Source : BBC NEWS
55 મિનિટ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળી લીધો છે. આ સાથે જ તેમણે અગાઉ કરેલી જાહેરાત મુજબ ‘મોટા નિર્ણયો’ ઉપર સહી કરવાની શરૂઆત કરી દીધી છે.
જે મુજબ, અમેરિકાના પેરિસ ક્લાઇમેટ ઍગ્રિમેન્ટમાંથી ખસી ગયું છે. આ સિવાય તેમણે અમેરિકા-મૅક્સિકોની સરહદે ‘રાષ્ટ્રીય કટોકટી’ લાદવાની જાહેરાત પણ કરી છે.
ટ્રમ્પે વર્ષ 2021ના કૅપિટલ હિલમાં તોફાનો કરનારા 1500 જેટલા હુલ્લડખોરોને માફી આપવાની પણ જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે આ લોકોએ કશું ખોટું નહોતું કર્યું.
વિપક્ષનાં નેતા નૅન્સી પલોસીએ ટ્રમ્પના નિર્ણયને પોલીસતંત્રનું અપમાન ગણાવ્યું છે.
તેમણે રાષ્ટ્રપતિ બન્યા પછીના પોતાના પહેલા ભાષણમાં આવનારા દિવસોમાં તેમની સરકારની નીતિ કેવી રહેશે, તેના ઉપર પ્રકાશ પાડ્યો હતો.
ટ્રમ્પે કહ્યું હતું કે “આપણે કેટલાક યુદ્ધોને અટકાવીશું.”
આગામી સમયમાં ટ્રમ્પના મંત્રીઓની નિમણૂકની ઉપર સેનેટ મંજૂરીની મહોર લગાવશે.
પેરિસ સંધિમાંથી અમેરિકા ખસ્યું, WHOમાંથી ખસશે
પદભાર સંભાળ્યા પછી ટ્રમ્પે કૅપિટલ વન ઍરેનામાં અમુક ચુનંદા આદેશો ઉપર સહીઓ કરી.
પરેડ પછી મંચ પર જ નાનકડી મેજ મૂકવામાં આવી હતી, જેની ઉપર બેસીને ટ્રમ્પે આ આદેશો ઉપર સહી કરી.
તેમાં પેરિસ ક્લાઇમેટ ઍગ્રિમેન્ટમાંથી ખસવાના મુખ્ય નિર્ણયનો પણ સમાવેશ થતો હતો. સંયુક્ત રાષ્ટ્રને આ અંગે જાણ કરતા ઍક્ઝિક્યુટિવ ઍક્શન પર પણ તેમણે સહી કરી હતી.
આ સિવાય તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી અમેરિકાના ખસવાની પ્રક્રિયાના આદેશ પર પણ સહી કરી હતી અને તેને ‘મોટો નિર્ણય’ ગણાવ્યો હતો.
ટ્રમ્પે વિશ્વના અનેક દેશોમાં યુદ્ધ અટકાવવાની વાત કહી હતી. સાથે જ દાવો કર્યો હતો કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી યુદ્ધને સમાપ્ત કરવા માટે ડીલ કરવા ઇચ્છે છે.
ટ્રમ્પે બાઇડન સરકાર દ્વારા લેવામાં આવેલા 78 જેટલા ઍક્ઝિક્યુટિવ નિર્ણયોને પાછા લેવાના આદેશ પર સહી કરી હતી. જ્યારે ઉપસ્થિત લોકોને આ આદેશ દેખાડવામાં આવ્યો, ત્યારે ઉપસ્થિત લગભગ 20 હજાર લોકોએ તેને વધાવી લીધો હતો.
ટ્રમ્પે જન્મથી નાગરિકત્વની વ્યાખ્યા તથા દક્ષિણની સરહદ પર ‘રાષ્ટ્રીય કટોકટી’ લાદવાના આદેશ પર પણ સહી કરી હતી.
તેમણે ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ ઍફિસિયન્સી નામનું નવું મંત્રાલય બનાવવાની જાહેરાત કરી છે. ટેસ્લાના સીઈઓ ઍલન મસ્ક તેના મંત્રી હશે અને તેમને વ્હાઇટ-હાઉસમાં કચેરી પણ મળશે.
ટ્રમ્પ સરકાર સંપૂર્ણપણે નિયંત્રણ ન સંભાળે ત્યાર સુધી નવા કોઈપણ નિયંત્રણ નહીં લાદવાના આદેશ ઉપર સહી કરી હતી.
આવી જ રીતે સંઘ સરકારમાં સેના અને અપવાદરૂપ વિભાગો સિવાય નવી કોઈ ભરતી નહીં કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. કર્મચારીઓને સંપૂર્ણ સમય ઓફિસમાંથી જ કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ સિવાય તેમણે વાણી સ્વાતંત્ર્યને પુનઃસ્થાપિત કરવાના સંઘીય આદેશ ઉપર પણ સહી કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઓવલ ઑફિસમાં જઈને કાર્યભાર સંભાળ્યા બાદ આવા અનેક આદેશ ઉપર સહી કરશે.
તમામ મંત્રાલયોને નાગરિકોના જીવનખર્ચને ઘટાડવા માટે જરૂરી પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે.
જોકે, ટ્રમ્પે ચીનથી આવતા સામાન ઉપર ઊંચી આયાતજકાત ઉપર કોઈ નિર્ણય નથી લીધો અને કહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર ‘સારી વાત’ થઈ હતી.
ટ્રમ્પનું કહેવું છે કે અનેક દેશો અમેરિકાનું ચોરીને સમૃદ્ધ બની રહ્યા છે.
સાથે જ તેમણે સ્પષ્ટતા કરી હતી કે ટૅરિફ લાદીને દેશને સમૃદ્ધ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે તેમના શબ્દકોશમાં ઇશ્વર, ધર્મ અને પ્રેમ પછી ટૅરિફ ચોથાક્રમે આવે છે.
ટ્રમ્પે નૅશનલ ઍનર્જી ઇમર્જન્સી જાહેર કરવાની વાત કરી હતી, જેથી કરીને ઘરઆંગણે ગૅસ તથા ક્રૂડ ઑઇલનું ખનન વધે અને ભાવો નીચા આવે. તેમણે અમેરિકાને ઉત્પાદક રાષ્ટ્ર બનાવવાની પણ જાહેરાત કરી હતી.
ટ્રમ્પના ભાષણની મુખ્ય વાતો
ટ્રમ્પે કહ્યું હતું કે ‘પનામા નહેરને ચીન ઑપરેટ કરી રહ્યું છે.’ તેમણે પનામા નહેરને ‘મુર્ખતાપૂર્ણ ભેટ’ ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ‘આપણે આ નહેર ચીનને નથી આપી, આપણે પરત લઈશું.’
ઉપસ્થિત જનમેદનીએ આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધી હતી. ત્યારે વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાઇડન તથા ચૂંટણી દરમિયાન ટ્રમ્પનાં હરીફ કમલા હૅરિસ કોઈપણ જાતની પ્રતિક્રિયા આપ્યાં વગર બેસી રહ્યાં હતાં.
અગાઉ ટ્રમ્પે આ પ્રકારની વાત કહી હતી ત્યારે પનામાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આ કૅનાલ ઉપર ચીનનું કોઈપણ જાતનું નિયંત્રણ નથી.
ટ્રમ્પે કહ્યું હતું કે આપણે તારા-સિતારાથી પણ આગળ વધીશું અને મંગળ ગ્રહ ઉપર અમેરિકાનો ઝંડો ફરકશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આપણે મધ્યપૂર્વમાં શાંતિને પુનઃસ્થાપિત કરીશું તથા બધાને સાથે લઈને આગળ વધીશું.
તેમણે ગાઝામાં બંધક બનાવાયા બાદ મુક્ત થયેલા કેટલાક લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું, “અમેરિકા પોતાનું સ્થાન ફરી હાંસલ કરશે. જે દુનિયામાં સૌથી મહાન, શક્તિશાળી અને સન્માનિત દેશનું છે.”
“આપણો દેશ દુનિયાને પ્રેરિત કરશે અને પ્રશંસાનું કેન્દ્ર બનશે.”
ટ્રમ્પે કહ્યું હતું કે તેમની સરકાર જાહેર તથા અંગતજીવનના દરેક આયાતમાં જાતિ અને લિંગને સામેલ કરવાની નીતિનો ત્યાગ કરશે અને માત્ર બે જાતિ રહેશે, સ્ત્રી અને પુરુષ.
ટ્રમ્પે પોતાના ભાષણમાં ઇમિગ્રેશન પ્રત્યે બાઇડન સરકારની નીતિઓની ટીકા કરી હતી.
કૂટનીતિક બાબતો માટે બીબીસીના સંવાદદાતા પૉલ ઍડમ્સના મતે ટ્રમ્પે પોતાના ભાષણ દ્વારા વિશ્વને સંદેશ આપ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS