Source : BBC NEWS

કુમુદીની બહેન લાખિયાનું અવસાન વ્યક્તિ પરિચ, કુમુદીની બહેન કુમી બહેનનું કથકક્ષેત્રે પ્રદાન, બીરજુ મહારાજ, શંભુ મહારાજ, કથક અને ભરતનાટ્યમ્, કદમ્બ સેન્ટર ફોર ડાન્સ એન્ડ મ્યુઝિક, ઇશિરા પરીખ, મૌલિક શાહ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/Getty Images

કચ્છના મોટા રણમાં સરહદની રક્ષા કરનારા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ) માટે એક રસ્તો બનાવવા માટે એક પ્રાઇવેટ કંપનીના સર્વેયર, મદદનીશ સર્વેયર અને ગાડીના ડ્રાઇવર રવિવારે સવારે 7. 40 કલાકે રાપર નજીક આવેલ બેલા ગામ પાસેના રણમાં નીકળી પડ્યા.

બપોર સુધીમાં પશ્ચિમ બંગાળથી આવેલા સર્વેયર અર્નબ પાલ બાકીના બે સભ્યોથી વિખૂટા પડી ગયા અને રણમાં ખોવાઈ ગયા.

પોલીસ, બીએસએફ અને વન વિભાગના કર્મચારીઓ સહિતના લગભગ 125 લોકોની ટીમ અર્નબ પાલને શોધવા ચાર દિવસથી મથામણ કરતી હતી. તેમણે ડ્રૉન પણ ઉડાડ્યા છતાં તેમની કોઈ ભાળ મળતી નહોતી.

પાંચમા દિવસે ગુરુવારે સંધ્યા ટાણે અર્નબ પાલ મૌવાણા ગામથી બે કિલોમીટર દૂર આવેલા રણમાં મૃત હાલતમાં મળી આવ્યા.

શુક્રવારે જામનગરની ગુરુ ગોબિંદસિંહ જનરલ હૉસ્પિટલ ખાતે તેમનું ફોરેન્સિક પોસ્ટમૉર્ટમ કરતા પ્રાથમિક રીતે જણાયું કે સર્વેયર અર્નબ પાલનું મૃત્યુ તરસને કારણે થયું હતું.

આ ઘટનાએ રણની ગંભીરતાનો પરિચય આપ્યો છે. અર્નબ પાલના પરિવારજનો અને તેમની સાથે કામ કરતા સહકર્મચારીઓ ઊંડા આઘાતમાં છે.

કચ્છના રણમાં શા માટે આવ્યા હતા અર્નબ પાલ?

કચ્છ, રણ, તરસ, સર્વેયર, રસ્તો, સર્વે, મૃતદેહ, ગુજરાતી, ગુજરાત સમાચાર, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ

પૂર્વ કચ્છ પોલીસ વિભાગના રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. બુબડિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે અર્નબ પાલ, આસિસ્ટન્ટ સર્વેયર છેલારામ તેનવર અને શાહરુખ ગની નામના ડ્રાઇવર એમ ત્રણ લોકો ત્રીજી તારીખે કચ્છમાં આવ્યા હતા. આ ત્રણેય ભાસ્કરમ્ જ્યોતિષ અનુસંધાન કેન્દ્ર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના કર્મચારીઓ છે.

બિહારના પટણામાં ઑફિસ ધરાવતી આ કંપની સિવિલ એંજિનિયરિંગને લગતી સેવાઓ પૂરી પડે છે. અર્નબ પાલ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના કાલનાના રહેવાસી હતા. ચેલારામ અને શાહરુખ રાજસ્થાનના રહેવાસી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કચ્છ પૂર્વ પોલીસના વડા સાગર બાગમારે કહ્યું હતું, “બીએસએફ માટે એક રસ્તો બનાવવા માટે સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે ભાસ્કરમને કચ્છના મોટા રણમાં જમીનનો સર્વે કરવાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો અને આ ત્રયેણ કર્મચારીઓ તે કામ માટે કચ્છ આવી પહોંચ્યા હતા.”

છેલરામે બીબીસી ગુજરાતીને ફોન પર જણાવ્યું, “અમે ત્રણ તારીખે અમારા માટે રહેવાની સગવડ કરી અને ચાર તારીખે સર્વે માટે ઉપકરણો ગોઠાવી દીધાં અને પાંચ તારીખે થોડું કામ કર્યું. છ તારીખે અમે બીએસએફની બેલા આઉટપોસ્ટ પાસેથી મંજૂરી લઈને રણમાં સર્વેની કામગીરી ચાલુ કરી.”

“અમારો ટાર્ગેટ ચાર દિવસમાં બેલાથી પાકિસ્તાનની સરહદ સુધી ચાલીસેક કિલોમીટર વિસ્તારની જમીનનો પગે ચાલીને સર્વે કરવાનો ટાર્ગેટ હતો. પરંતુ, પ્રથમ દિવસે જ અમને કામમાં ભારે મુશ્કેલી જણાઈ અને અમારા સર્વેયર સાહેબનું મૃત્યુ થયું.”

કચ્છના રણમાં કેવી રીતે ભૂલા પડ્યા સર્વેયર?

કચ્છ, રણ, તરસ, સર્વેયર, રસ્તો, સર્વે, મૃતદેહ, ગુજરાતી, ગુજરાત સમાચાર, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ

છેલરામે બીબીસીને જણાવ્યું હતું, “રવિવારે સવારે 7.40 વાગ્યે તે, અર્નબ પાલ અને શાહરુખ ગાડી લઈને બેલા પાસેના કુંડના રણમાં કામ માટે નીકળી પડ્યા. રણમાં અડધોએક કિલોમીટર આગળ જતા ગાડી ચાલે તેવી જમીન ન રહેતા શાહરૂખે ગાડી રોકી અને અર્નબ પાલ અને છેલારામ ચાલીને પાકિસ્તાની સરહદ તરફ આવેલા રણના ભાગનો સર્વે કરવા નીકળી પડ્યા.”

તેમણે વધુમાં જણાવ્યું, “રણમાં ચાલવામાં મુશ્કેલી પડતી હતી અને ખૂબ ગરમી લાગતી હતી. અમે 9.50 વાગ્યે છેલ્લી વાર પાણી પીધું હતું. લગભગ સાડાબાર વાગ્યા એટલે મને ખૂબ જ થાક લાગી ગયો અને મેં સર્વેયર સાહેબને કહ્યું કે ગરમી વધી ગઈ છે અને હું થાકી ગયો છું એટલે આપણે પાછા વળી જઈએ. તે વખતે અમે પાંચેક કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હતું. પરંતુ, સર્વેયર સાહેબે કહ્યું કે થોડે દૂર જ એક રસ્તો મળી જશે અને આપણે ત્યાં સુધી સર્વેનું કામ પૂરું કરી નાખીએ.”

“મેં હા પાડી અને અમે આગળ વધ્યા. પરંતુ અડધોએક કિલોમીટર ચાલ્યા ત્યાં મને શ્વાસ ચડવા લાગ્યો. મેં સર્વેયર સાહેબને કહ્યું કે મારાથી હવે વધારે નહીં ચલાય. અમારી પાસે પીવાનું પાણી પણ ન હતું. તેથી, હું પાછો વળી ગયો, પરંતુ સાહેબ આગળ ચાલતા રહ્યા.”

“હું બેલા તરફ એકાદ કિલોમીટર પાછો ચાલ્યો ત્યાં સુધીમાં સાવ થાકી ગયો અને મારી પાસે રહેલો ટુવાલ માથે ઓઢી બેસી ગયો. મેં શાહરૂખને ફોન કરી મને તેડી જવા વિનંતી કરી. પરંતુ શાહરૂખે કહ્યું કે ગાડી રણમાં નહીં ચાલે. તેથી, મેં તેને કહ્યું કે બીએસએફ પાસે જઈને મદદ માંગ. મેં તેને મારા ફોનથી મારું લોકેશન પણ માકલ્યું.

37 વર્ષના છેલરામે કહ્યું, “બીએસએફના અધિકારીઓએ અઢી વાગ્યે મને શોધીને બચાવી લીધો અને મને પાણી પાયું. પછી અમે બધા પાલ સાહેબને રણમાં શોધવા લાગ્યા પણ તે ક્યાંય મળી આવ્યા નહીં.”

ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં તાજેતરના દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયને પણ વટાવી ચુક્યો છે.

પગલાંના નિશાનથી સર્વેયરને કેમ શોધી ન શકયા?

કચ્છ, રણ, તરસ, સર્વેયર, રસ્તો, સર્વે, મૃતદેહ, ગુજરાતી, ગુજરાત સમાચાર, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કચ્છ પૂર્વના એસપી સાગર બાગમારે કહ્યું હતું, “પાલ કઈ દિશામાં ગયા હોઈ શકે તેનો સંકેત આપતાં કોઈ પગલાં દેખાયાં નહીં.”

તેમણે વધુમાં જણાવ્યું, “રણમાં હાલ મીઠું જામી ગયું છે અને સપાટી ઉપરથી કડક થઈ ગઈ હોવાથી માણસનાં પગલાં દેખાય તેવી સ્થિતિ નથી. બચાવ અભિયાનમાં જોડાયેલા લોકોને પાલનાં કોઈ પગલાં મળ્યાં નહીં. બીએસએફે ડ્રૉનની મદદથી રણ વિસ્તારનું નિરીક્ષણ કર્યું પણ તેમાં પણ સર્વેયરની કોઈ ભાળ મળી નહીં. આ રીતે, શોધખોળ અભિયાન પાંચ દિવસ સુધી ચાલતું રહ્યું.”

એસપીએ કહ્યું કે “છેવટે ગુરુવારે સાંજે પંચાવન વર્ષના અર્નબ પાલની ભાળ મળી. દસ તારીખે સાંજે લગભગ સાડા છ વાગ્યે અર્નબ પાલનો મૃતહે મૌવાણા ગામથી આશરે બે કિલોમીટર દૂર રણમાં દેખાયો. તેઓ રણ બહાર નીકળવાથી માત્ર અમુક ફૂટ જ દૂર ફસડાઈ પડ્યા હતા.”

કચ્છના રણમાં એવું તો શું થયું કે સર્વેયર મૃત્યુ પામ્યા?

કચ્છ, રણ, તરસ, સર્વેયર, રસ્તો, સર્વે, મૃતદેહ, ગુજરાતી, ગુજરાત સમાચાર, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

એસપી સાગર બાગમારેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે પોલીસનું અનુમાન છે કે પાલ રણમાં દિશાભાન ભૂલ્યા અને રસ્તો ચૂકી ગયા.

તેઓ આ વિશે જણાવે છે, “રણના આ વિસ્તારમાં માણસ યાદ રાખી શકે તેવી કોઈ કાયમી નિશાની નથી. તેથી અમારું માનવું છે કે અર્નબ પાલ જમીનનો સર્વે કરતા-કરતા દિશાનું ભાન ભૂલી ગયા અને પોતાના રસ્તાથી અળગા થઈ ગયા. રાત્રે જયારે તેમને લાઇટ દેખાઈ હશે ત્યારે તેમને ખ્યાલ આવ્યો હશે કે માનવવસ્તી કઈ દિશામાં છે અને તેથી તેમણે બેલા તરફ પાછા વળવાની કોશિશ કરી હશે.”

“આ રીતે તેઓ પંદેરક કિલોમીટર ચાલીને મૌવાણા ગામ નજીક પહોંચી ગયા હશે. પરંતુ, તરસના કારણે તેમની ચાલવાની શક્તિ પૂરી થઈ જતાં તેઓ મૌવાણાથી અંદાજે બે કિલોમીટર દૂર રણમાં જ ફસડાઈ પડ્યા હશે અને મૃત્યુ પામ્યા હશે.”

તેમણે ઉમેર્યું કે, “અર્નબ પાલ પાસે ફોન હતો, પરંતુ તેમાં જે કંપનીનો સીમકાર્ડ હતો તેનું કુડાના રણ વિસ્તારમાં નેટવર્ક મળતું ન હતું અને તેથી તેઓ કોઈનો સંપર્ક કરી શક્યા નહીં અને તે જ રીતે તેમને શોધીને બચાવમાં મથતી ટુકડીઓના સભ્યો પણ તેમનો ફોન દ્વારા સંપર્ક કરી શક્ય નહીં.”

છેલારામે કહ્યું હતું કે “અર્નબ પાલ પાસે એક જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) પણ હતું જેના દ્વારા સર્વે કરાયેલા વિસ્તારના નકશામાં પૉઇન્ટ મૂકી શકાય.”

“આ ડિવાઇસ મોબાઈલ ફોનના નેટવર્કનો ઉપયોગ કરી સર્વે કરાયેલા જમીનના લોકેશન મોકલે છે અને તેના આધારે નકશા બને છે. પરંતુ પાલ સાહેબ પાસેના જીપીએસ કંટ્રૉલર ડિવાઇસમાંથી કોઈ સંકેત મળતો નહોતો અને તેથી તે બંધ હોય તેમ લાગતું હતું.”

છેલારામે એમ પણ કહ્યું હતું કે તેમણે અને અર્નબ પાલે રણના આ ભાગમાં અગાઉ પણ કામ કર્યું હતું. આ વિશે તેઓ જણાવે છે. “અમે બંનેએ 2023ના ડિસેમ્બરમાં કુડાના રણમાં આવેલ એક પાકા રસ્તા પર ચાલીને જમીનનો સર્વે કર્યો હતો અને તેથી અમને રણના આ વિસ્તારમાં કામ કરવાનો અનુભવ હતો. પાલ સાહેબ એક અનુભવી સર્વેયર હતા.”

પરિવારના લોકો શું કહે છે?

કુમુદીની બહેન લાખિયાનું અવસાન વ્યક્તિ પરિચ, કુમુદીની બહેન કુમી બહેનનું કથકક્ષેત્રે પ્રદાન, બીરજુ મહારાજ, શંભુ મહારાજ, કથક અને ભરતનાટ્યમ્, કદમ્બ સેન્ટર ફોર ડાન્સ એન્ડ મ્યુઝિક, ઇશિરા પરીખ, મૌલિક શાહ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગુરુવારે સાંજે મૌવાણા પાસે મૃતદેહ મળી આવતા તેને રાપરના સામૂહિક આરોગ્યકેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર બુબડિયાએ જણાવ્યું, “અર્નબ પાલ ગુમ થયા હોવાની જાણ અમે તેના પરિવારજનો અને તેમની કંપનીને કરી દીધી હતી. તેથી, અર્નબ પાલનાં પત્ની જુમા પાલ અને અર્નબના નાના ભાઈ સૌવિક પાલ રાપર આવી ગયાં હતાં. મૃતદેહ મળી આવતા તેની ઓળખ માટે અમે તેમને રાપર સામૂહિક આરોગ્યકેન્દ્રએ ગુરુવારે સાંજે બોલાવ્યાં.”

“તેમનાં પત્ની અને ભાઈએ તે મૃતદેહ અર્નબ પાલનો જ હોવાનું જણાવતાં અમે મૃતદેહને જામનગર ખસેડ્યો હતો. મૃતદેહ પર કોઈ ઈજાનાં નિશાન મળી આવ્યાં ન હતાં. ડૉક્ટરોએ પાલના મૃત્યુનું પ્રાથમિક કારણ ડિહાઇડ્રેશન (તરસને કારણે શરીરમાં પાણીની માત્રા ઘટી જવાની સ્થિતિ) હોવાનું જણાવ્યું છે.”

શુક્રવારે જામનગરમાં અર્નબ પાલના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ થઇ જતા તેમના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા અર્નબના નાના ભાઈ સૌવિકે કહ્યું કે અર્નબ એક અનુભવી લૅન્ડ સર્વેયર (જમીન મોજણીકાર) હતા.

સૌવિક વધુમાં જણાવે છે, “તેઓ ભારતનાં લગભગ દરેક રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટસ માટે જમીનોના સર્વે કરી ચૂક્યા હતા. તેઓ ત્રીસેક વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા હતા અને ભાસ્કરમમાં બે વર્ષ અગાઉ જોડાયા હતા. તેઓ ખૂબ જ મજબૂત હતા અને મને માનવામાં નથી આવતું કે તે આ રીતે મૃત્યુ પામ્યા હશે.”

“અમને માહિતી મળી છે કે અર્નબના આસિસ્ટન્ટ ડિહાઇડ્રેટ થઈ જતા બંને પાછા ફરી રહ્યા હતા. પરંતુ, અર્નબના આસિસ્ટન્ટ પાસે અન્ય કંપનીનું સીમ-કાર્ડ હતું, જયારે મારા ભાઈ પાસે બીજી કંપનીનું સીમ-કાર્ડ હતું જેમાં નેટવર્ક આવતું ન હતું. તેના આસિસ્ટન્ટ પાસે રહેલા મોબાઇલનું નેટવર્ક આવતું હોવાથી તે બચી ગયા.”

બાલાસર પોલીસ સ્ટેશનના પણ ઈન-ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એવા જે. બી. બુબડિયાએ જણાવ્યું હતું, “હાલ તો પાલના મૃત્યુ સંદર્ભે એક કમોતનો ગુનો દાખલ કર્યો છે. શરીર પર કોઈ ઈજાનાં નિશાન ન મળતાં અને તેના પરિવારજનોએ કોઈ વિરુદ્ધ શંકા ન દર્શાવતા પ્રાથમિક દૃષ્ટિએ આ કેસમાં કાંઈ શંકાસ્પદ બન્યું હોય તેવું હાલના તબક્કે જણાતું નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS