Source : BBC NEWS

પેનિક ઍટેક, હૃદયરોગ, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઑફિસમાં કોઈ કર્મચારી તણાવભર્યા માહોલમાં કામ કરતો હોય કે કોઈ વિદ્યાર્થી તેની પરીક્ષા બાબતે ચિંતિત હોય તે શક્ય છે.

ખુશમિજાજ માણસના જીવનમાં તણાવ અચાનક આવી શકે છે.

એવી સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ, હૃદયના ધબકારાની ગતિમાં વધારો કે પરસેવો થવા જેવાં અસામાન્ચ લક્ષણોનો અનુભવ થઈ શકે છે. તે એક “પેનિક ઍટેક” હોય છે.

બીજા શબ્દોમાં કહીએ તો પેનિક ઍટેક અચાનક ઉત્પન્ન થતા ભય પ્રત્યેની શરીરની પ્રતિક્રિયા છે.

આ સંદર્ભમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે પેનિક ઍટેક ક્યારે અને કેમ આવશે તેની ભવિષ્યવાણી કરી શકાતી નથી.

કિલપૌક સરકારી માનસિક હૉસ્પિટલનાં ડિરેક્ટર ડૉ. પૂર્ણા ચંદ્રિકા કહે છે, “કેટલાક લોકોએ બહુ જ તણાવભરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે શરીર અજાણેપણે ગભરાટની સ્થિતિમાં આવી જાય છે.”

“પછી શરીરમાં કેટલાક ફેરફાર થાય છે. એ ફેરફાર વાસ્તવમાં કોઈ ખતરાની પ્રતિક્રિયા હોય છે. તેનું પરિણામ પેનિક ઍટેક હોય છે.”

પેનિક ઍટેક, હૃદયરોગ, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગુજરાત

સામાન્ય રીતે ચિંતા અને ભ્રમ જેવી સમસ્યાઓ લાંબા સમય સુધી રહેતી હોય છે.

પેનિક ઍટેક તેનાથી અલગ હોય છે. તે એક માનસિક-શારીરિક પ્રભાવ હોય છે, જે થોડી મિનિટો સુધી જ રહે છે.

ડૉ. પૂર્ણા ચંદ્રિકા કહે છે, “પેનિક ઍટેકથી પ્રભાવિત લોકોને એ થોડી મિનિટો દરમિયાન તીવ્ર ભયનો અનુભવ થાય છે. તેમને એવું લાગે છે કે તેઓ મરી જશે.”

“આ સ્થિતિને કોઈ અન્ય મનોવૈજ્ઞાનિક સમસ્યા જેવી જ ગણવી જોઈએ. પેનિક ઍટેક દરમિયાન જીવ વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને સમાજ બધા પોતપોતાની ભૂમિકા ભજવે છે.”

ડૉ. પૂર્ણા ચંદ્રિકાના જણાવ્યા મુજબ, કેટલાક લોકોએ તેમના જીવનમાં કોઈ એવી ઘટનાનો અનુભવ કર્યો હોય છે, જેની તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ હોય છે. ભવિષ્યમાં પણ એવી જ પરિસ્થિતિ સર્જાય તો તેમનું અચેતન મન અજાણપણે તેમને એ “જોખમ” પ્રત્યે સાવધ કરી દે છે.

આવી અણધારી પરિસ્થિતિ પેનિક ઍટેકનું કારણ બની શકે છે.

દાખલા તરીકે, કોઈ વ્યક્તિ બાળપણમાં અંધારિયા ઓરડામાં પૂરાઈ હોય તો એ ઘટનાનો પ્રભાવ તેના અચેતન મન પર અંકિત થઈ જાય છે.

એ વ્યક્તિ મોટી થાય અને તેને ફરી એવી જ પરિસ્થિતિમાં મૂકવામાં આવે કે તેણે એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તેને પેનિક ઍટેક આવી શકે છે.

અપોલો હૉસ્પિટલમાં ન્યૂરૉલૉજી વિભાગના વડા ડૉ. પ્રકાશ પ્રભાકરનના કહેવા મુજબ, આ કોઈ પણ અન્ય મનોવૈજ્ઞાનિક સમસ્યા જેવું છે. જોકે, આ મનોવૈજ્ઞાનિક સ્થિતિના કારણ આનુવાંશિક પણ હોઈ શકે છે.

પેનિક ઍટેક, હૃદયરોગ, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગુજરાત
પેનિક ઍટેક, હૃદયરોગ, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઘણા લોકો લિફ્ટમાં ફસાઈ જાય ત્યારે ચિંતાતુર થઈ જતા હોય છે.

ડૉ. પૂર્ણા ચંદ્રિકાના કહેવા મુજબ, એકાદી વખત થયેલો આવો અનુભવ વારંવાર ચિંતાનું કારણ બની જાય છે. ઘણી વાર એવું જોવા મળે છે કે જે વ્યક્તિને લિફ્ટનો એક જ વખત ખરાબ અનુભવ થયો હોય તે વ્યક્તિ લિફ્ટમાં પ્રવેશતી વખતે દરેક વખત ગભરાટ અનુભવે છે.

તેઓ કહે છે, “એક જ સમયમાં અનેક પ્રતિક્રિયા થાય છે, જેમ કે મોં સુકાઈ જવું, પેશાબ કરવાની ઇચ્છા થવી, હૃદયના ધબકારામાં વધારો અને પેટમાં ગડબડ. એ તેમને સમયે એવું લાગે છે કે તેઓ મરી જશે.”

તેમના જણાવ્યા અનુસાર, એ પરિસ્થિતિમાં ઘણા લોકોના શરીરમાં થતા ફેરફારને કારણે છાતીમાં પીડાનો અનુભવ થઈ શકે છે.

ઘણા લોકો તેને હાર્ટ ઍટેક માની લે છે.

ડૉ. પૂર્ણા ચંદ્રિકા કહે છે, “પહેલો પેનિક ઍટેક આવે ત્યારે મોટા ભાગના લોકો તરત સારવારની તપાસ કરે છે, કારણ કે તેમને હાર્ટ ઍટેક આવવાનો ડર હોય છે, પરંતુ આવું એકથી વધારે વાર થાય ત્યારે ડૉક્ટર અને દર્દી બન્ને સમજી જાય છે કે આ એક પેનિક ઍટેક છે.”

પેનિક ઍટેકથી પીડિત લોકોએ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ, એવી ભલામણ તેઓ કરે છે.

પેનિક ઍટેક, હૃદયરોગ, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ડૉ. પૂર્ણા ચંદ્રિકાના જણાવ્યા અનુસાર, પહેલી વારના પેનિક ઍટેકની ચોક્કસ ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.

પેનિક ઍટેકનાં લક્ષણ પહેલી વાર જોવાં મળે ત્યારે સ્વાસ્થ્યના તમામ માપદંડોની તપાસ સુનિશ્ચિત કરવા એ પછીનાં પરીક્ષણ કરાવવાં જરૂરી છે.

અન્ય પાસાં બરાબર હોય તો પેનિક ઍટેકની શક્યતા વધારે હોય છે.

ડૉ. પૂર્ણા ચંદ્રિકા એમ પણ કહે છે, “એ પરિસ્થિતિમાં મનોચિકિત્સકની સલાહ અને સારવારથી, ભવિષ્યમાં આવનારા પેનિક ઍટેકને રોકી શકાય છે.”

પેનિક ઍટેક દરમિયાન મગજમાં ડરની લાગણી સર્જાય છે. આ લાગણી જ અસરગ્રસ્ત લોકોમાં સદભાવ પેદા કરે છે.

પેનિક ઍટેક, હૃદયરોગ, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગુજરાત
પેનિક ઍટેક, હૃદયરોગ, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ડૉ. પૂર્ણા ચંદ્રિકાના જણાવ્યા મુજબ, કેટલાક લોકો તણાવ પ્રત્યે સંવેદનશીલ હોય છે અને વધારે પડતી ચિંતા કરતા હોય છે. એવા લોકોમાં પેનિક ઍટેકનું જોખમ વધારે હોય છે.

તેઓ કહે છે, “કેટલાક લોકો ગમે તેવી મુશ્કેલી હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ શાંત રહેતા હોય છે, જ્યારે કેટલાક લોકો જરા સરખી મુશ્કેલીથી પણ ગભરાઈ જતા હોય છે. આવા લોકોને પેનિક ઍટેકની વધારે અસર થઈ શકે છે.”

જોકે, બધાં લક્ષણ બધા માટે સમાન હોતાં નથી, પરંતુ તે દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોઈ શકે છે.

ડૉ. પૂર્ણા ચંદ્રિકા ઉમેરે છે કે પેનિક ઍટેક દરમિયાન હૃદયના ધબકારા વધી જવા, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં પીડા કે બેચેની, પરસેવો થવો, શરીરમાં ધ્રુજારી, મૂર્છા અને બેહોશીનો અનુભવ થવા જેવાં લક્ષણનો અનુભવ થઈ શકે છે.

આ પૈકીનાં કેટલાંક લક્ષણ વિના કારણે સામે આવી જાય તો પેનિક ઍટેક થઈ શકે છે.

પેનિક ઍટેક, હૃદયરોગ, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગુજરાત

પેનિક ઍટેક સર્જવામાં મગજનો ક્યો હિસ્સો મહત્ત્વની ભૂમિકા ભજવે છે, એ વાત બીબીસીને સમજાવતાં ડૉ. પ્રબાશ કહે છે, “મગજનો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ નિર્ણય અને લાગણીના આદાનપ્રદાન જેવી ઉચ્ચ સંજ્ઞાનાત્મક કાર્યોમાં મદદ કરે છે. એ હિસ્સો આપણી લાગણીઓ, ખાસ કરીને ડરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.”

તેમના કહેવા મુજબ, “પેનિક ઍટેક દરમિયાન તેમાં ઝડપથી ફેરફાર થતા હોય છે. તેના પરિણામે કોઈ વાસ્તવિક ખતરો ન હોવા છતાં જોરદાર ભય સર્જાય છે. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ ભયની લાગણીઓને નિયંત્રિત કરવામાં અસમર્થ બની જાય છે.”

ડૉ. પ્રબાશ જણાવે છે કે તણાવનો પ્રતિભાવ આપવા માટે મગજના હાઇપોથેલેમસ નામનો હિસ્સો ઉત્તેજિત થાય છે. તેના પરિણામે હૃદયના ધબકારામાં વધારો, શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવો વળવો જેવાં લક્ષણો પેદા થાય છે.

તેમના જણાવ્યા અનુસાર, ભાવનાત્મક સ્મૃતિના સર્જનમાં અને તેને યાદ રાખવામાં મદદ કરતો હિપ્પોકેમ્પસ નામનો મગજનો એક ભાગ ભૂતકાળની ખરાબ ઘટનાઓની યાદ અપાવીને પેનિક ઍટેકને ટ્રિગર કરી શકે છે.

પેનિક ઍટેક, હૃદયરોગ, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગુજરાત

આવી સ્થિતિ આનુવંશિક હોઈ શકે કે કમ, એવા સવાલના જવાબમાં ડૉ. પ્રબાશ કહે છે, “આનુવંશિકતા, વાતાવરણ અને મનોવિજ્ઞાન એમ ત્રણ પરિબળો મહત્ત્વની ભૂમિકા ભજવે છે.”

“અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે કોઈ વ્યક્તિનાં માતા-પિતામાં પેનિક ઍટેકનું જોખમ હોય તો સંતાનોમાં આ સ્થિતિ વિકસિત થવાની શક્યતા વધારે હોય છે.”

તેઓ ઉમેરે છે કે આનુવંશિક પરિસ્થિતિઓ મગજનાં કેટલાંક રસાયણો કેવી રીતે કાર્ય કરે છે તેના પર અસર કરી શકે છે.

“એ ચિંતા પેદા કરી શકે છે. મૂડના નિયમનમાં ભૂમિકા ભજવતી ન્યુરોટ્રાન્સમીટર સિસ્ટમ્સ સાથે સંકળાયેલા જનીનોમાં ફેરફારથી પેનિક ઍટેકનું જોખમ વધી જાય છે.”

પેનિક ઍટેક, હૃદયરોગ, હેલ્થ, બીબીસી ગુજરાતી, ગુજરાત

નિષ્ણાતો સલાહ આપે છે કે જે લોકોને ઓછામાં ઓછી એક વખત પેનિક ઍટેકનો અનુભવ થયો હોય તેવા લોકો વારંવાર પેનિક ઍટેકની શક્યતાથી બચવા માટે સમાન પરિસ્થિતિ દરમિયાન પોતાને શાંત રાખવાના પ્રયાસ કરી શકે છે.

ડૉ. પૂર્ણા ચંદ્રિકાને જણાવ્યા મુજબ, પોતાના દૈનિક જીવનમાં કેટલાક ફેરફાર કરવાથી પણ મદદ મળી શકે છે.

“જે સ્થિતિ તણાવનું કારણ બનતી હોય તેનાથી બચવું જોઈએ. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ માટે કામનો માહોલ બહુ તણાવભર્યો હોય છે અને તેની અસર વ્યક્તિ પર થતી હોય છે. એવી સ્થિતિમાં કામ કે કામની પરિસ્થિતિને બદલવાની સલાહ નિષ્ણાતો આપે છે.”

તેઓ સૂચવે છે કે વ્યાયામ અને ધ્યાન જેવી કેટલીક આદતોને પોતાની દૈનિક જીવનશૈલીમાં સામેલ કરવાથી પણ ફાયદો થઈ શકે છે.

એ સિવાય મનોવૈજ્ઞાનિક ઉપચાર કરવામાં આવે છે અને દવાઓ આપવામાં આવે છે.

ડૉ. પૂર્ણા ચંદ્રિકા ઉમેરે છે કે વ્યક્તિ તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખે તો પેનિક ઍટેકથી સંપૂર્ણપણે બચી શકાય છે.

SOURCE : BBC NEWS