Source : BBC NEWS

કર્નલ સોફિયા કુરેશી, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારતીય સૈન્ય, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, ગુજરાત, કચ્છ, ભુજ

ઇમેજ સ્રોત, ADGPI/INDIAN ARMY

એક કલાક પહેલા

શનિવારે સવારે ભારતના વિદેશસચિવ વિક્રમ મિસરી, ભારતીય સૈન્યનાં અધિકારી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે ફરી એક વાર પ્રેસ કૉન્ફરન્સ યોજીને ભારત-પાકિસ્તાન તણાવ અંગે કરાયેલ કાર્યવાહીની માહિતી આપી હતી.

વિદેશસચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, “પાછલી બે-ત્રણ પ્રેસ કૉન્ફરન્સમાં અમે જણાવી ચૂક્યાં છીએ કે પાકિસ્તાની પ્રવૃત્તિઓથી જે એક મામલાને વધુ પ્રોત્સાહન આપવાનારી રીતે અને ઉત્તેજક પ્રકારે જોવામાં આવી રહી છે.”

“પાકિસ્તાન તરફથી કરાતાં આ પ્રોત્સાહન અને ઉત્તેજનના જવાબમાં ભારતે જવાબદારીપૂર્વક અને જરૂર પૂરતી પ્રતિક્રિયાત્મક કાર્યવાહી પણ કરી છે. “

શનિવારે વહેલી સવારે પણ આ પ્રોત્સાહક અને ઉત્તેજક કાર્યવાહીની પૅટર્ન રિપીટ થતાં જોઈ.

કર્નલ સોફિયા કુરેશીએ શનિવાર સવારથી અત્યાર સુધી ભારત-પાકિસ્તાન સંબંધી તણાવની માહિતી આપતાં કહ્યું કે, “પાકિસ્તાની સૈન્યે આખા પશ્ચિમી મોરચા પર સતત આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી. તેમાં યુકેબ ડ્રૉન્સ, લાંબા અંતરનાં હથિયારો અને ફાઇટર વિમાનોનો ઉપયોગ કરીને ભારતીય સૈન્યનાં આંતરમાળખા પર નિશાન સાધ્યું.”

“નિયંત્રણ રેખા પર પણ ડ્રૉનની ઘૂસણખોરી અને ભારે તોપમારો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પર શ્રીનગરથી નલિયા સુધી 26 કરતાં વધુ સ્થળોએ હવાઈ ઘૂસણખોરીના પ્રયાસ કરાયા. ભારતીય સશસ્ત્ર દળોએ સફળતાપૂર્વક મોટા ભાગના હુમલાને નિષ્ક્રિય કર્યા. તેમ છતાં, ઉધમપુર, પઠાણકોટ, ભુજ અને ભટિંડા ખાતેનાં વાયુ સૈન્ય સ્ટેશનો પર ઉપકરણો અને કર્મીઓને નુકસાન પહોંચાડ્યું છે.”

કર્નલ સોફિયા કુરેશી, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારતીય સૈન્ય, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, ગુજરાત, કચ્છ, ભુજ

ઇમેજ સ્રોત, ANI

“હું જણાવવા માગું છું કે પાકિસ્તાને સવારે 1 વાગ્યાને 40 મિનિટે હાઈ સ્પીડ મિસાઇલનો ઉપયોગ કરીને પંજાબના ઍૅરબેઝ સ્ટેશનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. વધુ એક નિંદનીય અને અવ્યવસાયિક પ્રવૃત્તિ અંતર્ગત શ્રીનગર, અવંતિપુર અને ઉધમપુરનાં વાયુ સેના મથકો પર ચિકિત્સા કેન્દ્ર અને સ્કૂલ પરિસરને પણ નિશાન બનાવાયાં. આનાથી પાકિસ્તાન દ્વારા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની બેજવાબદાર પ્રવૃત્તિ ફરી ઉજાગર થઈ.”

“પાકિસ્તાન દ્વારા સૈન્ય ઠેકાણાં જાણીજોઈને નિશાન બનાવાયાં બાદ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ત્વરિત અને સુનિયોજિત જવાબી હુમલા માટે ટૅકનિકલ ઇન્સ્ટૉલેશન, કમાન્ડ-કન્ટ્રોલ સેન્ટર્સ, રડાર સાઇટ્સ અને હથિયાર ભંડારને વીણી વીણીને નિશાન બનાવાયાં.”

તેમણે આગળ જણાવ્યું કે, “રફિકી, મુરિદ, ચકલાલા, રહમિયારખાન, સુકૂર અને ચુનિયાસ્થિત પાકિસ્તાની સૈન્ય ઠેકાણાં પર ઍર-લૉન્ચ્ડ, ચોકસાઈવાળાં હથિયારો અને ફાઇટર જેટથી પ્રહાર કરાયા.પસૂરસ્થિત રડાર સાઇટ અને સિયાલકોટનું ઍવિએશન બેઝ પણ ચોકસાઈવાળાં હથિયારોથી ટાર્ગેટ કરાયાં. આ કાર્યવાહી દરમિયાન ભારતે ઓછામાં ઓછું કોલેટરલ ડૅમેજ સુનિશ્ચિત કર્યું.”

“ચિંતાની વાત એ રહી કે પાકિસ્તાને લાહોરથી ઉડાણ ભરતાં નાગરિક વિમાનોની આડશ લઈને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો. જેથી તેઓ પોતાની આ પ્રવૃત્તિઓ છુપાવી શકે. આવી ચાલાકીઓએ ભારતીય વાયુ સેનાને નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરતાં ખૂબ વધુ સંયમ સાથે કાર્ય કરવા માટે મજબૂર કરી.”

તેમણે પાકિસ્તાન પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂકતાં કહ્યું કે, “આ સાથે પાકિસ્તાને ખોટી માહિતી ફેલાવવાની પ્રવૃત્તિનો આધાર લઈને આદમપુર એસ-400 પ્રણાલી, સુરતગઢ અને સિરસાનાં હવાઈ મથકો, નગરોટાનાં બ્રહ્મોસ બેઝ, દહેરાગિરીની તોપખાના પૉઝિશન તેમજ ચંડીગઢનાં અગ્રિમ દારૂગોળા કેન્દ્રોને નષ્ટ કર્યાંનો ખોટા દાવા સોશિયલ મીડિયા પર ફેલાવ્યાં. ભારત આ ખોટા દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દે છે.”

ભારતના આ નિવેદન અંગે હજુ સુધી પાકિસ્તાન તરફથી ટિપ્પણી નથી આવી.

જોકે, પાકિસ્તાની સૈન્યે ભારતની કાર્યવાહીનો ‘જવાબ’ આપવા માટે ઑપરેશન લૉન્ચ કર્યાની વાત જરૂર સ્વીકારી હતી.

‘કચ્છમાંથી મળી આવયું પાકિસ્તાનનું ક્ષતિગ્રસ્ત ડ્રોન ‘

કર્નલ સોફિયા કુરેશી, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારતીય સૈન્ય, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, ગુજરાત, કચ્છ, ભુજ

ઇમેજ સ્રોત, ANI

કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કૉન્ફરન્સમાં શનિવારે સવારે ભુજમાં વાયુ સેનાના સ્ટેશનને પાકિસ્તાન દ્વારા નિશાન બનાવાયાની વાત કરી હતી.

કચ્છના કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની કચેરી દ્વારા પાછલા અમુક કલાકોથી પોતાના સોશિયલ મીડિયા ઍક્સ મારફતે પરિસ્થિતિને જોતાં વિવિધ સૂચનાઓ અપાઈ રહી છે.

જે પૈકી એક સૂચનામાં નાગરિકોને આખો દિવસ ઘરમાં જ રહેવા જણાવવામાં આવ્યું હતું.

સૂચનામાં કહેવાયું છે કે, “સમગ્ર દિવસ દરમ્યાન કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે. નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે.રાત્રિ દરમિયાન પણ આપણે સૌ સ્વયંભૂ બ્લૅકઆઉટનું સંપુર્ણપણે પાલન કરીએ. ગભરાવાની જરૂર નથી.વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીએ.”

આ ઉપરાંત સમાચાર એજન્સી એએનઆઇએ પણ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનનાં હથિયારોને ગુજરાતના કચ્છ સેક્ટરમાં તોડી પાડ્યાની માહિતી આપી હતી.

આ ઘટના અંગે જાહેર કરાયેલા વીડિયોમાં વગડામાં એક સ્થળેથી ધુમાડો નીકળતાં નજરે પડી રહ્યો છે.

ઉપરાંત એજન્સીએ સોશિયલ મીડિયા ઍક્સ પર પોસ્ટ કરેલા ફોટોમાં એક ઉપકરણ તૂટેલી, બળેલી અવસ્થામાં નજરે પડી રહ્યું છે.

પૂર્વ કચ્છ એસપી સાગર બાઘમારે કહ્યું કે, “આદિપુરના સિંધુ રિસેટલમેન્ટ કૉર્પોરેશન (એસઆરસી) જૂની બિલ્ડિંગમાં, જે હાલમાં જંગલ જેવો વિસ્તાર છે, ત્યાં અંદાજે શનિવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ એક ડ્રૉન પડ્યું હોવાના સમાચાર મળ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બૉમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવાઈ હતી. ઘટનાસ્થળેથી નમૂના મેળવીને એફએસએલને મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ પાકિસ્તાનનું ડ્રૉન છે.”

ભારત-પાકિસ્તાન તણાવ : અત્યાર સુધી શું શું થયું?

કર્નલ સોફિયા કુરેશી, બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારતીય સૈન્ય, ભારત-પાકિસ્તાન તણાવ, ઑપરેશન સિંદૂર, ગુજરાત, કચ્છ, ભુજ

ઇમેજ સ્રોત, Getty Images

ગત મહિને 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા ચરમપંથી હુમલામાં 26 લોકોનાં મૃત્યુ બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનમાં નવ સ્થળે હવાઈ હુમલા કર્યા અને જણાવ્યું હતું કે આ હુમલામાં આતંકી ઠેકાણાં પર નિશાન સાધવામાં આવ્યાં હતાં ના કે સૈન્ય પ્રતિષ્ઠાન કે નાગરિકોની વસતી તરફ.

શુક્રવારે ભારતે જણાવ્યું કે આઠ મે એટલે કે ગુરુવારની સાંજે જમ્મુ સહિત પશ્ચિમ સીમા ક્ષેત્રમાં પાકિસ્તાનનાં ડ્રોન્સ અને મિસાઇલોથી હુમલા કરાયા, પાકિસ્તાને ભારતની આ વાતનું ખંડન કર્યું છે.

જોકે, એ બાદ પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતે તેનાં ત્રણ સૈન્ય હવાઈમથકો પર મિસાઇલો છોડી છે. ભારતે અત્યાર સુધી આ નિવેદન અંગે કોઈ ટિપ્પણી નથી કરી.

પાકિસ્તાની સૈન્યે આગળ કહ્યું કે તેઓ આનો ‘જવાબ આપશે.’

પાકિસ્તાનના સરકારી ટીવી અને સૈન્યના જનસંપર્ક વિભાગે કહ્યું છે કે તેણે ભારત વિરુદ્ધ જવાબી હુમલો શરૂ કરી દીધો છે. ભારતે પાકિસ્તાનના આ નિવેદન પર અત્યાર સુધી કંઈ કહ્યું નથી.

પાકિસ્તાનના સૈન્યના જનસપંર્ક વિભાગ આઇએસપીઆર પ્રમાણે, પાકિસ્તાને જવાબી કાર્યવાહીને ‘ઑપરેશન બુનયાન મરસૂસ’ નામ આપ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS