Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ભારતની પરંપરાગત વિદેશનીતિ અને વ્યૂહરચનામાં મોટો બદલાવ જોવા મળ્યો છે.
22 એપ્રિલના રોજ પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત ચાલી રહ્યો છે. આ હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં, જેમાં 25 પર્યટક હતા.
ભારતે આ હુમલાના જવાબમાં 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યાં. ભારતે એએવો દાવો કર્યો છે કે આ હુમલો પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આવેલાં આતંકવાદી ઠેકાણાં પર કરાયા હતા. ભારતના હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને સીમા પર ગોળીબાર પણ થયો. આ તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે.
ભારતે જે રીતે આ વખતે હુમલા કર્યા, તેનાથી ભારતની પરંપરાગત વ્યૂહરચનામાં બદલાવ દેખાયો છે. અને એની ઘણી ચર્ચા પણ છે. વિશેષજ્ઞો કહી રહ્યા છે કે આ વખત ‘ભારતે અમેરિકા અને ઇઝરાયલવાળી વ્યૂહરચના અપનાવી છે.’
શું ભારતની વ્યૂહરચના બદલાઈ ગઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
પહેલાંનાં વર્ષોમાં ભારતે સામાન્યપણે ચરમપંથી હુમલા બાદ ડિપ્લોમેટિક સ્તરે કાર્યવાહી કરવાની કોશિશ કરી છે. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ હુમલાનો આરોપ પણ ભારતે લશ્કર-એ-તૈયબા પર લગાવ્યો હતો. આ મામલામાં ભારતે ઘણા પુરાવા પણ રજૂ કર્યા હતા.
ભારે હથિયારોથી સજ્જ દસ ચરમપંથીઓએ મુંબઈનાં ઘણાં સ્થળો અને પ્રતિષ્ઠિત ઇમારતો પર હુમલો કરી દીધો હતો, જે ચાર દિવસ સુધી ચાલ્યો. મુંબઈ હુમલામાં 160 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
તાજતેરમાં જ મુંબઈ પર 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાનું અમેરિકામાંથી ભારત પ્રત્યર્પણ કરાયું છે.
પરંતુ હવે આવા હુમલા બાદ ભારતની વ્યૂહરચના બદલાઈ ગઈ છે?
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર હેપીમોન જેકબ કહે છે કે, “મને લાગે છે કે ભારતે જે ‘ઑપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે, એ એક નવી નીતિ અપનાવાઈ હોવાની વાત બતાવે છે.”
“વર્ષ 2001માં જ્યારે સંસદભવન પર હુમલો થયો હતો. એ બાદ 26 નવેમ્બર 2008માં મુંબઈમાં હુમલો કરાયો હતો ત્યારે ભારત સરકારે આની સામે કોઈ ખાસ પગલાં નહોતાં લીધાં.”
તેમનું કહેવું છે કે, “એવો ડર હંમેશાં હતો કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર છે. જો આપણે પરંપરાગત રીતે સૈન્ય મારફતે તેમના પર હુમલો કરીશું, તો તેઓ પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે. એવો ડર ભારતના મનમાં હતો, અને ભારતીય વ્યૂહરચનાત્મક વિચારકો પણ આવું જ વિચારતા હતા.”
પરંતુ વર્ષ 2016માં ઉરીમાં 19 સૈનિકોનાં મૃત્યુ બાદ ભારતે નિયંત્રણ રેખાની પાર ચરમપંથીઓનાં શિબિરો પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’ કરી હતી.
વર્ષ 2019માં પુલવામામાં વિસ્ફોટ થયો, જેમાં ભારતીય અર્ધસૈનિક બળોના 40 જવાનનાં મૃત્યુ થયાં. એ બાદ ભારતે બાલાકોટમાં અદર સુધી ઍર સ્ટ્રાઇક કરી હતી.
હેપીમોન જેકબ કહે છે કે, “હાલ અમુક દિવસ પહેલાં જ હુમલો થયો છે. મારું માનવું છે કે આ ત્રણ હુમલામાં એક નવી નીતિ અપનાવાઈ રહી છે, જે અંતર્ગત જ્યારે પણ પાકિસ્તાન ભારત પર સબ-કન્વેન્શનલ રીતે એટલે કે આતંકી હુમલો કરશે, ત્યારે ભારત તેના જવાબમાં પરંપરાગત રીતે એટલે કે સૈન્યનો ઉપયોગ કરીને સ્ટ્રાઇક કરશે.”
તેમનું માનવું છે કે, “આનો મહત્ત્વપૂર્ણ નિષ્કર્ષ એ છે કે પાકિસ્તાનને ખબર પડશે કે જ્યારે પણ તેમની તરફથી કોઈ આતંકવાદી સંગઠન ભારત પર હુમલો કરશે તો ભારત તેનો જવાબ જરૂર વાળશે.”
‘ભારતની નીતિ અમેરિકા-ઇઝરાયલવાળી’

ઇમેજ સ્રોત, T. Narayan/Bloomberg via Getty Images
હાલના સમયમાં ભારતે જે હુમલા કર્યા બાદ પુરાવા રજૂ કરીને જણાવ્યું છે કે ભારતમાં શું થયું, જેના બદલામાં ભારતે હુમલો કર્યો છે.
ભારતે કોઈ આંતરરાષ્ટ્રીય મંચ પર કોઈ ચરમપંથી હુમલા વિરુદ્ધ વિનંતી નથી કરી, જે પહેલાં સામાન્યપણે થતું.
આ ભારતની વિદેશનીતિમાં કેટલો મોટો મૂળભૂત બદલાવ છે, જે કહી રહ્યો છે કે, “વી વિલ સ્ટ્રાઇલ એટ વિલ.” શું આ મનોવૈજ્ઞાનિક દબાણ બનાવવાથી વધુ આગળની વ્યૂહરચના છે?
પ્રોફેસર હેપીમોન જેકબ કહે છે કે, “અમેરિકામાં જ્યારે કોઈ હુમલો થાય છે તો અમેરિકા કોઈ વૈશ્વિક મંચ સામે નથી જતું, ઇઝરાયલની નીતિ પણ આવી જ છે, એ પણ કોઈ મંચ પર જઈને એવું નથી જણાવતું કે અમારા અહીં હુમલો થયો છે, શું કરીએ.”
“ભારતે પણ આ વ્યૂહરચના અપનાવી છે અને એવો સંદેશ આપ્યો છે કે અમારા લોકો મર્યા છે, તો અમે કાર્યવાહી કરશું. એટલું જરૂર છે કે જો વાત આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચશે તો ત્યાં પણ ભારતના પક્ષમાં સમર્થન જોવા મળી રહ્યું છે.”
હેપીમોન જેકબ કહે છે કે, “મારું એવું માનવું છે કે હાલ અમે પુરાવા તરીકે એવું કહેવાના છીએ કે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન ‘ટીઆરએફ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’એ આની જવાબદારી લીધી છે. જેનો સંબંધ લશ્કર-એ-તૈયબા સાથે છે, અને લશ્કર-એ-તૈયબાનું હેડક્વાર્ટર મુરિદકેમાં છે, તો આટલા પુરાવા પૂરતા છે.”
હેપીમોન જેકબ કહે છે કે, “પાકિસ્તાને તેના પર ઘણાં વર્ષોથી કાર્યવાહી નથી કરી અને પાકિસ્તાને આ આતંકી સંગઠનને ઘણાં વર્ષોથી જીવિત રાખ્યું છે. આ જ વાત વિશ્વ માટે પુરાવા છે, અને ભારત કહેશે કે આ આધારે આ આતંકી સંગઠનને ડૅમેજ કરવાની યોજના બનાઈ છે, એ જ છે ‘ઑપરેશન સિંદૂર’.”
“સાઇકૉલૉજિકલ ઇમ્પ્લિકેશન (મનોવૈજ્ઞાનિક પરિણામો)નો સવાલ છે તો તેને હું એક અલગ પ્રકારે જોવા માગીશ. જ્યારે વર્ષ 2001 કે 2008માં હુમલો થયો હતો, ત્યારે અમેરિકા એક તાકતવર દેશ હતો. એ આજે પણ તાકતવર છે, પરંતુ એ સમયે અમેરિકા વર્લ્ડ પોલીસમૅનની માફક વર્તતું હતું. પરંતુ આજે અમેરિકાને વૈશ્વિક મુદ્દામાં એટલો રસ નથી અને ભારત પહેલાંની સરખામણીએ વધુ તાકતવર થઈ ગયું છે.”
પ્રોફેસર હેપીમોન જેકબ કહે છે કે, “પાડોશી દેશ કે આતંરરાષ્ટ્રીય સંગઠન શું કહેશે, ભારત સમજે છે કે આના પર આટેલું ધ્યાન આપવાની જરૂર નથી. જો આપણને ખ્યાલ છે કે આપણા પર આતંકવાદી હુમલો થયો છે અને એ ખબર પડે કે આ કોણે કર્યો છે, તો અમે કાર્યવાહી કરશું.”
ભારતના ‘ઑપરેશન સિંદૂર’ પર વિશ્વના ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ મોટા બાગના દેશોએ ખૂલીને તેનો વિરોધ પણ નથી કર્યો.
બે પરમાણુ શક્તિઓ વચ્ચેનો સંઘર્ષ કેટલો ગંભીર?
સ્વીડનની થિંક ટૅન્ક સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સિપરી)ના વર્ષ 2024ના રિપોર્ટ અનુસાર, ભારત પાસે 172 જ્યારે પાકિસ્તાન પાસે 170 પરમાણુ વૉરહેડ છે.
જોકે, એ સ્પષ્ટ નથી કે બંને દેશો પસે કેટલા પરમાણુ વૉરહેડ તહેનાત છે.
એવું માન્યતા ચાલતી આવી છે કે પરમાણુશક્તિ હોવાના કારણે બંને પૈકી એક દેશ બીજા પર ક્યારેય હુમલો નહીં કરે, પરંતુ તાજેતરના સંઘર્ષ બાદ શું એવું કહી શકાય કે આ માન્યતા બદલાઈ ગઈ છે?
પ્રોફેસર હેપીમોન જેકબ કહે છે કે, “સૈદ્ધાંતિક રીતે વાત કરીએ તો પરમાણુ હથિયાર તમને હુમલાથી બચાવે છે, પરંતુ એ ના તો આતંકવાદી હુમલાને રોકે છે અને ના પરંપરાગત હુમલાને. તેથી એવું કહેવું યોગ્ય હશે કે પરમાણુ શક્તિ સંપન્ન હોવું એ માત્ર એક સીમિત સ્તર સુધીની સુરક્ષા પૂરી પાડે છે.”
તેમનું કહેવું છે કે, “હવે પાકિસ્તાનની ઍરફોર્સ અંગે પણ ચિંતા છે કે એ ઘણી સક્ષમ છે. પરંતુ મારું માનવું છે કે જો પાકિસ્તાનની પરંપરાગત તાકત સારી છે. તો એ પરમાણુ હથિયાર તરફ નહીં જાય. અને જો કન્વેન્શનલ યુદ્ધ થયું, તો સૈન્ય અને અર્થતંત્ર બંને મામલામાં ભારત ખૂબ વધુ તાકતવર છે.”
પ્રોફેસર જેકબ માને છે કે વૈશ્વિક સ્તરે ભારત પાસે સારા મિત્રો છે, જે પાકિસ્તાન પાસે નથી. આવી સ્થિતિમાં પરંપરાગત યુદ્ધમાં ભારત જીતી શકે છે અને ભારતનું એવું આકલન છે કે પરમાણુ હથિયારોને આ સમીકરણમાંથી બહાર રખાય.
શું આ કોઈ સંદેશ આપવાનો પ્રયાસ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાન બંને એવા પાડોશી દેશો છે, જેમના વચ્ચે કડવાશ હંમેશા જળવાઈ રહે છે. બંને દેશો વચ્ચે ઘણી વાર યુદ્ધ પણ થઈ ચૂક્યાં છે.
સામાન્યપણે બંને દેશો વચ્ચે આવા તણાવની સ્થિતિમાં પરિસ્થિતિને શાંત કરવા માટે ત્રીજા દેશની સક્રિયતા જોવા મળે છે. પરંતુ આ વખતે ભારતે ત્રીજા દેશની મધ્યસ્થીને મહત્ત્વ ન આપ્યું.
પ્રોફેસર હેપીમોન જેકબ કહે છે કે, “પાકિસ્તાન વર્ષ 1947થી હંમેશાં ત્રીજા પક્ષને વચ્ચે લાવવા માટે આતુર રહ્યું છે. પાકિસ્તાનીઓએ જમ્મુ અને કાશ્મીરમાં હુમલો કર્યો, એ બાદ યુએનને વચ્ચે પાડ્યું. વર્ષ 1965માં સોવિયેત યુનિયનને વચ્ચે પાડવામાં આવ્યું.”
“પરંતુ વર્ષ 1971માં ભારતે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે કોઈ થર્ડ પાર્ટીને વચ્ચે પાડવામાં આવે, જે થવું હશે એ અમારી વચ્ચે જ થશે.”
હેપીમોન જેકબનું માનવું છે કે, “આ વખત ભારતની વ્યૂહરચના રહી છે કે આપણે આંતરરાષ્ટ્રીય મતની પરવા કર્યા વગર જવાબ આપીએ, કારણ કે હુમલો ભારત પર થયો છે. તેથી ભારતને લાગે છે કે તેનો એ અધિકાર છે કે તે સ્ટ્રાઇક કરે અને એ આવું કરી રહ્યો છે.”
હાલના ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં એવું પણ જોવા મળ્યું છે કે ભારતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર જ નહીં, પરંતુ પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં પણ હુમલા કર્યા છે. શું આનાથી તેઓ પાકિસ્તાનને કોઈ સંદેશ આપવા માગે છે?
પ્રોફેસર જેકબ કહે છે કે, “મારું માનવું છે કે આમાં સંદેશ એ છે કે જ્યારે સૌપ્રથમ 2016માં ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, ત્યારે એ પીઓકેમાં, લાઇન ઑફ કન્ટ્રોલની પેલે પાર એક પરીક્ષણ કર્યું હતું. એ બાદ 2019માં અમે આને થોડું વધુ આગળ વધાર્યું અને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં હુમલો કર્યો.”
પ્રોફેસર જેકબ અનુસાર, “હાલ જે હુમલો થયો છે, એ પાકિસ્તાનમાં પંજાબની અંદર એટલે કે હાર્ટલૅન્ડ ઑફ પાકિસ્તાનમાં થયો છે. એનો અર્થ એ છે કે ભારત પાસે ઘણા વિકલ્પો છે, જો ભવિષ્યમાં ભારત પર આતંકવાદી હુમલા થાય છે તો મારું માનવું છે કે ભારત પાસે આના બદલામાં કાર્યવાહી કરવા માટેના ઘણા વિકલ્પો હશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS