Source : BBC NEWS

ઇમેજ સ્રોત, MARIA KHAN
જમ્મુ-કાશ્મીરના પુંછ શહેરમાં રહેતાં ઝૈન અલી અને ઉર્વા ફાતિમા માટે 6 મેનો દિવસ સામાન્ય દિવસો જેવો જ હતો. 12 વર્ષનાં જોડિયા ભાઈ-બહેન શાળાએ ગયાં, હોમવર્ક કર્યું, થોડું રમ્યાં, રાતનું ભોજન લીધું અને પછી સૂઈ ગયાં.
પરંતુ અડધી રાતે તેમની ઊંઘ ઊડી ગઈ. કારણ કે ઘરથી થોડા કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાનની નિયંત્રણ રેખા પર ફાયરિંગ થયું હતું.
ઝૈન અને ઉર્વાનાં માસી મારિયા ખાન આ વાત કરતાં કરતાં રડી પડે છે.
બાળકો અને તેમનાં માતા-પિતાને ખબર ન હતી કે ભારતે ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે અને પાકિસ્તાન તેની વળતી કાર્યવાહી કરી રહ્યું છે.
ગભરાટના માર્યા તેઓ ગોળીબાર અટકે તેની રાહ જોવાં લાગ્યાં. સવાર થઈ ગઈ. અંતે લગભગ સાડા છ વાગ્યે બાળકોના મામા તેમને અને તેમનાં માતા-પિતાને ત્યાંથી બહાર કાઢવા માટે પહોંચ્યાં. તેમણે તેમને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યાં.

ઇમેજ સ્રોત, Getty Images
ગળામાં ડૂમો સાથે મારિયા કહે છે, “દીદીએ ઉર્વાનો હાથ પકડ્યો હતો અને બનેવીએ ઝૈનનો હાથ. ઘરમાંથી નીકળ્યા અને અચાનક બૉમ્બ ફાટ્યો. ઉર્વા તો ત્યાં જ મૃત્યુ પામી અને ઝૈન ક્યાંય ફેંકાઈ ગયો.”
ઉર્વાનાં માતા બૂમે પાડતાં રહ્યાં, આમ તેમ શોધતા રહ્યાં. અંતે જોયું કે દૂર એક અજાણી વ્યક્તિ ઝૈનની છાતી દબાવીને તેના શ્વાસને ટકાવવા માટે કોશિશ કરતી હતી. પરંતુ તેમાં સફળતા ન મળી.
આ દરમિયાન ઝૈન અને ઉર્વાના પિતા રમીઝ ખાન અડધા કલાક સુધી લોહીલુહાણ સ્થિતિમાં બેહોશ રહ્યા. બાળકોને જોયા પછી જ તેમનાં પત્ની ઉરુશાને તેમને સંભાળવાનું ભાન આવ્યું.
રમીઝ ગંભીર રીતે ઘાયલ હતા. તેમને પુંછની હૉસ્પિટલમાં દાખલ કરાવીને ઉરુશા પોતાના ભાઈ સાથે ઘરે પાછાં આવ્યાં.
તેમણે પોતાનાં બાળકોને દફનાવવાનાં હતાં.
શાળાને નિશાન બનાવાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
મારિયાની આંખોમાંથી સતત આંસુ વહે છે. હું તેમને જમ્મુની જનરલ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં મળી.
અહીં પુંછ અને જમ્મુમાં છેલ્લા ચાર દિવસથી ઈજા પામેલા લગભગ 20 લોકો દાખલ છે. તેમાંથી માત્ર બે આઈસીયુમાં છે – મારિયાનાં બહેન ઉરુસા અને બનેવી રમીઝ.
રમીઝ ખાનને હજુ ખબર નથી કે તેમનાં બંને બાળકો આ દુનિયામાં નથી રહ્યાં. જીવન અને મોત વચ્ચે ઝોલા ખાતા રમીઝ ખાનને તેમનો પરિવાર આ આઘાત આપવા માંગતો નથી.
મારિયા કહે છે, “દીદી ઘાયલ પણ છે અને બાળકોને ગુમાવવાની પીડા પણ સહન કરી રહી છે. નથી ઊંઘી શકતી, નથી ખાતી. કંઈ બોલી પણ શકતી નથી. તેમને બે બાળકો હતાં, બંને જતાં રહ્યાં.”
ઉરુસા અને રમીઝ માટે બાળકો જ જીવનનો આધાર હતો. રમીઝ એક સરકારી શાળામાં શિક્ષક હતા અને બાળકોને સારું શિક્ષણ આપવા માંગતા હતા.
તેથી એક વર્ષ અગાઉ તેમણે બાળકોની સ્કૂલ નજીક રહેવા માટે એક ઘર ભાડે રાખ્યું હતું.
મારિયાનું કહેવું છે કે શાળાની નજીક હોવું એ જ કદાચ બાળકોનાં મોતનું કારણ બની ગયું.

ઇમેજ સ્રોત, Getty Images
9 મેએ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીને એક પત્રકારે પાકિસ્તાન દ્વારા શાળાઓને નિશાન બનાવવા વિશે પૂછ્યું, ત્યારે તેમણે આ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.
મિસરીએ કહ્યું કે, “નિયંત્રણ રેખા પર ભારે શેલિંગ દરમિયાન એક ગોળો ક્રાઇસ્ટ સ્કૂલની પાછળ પડ્યો અને શાળામાં ભણતાં બે બાળકોનાં ઘર પાસે ફૂટ્યો. કમનસીબે તેમાં બંને બાળકોનાં મોત થયાં અને તેમનાં માતા-પિતાને પણ ગંભીર ઈજા થઈ હતી.”
ઑપરેશન સિંદૂર પછી થયેલી બીજી પત્રકાર પરિષદ દરમિયાન વિદેશ સચિવે જણાવ્યું કે 7 મેની સવારે પુંછમાં થયેલો પાકિસ્તાની હુમલો સૌથી વધુ જીવલેણ હતો. તેમાં બાળકો સહિત 16 સામાન્ય નાગરિકોનાં મોત થયાં હતાં.
સરહદી વિસ્તારના લોકોને ચેતવણી નહોતી અપાઈ

ઇમેજ સ્રોત, Maria Khan
રમીઝને ગંભીર ઈજા થઈ હતી. તેમનો પરિવાર તેમને પહેલાં પુંછની હૉસ્પિટલે, પછી ચાર કલાકના અંતરે રાજૌરી શહેરની હૉસ્પિટલે અને પછી ચાર કલાકનો રસ્તો કાપીને જમ્મુની મોટી હૉસ્પિટલે લઈ આવ્યો.
આ ભાગદોડ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામની જાહેરાત થઈ ગઈ. હુમલા તો અટકી ગયા, પણ રમીઝ અને ઉરુસા માટે બહુ મોડું થઈ ગયું.
મારિયા કહે છે, “હવે યુદ્ધ થાય કે સીઝફાયર થાય, અમારાં બાળકો તો પાછાં નહીં આવે.”
પછી નજર ઉઠાવીને મારી સામે જોતાં તેઓ કહે છે, “દેશની સુરક્ષા માટે જો યુદ્ધ જરૂરી હોય, આતંકવાદીઓને ખતમ કરવા માટે આ જરૂરી હોય તો અમે તેનું સમર્થન કરીએ છીએ. પહલગામ હુમલા માટે અમારું દિલ પણ દુ:ખે છે. પરંતુ બૉર્ડર નજીક રહેતા લોકોના જીવનનો પણ વિચાર કરવો જોઈએ. શું અમે માણસ નથી?”
સરહદે વસેલાં ગામોમાં સરકારે બંકર બનાવ્યા છે, પરંતુ પુંછ શહેરમાં આવી કોઈ સુવિધા નથી.
મારિયાના કહેવા પ્રમાણે ઑપરેશન સિંદૂર અગાઉ સરકારે સરહદે વસતા લોકોને તેની માહિતી આપવી જોઈતી હતી જેથી તેઓ ત્યાંથી સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા હોત અને “કદાચ અમારાં બાળકો આજે અમારી પાસે હોત.”

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોના પરિવારજનો સાથે મુલાકાત કરી અને આઈસીયુમાં પણ ગયા.
હુમલામાં મારી ગયેલી દરેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
મારિયા આગળની જિંદગીનો વિચાર કરતા જ ગભરાય છે.
રમીઝ ખાન રોજ પોતાનાં બાળકો વિશે છે.
તેઓ કહે છે, “બંનેમાંથી એક બચી ગયું હોત તો સારું હતું. દીદી કેવી રીતે જીવીશું, અમે બનેવીને કેવી રીતે જણાવીશું?”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS