુક વર્ષોમાં ‘આતંકવાદ’ વિરુદ્ધ પાકિસ્તાનના યુદ્ધમાં 90 હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને પાકિસ્તાને 152 અબજ ડૉલર કરતાં વધુનું આર્થિક નુકસાન વેઠ્યું છે.
ભારત અને પાકિસ્તાન શું કરી રહ્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
પહલગામ હુમલા બાદ ભારતનાં કઠોર પગલાંના જવાબમાં પાકિસ્તાને પણ ઘણાં પગલાં ઉઠાવ્યાં અને કહ્યું છે કે ભારત હવે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ નહીં કરી શકે. આ સિવાય પાકિસ્તાને 1972ની શિમલા સમજૂતી પણ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ ઍસોસિયેશન (પીબીએ)એ ગુરુવારે પાકિસ્તાની એફએમ રેડિયો પર ભારતીય ગીતોનું પ્રસારણ અટકાવી દીધું છે.
પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે દેશભક્તિવાળો આ નિર્ણય આખા દેશની સામૂહિક ભાવનાને રજૂ કરે છે.
પાકિસ્તાનના સૂચના અને પ્રસારણમંત્રી અતાઉલ્લાહ તરારે કહ્યું છે કે, “હું પીબીએના આ નિર્ણયની પ્રશંસા કરું છું. આ બતાવે છે કે અમે દેશની એકતા માટે એક સાથે ઊભા છીએ અને આવા સમયે દેશની મૂળ ભાવનાનું સમર્થન કરીએ છીએ.”
તેમણે કહ્યું, “અમે પૂરા ગર્વ સાથે રાષ્ટ્ર હિતમાં ઉઠાવાયેલા આ પગલા માટે મીડિયા સમૂહોની સરાહના કરીએ છીએ.”
આ દરમિયાન ભારતમાં પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બ્લૉક કરી દેવાયાં. તેમાં શહબાઝ શરીફની આધિકારિક યૂટ્યૂબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ સામેલ છે.
આ પહેલાં પાકિસ્તાની ક્રિકેટરો અને અભિનેતાઓનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ભારતમાં બ્લૉક કરી દેવાયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS