Source : BBC NEWS

ઇમેજ સ્રોત, WWW.MFA.GOV.CN
પાકિસ્તાનના વિદેશમંત્રી ઇસાક ડાર પોતાનો ચીનનો પ્રવાસ પૂરો કરી ચૂક્યા છે. બુધવારે તેમણે બીજિંગમાં અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશમંત્રી અમીર ખાન મુત્તકી અને ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી.
ત્રણે દેશોએ ચીન–પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર (સીપીઈસી)નું અફઘાનિસ્તાન સુધી વિસ્તરણ કરવા અંગે સહમતિ દર્શાવી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ચીન અને પાકિસ્તાને બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ (બીઆરઈ) સહયોગના વ્યાપક માળખા હેઠળ ચીન–પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર (સીપીઈસી)નું અફઘાનિસ્તાન સુધી વિસ્તરણ કરવાનું સમર્થન કર્યું છે. ચીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં ક્ષેત્રીય અખંડતા, સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય ગરિમાનું રક્ષણ કરવાનું પણ સમર્થન કર્યું છે.
ભારત સીપીઈસીનો વિરોધ કરતું રહ્યું છે, કેમ કે, આ કૉરિડોર પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાંથી પસાર થાય છે. સીપીઈસી ચીનની ‘બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ’ પરિયોજનાનો ભાગ છે, તેથી ભારત તેનો પણ વિરોધ કરે છે.
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરની અમીર ખાન મુત્તકી સાથેની વાતચીતના થોડાક દિવસ પછી આ ત્રિપક્ષીય બેઠક યોજાઈ છે. જોકે, ભારતે હજુ સુધી તાલિબાન સરકારને માન્યતા નથી આપી.
ગુરુવારે, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યા.
જયસ્વાલે કહ્યું, “અમે કેટલાક રિપોર્ટ્સ જોયા છે. એ સિવાય અમારે તેના વિશે વધારે કશું નથી કહેવું.”
શું ભારતની ચિંતામાં વધારો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને બીજિંગમાં યોજાયેલી બેઠકને ‘અનૌપચારિક‘ ગણાવી છે.
ચીન તરફથી બહાર પડાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “અફઘાનિસ્તાન અને પાકિસ્તાને રાજદ્વારી સંબંધોને આગળ વધારવાની સ્પષ્ટ ઇચ્છા વ્યક્ત કરી છે. બંને દેશ ટૂંક સમયમાં રાજદૂતોનું આદાન-પ્રદાન કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. ચીન અને પાકિસ્તાન અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ અને વિકાસ માટે સમર્થન કરે છે.”
ચીન, 2021માં તાલિબાન સરકાર સત્તામાં આવ્યા પછી તેની સાથે રાજદ્વારી સંબંધ ચાલુ રાખનાર આરંભિક દેશોમાંનો એક હતો.
આ મુલાકાતને પાકિસ્તાનની ભારત વિરુદ્ધની રાજદ્વારી રણનીતિ અને ક્ષેત્રીય સમર્થન મેળવવાના પ્રયાસ તરીકે જોવાઈ રહી છે.
પાકિસ્તાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ક્ષેત્રમાંથી આતંકવાદને સમાપ્ત કરવા અને સુરક્ષા સહયોગ વધારવા પર પણ બધા પક્ષોએ સંમતિ દર્શાવી છે.
નવી દિલ્હીસ્થિત સ્વતંત્ર સંશોધક અને વિદેશી બાબતોનાં જાણકાર રુશાલી સાહાનું માનવું છે કે પાકિસ્તાન અને તાલિબાન શાસન વચ્ચેના સંબંધો સુધારવામાં ચીન મદદ કરી રહ્યું છે, જેનાથી ચોક્કસપણે ભારતની ચિંતાઓ વધશે.
રુશાલી સાહાએ ‘ધ ડિપ્લોમૅટ મૅગેઝિન‘માં લખ્યું છે, “તાજેતરમાં તાલિબાન અને ઇસ્લામાબાદ વચ્ચે મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વાટાઘાટ થઈ છે. જે અફઘાન શરણાર્થીઓને મોટા પાયે નિર્વાસિત કરવા, ગયા વર્ષના ડિસેમ્બરમાં સીમા પારના હવાઈ હુમલા અને સૈન્યસંઘર્ષના કારણે જન્મેલી કડવાશ પછી સંબંધોમાં આવેલા કૂણા વલણનો સંકેત છે. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેના સંબંધોને ચીન સરળ બનાવી રહ્યું છે. જે બીજિંગ–ઇસ્લામાબાદ–તાલિબાનના વધતા ગઠબંધનનો સંકેત આપે છે. તેનાથી નવી દિલ્હીમાં ચિંતા વધશે એ નિશ્ચિત છે.”
તેમણે લખ્યું છે, “નિવેદનોમાં કરવામાં આવેલી આર્થિક પ્રતિબદ્ધતાઓએ હજુ પણ લાંબી મજલ કાપવાની છે. સીપીઈસી પર કશી પ્રગતિ નથી થઈ અને નજીકના ભવિષ્યમાં પણ કશી પ્રગતિ થવાની આશા નથી. પરંતુ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને પોતાના ક્ષેત્રમાં ફરીથી સામેલ કરવાની ચીનની કોશિશ નવી દિલ્હી માટે પરેશાનીનું કારણ બની શકે છે.”
અફઘાનિસ્તાને જે નિવેદન બહાર પાડ્યું છે તેમાં ‘આતંકવાદ‘ જેવા શબ્દનો ઉલ્લેખ નથી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી બહાર પડાયેલા નિવેદનમાં રાજદ્વારી અને આર્થિક સંબંધ વધારવા પર ભાર મુકાયો છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો ખટરાગ દૂર થશે?
2021માં તાલિબાન ફરીથી સત્તામાં આવ્યા પછી બંને દેશ વચ્ચેના સંબંધો વધુ તણાવગ્રસ્ત થયા છે.
પરંતુ ચરમપંથી હુમલાથી બંને દેશો વચ્ચે તણાવ વધતો ગયો. તાલિબાન વહીવટીતંત્ર પાકિસ્તાન પર હવાઈ હુમલા અને સીમાંત જમીનો પચાવી પાડવાનો આરોપ કરે છે.
પાકિસ્તાનનું કહેવું છે કે ચરમપંથી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરે છે, જેને રોકવામાં તાલિબાન સરકાર નિષ્ફળ રહી છે.
તાલિબાન સરકાર આ આરોપોનું ખંડન કરે છે.
આ હુમલાનાં થોડાંક અઠવાડિયાં પછી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી દુબઈમાં મુત્તકી સાથે વાતચીત માટે પહોંચ્યા હતા.
દાયકાઓથી લાખો અફઘાન શરણાર્થી પાકિસ્તાનમાં રહે છે. જે આ બંને દેશ વચ્ચેના તણાવનું કારણ પણ છે.
પાકિસ્તાને ભૂતકાળમાં ઘણી વખત શરણાર્થીઓને પાછા મોકલવાની કોશિશ પણ કરી છે.
પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં જણાવાયું છે કે, પાકિસ્તાનમાંથી અફઘાન શરણાર્થીઓની સ્વદેશવાપસી અને નિષ્કાસનમાં ઝડપ આવી છે.
રિપોર્ટ અનુસાર, “2023માં શરણાર્થીઓને પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ થયા પછીથી કુલ 9 લાખ 17 હજાર 189 અફઘાન નાગરિકો પાકિસ્તાન છોડીને સ્વદેશ પાછા ફર્યા છે. 6થી 12 એપ્રિલ 2025 વચ્ચે કુલ 55,426 અફઘાન નાગરિક સ્વદેશ પાછા ગયા છે અથવા તેમને જબરજસ્તી પાછા મોકલવામાં આવ્યા છે. આ સંખ્યા સરેરાશ પ્રતિદિવસ 5,200 લોકો પાછા જવાની છે.”
તાજેતરમાં આ શરણાર્થીઓને ભારતે મદદ પહોંચાડી હતી. તાલિબાનના શરણાર્થી મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારત સરકારે ‘પાકિસ્તાનમાંથી કાઢી મુકાયેલા’ હજારો અફઘાન પરિવારોને માનવીય સહાયતા આપી છે.
શું દક્ષિણ એશિયામાં બદલાતાં સમીકરણો વચ્ચે તાલિબાન અને પાકિસ્તાન નજીક આવી શકે છે?
આંતરરાષ્ટ્રીય સંબંધોનાં નિષ્ણાત સ્વસ્તિ રાવ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “પાકિસ્તાન અને તાલિબાન નિકટ નથી આવી રહ્યા, આ બધું ચીનના નેતૃત્વમાં થઈ રહ્યું છે. ચીન નથી ઇચ્છતું કે આ દેશોમાં તેનાં આર્થિક હિતો ખતમ થઈ જાય. બંને વચ્ચેના ટીટીપી, પશ્તૂન રાષ્ટ્રવાદ અને ડૂરંડ લાઇન સરહદ વિવાદનો અત્યાર સુધી ઉકેલ નથી આવ્યો.”
અફઘાનિસ્તાન આ સીમાને વસાહતી સમજૂતી માને છે.
તાલિબાન સાથે ભારતના બદલાતા સંબંધો

ઇમેજ સ્રોત, MEA INDIA
આ વાતચીત છઠ્ઠી અને સાતમી મે વચ્ચેની રાત્રે શરૂ થયેલા ભારત–પાકિસ્તાન સંઘર્ષ પછી થઈ હતી.
જયશંકરની વાતચીત પહેલાં ચાલુ વર્ષની શરૂઆતમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી અને અમીર ખાન મુત્તકીની દુબઈમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાતને નવી દિલ્હી અને કાબુલ વચ્ચેના સંબંધો મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી હતી.
લોકશાહી શાસનના બે દાયકા દરમિયાન ભારતે અફઘાનિસ્તાનમાં ઘણું મોટું રોકાણ કર્યું હતું. તે દરમિયાન ઘણા અફઘાન વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપવામાં આવતી હતી. અફઘાનિસ્તાનની સેનાના અધિકારીઓ ભારતમાં ટ્રેનિંગ માટે પણ આવતા હતા.
અફઘાનિસ્તાનનું નવું સંસદ ભવન પણ ભારતે જ બનાવ્યું હતું. પરંતુ, તાલિબાન ફરીથી સત્તામાં આવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.
ત્યાર પછી પાકિસ્તાન અને ચીન જેવા ભારતના ક્ષેત્રીય હરીફોને ત્યાં પોતાનો પ્રભાવ વધારવાનો માર્ગ મળી ગયો હતો.
આ દરમિયાન ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રાજદ્વારી સ્તરે સંપર્ક જળવાઈ રહ્યો, જેને વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન બાબતોના સંયુક્ત સચિવે જાળવી રાખ્યો હતો.
ભારત તાલિબાનને માન્યતા નથી આપતું, પરંતુ, જૂન 2022થી કાબુલમાં ભારતનું એક તકનીકી મિશન ચાલે છે, જેનો હેતુ અફઘાનિસ્તાનમાં માનવીય મદદ પહોંચાડવાનો છે.
એક પણ દેશે હજુ સુધી ઔપચારિક રીતે તાલિબાન સરકારને માન્યતા નથી આપી. પરંતુ, લગભગ 40 દેશે કોઈક ને કોઈક સ્વરૂપે અફઘાનિસ્તાન સાથે રાજદ્વારી કે અનૌપચારિક સંબંધો જાળવી રાખ્યા છે.
તાલિબાન સત્તામાં આવ્યા પછી 31 ઑગસ્ટ, 2021એ ભારતે તાલિબાન સાથે વાતચીતની શરૂઆત કરી હતી. એ સમયના કતરમાંના રાજદૂત દીપક મિત્તલે તાલિબાનના રાજદ્વારી કાર્યાલયના પ્રમુખ શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝઈ સાથે દોહામાં મુલાકાત કરી હતી. જે આ બંને દેશ વચ્ચેની સાર્વજનિક રીતે સ્વીકૃત પહેલી વાતચીત હતી.
ઑક્ટોબર 2021માં રશિયામાં ભારતીય અધિકારીઓએ નવ અન્ય દેશો સાથે તાલિબાન સાથે ફરી મુલાકાત કરી અને આવશ્યક માનવીય સહાયતા અંગે ચર્ચા કરી.
કોવિડ મહામારી દરમિયાન પણ ભારતે અફઘાનિસ્તાનની મદદ કરી અને પાંચ લાખ વૅક્સિન ડોઝ મોકલ્યા.
ગયા વર્ષે ભારતીય રાજદ્વારી જેપીસિંહે તાલિબાનના કાર્યકારી સુરક્ષામંત્રી મુલ્લા યાકુબ સાથે મુલાકાત કરી હતી. વાતચીત દરમિયાન ભારતે અફઘાનિસ્તાનને ઈરાનના ચાબહાર પૉર્ટ દ્વારા ભારત સાથે વેપાર વધારવાની ઑફર કરી હતી.
ભારત ઈરાનમાં ચાબહાર પૉર્ટ બનાવી રહ્યું છે, જેથી પાકિસ્તાનના કરાચી અને ગ્વાદર પૉર્ટને બાયપાસ કરીને ઈરાન અને મધ્ય એશિયા સાથે વેપાર કરી શકે.
સ્વસ્તિ રાવ કહે છે, “ભારતમાં કહેવાય છે કે તાલિબાન આપણી સાથે છે, પરંતુ એ અર્ધસત્ય છે. હકીકતમાં ચીન અફઘાનિસ્તાનમાં ખૂબ મોટું પ્લેયર છે અને તેનું ત્યાં ખૂબ મોટું રોકાણ છે. તેથી ભારતે સાવચેત રહેવાની જરૂર છે. તાલિબાનને ખબર છે કે આ ક્ષેત્રમાં ભારતથી મોટું ખેલાડી ચીન છે, તેથી તાલિબાન સંતુલન જાળવીને આગળ વધી રહ્યું છે.”
એક તરફ ભારતે તાલિબાન સાથે વાતચીતની પરંપરા ચાલુ રાખી છે અને બીજી તરફ તેને માનવીય સહાયતા પણ પહોંચાડી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS