Source : BBC NEWS

પાકિસ્તાન, અયુબ ખાન, જિન્ના, ફાતિમા, બીબીસી ગુજરાતી, ભારત, ભારતના ભાગલા, મહમદઅલી ઝીણા

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, વકાર મુસ્તફા
  • પદ, પત્રકાર અને સંશોધક
  • 18 જાન્યુઆરી 2025, 18:02 IST

    અપડેટેડ 38 મિનિટ પહેલા

પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ) હોય કે પશ્ચિમ પાકિસ્તાન – એક સમય હતો જ્યારે આખો દેશ ફાતિમા જીણાનો દીવાનો હતો.

એ સમય હતો 1964નો; 71 વર્ષીય ફાતિમા ઝીણા રાષ્ટ્રીય ચૂંટણીમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાનની સામે સંયુક્ત વિપક્ષનાં ઉમેદવાર બની ચૂક્યાં હતાં અને જોરશોરથી પોતાનો ચૂંટણીપ્રચાર કરી રહ્યાં હતાં.

આ ચૂંટણીઝુંબેશની ધામધૂમ વિશે ‘ટાઇમ’ મૅગેઝિને 30 ઑક્ટોબર 1964એ છપાયેલા એક રિપોર્ટમાં લખ્યું કે, ઢાકામાં લગભગ અઢી લાખ લોકો તેમને જોવા આવ્યા હતા.

‘ટાઇમ’ મૅગેઝિને લખ્યું હતું, “લગભગ દસ લાખ લોકોએ ઢાકાથી ચટગાંવ સુધીના 293 માઈલ લાંબા રસ્તામાં ઊભા રહીને તેમનું (ફાતિમા ઝીણા) સ્વાગત કર્યું. તેમની ટ્રેન (જેને ફ્રીડમ સ્પેશિયલ નામ આપવામાં આવેલું) 22 કલાક મોડી પોતાના મુકામે પહોંચી; કેમ કે, દરેક સ્ટેશન પર લોકો ચેઇન પુલિંગ કરતા હતા અને તેમને ભાષણ આપવા કહેતા હતા.”

આ જ રીતે ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના 8 નવેમ્બર 1964ના આ સમાચાર અનુસાર, પાકિસ્તાન (પૂર્વ અને પશ્ચિમ)માં ફાતિમા ઝીણા પોતાના સફેદ લિબાસમાં અને રોફદાર ચહેરા સાથે સૌના માટે એક જાણીતું વ્યક્તિત્વ હતાં.

એ સમાચારમાં કહેવાયું હતું, “તેઓ બાહ્ય રીતે એકલાંઅટૂલાં અને લગભગ ઘમંડી લાગતાં હતાં, પરંતુ, તેમનું સ્મિત એવાં પ્રેમ અને ઉષ્મા જન્માવે છે, જેની સામે કોઈ પણ લાચાર થઈ જાય છે.”

“અંગ્રેજીમાં તેમને સાંભળનારાઓ માટે સમજવું લગભગ અશક્ય રહેતું, પરંતુ, તેઓ તેમના દરેક શબ્દને ધ્યાનથી સાંભળે છે. તેમનાં દરેક નિવેદન પછી થતા અનુવાદ, સૂત્રો અને તાળીઓના અવાજમાં દબાઈ જાય છે.”

‘માદર-એ-મિલ્લત’ (રાષ્ટ્રમાતા)નાં સૂત્રો પોકારતી ભીડને જ્યારે તેઓ પૂછતાં કે, ‘શું આપ મારી સાથે છો?’, તો, હામી ભરવા માટે હજારો હાથ જુસ્સાભેર હવામાં લહેરાવા લાગતા.

અયુબ ખાનને સંયુક્ત ઉમેદવારની અપેક્ષા નહોતી

પાકિસ્તાન, અયુબ ખાન, જિન્ના, ફાતિમા, બીબીસી ગુજરાતી, ભારત, ભારતના ભાગલા, મહમદઅલી ઝીણા

ઇમેજ સ્રોત, Getty Images

શાહિદ રશીદે પોતાના પુસ્તક ‘માદર-એ-મિલ્લત, મોહસિના-એ-મિલ્લત’માં લખ્યું છે, “તેઓ સત્તા મેળવી લેવાની ઇચ્છા નહોતાં ધરાવતાં; પરંતુ, બંધારણ નિર્માણ અને જનતાના અધિકારમાં તેમને રસ હતો. સત્તાથી દૂર રહેવા છતાં તેઓ સમયસમયાંતરે તત્કાલીન નેતૃત્વને તેમની ભૂલો વિશે જણાવતાં રહેતાં.”

“જે લોકો લોકશાહીના નામે જનતાના અધિકારોનું હનન કરતા હતા, માદર-એ-મિલ્લતે તેમની આકરી ટીકા કરી અને દેશ જ્યારે સરમુખત્યારીની ચુંગાલમાં ફસાયો ત્યારે તેઓ તેનાં પરિણામો વિશે સામાન્ય લોકોને જણાવતાં રહ્યાં.”

રાજનેતા નવાબજાદા નસરુલ્લા ખાને અઝહર મુનીરના પુસ્તક ‘માદર-એ-મિલ્લત કા જમ્હૂરી સફર’ની પ્રસ્તાવનામાં લખ્યું છે, “તેમણે અયુબ ખાનના માર્શલ લૉ અને તેમની આપખુદશાહીનો પણ ભરપૂર વિરોધ કર્યો. એટલે સુધી કે, તેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં પણ આપખુદ શાસક સામે ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયાં.”

નવાબજાદા નસરુલ્લાહ ખાને આ અંગે એક ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે, “એક વાર મેં ફાતિમા ઝીણાને કહ્યું કે આપણે સાચવીને નીકળ્યાં છતાં પત્રકાર આપણો પીછો કરતાં ફ્લૅગ સ્ટાફ હાઉસ (ફાતિમા ઝીણાનું ઘર) પહોંચી ચૂક્યા છે.”

“જો આપણે અહીંથી બહાર નીકળીને તેમને કશું ન જણાવી શક્યાં તો કાલે પ્રેસમાં એવા સમાચારો છપાશે કે મહોતરમાએ કમ્બાઇન્ડ અપોઝિશનનો પ્રસ્તાવ કબૂલ નથી કર્યો. તેનાથી જનતા ખૂબ ઉદાસ થશે અને અયુબ ખાનને એમના અભિયાનમાં લાભ થશે.”

“મહોતરમાએ મહેરબાની કરીને અમારી રજૂઆત કબૂલ કરી લીધી. તે જ સમયે પ્રેસના પ્રતિનિધિઓને નિર્ણય વિશે જણાવી દેવામાં આવ્યું.”

‘ટાઇમ’ અનુસાર, “અયુબને આશા નહોતી કે વિપક્ષી દળોનું ગઠબંધન, જે છૂપા કૉમ્યુનિસ્ટોથી લઈને દક્ષિણપંથી મુસલમાનો સુધી ફેલાયેલું હતું, એક ઉમેદવાર માટે એકજૂથ થઈ જશે.”

નવાબજાદા નસરુલ્લાહ વિપક્ષની આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા.

તેમણે વકીલ અંજુમના પુસ્તક ‘શમા-એ-જમ્હૂરિયત’ની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, રાષ્ટ્રપતિ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે અયુબ ખાનના કાયદા મંત્રીએ દાવો કર્યો કે વિપક્ષ તેમની વિરુદ્ધ પોતાનો ઉમેદવાર ઊભો નહીં કરી શકે.

“વિપક્ષનાં પાંચ દળોએ કમ્બાઇન્ડ અપોઝિશનના નામથી રાજકીય ગઠબંધન કર્યું. તેમની બેઠકમાં મુસ્લિમ લીગ (કાઉન્સિલ)ના અધ્યક્ષ ખ્વાજા નિઝામુદ્દીન, નિઝામ-એ-ઇસ્લામ પાર્ટીના અધ્યક્ષ ચૌધરી મોહમ્મદ અલી, નૅશનલ અવામી પાર્ટીના અધ્યક્ષ મૌલાના અબ્દુલ હમીદ ભાશાની અને મિયાં મોહમ્મદ અલી કસૂરી, અવામી લીગ તરફથી હું અને શેખ મુજીબુર્રહમાન અને જમાત-એ-ઇસ્લામીમાંથી ચૌધરી રહમત ઇલાહી સામેલ થયા.”

બાદમાં મૌલાના અબુલ આલા મૌદૂદીએ જમાત-એ-ઇસ્લામીનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ પહેલી બેઠક વખતે જેલમાં હતા.

મહમદઅલી ઝીણાનાં બહેન

પાકિસ્તાન, અયુબ ખાન, જિન્ના, ફાતિમા, બીબીસી ગુજરાતી, ભારત, ભારતના ભાગલા, મહમદઅલી ઝીણા

ઇમેજ સ્રોત, NAZARIA PAKISTAN TRUST

નવાબજાદા નસરુલ્લાહ અનુસાર, જોકે, પહેલી બેઠકમાં કોઈ ઉમેદવારના નામ પર વિચાર કરવામાં ન આવ્યો, પરંતુ, મોટા ભાગના નેતાઓનાં મનમાં બે જ નામ હતાં: પહેલું, મહોતરમા ફાતિમા ઝીણાનું અને બીજું, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર આઝમ ખાનનું.

આની માહિતી આપ્યા પછી બધા નેતા કઈ રીતે ફાતિમા ઝીણાને રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બનાવવાના નિર્ણય પહોંચ્યા અને કઈ રીતે તેઓ બે દિવસની મહેતલ પછી તે માટે રાજી થયાં? નવાબજાદા નસરુલ્લાહે લખ્યું છે, “આ નિર્ણયે આખા દેશમાં અનોખો ઉત્સાહ અને જોશ પેદા કર્યો.”

જોરશોરથી ચાલી રહેલા ફાતિમા ઝીણાના ચૂંટણી અભિયાનને નુકસાન પહોંચાડવા માટે અચાનક જાહેરાત કરવામાં આવી કે ચૂંટણી 2 જાન્યુઆરીએ થશે, નહીં કે અગાઉ નક્કી કરાયું હતું તે રીતે માર્ચમાં.

1 ડિસેમ્બર 1964એ ‘જંગ’ અખબારમાં છપાયેલા એક સમાચાર મુજબ, ચૂંટણીપંચે આ વિશે એક જ દિવસમાં ત્રણ નોટિફિકેશન જાહેર કર્યાં, જેમાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવારનાં નામ, તેમનાં ચૂંટણીચિહ્ન અને 2 જાન્યુઆરીએ મતદાનની જાહેરાત કરવામાં આવી.

અયુબ ખાનનું ચૂંટણીપ્રતીક ફૂલ હતું, જ્યારે ફાતિમા ઝીણાનું ફાનસ.

નવાબજાદા નસરુલ્લાહે લખ્યું છે, “તેઓ જ્યાં પણ ગયાં, બાળકો, યુવાન, વૃદ્ધો, પુરુષો અને મહિલાઓ તેમના ચૂંટણીચિહ્ન ફાનસને હાથમાં લઈને તેમના સ્વાગત માટે રસ્તાઓ પર હાજર રહેતાં હતાં.”

“પૂર્વ પાકિસ્તાનના પ્રવાસમાં મહોતરમાએ ઢાકાથી ચટગાંવ સુધીની ટ્રેનની મુસાફરીના શેડ્યૂલના ત્રણ ગણા વધુ સમયમાં મુશ્કેલીથી નિર્ણય કર્યો, કેમ કે, દરેક સ્ટેશન પર લાખો લોકો જીદ કરતા હતા કે મહોતરમા તેમને સંબોધે. લોકો તેમના ભાષણની પોતાની માગણી સ્વીકારાવવા માટે ટ્રેનની આગળ સૂઈ જતા હતા.”

‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’એ લખ્યું કે, મૂળભૂત રીતે ફાતિમા ઝીણાની પસંદગી એટલા માટે કરવામાં આવી, કેમ કે, તેઓ પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાનાં બહેન અને તેમની ખૂબ નિકટ હતાં.

અયુબ ખાનનાં આકરાં ટીકાકાર

પાકિસ્તાન, અયુબ ખાન, જિન્ના, ફાતિમા, બીબીસી ગુજરાતી, ભારત, ભારતના ભાગલા, મહમદઅલી ઝીણા

ઇમેજ સ્રોત, NAWA-E-WAQT

‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ અનુસાર, “આખા દેશમાં વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ વિરોધપ્રદર્શન કર્યાં. મોટા ભાગનાં કાયદાકીય સંગઠન ફાતિમા ઝીણાના સમર્થનમાં આવી ગયાં, જેને અયુબે ‘તોફાની’ કહીને રદ કરી દીધું.”

“સામાન્ય રીતે સરકારની હામાં હા મિલાવનાર અખબારોના સંપાદકોએ નવા આકરા પ્રેસ કાયદાને ‌માનવાનો ઇનકાર કરી દીધો – અયુબના એવા દાવા સામે કે તેઓ ‘મૂળભૂત લોકશાહી’ને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. ફાતિમા ઝીણાએ પૂછ્યું કે, આ કયા પ્રકારની લોકશાહી છે? એક વ્યક્તિની લોકશાહી? પચાસ લોકોની લોકશાહી?”

અખબારે આગળ લખ્યું, “સૌથી ખાસ વાત તો એ કે તેઓ અયુબ પર આપખુદ હોવાનો આરોપ કરે છે… પશ્ચિમના માપદંડોથી જોવામાં આવે તો અયુબ ખરેખર સરમુખત્યાર છે. તેઓ પ્રેસને કંટ્રોલ કરે છે અને ઘણા બધા વિરોધીઓને કેદ કરી ચૂક્યા છે.”

અયુબે તેમના વિશે કહ્યું કે, તે ‘ડોસી, એક ખૂણામાં રહેનાર અને મંદબુદ્ધિ મહિલા’ છે. અયુબ‌ કહેતા હતા કે, જો ફાતિમા ચૂંટાશે તો અફરાતફરી થઈ જશે.

બીજી બાજુ, તેમના વિરોધીઓ સ્પષ્ટ રીતે કહેતા હતા કે, તમે બળજબરીથી અને ડંડાથી સ્થિરતા નહીં મેળવી શકો.

ડૉક્ટર રૂબીના સહગલના રિસર્ચ પેપર ‘ફેમિનિઝમ ઍન્ડ ધ વિમેન્સ મૂવમેન્ટ ઇન પાકિસ્તાન’ અને તે સમયનાં અખબારો અનુસાર, અયુબ ખાને આ ચૂંટણી અભિયાન દરમિયાન ફાતિમા જિન્નાને ‘સ્ત્રીત્વ અને મમતા વગરની’ મહિલા ગણાવ્યાં હતાં.

તે સમયના માહિતી સચિવ અલ્તાફ ગૌહરે પોતાના પુસ્તક ‘ફૌજી રાજ કે પહલે 10 સાલ’માં લખ્યું કે અયુબ ખાને લાહૌરમાં એક પ્રેસ-કૉન્ફરન્સ સાથે વાત કરતાં મિસ ઝીણા અપરિણીત હોવાની બાબતમાં તેમના પર ‘પ્રકૃતિ વિરોધી’ જીવન જીવનારનો આરોપ કરતાં કહ્યું કે, તેઓ “ખરાબ ટેવોવાળા લોકોથી ઘેરાયેલાં છે”.

અહસન અલી બાજવાના ‘માદર-એ-મિલ્લત, ફખ્ર-એ-મિલ્લત’ના નામથી છપાયેલા સંશોધનમાં અયુબ સરકારે કોઈ મહિલા દેશના રાષ્ટ્રાધ્યક્ષ હોય તેની વિરુદ્ધ ફતવો પણ જાહેર કરાવ્યો અને તેના જવાબમાં કરાચીમાં મૌલાના મૌદૂદીએ કહેલું કે, પુરુષથી રાષ્ટ્રને લાભ ન થતો હોય તો મહિલા રાષ્ટ્રાધ્યક્ષ બની શકે છે.

આ સમયે મૌલાના મૌદૂદીનું એક વાક્ય સૌ કોઈની જીભ પર રમતું હતું અને તે હતું, “અયુબ ખાનમાં એ સિવાય કશી ખૂબી નથી કે તે પુરુષ છે અને ફાતિમા ઝીણામાં એ સિવાયની કશી ખામી નથી કે તેઓ સ્ત્રી છે.”

દારુલ ઇફ્તા, દારુલ ઉલૂમ કરાચીના મૌલાના મુફ્તી મોહમ્મદ શફીની મહોર સાથે ફતવો બહાર પાડવામાં આવ્યો કે લોકશાહી દેશમાં મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે. શરૂઆતમાં વિરોધ થયા બાદ જમિયત ઉલેમા-એ-ઇસ્લામે પણ ફાતિમા ઝીણાને સમર્થન જાહેર કરી દીધું.

ખ્વાજા નાઝિમુદ્દીનને ચૂંટણીના થાકના કારણે 22 ઑક્ટોબરે હાર્ટ એટૅક આવ્યો અને બીજા દિવસે તેમનું મૃત્યુ થયું. તેમના અવસાનથી વિપક્ષને ખૂબ મોટી ખોટ પડી અને ફાતિમા ઝીણાએ તેને એક ટ્રૅજડી ગણાવ્યું.

‘લોકશાહી હારી અને આપખુદશાહી જીતી’

પાકિસ્તાન, અયુબ ખાન, જિન્ના, ફાતિમા, બીબીસી ગુજરાતી, ભારત, ભારતના ભાગલા, મહમદઅલી ઝીણા

ઇમેજ સ્રોત, NAZARIA PAKISTAN TRUST

જ્યારે ચૂંટણીપ્રચાર પૂરજોશમાં હતો ત્યારે મૌલાના ભાશાનીએ પોતાની પાર્ટી સહિત ફાતિમા ઝીણાને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું. બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના વાજિદે તે સમયે દાવો કર્યો હતો કે મૌલાના ભાશાનીની ‘ગદ્દારી’થી બિહારીઓના મત મહોતરમા ફાતિમા ઝીણાને ન મળ્યા.

તેમણે એવો આરોપ પણ કર્યો હતો કે મૌલાના ભાશાનીએ અયુબ ખાન પાસેથી 40 લાખ રૂપિયા લીધા હતા.

પત્રકાર અને ઍન્કર હામિદ મીરે અબ્દુલ્લાહ મલિકના પુસ્તક ‘દાસ્તાન-એ-ખાનવાદા મિયાં મહમદઅલી કસૂરી’નો આધાર ટાંકીને પોતાની એક કૉલમમાં લખ્યું છે કે, મૌલાના ભાશાનીએ 40 લાખ રૂપિયાના બદલામાં માદર-એ-મિલ્લત મહોતરમા ઝીણાનો સોદો કરી લીધો.

પૂર્વ પાકિસ્તાનમાં શેખ મુજીબ ફાતિમા ઝીણાના પોલિંગ એજન્ટ હતા.

હામિદ મીરે લખ્યું છે, “માદર-એ-મિલ્લતે પૂર્વ પાકિસ્તાનમાંથી બહુમત મેળવી લીધો હોત અને ઇલેક્શન જીતી ગયાં હોત તો કદાચ પાકિસ્તાન તૂટત નહીં. અયુબ ખાને ઇલેક્શન જીતીને પાકિસ્તાનને હરાવી દીધું.”

જ્યારે અયુબ ખાને પોતાની જીતના સમાચાર સાંભળ્યા ત્યારે કહ્યું, “ખુદાનો આભાર. દેશ બચી ગયો.”

ફાતિમા ઝીણાએ ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી કહ્યું કે, એમાં કશી શંકા નથી કે આ ચૂંટણીમાં મોટી ગરબડ કરવામાં આવી છે.

એ તરફ ઇશારો કરતાં પાકિસ્તાનના શાયર હબીબ જાલિબે શેર લખ્યો હતો–

ધાંધલી, ધૌંસ, ધન સે જીત ગયા

ઝુલ્મ ફિર મક્ર વ ફન સે જીત ગયા

‘જાલિબ’ના આ શેરે દેશમાં ખળભળાટ મચાવી દીધો.

નવાબજાદા નસરુલ્લાહે લખ્યું છે, “જો પશ્ચિમી પાકિસ્તાનમાં સરકારી મશીનરીએ ખુલ્લી ધાંધલી ન કરી હોત અને પશ્ચિમી પાકિસ્તાનમાં બીડી સભ્યો (રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપનાર સભ્યો)ને મોટા પાયે ખરીદવામાં ન‌ આવ્યા હોત તો ચૂંટણીમાં અયુબ ખાનની નિશ્ચિત રૂપે હાર થઈ હોત. અને જો વયસ્ક મતાધિકારના આધારે સીધી ચૂંટણી થઈ હોત તો અયુબ ખાનની ડિપૉઝિટ જપ્ત થઈ જાત.”

વકીલ અંજુમ અનુસાર, જે લોકો અયુબ ખાનનો પક્ષ મજબૂત કરનારા હતા, પછીથી તેઓ ‘લોકશાહીના ચૅમ્પિયન’ કહેવાયા અને તેમણે અયુબ ખાનને આજીવન રાષ્ટ્રપતિ બનાવવાની વિનંતી પણ કરી.

વકીલ અંજુમે લખ્યું છે, “ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને સિંધની મહત્ત્વપૂર્ણ ધાર્મિક ગાદીના પ્રમુખ મખદૂમ સૈયદ ઝમાં તાલિબ અલ મૌલાએ પણ અયુબ ખાનના સમર્થનમાં ખુલ્લેઆમ પ્રચાર કર્યો.”

બલૂચિસ્તાનના મોટા ભાગના સરદાર અયુબ ખાન સાથે હતા અને ત્યાંથી માદર-એ-મિલ્લતને ખૂબ ઓછા મત મળ્યા.

દક્ષિણી પંજાબમાં મુલતાન ડિવિઝનમાં ફાતિમા ઝીણાને મોટું સમર્થન મળ્યું.

ભારતીય રાજદૂત સાથેની મુલાકાત મુદ્દો બની ગઈ

પાકિસ્તાન, અયુબ ખાન, જિન્ના, ફાતિમા, બીબીસી ગુજરાતી, ભારત, ભારતના ભાગલા, મહમદઅલી ઝીણા

ઇમેજ સ્રોત, Nazaria Pakistan Trust

મુસ્તફા મલિકે પોતાના એક સંશોધનલક્ષી લેખ ‘કૌન કહાં ખડા થા’માં વિસ્તારથી જણાવ્યું છે કે કયા રાજનેતા, ધાર્મિક નેતા અને શાયર કોની તરફ હતા.

તેમના અનુસાર, ગવર્નર આમિર મોહમ્મદ ખાન માત્ર અમુક લોકોથી પરેશાન હતા. તેમાં સૌથી ઉપરના ક્રમે સૈયદ અબુલ આલા મૌદૂદી, શૌકત હયાત, ખ્વાજા સફદર, ચૌધરી હસન અને ખ્વાજા રફીક સામેલ હતા, જેઓ છેક છેલ્લે સુધી ફાતિમા ઝીણાની સાથે રહ્યા.

“ફાતિમા ઝીણા પર પાકિસ્તાનને તોડવાનો આરોપ પણ થયો. આ આરોપ પત્રકાર ઝેડ એ સુલહરીએ પોતાના એક રિપોર્ટમાં કર્યો હતો, જેમાં મિસ ઝીણાની ભારતીય રાજદૂત સાથેની મુલાકાતનો આધાર ટાંકવામાં આવ્યો હતો. ‌આ અખબાર દરેક ચૂંટણીસભામાં લહેરાવાયું. અયુબ તેને લહેરાવીને મિસ ઝીણાને દેશદ્રોહી કહેતા રહ્યા.”

પૂર્વ આઇજી હાફિઝ સબાહુદ્દીન જામીએ પોતાના પુસ્તક ‘પોલીસ, ક્રાઇમ ઍન્ડ પૉલિટિક્સ’માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફાતિમા ઝીણા વિરુદ્ધ કરાચી પોલીસના ખુલ્લેઆમ હસ્તક્ષેપનું વર્ણન કર્યું છે.

તેમ છતાં કરાચીમાંથી ફાતિમા ઝીણાને 1,046 અને અયુબને 837 વોટ મળ્યા. ઢાકામાંથી ફાતિમા ઝીણાને 353 અને અયુબને‌ 199 વોટ મળ્યા.

જામી અનુસાર, “પરંતુ, કોઈ જાદુઈ લાકડી ફરી અને અયુબ ખાન 67 ટકા વોટ સાથે જીતી ગયા. કરાચીના લોકોને ફાતિમા ઝીણા અને લોકશાહીના સમર્થક હોવાની સજા આપવામાં આવી.”

15 જાન્યુઆરી 1965ના પોતાના અંકમાં ‘ટાઇમ’એ લખ્યું, “રાષ્ટ્રપતિ મોહમ્મદ અયુબ ખાન ચૂંટણી જીતી ગયાની ખુશીમાં ગયા અઠવાડિયે કરાચીમાં એક લાંબો મોટરકેડ ગલીઓમાંથી પસાર થયો. જ્યારે આ મોટો કાફલો લિયાકતાબાદ વિસ્તારમાંથી પસાર થયો ત્યારે તણાવ વધી ગયો. અહીંયાં મોટા ભાગે ભારતમાંથી આવેલા મુસલમાન હતા અને તેમણે ફાતિમા ઝીણાને ભરપૂર સમર્થન આપ્યું હતું.”

“લોકો ટ્રકોમાંથી ઊતરીને રસ્તા પરના લોકો પર હુમલા કરવા લાગ્યા, દુકાનો લૂંટી લીધી અને ઘરોને આગ ચાંપી દીધી. આ ધમાલ પૂરી થઈ ત્યાં સુધીમાં 33 લોકો મરી ચૂક્યા હતા, 300 લોકો ઘાયલ થયા અને 2,000થી વધુ લોકો બેઘર થઈ ચૂક્યા હતા.”

ફૈઝ અહમદ ફૈઝે આ બનાવ વિશે લખ્યું–

ન મુદ્દઈ, ન શહાદત, હિસાબ પાક હુઆ

યહ ખૂન-એ-ખાક નશીનાં થા, રિઝ્ક-એ-ખાક હુઆ

(ન કોઈ વાદી, ન કોઈ સાક્ષી, ન કશો હિસાબ થયો; આ માટીમાં રગદોળાયેલા કમજોરોનું લોહી હતું, માટીમાં મળી ગયું.)

પોતાના સમર્થકોના કત્લેઆમ પર ફાતિમા ઝીણાએ કહ્યું કે, સભ્ય દુનિયામાં કોઈ પણ જગ્યાએ આવી હેવાનિયતભરી હરકત (પાશવી કૃત્ય)ની મંજૂરી ન આપી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS