Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Om Comunication/fb
‘હું જો દલિત હોઉં અને કોઈ મારું અપમાન કરે તો મને કેટલું ખરાબ લાગે. અપમાનથી મોટું કોઈ દુખ નથી. ભૂખનું દુખ સહન થાય પણ અપમાનનું દુખ સહન કરવું ખૂબ અધરું છે.’
એક ઇન્ટરવ્યૂમાં ગુજરાતના જાણીતા દલિતકવિ પ્રવીણ ગઢવીએ સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં આ વાત કરી હતી.
‘સવાયા દલિતકવિ’ તરીકે જાણીતા પ્રવીણ ગઢવીનું 20-05-2025ના રોજ નિધન થયું છે. પ્રવીણ ગઢવી ગુજરાતમાં એક દલિત સાહિત્યકાર તરીકે જેટલા પોંખાયા છે, એટલા જ એક અધિકારી તરીકે પણ એમની કામગીરી વખણાઈ છે.
મહેસાણાના મોઢેરામાં બાળપણમાં થયેલા અનુભવો અને અમદાવાદની ચાલીમાં થયેલી રઝળપાટથી પ્રવીણ ગઢવી દલિતો, વંચિતોને વાચા આપવામાં વધુ બળવત્તર બન્યા, જેનો પડછાયો કવિતામાં પણ ઝીલાયો અને વહીવટી કામગીરીમાં પણ.
પ્રવીણ ગઢવી અધિકારી બન્યા પણ એ સમયમાં પણ તેઓ કવિતા અને વાર્તાના માધ્યમથી જે કહેવાનું હોય એ કહેતા રહ્યા.
ઐતિહાસિક મોઢેરામાં બાળપણ
પ્રવીણ ગઢવીનો જન્મ 13-05-1951માં મહેસાણા જિલ્લાના મોઢેરામાં થયો હતો. તેમના પિતા ખેતસિંહ ગઢવી પણ ચારણી સાહિત્યના વિદ્વાન હતા અને શિક્ષક હતા. તેમણે ઝવેરચંદ મેઘાણી સાથે પત્રવ્યહાર પણ કર્યો હતો.
પ્રવીણ ગઢવીનાં માતા અભણ હતાં અને પણ તેમને તેમના પિતા (ખેતસિંહ ગઢવી)એ વાંચતા શીખવ્યું હતું.
પ્રવીણ ગઢવીને બાળપણથી વાંચન-લેખનના સંસ્કાર મળ્યા હતા. મોઢેરામાં તેઓ નળિયાવાળા કાચા મકાનમાં રહેતા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહેલું કે તેમનાં બે ઘરમાંથી એક ઘર આખું પુસ્તકોથી ભરેલું હતું.
સાતમા ધોરણ સુધી મોઢેરામાં અભ્યાસ કર્યો હતો. તેમનું બાળપણ સમાજના વિવિધ વર્ગો સાથે વીત્યું અને એમાં દલિત, વંચિત સમાજ પણ હતો. એમને જાતિગત ભેદભાવનો અનુભવ પણ મોઢેરામાં થયો હતો.
પ્રવીણ ગઢવીને ભણીને આગળ જતા પ્રોફેસર બનવું હતું, પણ તેઓ એક વહીવટી અધિકારી બન્યા, સાથે જ દલિતો સાથે ઘરોબો કેળવીને દલિત-સાહિત્યસર્જન પણ કર્યું.
અમદાવાદના ગોમતીપુરમાં દલિતોના વિસ્તારમાં વસવાટ

ઇમેજ સ્રોત, Om Comunication/fb
પ્રવીણ ગઢવી આગળના અભ્યાસ માટે અમદાવાદમાં આવ્યા અને ગોમતીપુરની ચાલીમાં રહ્યા. જ્યાં તેમને નીરવ પટેલ, દલપત ચૌહાણ વગેરે મિત્રો મળ્યા.
પ્રવીણ શ્રીમાળીએ પ્રવીણ ગઢવી સાથે વર્ષો સુધી એક અધિકારી તરીકે કામ કર્યું હતું અને સમાજ કલ્યાણ વિભાગમાંથી નાયબ નિમાયક તરીકે નિવત્ત થયા હતા.
પ્રવીણ શ્રીમાળી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “માધ્યમિક શિક્ષણ માટે તેઓ અમદાવાદ આવ્યા અને અમદાવાદના ચાલી વિસ્તારમાં જ રહ્યા. એમણે ત્યાં બધું વાતાવરણ જોયું. પોતાને પણ લાગ્યું કે વર્ષો પછી પણ વર્ણવ્યવસ્થા નાબૂદ થઈ નથી. આ બધું તેમને સતત કઠતું હતું, મનમાં વલોવાતું હતું.”
પ્રવીણ ગઢવીને કૉલેજકાળમાં એક પરીક્ષા દરમિયાન પરીક્ષાખંડમાં નીરવ પટેલ સાથે પરિચય થયો અને આ મુલાકાત તેમને દલિત સાહિત્યની દિશામાં લઈ ગઈ.
જાણીતા કર્મશીલ મનીષી જાની પ્રવીણ ગઢવીના એ દિવસો યાદ કરતા કહે છે, “રમેશચંદ્ર પરમારનું જે દલિત પેન્થર (1975) ચાલતું હતું, એ પેન્થરના સામયિકમાં મહારાષ્ટ્રના દલિતકવિઓએ કવિતા લખી હતી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. દલપત ચૌહાણ, નીરવ પટેલ અને પ્રવીણ ગઢવી મિત્રો હતા, તો તેમણે પણ દલિતકવિતાઓ લખી. પછી ઋતુપત્ર ‘આક્રોશ’માં પણ કવિતાઓ લખી.”
પ્રવીણ ગઢવીની દલિતકવિતા ‘આક્રોશ’માં પ્રથમ વાર પ્રકાશિત થઈ હતી. તેમણે ‘મંદિરપ્રવેશ ન કરો, દોસ્તો…’ કવિતા લખી હતી. આ રીતે તેમનો દલિતકવિતામાં પ્રવેશ થયો.
મનીષી જાની કહે છે, “અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કૉમ્યુનિસ્ટ પાર્ટીની ઑફિસ હતી અને પ્રવીણ ગઢવી સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયામાં સક્રિય પણ હતા. ત્યાં તેમનું એ રીતે ઘડતર થયું.”
તેઓ કહે છે કે પ્રવીણ ગઢવીના જીવનમાં કાર્લ માર્ક્સ, ડૉ. આંબેડકર અને ગાંધીજીનો પ્રભાવ હતો. તેઓ ગાંધીને પણ ક્રિટિકલી જુએ છે.
‘દલિત સાહિત્યના સ્થાપકો પૈકીના એક પ્રવીણ ગઢવી’

ઇમેજ સ્રોત, Om Comunication/fb
પ્રવીણ ગઢવીનું દલિત કવિતાનું પહેલું પુસ્તક બૅયોનેટ (1985) બહાર પડ્યું હતું. તેમણે કાવ્યસંગ્રહો, વાર્તાસંગ્રહો સહિત અંદાજે 50થી વધુ પુસ્તકો લખ્યાં છે.
જાણીતા કર્મશીલ અને દલિત લેખક ચંદુ મહેરિયા કહે છે, “પ્રવીણ ગઢવી દલિત સાહિત્ય સાથે બહુ આરંભથી જોડાયેલા હતા. ગુજરાતી દલિત સાહિત્યના પ્રારંભના ઋતુપત્ર ‘આક્રોશ’ના જે ચાર મુખ્ય કવિઓ (નીરવ પટેલ, દલપત ચૌહાણ, યોગેશ દવે અને પ્રવીણ ગઢવી) હતા એમાંના એક પ્રવીણ ગઢવી હતા. એટલે કે દલિત કવિતાના સ્થાપકો પૈકીના એક હતા.”
“પૂર્વ આઇએએસ અધિકારી આર.એમ. પટેલ (જે ભાજપના અસારવાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે) સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયા (સામ્યવાદી પક્ષની પાંખ)ના પ્રમુખ હતા અને પ્રવીણ ગઢવી મહામંત્રી હતા. એટલે કે પ્રવીણ ગઢવી પહેલેથી સામ્યવાદી તરીકે જાણીતા હતા.”
ચંદુ મહેરિયા પ્રવીણ ગઢવીના સર્જન અંગે કહે છે કે “આપણે ત્યાં દલિત કવિતામાં ઇતિહાસ, પૌરાણિક બાબતોને દલિતકવિ તરીકે મૂલવવાનું કામ પ્રવીણ ગઢવીએ સારી રીતે કર્યું છે. નીરવ પટેલમાં જે રીતે રાજકીય સેટાયર જોવા મળે છે, એવું જ પ્રવીણભાઈમાં જોવા મળે છે.”
તો મનીષી જાની કહે છે, “એમનું દલિત સાહિત્યમાં વૈચારિક નોંધનું પાસું એ છે એમણે ઇતિહાસ, પૌરાણિક પાત્રોને વર્તમાન સંદર્ભ, સાંપ્રત પ્રવાહો સાથે જોડીને સર્જનમાં મૂકી આપ્યાં.”
તેઓ “રેશનાલિસ્ટ હતા, એટલે બધી વસ્તુઓને ક્રિટિકલ રીતે જુએ છે. એ કોઈના અંધ ભક્ત નહોતા. રેશનલ કાવ્યો કોઈએ ગુજરાતમાં લખ્યાં નથી, એમણે લખ્યાં છે. રેશનાલિટી માત્ર વિચારમાં નહોતી, પણ એમના આચારમાં પણ હતી.”
ઉલ્લેખનીય છે કે પ્રવીણ ગઢવીના નિધન બાદ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં તેમનું દેહદાન કરાયું હતું.
ચંદુ મહેરિયા કહે છે, “પ્રવીણ ગઢવી સર્જકતાથી છલોછલ હતા. તેમણે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. કવિતા, વાર્તા, લેખ અને વિવેચનલેખો પણ લખતા હતા. બાબાસાહેબ પ્રત્યે તેમને પુષ્કળ પ્રેમ હતો. ગાંધીજી પ્રત્યે પણ એટલો જ પ્રેમ હતો અને જ્યાં જરૂર પડે ત્યાં ગાંધીની ટીકા પણ કરતા. એ એમની કવિતામાં જોવા મળે છે.”
દલિતોને જમીન ફાળવણીમાં અગ્રેસર પ્રવીણ ગઢવી

ઇમેજ સ્રોત, Om Comunication/fb
પ્રવીણ ગઢવીએ અંગ્રેજી ભાષામાં એમએ કર્યું હતું અને છેલ્લે આઇએએસ અધિકારી તરીકે વિવિધ વિભાગોમાં સેવાઓ આપીને નિવૃત્ત થયા હતા.
તેમણે થોડો સમય પત્રકારત્વમાં પણ કામ કર્યું હતું. તેમણે પોતાના જીવન વિશે વાત કરતાં કહેલું કે એક અધિકારી તરીકે તેમણે સરકારી કાયદા હેઠળ વિવિધ જગ્યાએ દલિતોને ઘણી જમીન પણ ફાળવી હતી.
તેઓ કહેતા કે ‘મેં કોઈ મોટી ધાડ મારી નથી, પણ સરકારની જે યોજનાઓ હતી, જે કાયદો હતો એનો અમલ કરાવ્યો છે.’
પ્રવીણ શ્રીમાળી પ્રવીણ ગઢવીની આ કામગીરીના સાક્ષી રહ્યા છે. પ્રવીણ શ્રીમાળી બીબીસી સાથે વાત કરતા પ્રવીણ ગઢવીના એક અધિકારી તરીકના કામને એક ઉદાહરણરૂપે જુએ છે.
તેઓ કહે છે, “રેવન્યૂ વિભાગમાં આવ્યા પછી પ્રવીણ ગઢવીએ ખાસ કરીને દલિતો-વંચિતો,ગરીબો, મહિલાઓના લાભ માટે બહુ મોટું કામ કર્યું. જે તે જગ્યાએ ફાજલ કે સાંથણીની જમીનની વાત હોય ત્યાં એમણે દલિત સમાજને પ્રાધાન્ય આપ્યું.”
“પ્રવીણ ગઢવીએ જ્યાં જ્યાં સેવા બજાવી એ વિસ્તારમાં દલિતોને જમીન ફાળવણીમાં અગ્રેસર રહ્યા. સરકારી ધોરણે દલિતોને જમીનની ફાળવણી કરી.”
તેઓ કહે છે કે “દલિત સમાજના મિત્રોનો સહવાસ હોવાને કારણે તેઓ દલિતોની વેદના બખૂબી સમજતા, પીડાને સમજતા. વહીવટીસેવામાં તેમણે ઘણાં દાખલારૂમ કામો કર્યાં છે. સરકારી યોજનાઓના અનેક લાભો દલિતોને અપાવ્યા છે.”
દલિત સાહિત્ય અને દલિતોત્થાનની યોજનાઓમાં મહત્ત્વની કામગીરી

ઇમેજ સ્રોત, PRAVIN SHRIMALI
પ્રવીણ શ્રીમાળી કહે છે કે પ્રવીણ ગઢવીની એક પદ્ધતિ હતી કે કામનો ‘તત્કાલ નિકાલ.’ તેઓ ચેમ્બરમાં બેસીને જ ઘણી અરજીઓનો તત્કાળ નિકાલ કરતા.
તેઓ કહે છે, “તેઓ કદાચ પહેલા એવા અધિકારી હશે, જે નામંજૂર થયેલી અરજીઓ પહેલા જોતા. અને જુએ કે કોઈ એક દસ્તાવેજ કે કાગળને લીધે અરજી નામંજૂર કરી હોય તો સંબંધિત અધિકારીને કહેતા કે આવી નાની ભૂલ માટે અરજી નામંજૂર ન કરવી જોઈએ, તમે અરજદારને મદદ કરીને એનો નિકાલ કરી શકતા હતા. અને કહેતા કે ઑડિટ આવે તો કહેજો કે મેં (પ્રવીણ ગઢવી) કર્યું છે. તેમનો ભાવ એ હતો કે કોઈ એક નાના કાગળ માટે કોઈને લાભથી વંચિત ન રાખી શકાય.”
પ્રવીણ શ્રીમાળી કહે છે કે “દિવંગત ફકીરભાઈ વાઘેલા એમને (પ્રવીણ ગઢવી)ને બરાબર પારખી ગયા હતા. એમને ખબર હતી કે આ માણસને છેવાડાના માણસની ચિંતા છે. આથી દલિતો માટેની અનેક યોજનામાં પ્રવીણભાઈને જોડ્યા અને અનેક સુધારા કરાવડાવ્યા.”
“દલિતો માટે અનેક યોજનાઓ હતી, પણ દલિત સાહિત્યમાં એમનું સ્થાન ક્યાં? પછી દલિતો માટે ઍવૉર્ડ શરૂ કર્યા. સાવિત્રીબાઈ ફુલે ઍવૉર્ડ, જ્યોતિબા ફુલે ઍવૉર્ડ, દાસીજીવણ ઍવૉર્ડ વગેરે…”
દલિત વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં એમના એક નિર્ણયની વાત કરતા પ્રવીણ શ્રીમાળી કહે છે, “જે તે સમયે આવકના દાખલા માટે આવકની મર્યાદા બે-અઢી લાખની હતી. એ આવકની ખરાઈ માટે જે તે સંબંધિત અધિકારી અરજદારને ઘરે જતા અને ખરાઈ કરતા. આમાં સમય બહુ વેડફાતો હતો. ખરાઈ કર્યા પછી આવકને દાખલો મળે ત્યાં સુધી ઘણું મોડું થઈ હતું. તો પ્રવીણ ગઢવીએ એ પ્રથા બંધ કરાવી અને મામલતદાર કે સંબંધિત અધિકારી ખરાઈ કરે એને માન્ય રાખીને દાખલ મળે એવી જોગવાઈ કરાવી. આજે લાખો દલિત વિદ્યાર્થીઓ એનો લાભ મેળવી રહ્યા છે.”
પ્રવીણ ગઢવી એક સમયે લખતરમાં મામલતદાર તરીકે હતા અને એ સમયે ટોચ મર્યાદા હેઠળ જમીન ફાળવણીની ઝુંબેશ ચાલતી હતી.
પ્રવીણ ગઢવી એક ઇન્ટરવ્યૂમાં કહે છે, “એ સમયે હું ગામેગામ જતો અને ઢોલ વગાડીને દલિત-વંચિતોને ભેગા કરીને જમીન ફાળવી હતી. એ સમયે ઝીણાભાઈ દરજી ‘વીસ મુદ્દા કાર્યક્રમ’ના અધ્યક્ષ હતા. એ રિવ્યૂ લેવા સુરેન્દ્રનગર આવ્યા અને પૂછ્યું કે લખતરના મામલતદાર કોણ છે. મેં મારું નામ આપ્યું તો કહ્યું કે તમે દલિત છો, મેં ના પાડી તો કહ્યું કે ‘તો દલિતોને આટલી બધી જમીન કેમ આપી?’ મેં કહ્યું કે કાયદો છે, ‘તો કાયદાની રીતે આપી છે.’ ઝીણાભાઈ મારી આ કામગીરીથી ખૂબ ખુશ થયા હતા.”
“સવાયા દલિત-સાહિત્યકાર”

ઇમેજ સ્રોત, PRAVIN SHRIMALI
પ્રવીણ ગઢવી જન્મે બિનદલિત હતા, પણ તેઓ એક સર્જક તરીકે ગુજરાતમાં હંમેશાં “સવાયા દલિત” તરીકે પોંખાયા છે.
જાણીતા દલિતકવિ, લેખક હરીશ મંગલમ એમને અંજલિ આપતા લખે છે, “દલિત સાહિત્ય-સર્જન અને એના પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ ‘સવાયા દલિત-સાહિત્યકાર’નો વિશિષ્ટ ઍવૉર્ડ પ્રવીણ ગઢવીને એનાયત કર્યો હતો. ત્યારથી લોકો પ્રવીણ ગઢવીને ‘સવાયા દલિત-સાહિત્યકાર’ તરીકે ઓળખે છે.
તેઓ લખે છે, “પ્રવીણ ગઢવીના સાહિત્યના કેન્દ્રમાં માનવતા છે, સમાજમાં પ્રવર્તતા કોઈ પણ પ્રકારના ભેદભાવો, અમાનવીયતા, અસમાનતા, અંધશ્રદ્ધા, અત્યાચારો વગેરે સામે વ્યંગ-કટાક્ષ અને પ્રતિકારનો બુલંદ અવાજ છે.”
તો જાણીતા દલિતકવિ સાહિલ પરમાર કહે છે કે “એમની (પ્રવીણ ગઢવી) કવિતા એકદમ સરળ હતી. પણ એમાં વેધકતા પણ એટલી હતી, ચોટદાર હતી.”
એક કવિતામાં પ્રવીણ ગઢવી કહે છે-
‘અમારે કોઈ દેશ નથી, વેશ નથી
ખેડવા ખેતર નથી, રહેવા ખોરડું નથી
આર્યાવર્તના કાળથી તે આજ સુધી તમે
ઘાસનું તણખલુંય અમારે માટે રહેવું દીધું નથી.
ચાલો, અમે બધું ભૂલી જઈએ
તમે ગામમાં ચણેલી દીવાલો તોડી નાખવા તૈયાર છો??’
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS