Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 5 મિનિટ પહેલા
પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે નિધન થઈ ગયું. કાર્ડિનલ કેવિન ફેરેલે પોપના નિધનની ઘોષણા કરી. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા.
ફેરલે પોતાની ઘોષણામાં કહ્યું, “રોમના સ્થાનિક સમય સવારે 7-35 કલાકે પોપ ફ્રાન્સિસે છેલ્લો શ્વાસ લીધો હતો. ફ્રાન્સિસનું આખું જીવન લૉર્ડ અને ચર્ચની સેવામાં સમર્પિત હતું.”
“તેઓ અમને સૌને હંમેશાં સાહસ, પ્રેમ અને હાશિયા પરના લોકોના પક્ષમાં ઊભા રહેવાની પ્રેરણા આપતા રહ્યા. પોપ ફ્રાન્સિસ લૉર્ડ જીસસના સાચા શિષ્ય હતા.”
પોપ ફ્રાન્સિસને કૅથલિક ચર્ચોમાં સુધાર માટે પણ યાદ રખાશે. છતાં પોપ પરંપરાવાદીઓ વચ્ચે પણ લોકપ્રિય હતા. ફ્રાન્સિસ લૅટિન અમેરિકાથી બનનારા પહેલા પોપ હતા.
રવિવારે જ પોપ ફ્રાન્સિસ ઇસ્ટર ડેને વૅટિકનમાં સેંટ પીટર્સ સ્ક્વૅયર પર સૌને મળ્યા હતા.
આ કાર્યક્રમના 24 કલાકમાં જ તેમના નિધનના સમાચાર મળ્યા. પોપે વ્હીલચૅર પર બાલ્કનીમાં બેસીને લોકોનું અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું હતું, “ભાઈઓ અને બહેનો, તમને સૌને ઇસ્ટર ડેની શુભેચ્છાઓ.”
પારંપરિક ઇસ્ટર સંબોધન તેમના સહયોગીએ વાંચ્યું હતું અને પોપ બેઠા હતા.
કોણ હતા પોપ ફ્રાન્સિસ?

ઇમેજ સ્રોત, Getty Images
જોર્જ મારિયો બર્ગોગ્લિયોનો જન્મ 17 ડિસેમ્બર 1936ના રોજ બ્યુનોસ એર્સમાં ઇટાલિયન મૂળના પરિવારમાં થયો હતો. તેમના સત્તાવાર વૅટિકન જીવનચરિત્ર અનુસાર, તેઓ 1969માં જેસુઇટ તરીકે નિયુક્ત થયા હતા અને ત્યારબાદ તેમણે આર્જેન્ટિના અને જર્મનીમાં અભ્યાસ કર્યો હતો.
યુવાન વયે, ચેપના કારણે તેમનું એક ફેફસું કાઢી નાખવામાં આવ્યું હતું.
તેઓ 1992માં બિશપ અને 1998માં બ્યુનોસ એર્સના આર્કબિશપ બન્યા હતા. 2005ના કૉન્ક્લેવમાં તેમને પોપપદના દાવેદાર તરીકે જોવામાં આવતા હતા.
કાર્ડિનલ બર્ગોગ્લિયો તરીકે તેમના ઉપદેશોની હંમેશાં આર્જેન્ટિનામાં અસર થતી હતી અને તેઓ ઘણીવાર સામાજિક સમાવેશ પર ભાર મૂકતા હતા, પરોક્ષ રીતે એવી સરકારોની ટીકા કરતા હતા જે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર ધ્યાન આપતી ન હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS